કૅલોસ પ્લગ : પાનખરના આગમન પૂર્વે વનસ્પતિઓના ખોરાક સાથે સંકળાયેલી ચાળણીપટ્ટિકા(sieve plate)ની બંને બાજુએ નિર્માણ થતી ગાદી જેવી (callus pad) રચના. સામાન્યપણે ચાળણી-ક્ષેત્રોમાં કૅલોસ કાર્બોદિત (carbohydrate) હોય છે. કોષરસમાં આવેલા તંતુઓના સમૂહીકરણથી બનતી રજ્જુકાઓની ફરતે કૅલોસ એક આવરણ બનાવે છે.

શરૂઆતમાં આ આવરણ પાતળું હોય છે, પરંતુ સમય જતાં તે વધારે સ્થૂળ બનવાથી કૅલોસ પ્લગ નિર્માણ થાય છે. પરિણામે પાસેપાસેની ચાળણી-નલિકાઓ વચ્ચેનો ઘણોખરો સંપર્ક કપાઈ જાય છે અથવા પૂર્ણપણે અવરોધાય છે. વસંતઋતુના પ્રારંભમાં આ પ્લગ અર્દશ્ય થાય છે. ચાળણીપટ્ટિકા પર કૅલોસનું સ્થાપન થતાં ચાળણી-નલિકાની સક્રિયતા અટકી જાય છે. જૂનાં સંપૂર્ણ નિષ્ક્રિય ચાળણીતત્વોમાં કૅલોસ ગેરહાજર હોય છે અને ચાળણી-ક્ષેત્રો ખુલ્લાં છિદ્રો ધરાવે છે. જો અન્નવાહકપેશી (phloem) ફક્ત સુષુપ્ત જ હોય તો વસંતઋતુમાં પેશીઓની પુન: ક્રિયાશીલતા દરમિયાન કૅલોસથી ઘેરાયેલી કોષરસ-રજ્જુકાઓ ફરીથી દેખાય છે અને કૅલોસ પ્રમાણમાં ઘટે છે.

બળદેવભાઈ પટેલ