કૅલેમસ (નેતર) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી કુળની તાડની એક પ્રજાતિ. તે 390 જેટલી જાતિઓ ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોનાં જંગલોમાં વિતરણ પામેલી છે. મોટાભાગની જાતિઓ વૃક્ષો પર પર્ણો અને પર્ણ-આવરકો ઉપર આવેલા અંકુશ જેવા કાંટાઓ અથવા પર્ણના અક્ષની ચાબુક જેવી લાંબી રચનાઓ દ્વારા આરોહણ કરે છે. વળી કેટલીક જાતિઓ અનિયમસ્તારી (scrambling) કે વળવેલ સ્વરૂપે જોવા મળે છે. તેની કેટલીક જાતિઓના પ્રકાંડ ‘નેતર’ તરીકે જાણીતાં છે. Daemonoropes, Ceratolobus, Plectocomia અને Korthalsia પ્રજાતિઓ પણ ઓછા અગત્યના નેતરનું ઉત્પાદન કરે છે.

ભારતમાં Calamusની 30 જેટલી જાતિઓ થાય છે; જે હિમાલય, આસામ, મલબાર, ત્રાવણકોર, કૂર્ગ અને શ્રીલંકામાં વિતરણ પામેલી છે. કૅલેમસની આર્થિક અગત્યની કેટલીક જાતિઓ આ પ્રમાણે છે :

C. acanthaspathus Griff. પૂર્વ નેપાળ, સિક્કિમ, ભૂતાન અને ખાસીના પહાડી વિસ્તારોમાં અને C. andamanicus Kurz. આંદામાનમાં થાય છે. C. flagellum Griff. ઉત્તર-પૂર્વ ભારતમાં થતી મજબૂત નેતરની જાતિ છે. C. guruba Bach Ham. ex Kunth. બંગાળ, ઓરિસા, આસામ અને ખાસીના પહાડી પ્રદેશોમાં થતી પાતળા નેતરની જાતિ છે. C. latifolius Roxb. પૂર્વ બંગાળ અને આસામમાં થાય છે. C. pseudo-tenuis Becc. પશ્ચિમઘાટમાં થતી પાતળી; વિસ્તૃત આરોહી નેતરની જાતિ છે. C. rotangi. Linn. મધ્ય અને દક્ષિણ ભારતમાં થાય છે અને C. Kenuis Roxb. (હિં. બેત) દહેરાદૂનથી આસામ સુધી ઉપહિમાલયી વિસ્તારોમાં અને C. thwaitessi Becc. પશ્ચિમઘાટમાં થાય છે. C. viminalis Willd. var. fasciculatus અધ: બંગાળ, ઓરિસા અને ચેન્નાઈના ભાગોમાં વિતરણ પામેલી છે.

C. rotang L. ઉત્તર ગુજરાતના પહાડો પાસે નોંધાઈ છે. તે મહાકાય (ઘણી વાર 90 મી. લાંબી), અંકુશારોહી લતા કે વળવેલ સ્વરૂપે જંગલોમાં મળે છે. તે દ્વિ-પીંછાકાર, એકાંતરિક, અનેક પર્ણિકાઓવાળાં સંયુક્ત પર્ણો ધરાવે છે. તે અંકુશ જેવા વક્ર પર્ણકંટકો દ્વારા અને પત્રાક્ષમાંથી ઉદભવતી ચાબુક જેવી રચના વડે આરોહણ કરે છે. તેના પ્રકાંડને નેતર કહે છે. તેની બાહ્યસપાટી સખત, એકસરખી જાડાઈવાળી, પીળા રંગની, કંટકીય પર્ણ-આવરકોથી આવરિત, નમ્ય (flexible), સ્થિતિસ્થાપક, લીસી અને ચકચકિત હોય છે. તેના અધિસ્તરમાં સિલિકા વધુ હોય છે. અંતર્ભાગ (core) વાદળી જેવો પોચો હોય છે. આ વનસ્પતિ ગુજરાતમાં પ્રચલિત નથી; પરંતુ કોઈક વાર ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. ભારતીય નેતરની જાતિ 5-6 વર્ષમાં પરિપક્વ બને છે. પુષ્પનિર્માણનો સમય ઑગસ્ટથી નવેમ્બર સુધીનો છે.

નેતરને તેની નમ્યતા (pliability), મજબૂતાઈ અને લંબાઈને આધારે વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. C. acanthospathus અને C. extensus Roxb. મજબૂત નેતર ઉત્પન્ન કરે છે અને તેમાંથી દોરડાં  ઝૂલતા પુલનાં દોરડાં બનાવાય છે. નેતરનો ઉપયોગ સળીકામ, ટોપલાઓ અને અન્ય પ્રકારનાં પાત્રો (container) બનાવવામાં થાય છે. C. ancanthospathus, C. andamanicus, C. latifolius, C. rotang અને C. terrisનો ઉપયોગ ભારતમાં ઉપર્યુક્ત કાર્યો માટે થાય છે. નેતરના ટોપલાઓનો ઉદ્યોગ બંગાળ, બિહાર, રત્નાગિરિ, કાનડા, મૈસૂર અને કૂર્ગમાં વિકસ્યો છે.

નેતરનો ફર્નિચર-ઉદ્યોગમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ખુરશી, ટેબલ, સોફા, ચાલવા માટેની કે પોલોની લાકડીઓ, છત્રીના હાથાઓ અને પેટીઓ નેતરમાંથી બનાવાય છે. C. acanthospathus, C. latifolius, C. viminalis var. fasciculatus c. rotang અને C. tenuisનાં નેતર ફર્નિચરમાં વપરાય છે. તેના ગરની પટ્ટીઓ કાપી સાદડીઓ કે જાળીઓ બનાવાય છે. તેનાં નકામાં છોતરાંનો ઉપયોગ પૂરક દ્રવ્ય તરીકે એટલે કે ઠાંસીને ભરવામાં થાય છે. નેતરની ચીકાશવાળી જાત પાણીમાં પણ કોહવાતી નથી.

ભારતમાં આયાત થતી નેતરની જાતિઓ આ પ્રમાણે છે : C. caesius Blume, C. ornatus Blume ex Schalt f. અને C. manan Mia.

C. rotang જેવી કેટલીક નેતરની જાતિઓનાં માંસલ, શ્લેષ્મી, કડવો-મીઠો ગર ધરાવતાં ફળો ખાદ્ય હોય છે. C. extensus Roxb. અને C. erectus Roxb.નાં બીજ સોપારીની અવેજીમાં વપરાય છે. નેતરના કુમળા પ્રરોહો શાકભાજી તરીકે ઉપયોગી છે. C. rheedie Griff.નાં સૂકાં બીજનું ચૂર્ણ બનાવી ચાંદાં પર લગાડવામાં આવે છે. C. rotangનાં મૂળ મરડામાં અને પિત્તપ્રકોપમાં ઉપયોગી છે અને જ્વરહર અને બલ્ય ગણાય છે. તેનો ઉપયોગ પશુચિકિત્સામાં રેચક (aperient) તરીકે થાય છે. C. travancoricus Bedd. ex Hook. f.નાં કુમળાં પર્ણો અજીર્ણ (dyspepsia), પિત્તપ્રકોપ અને કાનની તકલીફોમાં ઉપયોગી છે અને તેઓ કૃમિહર (anthelmintic) ગણાય છે.

આયુર્વેદ અનુસાર, નેતર તૂરું, શીત, કડવું અને તીખું છે. તે કફ, વાયુ, પિત્ત, દાહ, સોજો, મૂત્રવ્યાધિ, અશ્મરી, મૂત્રકૃચ્છ્ર, વિસર્પ, અતિસાર, યોનિરોગ, તૃષા, રક્તકોપ, વ્રણ, મેહ, રક્તપિત્ત, કોઢ અને વિષમાં ઉપયોગી છે. તેના અંકુર શીતળ, કડવા, તીખા અને વાતનાશક હોય છે અને રક્તદોષ, કફ અને પિત્તનો નાશ કરે છે. તેનાં બીજ તૂરાં, સ્વાદુ, ખાટાં, રુક્ષ અને પિત્તલ હોય છે. તેઓ રક્તદોષ અને કફનો નાશ કરે છે. મોટું નેતર શીતળ છે અને તેનો ભૂતબાધા, પિત્ત, આમ અને કંપમાં ઉપયોગ કરવામાં આવે છે. જલનેતર શીતળ, કડવું, વ્રણશોધક, તૂરું, વાતકર, ગ્રાહક અને રુક્ષ હોય છે. તેનો ઉપયોગ પિત્ત, રક્તદોષ, વ્રણ, રાક્ષસબાધા અને ગ્રહપીડામાં થાય છે. મત્સ્યવિષ ઉપર કાળા નેતરના કલ્કમાં ઘી નાખી કઢવી તેનો લેપ લગાડવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ