કૅલેન્ડ્યુલા

January, 2008

કૅલેન્ડ્યુલા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી એક પ્રજાતિ. તે 25 જેટલી એકવર્ષાયુ કે બહુવર્ષાયુ જાતિઓની બનેલી છે, ભારતમાં તેની બે જાતિઓ થાય છે.

Calendula officinalis Linn. (પં. ઝર્ગુલ, અં. પૉટ મેરીગોલ્ડ) રોમિલ, એકવર્ષાયુ, 50 સેમી.થી 60 સેમી. ઊંચી શાકીય જાતિ છે – ઘણા ભાગોમાં તેને ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. કિરણપુષ્પકો ચળકતાં અથવા નારંગી-પીળાં હોય છે. આછા પીળાથી લઈને ઘાટા કેસરી રંગ ઉપરથી તેની ઘણી જુદી જુદી જાતો વિકસાવેલી છે. સૂકાં પુષ્પોને તોડતાં રહેવાથી પુષ્પની ઋતુ લંબાવી શકાય છે.

પુષ્પો અસ્ફટિકી કડવું ઘટક કૅલેન્ડ્યુલિન, બેસોરિનનો અનુરૂપ (analogue) પીળો સ્વાદરહિત પદાર્થ, અતિ અલ્પ પ્રમાણમાં બાષ્પશીલ તેલ, ઓલિયોનોલિક ઍસિડ, ગુંદર, સ્ટૅરોલ (C20H44O2), કૉલેસ્ટૅરોલ લોરિક, મિરિસ્ટિક, સ્ટિયરિક અને પેન્ટાડેસિલિક ઍસિડના ઍસ્ટર, ફેરેડિયોલ અને આર્નિડિયોલ ધરાવે છે. તે b- કૅરોટિન, લાયકોપિન, વાયોલેઝેન્થિન અને અન્ય ઝેન્થોફિલ જેવાં રંજકદ્રવ્યો ધરાવે છે. વનસ્પતિ સેલિસિલિક ઍસિડ (0.34 મિગ્રા./ કિગ્રા. તાજું દ્રવ્ય) ધરાવે છે અને મૂળમાં ઇન્યુલિન હોય છે. પુષ્પ સુકાય ત્યારે ‘કૅલેન્ડ્યુલા’ નામનું ઔષધ બનાવે છે.

તે મંદ સુગંધિત હોય છે અને પ્રસ્વેદક (diaphoretic), મૂત્રલ અને ઉત્તેજક ગુણધર્મો ધરાવે છે. સૂકાં પુષ્પોનું ટિંક્ચર અનાર્તવ(ammenorrhoea)ની ચિકિત્સામાં વપરાય છે. ઘા અને ઉઝરડાઓમાં તેનો લોશન તરીકે ઉપયોગ થાય છે. તે પિત્તસ્રાવોત્તેજક (choleretic) ગણાય છે. કૅલેન્ડ્યુલા હવે અપ્રચલિત ઔષધ છે અને કેસર અને આર્નિકાનાં પુષ્પોના અપમિશ્રક તરીકે ઉપયોગમાં લેવાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ