કૅલેડિયમ

January, 2008

કૅલેડિયમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની પ્રકાંડવિહીન ગાંઠામૂળીવાળી શાકીય પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે. ભારતમાં તેમના સુશોભિત પર્ણસમૂહ માટે લગભગ પાંચ જાતિઓ ઉગાડવામાં આવે છે. તેની શોભન જાતો ‘એન્જલ-વિંગ્ઝ’, ‘કોરેઝોન-દ-મારિયા’, ‘ઍલિફન્ટ્સ ઇયર’ વગેરે નામે જાણીતી છે. તેઓ ગોરાડુ જમીનમાં સૌથી સારી રીતે ઊગે છે અને તેમનું પ્રસર્જન ગાંઠામૂળી કે બીજ દ્વારા થાય છે. તરુણ છોડને સૂર્યના તાપથી અને ગરમ પવનોથી રક્ષણ આપવું જરૂરી છે. સ્થાપિત થયેલ છોડને પુષ્કળ પાણી અને ખાતર આપવામાં આવે છે. કોલસાની ભૂકી અને ચૂનો પર્ણના રંગમાં વધારો કરે છે. તેઓને કૂંડાઓમાં, ક્યારીઓમાં કે અંત:કક્ષ (indoor) પરિસ્થિતિમાં ઉગાડી શકાય છે. એટ્રેઝિન અને સેવિન જેવાં જંતુનાશકોને કારણે અનિયમિત સમવિભાજનો અને રંગસૂત્રીય અનિયમિતતાઓ પ્રેરાય છે. ભારતમાં ઉગાડવામાં આવતી જાતિઓમાં Caladium amabile C. bicolor, C. humboldtii, અને C. picturatum syn. C. belleyenciનો સમાવેશ થાય છે.

C. bicolor syn. C. chantinii; C. wightii (હાર્ટ ઑવ્ જિસસ) 30 સેમી. સુધીની ઊંચાઈ ધરાવતી, પરિવર્તી (variable) અને ગાંઠામૂળીવાળી જાતિ છે. તેનાં પર્ણો શર-અંડાકાર (sagittate-ovate), વિવિધરંગી, ટપકાંવાળાં કે ડાઘાવાળાં, પાતળાં અને છત્રાકાર લાંબા પર્ણદંડવાળાં હોય છે. તેનું પૃથુપર્ણ (spathe) આછા લીલા રંગનું અને ગ્રીવા પાસે જાંબલી રંગનું હોય છે. આ જાતિ દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે અને ભારતીય ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. દક્ષિણ અમેરિકામાં તેની ગાંઠામૂળીને ભૂંજીને કે બાફીને ખાવામાં આવે છે. તાજી ગાંઠામૂળી વમનકારી (emetic) અને રેચક ગણાય છે. વેસ્ટ ઇંડિઝમાં પર્ણો બાફીને શાકભાજી તરીકે ખવાય છે. પર્ણોમાં લાલ રંજકદ્રવ્ય, સાયનિડોલ-3-ગ્લુકોસાઇડ હોય છે, જેનું એસાઇલેશન કૉમેરિક ઍસિડ સાથે થયેલું હોય છે.

C. humboldtii syn. C. argyrites નાની, સુંદર, કોમળ ગાંઠામૂળીવાળી શાકીય જાતિ છે. તેનાં પર્ણો નાનાં અને લીલાં હોય છે અને રૂપેરી બહુવર્ણતા દર્શાવે છે. તેને ઉદ્યાનમાં કિનારી પર અને સીમાઓ પર ઉગાડવામાં આવે છે. તેની ગાંઠામૂળી ઝેરી હોય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ