કૅલિયાન્ડ્રા

January, 2008

કૅલિયાન્ડ્રા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની શાખિકાવિહીન (unarmed), ક્ષુપ, નાનું વૃક્ષ કે કેટલીક વાર બહુવર્ષાયુ શાકીય સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. ભારતમાં તેની 10 જેટલી જાતિઓ થાય છે અને બળતણ માટે અને ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.

Calliandra calothyrsus Meissn. syn. C. confusa Sprague & Riley. નામની જાતિ ટટ્ટાર ક્ષુપ કે કેટલીક વાર 5.4 મી. સુધીની ઊંચાઈવાળું વૃક્ષ-સ્વરૂપ ધરાવે છે. તે ક્વચિત્ 10 મી. કે તેથી વધારે ઊંચાઈ ધરાવે છે. તેના પ્રકાંડનો વ્યાસ 20 સેમી. જેટલો હોય છે. આ જાતિ મધ્ય અમેરિકાની મૂલનિવાસી છે અને ભારતીય ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે વાવવામાં આવે છે. પર્ણો પિચ્છાકાર (pinnate) સંયુક્ત, પિચ્છકો (pinnae) 15 જોડ અને પર્ણિકાઓ ગોળાકાર કે ખૂબ કુંઠાગ્ર (obtuse) હોય છે. પુષ્પો સઘન મુંડક (head) સ્વરૂપે ગોઠવાયેલાં, મોટાં અને સુંદર તથા ચમકતા લાલ રંગનાં હોય છે. પુંકેસરો લાંબાં અને પુષ્પમાંથી બહાર નીકળી આવેલાં હોય છે. શિંગો ચપટી હોય છે.

તે આકર્ષક વાડો બનાવે છે અને નવેમ્બરથી માર્ચ સુધી સુંદર, લાલ ‘પાઉડર પફ’ પુષ્પો ઉત્પન્ન કરે છે. તેનું પ્રસર્જન બીજ અથવા મોટા કટકાઓના રોપણ દ્વારા થાય છે. કાપેલાં ઠૂંઠાં ઝાડીવન ઝડપથી બનાવે છે અને તેમાંથી નીકળતી ફૂટ 6 માસમાં 3.0 મી. જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. બીજનું વધારે સારું અંકુરણ મેળવવા તેમને ગરમ પાણીની ચિકિત્સા આપી 24 કલાક માટે ઠંડા પાણીમાં ભીંજવેલાં રાખવામાં આવે છે.

તે ખૂબ અનુકૂલનક્ષમતા ધરાવે છે અને વિવિધ પ્રકારની મૃદામાં અને 150 મી.થી 1500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેને વાર્ષિક 100 સેમી. કે તેથી વધારે વરસાદની જરૂરિયાત હોવા છતાં કેટલાય મહિનાઓ સુધી શુષ્કતાનો પ્રતિકાર કરી શકે છે. તે વિસ્તૃત અને ઊંડા મૂળતંત્રને કારણે ઢોળાવો પરના ભૂક્ષરણ (soil-erosion) માટે યોગ્ય ગણાય છે. તે મધમાખી માટે ઉત્તમ ખોરાક પૂરો પાડે છે. તેના પર ઉત્પન્ન થતું મધ કડવી મીઠી સુવાસ ધરાવે છે. ઇંડોનેશિયામાં વનભૂમિઓ પર તેનું પટ્ટી-આકારે વાવેતર કરવામાં આવે છે, જેથી વનનું અગ્નિ સામે રક્ષણ થાય છે. તેની નાઇટ્રોજન-સ્થિરીકરણની ક્ષમતા દ્વારા અને બિછાત(litter)ના ઉત્પાદન દ્વારા મૃદાની ગુણવત્તામાં સુધારો થાય છે. જાવામાં કેટલીક વાર તેનું ખેતી-પાકો સાથે આવર્તન કરવામાં આવે છે.

વૃદ્ધિના એક વર્ષ પછી તેની લણણી થઈ શકે છે અને આ લણણી બીજાં 15થી 20 વર્ષ સુધી દર વર્ષે ચાલુ રાખી શકાય છે; કારણ કે તેમનો વૃદ્ધિનો દર 6-9 માસમાં 3.5 મી. હોય છે.

તે ચારા માટેનો ઉત્તમ પાક છે અને હાથી-ઘાસ (Pennisetum purpureum Schum) સાથે વાવવામાં આવે છે. પર્ણોમાં 22.0 % પ્રોટીન હોય છે. પર્ણના એક નમૂનાનું (શુષ્કતાના આધારે) કરેલું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 20.0 %, ઈથર-નિષ્કર્ષ 8.6 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 52.3 %, અશુદ્ધ રેસો 14.2 %, કુલ ભસ્મ 4.9 % કૅલ્શિયમ 1.05 % અને ફૉસ્ફરસ 0.15 %. તેના રસમાં 2, 4-ટ્રાન્સ-4, 5-ટ્રાન્સ 4, 5-ડાઇહાઇડ્રૉક્સિપિપેકોલિક ઍસિડ અને સીસ-5 હાઇડ્રૉક્સિપિપેકોલિક ઍસિડ હોય છે.

કાષ્ઠ(વિ.ગુ. 0.5-0.8, કૅલરી-મૂલ્ય 4,500-4,700 કિલોકૅલરી/કિગ્રા., ભસ્મ 1.8 %)નો ઉપયોગ ઘરગથ્થુ બળતણ તરીકે કોપરું સૂકવવાનાં યંત્રોમાં અને ખાંડ-સંસાધનની પ્રક્રિયાઓમાં પણ થાય છે. ચૂનો, ટાઇલ અને ઈંટો પકવવાના બળતણમાં પણ તે ઉપયોગી છે. કાષ્ઠનું એક વિશ્લેષણ આ પ્રમાણે છે : કૅલરી-મૂલ્ય (શુષ્ક વજન) 4,664 કિલોકૅલરી/કિગ્રા., જૈવભાર/ભસ્મ ગુણોત્તર 40, પાણી 49.2 %, ભસ્મ 2.5 %, સિલિકા 1.01 %, કાર્બન 20.4 % અને નાઇટ્રોજન 0.92 %.

કૅલિયાન્ડ્રા

C. haematocephala Hassk. (રેડ-હેડ પાઉડર પફ) એક ક્ષુપ છે. તે 1.5-4.0 મી. ઊંચું છે અને સુંદર દ્વિપિચ્છાકાર (bipinnate) પર્ણો, સિંદૂરી પાઉડર-પફ જેવા કક્ષીય મુંડક અને કુંતલાકાર શિંગો ધરાવે છે. તે ભારતીય ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

C. houstoniana (Mill). Standl. syn. C. houstonii (L’ Herits) Benth. ક્ષુપ કે વૃક્ષ (6.0 મી. સુધીની ઊંચાઈ) સ્વરૂપ ધરાવતી જાતિ છે. તેની છાલ લાલ-બદામી હોય છે. તેનાં સિંદૂરી પુષ્પો ફૂમતાં જેવાં પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલાં હોય છે. આ જાતિ પણ ભારતીય ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

C. portoricensis Benth syn. C. surinamensis Benth. (પિંક પાઉડર-પફ) મધ્ય અમેરિકાની મૂલનિવાસી જાતિ છે. તે અરોમિલ, આડી-અવળી ફેલાતી શાખાઓવાળો ક્ષુપ (6.0 મી. સુધીની ઊંચાઈ) છે. તે દ્વિપિચ્છાકાર સંયુક્ત પર્ણો અને ગુલાબી ટોચવાળાં આછા સફેદ રંગનાં પુષ્પો કક્ષીય મુંડક-સ્વરૂપે ધરાવે છે. શિંગ 15 સેમી. લાંબી હોય છે. ભારતીય વનસ્પતિ-ઉદ્યાન, હાવડામાં આ જાતિ ઉગાડવામાં આવી છે.

C. tweedii Benth. (મૅક્સિન ફ્લેઇમ બુશ) શાખિકાવિહીન ક્ષુપ (1.8 મી. ઊંચી) કે નાની વૃક્ષ જાતિ છે. તેનાં પુષ્પો ચમકતા ગુલાબી કે જાંબલી રંગનાં, મુંડક-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તે જાતિ બ્રાઝિલની મૂલનિવાસી છે અને ભારતમાં તેનો શોભન-વનસ્પતિ તરીકે પ્રવેશ કરાવાયો છે.

C. cynometroides Bedd. syn. Inga cynometroides Bedd. ex Baker કાંટાળું વૃક્ષ છે અને તામિલનાડુ અને કેરળમાં થાય છે. C. umbrosa Benth. પૂર્વ ભારતમાં થતું કાંટાળું વૃક્ષ છે. તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ