કૅલિફૉર્નિયા

January, 2008

કૅલિફૉર્નિયા : યુનાઇટેડ સ્ટેટ્સની પશ્ચિમ બાજુએ પૅસિફિક મહાસાગરના કિનારે 37° 30′ અને 42° ઉ. અ. અને 119° 30′ પ. રે.ની આજુબાજુ આવેલું રાજ્ય. અલાસ્કા અને ટૅક્સાસ રાજ્યો પછી વિસ્તાર(4,11,049 કિમી.)માં કૅલિફૉર્નિયાનો ત્રીજો ક્રમ છે. તેની વધુમાં વધુ લંબાઈ 1,240 કિમી. અને પહોળાઈ 605 કિમી. છે.

કૅલિફૉર્નિયા

તેની ઉત્તરે ઑરિગન, પૂર્વ તરફ નેવાડા તથા ઍરિઝોના, દક્ષિણે મૅક્સિકોનું રાજ્ય અને પશ્ચિમે પૅસિફિક મહાસાગર છે.

ભૂપૃષ્ઠ : કૅલિફૉર્નિયા પહાડો અને ખીણોનો દેશ છે. પ્રાકૃતિક ભૂરચનાની ર્દષ્ટિએ તેના ચાર મુખ્ય વિભાગો છે : (1) કાંઠાનો પર્વતીય વિસ્તાર. (2) સિયેરા નેવાડાનો ડુંગરાળ વિસ્તાર, તેનું સર્વોચ્ચ શિખર 4300 મી. ઊંચું છે. (3) મધ્યસ્થ ખીણ સૅક્રેમેન્ટો અને સાન વાકીન નદીઓનો ખીણપ્રદેશ. (4) અગ્નિખૂણે આવેલો રણપ્રદેશ. કૅલિફૉર્નિયાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ વ્હિટની 4,418 મી. ઊંચું છે, જ્યારે ‘ડેથ વૅલી’નો પ્રદેશ સમુદ્રની સપાટીથી 86 મી. જેટલો નીચો છે.

નદીઓ : સૅક્રેમેન્ટો કૅલિફૉર્નિયાની સૌથી લાંબી નદી 614 કિમી. છે. તે મધ્યસ્થ ખીણના ઉત્તર છેડાવાળા વિસ્તારમાંથી નીકળી પૅસિફિક મહાસાગરને મળે છે. તેના અર્ધા ભાગ સુધી તે વહાણવટા માટે ઉપયોગી છે. તેને મળતી પાંચ નદી શાખાઓ છે. કૉલોરાડો નદીની ઊંડી ગર્તા ‘ગ્રાન્ડ કૅન્યન’ તરીકે ઓળખાય છે. નદી પર્વતના છિદ્રાળુ ખડકો કાપીને ઊંડાં કોતરોમાં વહે છે. સૅક્રેમેન્ટો, સાન વાકીન અને અન્ય નદીઓ ઉપર બંધ બાંધીને સિંચાઈ માટે તેમનો ઉપયોગ થાય છે.

સરોવરો : કૅલિફૉર્નિયામાં ઘણાં સરોવરો છે. નેવાડાની સરહદે ટાહો સરોવર છે, ગૂસ સરોવર ઑરિગનની સરહદે છે. બીજાં મોનો, હની લેક, સૉલ્ટન સમુદ્ર વગેરે સરોવરો છે. આ સિવાય નદી ઉપર બંધ બાંધવાથી અસંખ્ય કૃત્રિમ સરોવરો પણ બન્યાં છે.

કૅલિફૉર્નિયાનો એક બીચ

કિનારો : કૅલિફૉર્નિયાનો સમુદ્રકાંઠો ખડકાળ છે. અહીં સાન ફ્રાન્સિસ્કો અને સાન ડિયેગો બે કુદરતી બંદરો છે. આ ઉપરાંત લૉસ ઍન્જેલસ, લાગ બીચ, યુરેકા, મૉન્ટરે વગેરે બંદરો સમુદ્રમાં પુસ્તો (breakwater) બાંધીને રક્ષિત બનાવાયાં છે.

આબોહવા : અહીં બે ઋતુઓ છે. આબોહવા ભૂમધ્ય સમુદ્રના કુદરતી પ્રદેશ જેવી છે. અહીં શિયાળામાં ઑક્ટોબરથી એપ્રિલ સુધીમાં 40થી 508 મિમી. વરસાદ પડે છે. જ્યારે મેથી સપ્ટેમ્બર સૂકા હોય છે. ઉનાળો લાંબો અને સૂકો હોય છે. નીચી ભૂમિમાં સરેરાશ તાપમાન 4° સે.થી 16° સે. રહે છે. ઉનાળામાં 16° સે.થી 32° સે. તાપમાન હોય છે. નવેમ્બર અને માર્ચ દરમિયાન વધુ વરસાદ પડે છે. ડેથ વેલીમાં ઉનાળાનું મહત્તમ તાપમાન 47° સે. થયું હોવાનું નોંધાયેલ છે, જ્યારે ઓછામાં ઓછું તાપમાન લાસેન પીક પર નોંધાયેલું છે.

જંગલો : કૅલિફૉર્નિયાના 42 % વિસ્તારમાં જંગલો જળવાઈ રહ્યાં છે. અહીં રેડવુડ, મેડ્રોન્યો, સિટ્કા સ્પ્રુસ, પશ્ચિમી હેમલૉક, ઓક, ડગ્લાસ ફર, સીડર અને લૉસન સાયપ્રસ વૃક્ષો જોવા મળે છે. મોટાભાગનાં વૃક્ષો 60 મીટરથી વધુ ઊંચાં હોય છે. એક રેડવુડ વૃક્ષ 110 મીટર ઊંચું છે. અહીં ઘાસના પ્રદેશો પણ છે.

પ્રાણીઓ : હરણ, રીંછ, સસલાં, કૉયોટ, રૅટલ સાપ, કાચબા, ઉંદરો, મોટાં શિંગડાંવાળાં ઘેટાં, ખિસકોલી, કૂગર, ઓપૉસમ, રેકૂન, એલ્ક, બીવર, ઑટર, બૅજર વગેરે સમશીતોષ્ણ કટિબંધનાં પ્રાણીઓ કૅલિફૉર્નિયામાં જોવા મળે છે. પક્ષીઓ પૈકી જય, હમિંગ બર્ડ, મૅગ્પાઈ, ક્વેઇલ, સ્પૅરો, થ્રશ અને ગ્રાઉઝ જોવા મળે છે. સસ્તન પ્રાણીઓની 400થી વધુ અને પક્ષીની 600 કરતાં વધારે જાતિઓ અહીં નક્કી કરી શકાઈ છે. અહીંનાં સરોવરોમાં તથા નદીઓમાં સાલ્મન, ટ્રાઉન્ટ, સ્ટ્રુગન જેવી માછલીઓ મળે છે. સમુદ્રમાં મુખ્યત્વે સાલ્મન બાસ, ટ્યૂના, પીલ, ચાર્ડ, બારાકુડા અને સ્વૉર્ડફિશ મળે છે.

ખનિજ : પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મધ્યસ્થ ખીણ અને કાંઠાના પ્રદેશમાંથી મળી આવ્યાં છે. ખનિજતેલના ઉત્પાદનમાં અમેરિકામાં આ રાજ્યનો ક્રમ ચોથો આવે છે. આ સિવાય બૉરૉન ખનિજો, તાંબું, રેતી, કંકર, ઍસ્બેસ્ટૉસ, સોડિયમ સલ્ફેટ અને ટંગસ્ટનનો વિપુલ જથ્થો મળે છે. પશ્ચિમ ગોળાર્ધમાં ‘રેર અર્થ’નો સૌથી વધુ જથ્થો કૅલિફૉર્નિયામાંથી નીકળે છે. 1848થી સોનું મળી આવતાં યુરોપથી ઘણા લોકોએ અહીં તે મેળવવા ધસારો કર્યો હતો. લોખંડ, પારો, સિંધવ, ગંધક, યુરેનિયમ, ચૂનો, ચિરોડી, ચાંદી, જસત વગેરે પણ થોડા પ્રમાણમાં મળે છે.

ખેતી : સ્પૅનિશ અને મેક્સિકન વસાહતીઓ 1850 પછી અહીં મોટા પાયે ખેતીનો પ્રારંભ કરનારા હતા. ઘઉં, ચોખા, કપાસ, શાકભાજી, ફળો, બદામ, લીંબુ, દાડમ, જેતૂન (olive), નારંગી, પીચ, વૉલનટ, ઍપ્રિકૉટ, દ્રાક્ષ, અંજીર, ખજૂર વગેરે ઉત્પન્ન થાય છે. લેટિસ (ભાજી), ટમેટાં, સ્ટ્રૉબેરી, ગાજર, બટાકા, ફુલેવર, કોબી, જમરૂખ, સફરજન, ગ્રેપફ્રૂટ, શર્કરાકંદ વગેરેનું પણ સારું ઉત્પાદન છે. મારિજુઆના જેવા માદક દ્રવ્યનું પણ અહીં ઉત્પાદન થાય છે.

ઉદ્યોગો : ચામડાં કમાવવાનો, લાકડાં વહેરવાનો, અનાજ દળવાનો, વૅગનો અને રેલવેના ડબા બાંધવાનો, બિલિયર્ડનાં ટેબલો બનાવવાનો, ફર્નિચર બનાવવાનો, ખાંડ બનાવવાનો, ગરમ કાપડનો વગેરે ઉદ્યોગો છે, આ ઉપરાંત વાહનવ્યવહારનાં સાધનો જેવાં કે વિમાનો અને સ્ટીમરો બાંધવાનો, વીજળીનાં સાધનો તથા ઇલેક્ટ્રૉનિક અને ટેલિ-કૉમ્યુનિકેશનનાં સાધનો બનાવવાનો, મોટર બનાવવાનો, ફળના રસ તથા પીણાંનો અને ડબામાં પૅક કરી, કે થિજાવી કે સૂકવીને શાકભાજી, ફળો વગેરે નિકાસ કરવાના ઉદ્યોગો વિકસ્યા છે. તેલક્ષેત્ર માટેનાં યંત્રો, ખોરાકની પ્રક્રિયા માટેનાં યંત્રો, ધાતુની વિવિધ વસ્તુઓ બનાવવા માટેનાં યંત્રો વગેરે ઉદ્યોગો સાન ફ્રાન્સિસ્કો, લૉસ ઍન્જેલસ, સાન હોઝે, સાન ડિયેગો, સાન બર્નાર્ડિનો વગેરે શહેરોમાં વિકસ્યા છે. ખનિજખનનનો ઉદ્યોગ પણ છે. પ્રવાસન ઉદ્યોગ વિકસ્યો છે. ચલચિત્રમાં હૉલિવુડ તથા ડિઝનીલૅન્ડ ઉપરાંત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા, ખુશનુમા હવામાનવાળાં દરિયાકિનારાનાં સ્થળો સહેલાણીઓને આકર્ષે છે.

હોલિવુડ સાઇન : કૅલિફૉર્નિયાના વિશિષ્ટ મનોરંજન ઉદ્યોગનું સુપ્રસિદ્ધ પ્રતીક

વાહનવ્યવહાર : રાજ્યમાં 3,48,300 કિમી.ના રસ્તા છે. 10,500 કિમી.નો રેલમાર્ગ છે. જાહેર અને ખાનગી ક્ષેત્રે વિમાનઘરોની સંખ્યા 933 જેટલી છે, લૉસ ઍન્જેલિસ અને સાન ફ્રાન્સિસ્કોનાં બંદરો જાણીતાં છે તેમજ ત્યાં આંતરરાષ્ટ્રીય વિમાનઘરો છે.

લોકો : રાજ્યની વસ્તી 4,02,23,504 (2022) હતી. સ્પેનિયાર્ડો અઢારમી સદીમાં પ્રથમ અહીં પશુપાલક તરીકે આવ્યા હતા. ઓગણીસમી સદીના પ્રારંભમાં ઉત્તર અને પશ્ચિમ યુરોપના દેશો તથા યુ.એસ.ના પૂર્વ કિનારાના લોકો સોનું મળી આવ્યા પછી આવ્યા. અહીં મુખ્યત્વે સ્પેનિયાર્ડો, આદિવાસીઓ, ચીનાઓ, હબસીઓ, ઇઝારયલી, મેક્સિકન અને ભારતીય લોકો વસે છે. અમેરિકામાં સૌથી વધુ ભારતીયો આ રાજ્યમાં વસે છે.

શિક્ષણ અને સંસ્કૃતિ : પ્રાથમિક, માધ્યમિક અને જુનિયર કૉલેજ સુધીનું શિક્ષણ જાહેર સંસ્થાઓ દ્વારા મફત અપાય છે. કૉલેજો અને યુનિવર્સિટીઓનું સંચાલન લોકો દ્વારા જાહેર ફંડથી થાય છે. યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા સો વરસથી વધુ જૂની છે. કૅલિફૉર્નિયાનું ટૅક્નૉલૉજી ઇન્સ્ટિટ્યૂટ (1891) અને યુનિવર્સિટીઓ પૈકી સ્ટૅનફર્ડ યુનિવર્સિટી ખૂબ જાણીતી સંસ્થાઓ છે. 200 લાઇબ્રેરી સંકુલોની અનેક શાખાઓ છે. લૉસ ઍન્જેલિસની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીની અને કૅલિફૉર્નિયાની યુનિવર્સિટીની લાઇબ્રેરીઓમાં 40 લાખથી વધુ પુસ્તકો છે.

કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, બર્કલી

કલા, ઇતિહાસ અને વિજ્ઞાનની વિવિધ શાખાઓને લગતાં ઘણાં સંગ્રહસ્થાનો છે. તે પૈકી સાન ફ્રાન્સિસ્કોનું ‘પૅલેસ ઑવ્ ધ લીજિયન ઑવ્ ઑનર’ સંગ્રહસ્થાનમાં ચિત્રો, શિલ્પના નમૂનાઓ, ચિનાઈ વાસણો, ટૅપેસ્ટ્રી અને પ્રાચીન ફર્નિચર ઘણી મોટી સંખ્યામાં છે. કોલમ્બિયન કાળ પૂર્વેની કલાનું સંગ્રહસ્થાન પણ સાન ફ્રાન્સિસ્કોમાં છે. આ ઉપરાંત એશિયન આર્ટ સંગ્રહસ્થાનમાં એશિયાઈ કલાના ઘણા નમૂનાઓ છે. મૉડર્ન આર્ટ, ‘કૅલિફૉર્નિયા એકૅડેમી ઑવ્ સાયન્સીઝ’ તથા દરિયાઈ (મૅરિટાઇમ) સંગ્રહસ્થાન વિશિષ્ટ સંગ્રહસ્થાનો છે. ઇતિહાસ અંગેનું સંગ્રહસ્થાન ‘આઇસ એઇજ’(હિમયુગ)ના અવશેષો ધરાવે છે.

લૉસ ઍન્જેલિસ તથા સાન ફ્રાન્સિસ્કો ઑપેરા માટે જાણીતાં છે. 1907 પછી દક્ષિણ કૅલિફૉર્નિયા ચલચિત્ર અને ટેલિવિઝન માટે જાણીતું બન્યું. હૉલિવુડ આ અંગેનું કેન્દ્ર છે. કૅલિફૉર્નિયા સિમ્ફની ઑરકેસ્ટ્રા જાણીતું કલાકેન્દ્ર છે.

યોસમિટી, કિંગ્ઝ કૅન્યન, સિક્વોઇયા, નૅશનલ પાર્ક વગેરે સિયેરા નેવાડામાં આવ્યાં છે. પર્વતીય ર્દશ્યો તથા કુદરતી સૌંદર્ય માટે આ રાષ્ટ્રીય ઉપવનો ખૂબ જાણીતાં છે. લાસેન વૉલ્કેનિક પાર્ક તથા રેડવુડ વૃક્ષોનું ઉપવન વગેરે મળીને છ રાષ્ટ્રીય ઉપવનો છે. ચૅનલ આઇલૅન્ડ નૅશનલ પાર્ક વન્ય પશુ તથા દરિયાઈ પક્ષીઓનું અભયારણ્ય છે.

ઍન્જેલિસ નૅશનલ ફૉરેસ્ટમાં પ્રખ્યાત માઉન્ટ વિલ્સન વેધશાળા આવેલી છે. કેટલાંક ઉપવનોમાં કૅમ્પ કરવા માટે, શિકાર મચ્છીમારી તથા સ્કીઇંગ માટે સગવડો છે. સાત રાષ્ટ્રીય સ્મારકો છે. ‘ડેથ વૅલી’ અને જોશવા ટ્રી નૅશનલ મૉન્યુમેન્ટ રણવિસ્તારમાં છે. કેબ્રિલો રાષ્ટ્રીય સ્મારક પોર્ટુગીઝ વહાણવટીનું (1542 ઈ.સ.) સ્મારક છે. તે આ પ્રદેશનો પ્રથમ શોધક હતો. મ્યૂર જંગલમાં રેડવુડ વૃક્ષોનું ઉપવન છે. સોના માટે ધસારો થતાં જે શહેર વસ્યું તેના અવશેષો રાષ્ટ્રીય સ્મારક તરીકે સચવાયા છે. આ ઉપરાંત 21 કૅથલિક મિશનનાં સ્થળો પૈકી સાન્ટા બાર્બરા મિશન સારી રીતે જળવાયું છે. 1955માં ડિઝનીલૅન્ડ ઍનાહાઇમ મુકામે ખુલ્લું મુકાયું હતું. તે પ્રવાસીઓને હૉલિવુડ માફક આકર્ષે છે. દરિયાકિનારે રેડોન્ડો બીચના સ્થળે ‘મરીન લૅન્ડ ઓશનેરિયમ’ અદભુત માછલીઘર છે. તેમાં વહેલ અને સીલનો વિભાગ નોંધપાત્ર છે.

ઇતિહાસ : ઈ. પૂ. 30,000 વર્ષ અગાઉ એશિયામાંથી સ્થળાંતર કરીને અમેરિકન ઇન્ડિયનો કૅલિફૉર્નિયાના પ્રદેશમાં વસ્યા હતા. તેમનાં વિવિધ જૂથો નાનાં પણ સ્વતંત્ર હતાં, અને શિકાર તથા ફળ વગેરે એકઠાં કરીને જીવનનિર્વાહ કરતાં હતાં. સ્પેન વતી સંશોધન કરનાર જુઆન રોડરીગ્ઝ કેબ્રિલોએ મૅક્સિકોથી ઉત્તર તરફ હંકારીને સપ્ટેમ્બર 1542માં સાન ડિયેગો ઉપસાગર (Bay) નજીક ઉતરાણ કર્યું હતું. ત્યારબાદ અંગ્રેજ વહાણવટી સર ફ્રાન્સિસ ડ્રેક 1579માં સફર ખેડીને સાન ફ્રાન્સિસ્કો ઉપસાગર આવી પહોંચ્યો અને ઉત્તર કૅલિફૉર્નિયાના પ્રદેશ ઉપર ગ્રેટ બ્રિટન વતી દાવો કર્યો હતો (અને આ પ્રદેશને નૉવા આલ્બિઓન નામ આપ્યું હતું.) અંગ્રેજોની ઘૂસણખોરીની બીકને લીધે સ્પેનિયાર્ડોએ કેટલીક સંશોધક ટુકડીઓ મોકલી હતી. 1602-03માં સેબાસ્તિયન બીસકૈનોએ મૉન્ટરે ઉપસાગરનો પ્રદેશ શોધી કાઢ્યો હતો. કૅપ્ટન ગાસ્પાર દ પૉર્તોલા બાહા કૅલિફૉર્નિયાનો ગવર્નર હતો અને તેણે 1769-70માં રશિયનોની પ્રવૃત્તિ ડામવાના હેતુથી ઉત્તર તરફ સાહસસફર કરી હતી. આ સફર દરમિયાન સાન ડિયેગો અને મૉન્ટરેમાં કિલ્લાઓ બંધાવ્યા હતા. ફાધર હૂનીપેરો સેરાએ સાહસસફર ખેડીને 1769માં સાન ડિયેગો નજીક સાન ડિયેગો દ અલકાલા ફ્રાન્સિસ્કન મિશનની સ્થાપના કરી હતી. ઉત્તરમાં હાલના સાન ફ્રાન્સિસ્કો નજીક કુલ 21 મિશનો 54 વરસ દરમિયાન સ્થાપ્યાં હતાં. મિશન પાસે પુષ્કળ જમીન હતી અને સ્થાનિક અમેરિકન ઇન્ડિયનો પાસે કામ લઈને અનાજ, ફળો, શાકભાજી વગેરેનું ઉત્પાદન કરાતું હતું. 1812માં રશિયન નદીના મુખપ્રદેશમાં ફૉર્ટ રૉસનું રૂંવાં એકઠાં કરવાનું વેપારી કેન્દ્ર રશિયનોએ સ્થાપ્યું હતું, જે 1841 સુધી અસ્તિત્વમાં હતું.

1821માં મૅક્સિકોએ સ્પેનની ધૂંસરીમાંથી મુક્તિ મેળવી અને આ પ્રદેશ તેમના આધિપત્ય નીચે 1822માં આવ્યો અને તેને ‘અલ્ટ્રા કૅલિફૉર્નિયા’ નામ આપ્યું. 1825થી 1835 દરમિયાન મૅક્સિકોએ કૅલિફૉર્નિયા ઉપર નિયંત્રણ રાખવા પ્રયત્ન કર્યો. પણ તેમાં તેમને નિષ્ફળતા મળતાં તેઓએ આ પ્રદેશની દરકાર કરી નહિ. મિશનની જમીન અંગે મિશનરીઓ અને મેક્સિકન સરકાર વચ્ચે ઘર્ષણ થયું અને રાજ્યે આ જમીન ખાનગી વ્યક્તિઓને વેચી દીધી. 1834-40 દરમિયાન મોટા જમીનદારો અસ્તિત્વમાં આવ્યા.

1840માં યુ.એસ.ના સેંકડો નાગરિકો ખેતી, શિકાર અને વેપાર અર્થે આવીને વસ્યા. 1846ના મે માસમાં યુ.એસ. તથા મૅક્સિકો વચ્ચે ટેક્સાસ પરગણાના કબજા અંગે યુદ્ધ થયું. કૅલિફૉર્નિયાનો પ્રદેશ પણ યુ.એસ. દ્વારા કબજે લેવાયો અને એક તારાના ધ્વજ સાથે ‘કૅલિફૉર્નિયા’ના પ્રજાસત્તાકની સ્થાપના થઈ.

1869માં ટ્રાન્સકૉન્ટિનેન્ટલ રેલવે નંખાતાં વેપાર અને આબાદી વધ્યાં. રેલવેના બાંધકામમાં 30,000 ચીનાઓ આવ્યા હતા. તે કૅલિફૉર્નિયામાં કાયમ માટે વસ્યા. તેઓ ઓછી મજૂરી લેતા હોવાથી લોકોના રોષનો ભોગ બન્યા અને 1882માં ચીનાઓના આગમન ઉપર પ્રતિબંધ મુકાયો.

1890માં તેલક્ષેત્રો શોધાયાં અને 1907થી ચલચિત્ર ઉદ્યોગનો પ્રારંભ થયો. 1906માં ધરતીકંપથી સાન ફ્રાન્સિસ્કો શહેરને ઘણું નુકસાન થયું. 1914થી પનામા નહેરને કારણે દક્ષિણ અમેરિકા ફરતો લાંબો દરિયાઈ માર્ગ લગભગ બંધ થયો. આ કારણે ચીન, જાપાન અને યુ.એસ.ના પશ્ચિમ કિનારા સાથેનો પૂર્વ કિનારાનાં બંદરોનો વેપાર વધ્યો. 1911-17 દરમિયાન ‘સાઉથ પૅસિફિક કંપની’નું વર્ચસ્ તૂટી ગયું અને ‘પ્રોગ્રેસિવ પાર્ટી’એ કેટલાક સુધારાઓ દાખલ કર્યા. 1920-30 દરમિયાન રાજ્યની વસ્તી 34.27 લાખથી વધીને 56.77 લાખ થઈ. 1930ની મંદી દરમિયાન બેકારી વધી હતી અને અનાજ, દ્રાક્ષ વગેરેના ભાવો બેસી ગયા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કૅલિફૉર્નિયામાં વસતા જાપાનીઓની અટકાયત કરી તેમની મિલકત જપ્ત કરાઈ હતી.

1945 પછી સમૃદ્ધિ વધી હતી. ઍરોપ્લેન અને વહાણોનાં બાંધકામમાં વેગ આવ્યો હતો. ફળો તથા અનાજનું ઉત્પાદન ઘણું વધ્યું હતું. કૅલિફૉર્નિયાના કાળા લોકો ગંદા વસવાટમાં રહેતા હતા. શિક્ષણ, મકાનની ફાળવણી અને નોકરીની બાબતમાં ગોરાઓના તેમના તરફ પૂર્વગ્રહયુક્ત વર્તનને કારણે 1965માં લૉસ ઍન્જેલિસમાં અને અન્ય શહેરોમાં રંગભેદનાં રમખાણો થયાં હતાં. મેક્સિકન અમેરિકનોની સ્થિતિ પણ સારી ન હતી. ખેતમજૂરોનું પણ શોષણ થતું હતું. ઉચ્ચશિક્ષણની સંસ્થાઓની વ્યવસ્થામાં વિદ્યાર્થીઓનો અવાજ સંભળાય તે માટે આંદોલન થયું હતું. વિયેતનામના યુદ્ધમાં અમેરિકા સંડોવાયું તેનો લોકોએ વિરોધ કર્યો હતો અને યુદ્ધવિરોધી દેખાવો થયા હતા. 1970 પછી હવા અને પાણીનું પ્રદૂષણ ઘટાડવા પ્રયત્નો થયા હતા અને તે માટે કાયદા ઘડાયા હતા. આ સિવાય વ્યક્તિગત કરભારણ ઘટાડવાની ચળવળને કારણે 1978માં મિલકત વેરો મોટા પ્રમાણમાં ઘટાડાયો હતો. 1992માં એક હબસી ટૅક્સી ડ્રાઇવરને અમાનુષી માર મારનાર પોલીસોને નિર્દોષ જાહેર કરાતાં લૉસ ઍન્જેલિસ અને બીજાં શહેરોમાં ભયંકર રમખાણો થયાં હતાં.

રાજકીય : 1542માં સ્પૅનિશ નૌકાખેડૂ જુઆન રોડરિગ્ઝ કેબ્રિલો દ્વારા આ પ્રદેશ શોધાયો. અનેક તડકીછાંયડીને અંતે 1840માં એક તારાના ધ્વજ સાથે કૅલિફૉર્નિયાનું પ્રજાસત્તાક રચાયું. 1847માં તે અમેરિકાનું એક રાજ્ય બન્યું. પ્રાચીન દંતકથા અનુસાર તે સ્પૅનિશ ખજાનો ધરાવતો ટાપુ હતો. સમગ્ર અમેરિકામાં તે ‘ગોલ્ડન સ્ટેટ’ તરીકે જાણીતું બનેલું રાજ્ય છે. તે ‘ગોલ્ડન સ્ટેટ’ તરીકે જાણીતું હોવાનાં કારણો છે : (1) ધનધાન્યના સુકાયેલા સોનેરી રંગના છોડથી ખેતરો ઊભરાય છે. (2) રાજ્ય વર્ષનો મોટોભાગ સૂર્યના સોનેરી તેજથી પ્રકાશમાન રહે છે. (3) શરદઋતુમાં ખેતરોમાં સોનેરી ઘાસ લહેરાતું રહે છે.

1960થી જાતિ અંગેની સમસ્યાઓ અહીં શરૂ થઈ અને કૅલિફૉર્નિયા યુનિવર્સિટી વિવિધ વિદ્યાર્થી આંદોલનોનું કેંદ્ર બની. 1965માં લૉસ ઍન્જેલિસ અને વૉટ્સ શહેરોમાં પણ આંદોલનો થયાં હતાં.

રાજ્યનાં પ્રતીકોમાં વૃક્ષ તરીકે રેડવૂડ, પુષ્પ તરીકે ગોલ્ડન પોપી, રંગ વાદળી અને સોનેરી તથા રાજ્યનું ગીત ‘આય લવ યુ, કૅલિફૉર્નિયા’ છે. અમેરિકાના નીચલા ગૃહની પ્રતિનિધિસભામાં આ રાજ્ય 53 સભ્યોને ચૂંટીને મોકલે છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ

  શિવપ્રસાદ રાજગોર