કૅલિફૉર્નિયાનો અખાત : મૅક્સિકોના વાયવ્ય કિનારા પર આવેલો પૅસિફિક મહાસાગરનો ફાંટો. તે પૂર્વ પૅસિફિક મહાસાગરનો મોટો અખાત છે. તેની પશ્ચિમે લોઅર કૅલિફૉર્નિયા (બાહા કૅલિફૉર્નિયા) દ્વીપકલ્પ અને પૂર્વે મૅક્સિકોની મુખ્ય ભૂમિ પર સોનોરા તથા સિનાલોઆ રાજ્યો આવેલાં છે. આ અખાત કૉર્ટેઝના સમુદ્ર તરીકે પણ ઓળખાય છે. તેની બંને બાજુનો કિનારો ખાંચાખૂંચીવાળો છે. તેની લંબાઈ આશરે 1,130 કિમી., પહોળાઈ 80થી 240 કિમી. તથા ઊંડાઈ 3,700 મીટર સુધીની છે. તેનો ઉત્તર તરફનો ભાગ છીછરો છે, તેની ઊંડાઈ 180 મીટર કરતાં ભાગ્યે જ વધારે છે. તેનો કુલ વિસ્તાર આશરે 1,61,900 ચોકિમી. છે. તેના ઉત્તર તરફના છેડાની બાજુમાંથી કૉલોરાડો નદી મોટા મુખત્રિકોણ મારફત તેમાં પ્રવેશ કરે છે. તેના પાણીના પ્રચંડ પ્રવાહને કારણે તેમાં દરિયાઈ અવરજવર જોખમકારક હોય છે. ટીબરૉ (875 મી.) તથા આન્હલ દે લ ગ્વાર્ડા તેના મોટા ટાપુઓ છે. એમાંનો પ્રથમ ટાપુ તેને બે વિભાગમાં વહેંચી નાખે છે. તેના વિસ્તારમાં અનેક નાનાંમોટાં બંદરો છે, જેમાં લા પાઝ તથા ગ્વાઇમસ મુખ્ય છે. લા પાઝ બાહા કૅલિફૉર્નિયા વિસ્તારમાં તથા ગ્વાઇમસ મૅક્સિકોના કિનારા પર આવેલી મુખ્ય ભૂમિ પર છે. નાનાં બંદરો વિહાર માટે તેમજ ધંધાકીય મચ્છીમારી માટે અનુકૂળ છે. ખાસ કરીને નૈર્ઋત્ય કિનારો મોતીની નીપજ માટે સુવિખ્યાત છે.
મૅક્સિકોના સફળ અન્વેષક અરનાન કૉર્ટેઝના માર્ગદર્શન હેઠળ 1539માં ફ્રાન્સિસ્કો દ ઉલ્યોઆએ આ અખાત શોધ્યો હતો. તેના પાણી પર તરતા આકર્ષક સેન્દ્રિય પદાર્થથી પ્રભાવિત થયેલા ઉલ્યોઆએ આ અખાતને ‘માર બર્મેજો’ એટલે કે ‘લાલચટક સમુદ્ર’ એવું નામ આપ્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે