કૅલિડોનિયન ગિરિનિર્માણ

January, 2008

કૅલિડોનિયન ગિરિનિર્માણ (Caledonian orogeny) : પશ્ચ- સાઇલ્યુરિયન ગિરિનિર્માણક્રિયા. સાઇલ્યુરો-ડેવોનિયન ભૂસંચલન-ઘટના. સાઇલ્યુરિયન સમયના અંતિમ ચરણ વખતે મોટા પાયા પર શરૂ થઈને ડેવોનિયનના મધ્યકાળ વખતે સમાપ્ત થયેલી પર્વતમાળાઓનું નિર્માણ કરતી પૃથ્વીના પોપડામાં થયેલી પ્રચંડ હલનચલનની ઘટના.

કૅલિડોનિયન ગિરિનિર્માણ

મુખ્યત્વે કરીને યુરોપના ભૂપૃષ્ઠમાં થયેલાં ઘણાં અગત્યનાં ભૂસંચલનોની ક્રમિક શ્રેણીઓ દ્વારા સાઇલ્યુરિયન સમયનો, અર્થાત્ નિમ્ન પેલિયોઝોઇક યુગનો અંત આવે છે અને ઊર્ધ્વ પેલિયોઝોઇકના ડેવોનિયનનો પ્રારંભ થાય છે. કૅમ્બ્રિયન સમય (આજથી ભૂતકાળનો 50-60 કરોડ વર્ષ વચ્ચેનો ગાળો) વખતે તૈયાર થયેલા, ઈશાનથી નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલા, વાયવ્ય યુરોપથી આટલાન્ટિક થઈને ઉત્તર અમેરિકાના વિસ્તારોને આવરી લેતા, લાંબા ઊંડા થતા જતા સાંકડા ભૂસંનતિમય થાળામાં, આખાયે નિમ્ન પેલિયોઝોઇક સમયગાળા દરમિયાન ક્રમે ક્રમે શિલાચૂર્ણથી ભરાતા ગયેલા અને સાથોસાથ અવતલન પામતા ગયેલા ખડકસ્તરોના ઘણી જાડાઈવાળા જથ્થાનું સંતુલન ન જળવાતાં સાઇલ્યુરિયનના અંતમાં, તેને સ્થાને વિશાળ પર્વતસંકુલનું જુદા જુદા તબક્કાઓમાં ઉત્થાન થાય છે. હલનચલનની પ્રક્રિયાનું દિશાત્મક વલણ પણ ભૂસંનતિમય થાળાની લાંબી ધરીને સમાંતર ઈશાન-નૈર્ઋત્યનું જ રહ્યું છે. આ ઘટનાને પરિણામે જે પર્વતરચનાઓ આકાર પામી તેની ઉપસ્થિતિ પણ મુખ્યત્વે ઈશાન-નૈર્ઋત્ય વલણવાળી થઈ, જેને કૅલિડોનિયન ભૂસંચલન પરથી કૅલિડોનૉઇડ ઉપસ્થિતિ નામ અપાયું.

પૃથ્વીના પટ પર થતાં ભૂસંચલનોનો સર્વસામાન્ય ઘટનાક્રમ કંઈક આ પ્રકારનો હોય છે : ‘પ્રત્યેક ભૂસંચલન કોઈ એક નાના સમયગાળા પૂરતું મર્યાદિત નથી હોતું, એકાએક શરૂ થતું નથી કે એકાએક પૂરું થઈ જતું નથી; પરંતુ તે હંમેશાં ક્રમિક હોય છે, એટલે કે ધીમે ધીમે શરૂ થઈ, તેની પરાકાષ્ઠાએ પહોંચે છે અને ધીમે ધીમે ક્ષય પામતું જાય છે, તેમજ લાંબા સમયગાળાને આવરી લેતું હોય છે.’ આ સંદર્ભમાં જોતાં, આ ભૂસંચલનઘટના મધ્ય ઑર્ડોવિસિયનમાં એક પછી એક થયેલાં મોટા પાયા પરનાં જ્વાળામુખી-પ્રસ્ફોટનોને સ્વરૂપે શરૂ થતી જણાય છે, સાઇલ્યુરિયનમાં ક્રમે ક્રમે ક્રિયાશીલ બની રહીને સાઇલ્યુરિયનના અંત વખતે તેની પરાકાષ્ઠાએ પહોંચીને, મધ્ય ડેવોનિયનમાં ક્ષય પામતી જઈને પૂરી થાય છે. ભૂસંચલનના આ ઘટનાચક્રની મહત્તમ અને તીવ્રતમ અસરનાં કેન્દ્રો સ્કૅન્ડિનેવિયા (નૉર્વે-સ્વીડન-ફિનલૅન્ડ) અને સ્કૉટલૅન્ડના વિસ્તારો બનેલા. સ્કૉટલૅન્ડનો વિસ્તાર કૅલિડોનિયા તરીકે ઓળખાતો તેથી ‘કૅલિડોનિયન ભૂસંચલન’ તથા તેના પરિણામરૂપ જે ગિરિનિર્માણ થયું તેને ‘કૅલિડોનિયન ગિરિનિર્માણ’ એવાં નામ અપાયેલાં છે. ભૂસંચલનજન્ય વિક્ષેપની અસરો તો સ્કૉટલૅન્ડના દક્ષિણના ઊંચાણવાળા પ્રદેશો, લેક ડિસ્ટ્રિક્ટ, વેલ્સ અને તેના સીમાંતપ્રદેશ તેમજ આયર્લૅન્ડના પ્રદેશો સુધી ઘટતી જતી તીવ્રતાના ક્રમમાં પહોંચેલી. દક્ષિણ વેલ્સથી બેલ્જિયમ તરફ જતી પૂર્વ-પશ્ચિમ દિશાકીય વલણ દર્શાવતી, લંડન ડિસ્ટ્રિક્ટના વિસ્તારને આવરી લેતી દબાયેલી ડુંગરધાર એ તેની દક્ષિણ સીમા સુધી થયેલી અસરનો પુરાવો છે. વળી વર્તમાન સમયમાં અહીં જે જે ભૂકંપ થાય છે તે કૅલિડોનિયન વલણવાળા સ્તરભંગો સાથે સંકળાયેલા હોય છે તે પણ તેના પુરાવારૂપ છે.

નિમ્ન પેલિયોઝોઇક (કૅમ્બ્રિયન-ઑર્ડોવિસિયન-સાઇલ્યુરિયન) સમયગાળા દરમિયાન યુરો-અમેરિકન ભૂસંનતિમય થાળામાં જમા થતો ગયેલો ખડકજથ્થો અતિદાબનાં બળો (severe compressive stresses) હેઠળ ભીંસમાં આવતો ગયો, વિક્ષેપ પામતાં, વિરૂપતાઓ અને ગેડીકરણ ઉદભવ્યાં, તેમજ મધ્યના ઊંડાણવાળા વિસ્તારમાં, ગ્રૅનાઇટનાં અંતર્ભેદનો થયાં. દીર્ઘકાલ પર્યંત પ્રવર્તમાન રહેલા દરિયાઈ સંજોગો બાદ ઘણી જાડાઈવાળો આ નિક્ષેપજથ્થો આખરે ઊંચકાયો અને ક્રમિક ગિરિનિર્માણ થતું ગયું; પરિણામે વિશાળ પર્વતમાળાઓનું સંકુલ રચાયું. ઉત્તરથી દક્ષિણ તરફ જતાં તેમની ઊંચાઈમાં, વિરૂપતામાં, ગેડીકરણમાં, તીવ્રતામાં, દાબમાં ઘટતી જતી અસરો જોવા મળે છે. આજથી લગભગ 40 કરોડ વર્ષ અગાઉના આ ઘટનાના સમયગાળામાં થયેલું આ ઊર્ધ્વગમન કદાચ એ વખતે આજના આલ્પ્સની ભવ્યતાને પણ આંબી જતું હશે !

આ પ્રકારના વિવિધ ફેરફારોની અસર હેઠળ સંડોવાયેલા ખડકો સમાંતર અક્ષનમન ગેડોની શ્રેણીઓમાં રૂપાંતર પામ્યા, સામાન્ય, વિપરીત તેમજ ધસારા-સ્તરભંગો અને નૅપ રચનાઓ તૈયાર થઈ. ક્યાંક શિસ્ટોઝ સંરચના તો ક્યાંક ખડકોનાં પુન: સ્ફટિકીકરણ થયાં. પ્રિ-કૅમ્બ્રિયન કાળમાં થયેલાં ગ્રૅનાઇટ અંતર્ભેદનોએ આ લક્ષણોનો પ્રતિકાર પણ કર્યો. જ્યાં નવાં ગ્રૅનાઇટ અંતર્ભેદનો થયાં ત્યાં જૂનું ગેડીકરણ ભૂંસાઈ ગયું અને આખાયે વિસ્તારમાં વિકાસપ્રેરક દાબવિકૃતિની અસરો પહોંચી. સ્કૉટલૅન્ડના જે વિસ્તારો ઉગ્ર અસર હેઠળ આવ્યા, ત્યાં વધુમાં વધુ પરિવર્તન થયું અને ત્યાંથી દૂર જતાં પરિવર્તનોની અસરો ક્રમશ: ઘટતી ગઈ. વિકૃતિની કક્ષાઓ ઉદભવી, જે નવાં તૈયાર થયેલાં લાક્ષણિક ખનિજો દ્વારા જુદી પાડી શકાય છે – સ્કૉટલૅન્ડના મહત્તમ અસરવાળા કેન્દ્રથી દૂર જતાં ઘટતી જતી વિકૃતિકક્ષાના વિભાગો જુદા પાડી શકાય છે, જે નીચે મુજબ છે : સિલિમેનાઇટ વિભાગ, કાયનાઇટ વિભાગ, સ્ટોરોલાઇટ વિભાગ, ગાર્નેટ વિભાગ, બાયોટાઇટ વિભાગ અને છેલ્લે કણજન્ય ખડકોનો અભિશોષિત વિભાગ. જુદા જુદા વિસ્તારોમાં આ કાળગાળાના જુદા જુદા સમયે જે જે પ્રકારની ગિરિનિર્માણક્રિયાઓનો વિકાસ થયો તેની વિવિધ અસરો આજે પણ એ પર્વતોમાં જોવા મળે છે; જેમ કે, આ ભૂસંચલનની પરાકાષ્ઠા ઉત્તર સ્કૉટલૅન્ડમાં મધ્ય ઑર્ડોવિસિયન વખતે થયેલી, તો ત્યાંથી દૂર દક્ષિણ સ્કૉટલૅન્ડના ઉચ્ચ પ્રદેશમાં અંતિમ સાઇલ્યુરિયન વખતે થયેલી, વેલ્સ અને તેના સીમાંતપ્રદેશોમાં મધ્ય ડેવોનિયન વખતે થયેલી.

આ ભૂસંચલનને ઘટનાચક્ર દરમિયાન એક પછી એક થયેલા ઉત્થાનના સંદર્ભમાં મૂલવતાં તેને અતિ મહત્વના ચાર તબક્કાઓમાં વહેંચી શકાય : વાસ્તવિકપણે જેનાં પગરણ મંડાયાં એવો પ્રારંભિક તબક્કો કૅમ્બ્રિયનના અંતિમ ચરણ વખતે થયેલો, જે ભૂસંનતિમય થાળાના બધા વિભાગોને આવરી લેતો નથી; વળી જ્યાં જ્યાં તેની અસર પહોંચી શકી તે એકસરખી તીવ્રતાવાળી પણ નથી; પરંતુ માત્ર સ્થાનિક લક્ષણો પૂરતી જ મર્યાદિત રહે છે. આ તબક્કો વિશેષે કરીને સલાઇરી પર્વતોમાં સ્પષ્ટ વરતાઈ આવતો હોવાથી તેને ‘સલાઇરી તબક્કો’ કહેવાય છે. ગેડીકરણનો બીજો તબક્કો ઓર્ડોવિસિયનના અંત વખતે થાય છે, જે પ્રચંડ અસરોવાળો છે અને ભૂસંનતિમય થાળામાં તે પછીના સમય માટે મોટા ફેરફારો લાવી મૂકે છે. આ તબક્કા પછી મોટા ગોળાશ્મવાળા કૉંગ્લોમરેટ અને ખંડીય રેતીખડકોની કણજન્ય શ્રેણીની વિપુલ પ્રમાણમાં રચના થાય છે. આ તબક્કો અતિ મહત્વનો ગણાય છે, જે માત્ર પૅસિફિકને ફરતી કિનારીના અપવાદને બાદ કરતાં આખાયે ભૂસંનતિમય થાળામાં સાર્વત્રિક રીતે જોવા મળે છે. આ તબક્કાને ‘ટેકોનિયન તબક્કોટેકોનિયન ગિરિનિર્માણ ’ કહેવાય છે. ‘આર્ડેનિયન ગિરિનિર્માણ’ તરીકે ઓળખાતો ત્રીજો તબક્કો મધ્ય સાઇલ્યુરિયનમાં થાય છે, જ્યારે ભૂસંચલનજન્ય કોણીય અસંગતિની રચના થાય છે. આંતરસ્તર-રચનાવાળા (intraformational) કૉંગ્લોમરેટનું અસ્તિત્વ જ આ તબક્કાની અસરનો નિર્દેશ કરી જાય છે. ચોથો તબક્કો સાઇલ્યુરિયનના અંત વખતે થાય છે, તેને ‘ઇરિયન ગિરિનિર્માણ’ કહે છે. ટેકોનિયન ગિરિનિર્માણ તબક્કા જેવો જ પ્રચંડ આ તબક્કો ગણાય છે અને તેની અસરો પણ એને મળતી આવે છે.

આ ગિરિનિર્માણમાં જે ખડકોની રચના થતી ગઈ તે બધી ‘કૅલિડોનૉઇડ્ઝ’ તરીકે જાણીતી બની છે. તેના સાત પ્રાદેશિક વિભાગો પાડેલા છે : 1. સ્કૅન્ડિનેવિયાના ઉત્તર ભાગોમાં ગ્રૅમ્પિયન ભૂસંનતિના પ્રદેશો; તેમજ ગ્રેટ બ્રિટનના અને આયર્લૅન્ડના ઉત્તરીય અને મધ્ય વિભાગો; 2. ગ્રીનલૅન્ડ અને ન્યૂફાઉન્ડલૅન્ડના ઉત્તરીય અને પૂર્વીય વિભાગો; 3. મધ્ય કઝાખસ્તાન; 4. અલ્તાઈ-સાયાનિયન વિભાગ; 5. મધ્ય ચીન (નાન-શાન); 6. અગ્નિ એશિયા (કૅટોશિયાટિક વિસ્તાર); 7. તૈમીર દ્વીપકલ્પનો ઉત્તર ભાગ.

વિશાળ પાયા પર થયેલી આ પ્રચંડ ભૂસંચલનઘટનાને પરિણામે ભૂપૃષ્ઠ પરનાં સ્થળર્દશ્યોમાં થયેલા અનેકવિધ ફેરફારોએ જીવન-સ્વરૂપો (life-forms) પર પણ દૂરગામી અસરો પહોંચાડી છે. ત્રિખંડી (trilobites) અને ગ્રેપ્ટોલાઇટ પ્રાણીઓનો લગભગ તદ્દન વિલોપ થઈ જાય છે. માછલીઓ, ઉભયજીવી પ્રાણીઓ, ક્રિનૉઇડ, સી-અર્ચિન્સ, પરવાળાં, સિફેલોપૉડ વગેરેનો વિપુલ વિકાસ થતો જાય છે; જેનું અત્યાર સુધી અસ્તિત્વ ન હતું તે વનસ્પતિસૃષ્ટિની શરૂઆત થાય છે – મુખ્યત્વે ક્રિપ્ટોગેમસ વૃક્ષો, પ્રારંભિક અવસ્થાવાળાં ફેનરોગેમ્સ અને કોનિફરનો પ્રારંભ થાય છે.

ગિરીશભાઈ  પંડ્યા