કેલિગ્રામ

January, 2008

કેલિગ્રામ (calligram) : ચિત્રકલાક્ષેત્રે સુલેખનકલા સાથે નિસ્બત ધરાવતી સંજ્ઞા. તેનો ઉપયોગ અપોલિનેર ગિયોમે ફ્રેન્ચ કવિતામાં વિશેષ રીતે કરેલો છે. અપોલિનેર પોતાનાં આકૃતિકાવ્યોને માટે આ સંજ્ઞા પ્રયોજી પોતાના સંગ્રહને ‘કેલિગ્રામ્ઝ’ (1918) તરીકે ઓળખાવે છે. ઘનવાદી (cubist) અને ભવિષ્યવાદી (futurist) ચિત્રકારવર્તુળોમાં અપોલિનેર અગ્રણી હતો. એની માન્યતા હતી કે આધુનિક કવિઓએ કાવ્યતરંગના નવા પ્રદેશોમાં સાહસો કરવાં જોઈએ. સામાન્ય રીતે પૃથક્ લાગતા પદાર્થો વચ્ચે સાશ્ય જોઈ શકે એવી આધુનિક ર્દષ્ટિને પણ એણે પુરસ્કારી અને વિરામચિહનોથી ભાષાને મુક્ત કરી ચિત્રાત્મક મુદ્રણકલાના પ્રયોગો કર્યા. એની એક રચના બાટલીના આકારમાં પાના ઉપર ઊપસે છે, તો અન્ય રચના પાણીની જેમ અક્ષરોને સરી પડતા બતાવે છે. નેકટાઈ, ઘડિયાળ, મુકુટ, ફૂલ, મેન્ડોલિન, પિસ્તોલ, ફુવારો, એફિલ ટાવર, વરસાદની ધારા વગેરે આકૃતિઓમાં ઊપસતી એની કાવ્યરચનાઓમાં ઊર્મિતત્વની પણ માવજત થયેલી છે. તત્વત: ર્દશ્યકોટિ રૂપે રહેલો કેલિગ્રામ પદ્ય અને સંજ્ઞા વચ્ચેનો આધુનિક સંયોગ છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા