કૅર–પોકલ અસર : 1875માં જ્હૉન કૅર અને બીજા વિજ્ઞાની પોકલે શોધેલી વૈદ્યુત-પ્રકાશીય (electro-optic) અસર. કૅર અસરમાં કોઈ પારદર્શક પ્રવાહીમાંથી પસાર થઈ રહેલા પ્રકાશની દિશાને કાટખૂણે પ્રબળ વિદ્યુતક્ષેત્ર લગાડતાં, એક વક્રીભૂત કિરણને બદલે બે વક્રીભૂત કિરણો ઉત્પન્ન થઈ, પદાર્થ દ્વિ-વક્રીભવન(double refraction)ની ઘટના દર્શાવે છે.
પારદર્શક માધ્યમમાં દાખલ થતું કિરણ કેટલું વંકાશે અર્થાત્ મૂળ દિશામાંથી તેનું કેટલું વિચલન (deviation) થશે તેનું માપ માધ્યમના વક્રીભવનાંક ‘n’ અથવા μ (ગ્રીક મૂળાક્ષર મ્યુ) વડે મળે છે. પ્રકાશના વેગના સંદર્ભમાં પણ વક્રીભવનાંકને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તે મુજબ,
![]()
કૅર અસરમાં, વિદ્યુતક્ષેત્રની દિશામાં દોલન કરતા પ્રકાશનો તરંગવેગ, વિદ્યુતક્ષેત્રની દિશાને કાટખૂણાની દિશામાં દોલન કરતા પ્રકાશના તરંગવેગ કરતાં સહેજ જુદો હોવાથી, બે વક્રીભૂત કિરણો ઉત્પન્ન થતાં, દ્વિ-વક્રીભવનની ઘટના જોવા મળે છે. આમ પ્રકાશીય રીતે (optically) પારદર્શક માધ્યમ જેનો ગ્-અક્ષ (optic axis) વિદ્યુતક્ષેત્રની દિશાને સમાંતરે હોય એવા એક સ્ફટિકની જેમ વર્તે છે.
પારદર્શક પ્રવાહીને બદલે કેટલાક વિશિષ્ટ સ્ફટિકોમાં ઉદભવતી આવી જ ઘટનાને પોકલ અસર કહે છે. ઉદા. એમોનિયમ હાઇડ્રોજન ફૉસ્ફેટ (ADP) તથા પોટૅશિયમ હાઇડ્રોજન ફૉસ્ફેટ કેર અસરમાં દ્વિ-વક્રીભવનાંક વિદ્યુતક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે જ્યારે પોકલ અસરમાં તે વિદ્યુતક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હોય છે. અત્યંત ઝડપી પ્રકાશ ‘શટર’ની રચનામાં કૅર-પોકલ અસરનો ઉપયોગ કરવામાં આવે છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ
