કૅરોટીન : સજીવ સૃષ્ટિમાં રંજકદ્રવ્યો તરીકે મળી આવતાં ચરબીદ્રાવ્ય કાર્બનિક સંયોજનો. તે લીલકણો, ગાજર, (ગાય, ઊંટ જેવાનું) દૂધ, માખણ અને ઈંડાની જરદી જેવામાં મહત્વના ઘટકરૂપે મળી આવે છે. કૅરોટીનનું પ્રમાણસૂત્ર C40H56 હોય છે અને તેના સમઘટકો તરીકે a, b, g તથા d સ્વરૂપો આવેલાં હોય છે. આમાં b-કૅરોટીન વધુ અગત્યનું છે. તે વિટામિન એના પૂર્વસ્વરૂપ તરીકે આવેલું હોવાથી તેને પ્રો-વિટામિન-એ પણ કહેવામાં આવે છે. 1831માં સૌપ્રથમ તેને ગાજરમાંથી છૂટું પાડવામાં આવેલું. પૉલ કારરે 1931માં તેનું બંધારણીય સૂત્ર નક્કી કર્યું અને 1950માં તેનું સંશ્લેષણ કર્યું. પ્રાણીઓના યકૃતમાં તે વિટામિન-એમાં ફેરવાય છે. આંખની તંદુરસ્તી માટે તે અત્યંત આવશ્યક છે. ખોરાકમાં તેની ઊણપ રતાંધળાપણામાં અને વિપરીત સંજોગોમાં સંપૂર્ણ અંધત્વમાં પરિણમે છે. તેનું ગલનબિંદુ 181oથી 182o સે. હોય છે. જ્યારે બંધારણીય સૂત્ર નીચે મુજબ છે :
તેમાં 11 દ્વિબંધો એકાંતરે આવેલા છે. b-કૅરોટીનના બંને છેડે જે વલયો આવેલાં છે તેમાં a-કૅરોટીનમાં બેમાંથી એક વલયની દ્વિબંધ રચના આ મુજબ છે :
હાલમાં કૅરોટીનના ઘટકોને હાઇ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી (HPLC) દ્વારા છૂટા પાડવામાં આવે છે.
જ. પો. ત્રિવેદી
ઓમપ્રકાશ સક્સેના
અશ્વિન થાનકી