કૅપસ્ટન : દોરડાં, સાંકળ અને કેબલ્સની મદદથી વહાણ અથવા જહાજવાડામાં ઘણા જ વજનદાર પદાર્થો ખસેડવા માટે વપરાતું યાંત્રિક સાધન. રેલવેના યાર્ડમાં પણ, વજન લઈ જતી કારને સ્થિતિમાં રાખવા (positioning) તે વપરાય છે. કૅપસ્ટનમાં એક નળાકાર હોય છે. તે હાથથી, વરાળની મદદથી અથવા વીજળીની મદદથી ચલાવાય છે. આ નળાકાર ઊભી ધરીની આસપાસ ફરે છે, જેની આજુબાજુ દોરડું, સાંકળ અથવા કેબલ્સ વીંટળાય છે.
નળાકાર અને દોરડા વગેરેની વચ્ચેની મજબૂત પકડ (grip) બંને વચ્ચેના ઘર્ષણ ઉપર અને નળાકાર ઉપર દોરડાના કેટલા આંટા વીંટળાયેલા છે તેના ઉપર આધાર રાખે છે. પાયા(base)ની પ્લેટ ઉપર આવેલું રૅચેટ અને નળા ઉપર જોડાયેલું દાંતાવાળું ચક્ર (pawl) પ્રત્યગ્ર (backward) ગતિને રોકે છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ