કૅન્સર – શુક્રપિંડ(testis)નું

January, 2008

કૅન્સર, શુક્રપિંડ(testis)નું : પુરુષોના જનનપિંડ(gonad)ને શુક્રપિંડ કહે છે. તેમાં શુક્રકોષો અને પુરુષોનો અંત:સ્રાવ, ટેસ્ટોસ્ટીરોન ઉત્પન્ન થાય છે. શુક્રપિંડની ઉપર અધિશુક્રપિંડ અથવા અધિવૃષણ (epididymis) આવેલ છે. શુક્રપિંડમાં આવેલી શુક્રજનકનલિકા(seminiferous tubules)માં બનતા શુક્રકોષો શુક્રવાહિની (vas deferens) દ્વારા બહારની તરફ જાય છે. શુક્રપિંડને વૃષણ પણ કહે છે. તે 5 × 2.5 સેમી. કદના અને 10થી 15 ગ્રામ વજનના હોય છે. તેમની આસપાસ સફેદ આવરણ હોય છે તેને શ્વેતાંબર (tunica albuginea) કહે છે. શુક્રપિંડને પરિતનકલા(peritoneum)ના બંને પડનું પણ આવરણ હોય છે તેને ત્રાણિકાંબર (tunica vaginalis) કહે છે. ગર્ભાવસ્થાના બત્રીસમા અઠવાડિયે બંને શુક્રપિંડો પેટના પોલાણમાંથી પેટની નીચે આવેલી શુક્રપિંડકોથળી અથવા સંવૃષણ(scrotum)માં ખસે છે.

વસ્તીરોગવિદ્યા : શુક્રપિંડનું કૅન્સર યુવાન વયે થાય છે અને અમેરિકામાં પુરુષોના કૅન્સરમાં તેનું પ્રમાણ 1 % જેટલું જ છે. ભારતમાં તેનું પ્રમાણ 0.4થી 1.1/1 લાખ જેટલું છે. અમદાવાદમાં આ દર 0.79 / 1 લાખ જેટલો નોંધાયો છે. અમદાવાદમાં નોંધાયેલા પુરુષોનાં બધાં જ કૅન્સરમાં 1.17 % દર્દીઓને શુક્રપિંડનું કૅન્સર હોય છે.

આકૃતિ 1 : શુક્રપિંડનું કૅન્સર : (1) શુક્રપિંડ, (2) અધિશુક્રપિંડ (અધિવૃષણ), (3) શુક્રવાહિની, (4) શુક્રપિંડમાં સીમિત એવું T1 તબક્કાનું કૅન્સર, (5) ત્રાણિકાંબર-(tunica vaginalis)ને અસરગ્રસ્ત કરતું T2 તબક્કાનું કૅન્સર, (6) શુક્રવાહિનીમાં ફેલાતું T3 તબક્કાનું કૅન્સર, (7) શુક્રપિંડની કોથળી (સંવૃષણ), (8) શુક્રપિંડ-કોથળીને અસરગ્રસ્ત કરતું T4 તબક્કાનું કૅન્સર.

કારણો : તે યુવાનોમાં થાય છે (સરેરાશ ઉંમર 32 વર્ષ). ગર્ભાવસ્થામાં જેમને શુક્રપિંડ પેટના પોલાણમાંથી ખસીને બહાર સંવૃષણ અથવા શુક્રપિંડકોથળીમાં ન આવે તેમને શુક્રપિંડનું કૅન્સર થવાનો સંભવ વધુ છે. અન્ય કારણોમાં ક્લિન્ફેલ્ટરનું સંલક્ષણ અને HIVના ચેપનો સમાવેશ થાય છે.

નિર્દેશન અને નિદાન : શરૂઆતના તબક્કામાં કોઈ ચિહનો હોતાં નથી. સૌપ્રથમ શુક્રપિંડમાં ગાંઠ જોવા મળે છે. શુક્રપિંડની સંઘનિત (solid) ગાંઠ મોટે ભાગે કૅન્સરની હોય છે. તેમાં પીડા થતી નથી પરંતુ ભારેપણું, ખેંચાણ કે ધીમો દુખાવો અનુભવાય છે. જ્યારે તેમાં લોહી ઝમે ત્યારે પીડા થાય છે. શુક્રપિંડની જાતતપાસ અથવા તબીબ દ્વારા કરાતી શારીરિક તપાસને કારણે તેનું નિદાન થાય છે. પેટમાંની મહાધમનીની આસપાસની તેની સ્થાનિક લસિકાગ્રંથિઓ(lymph-nodes)માં તે ફેલાય છે. ક્યારેક મૂત્રપિંડનળી(ureter)માં અવરોધ પણ પેદા થાય છે, પેટમાં ગાંઠ જણાય છે કે દુખાવો થાય છે. રોગ ફેફસામાં ફેલાય ત્યારે ખાંસી થાય છે. ક્યારેક સ્તન મોટાં થાય છે. રોગની હાજરી તથા તેના ફેલાવાને જાણવા માટે છાતીનું એક્સ-રે ચિત્રણ, અલ્ટ્રા-સૉનોગ્રાફી, સીએટી-સ્કૅન, એમ.આર.આઈ., લોહીમાં આલ્ફા-ફીટો-પ્રોટીન (AFP), બીટા-હ્યૂમન કૉરિયૉનિક ગૉનેડોટ્રૉફિન (Beta-HCG) તથા લૅક્ટિક ડિહાઇડ્રોજીનેઝ(LDH)નું પ્રમાણ દર્શાવતી કસોટીઓ કરાય છે. તેને અધિશુક્રપિંડ કે શ્વેતાવરણના અન્ય રોગો(મુખ્યત્વે સજલકોષ્ઠ – hydrocoele)થી અલગ પાડીને નિદાન કરાય છે. લસિકાર્બુદ (lymphoma) અને લોહીના કૅન્સરમાં પણ શુક્રપિંડ અસરગ્રસ્ત થઈને મોટો થાય છે. તેમાં ક્યારેક પ્રોસ્ટેટ કે ફેફસાનું કૅન્સર કે મિલેનોમા પણ પ્રસરે છે. શુક્રપિંડના પીડા વગરના ચેપમાં ક્ષયરોગ અને ઉપદંશ(syphilis)નો સમાવેશ થાય છે. આ બધા રોગોને શુક્રપિંડના કૅન્સરથી અલગ પાડવામાં આવે છે. શુક્રપિંડના કૅન્સરના 80 % કિસ્સામાં 12મા રંગસૂત્રની લઘુભુજા(12p)ની નકલ જેવો સમરંગસૂત્ર (isochromosome) જોવા મળે છે. તે i(12p)ની સંજ્ઞાથી દર્શાવાય છે. તે બતાવે છે કે 12મા રંગસૂત્રની લઘુભુજા પર પ્રજનકકોષોને કૅન્સરકોષમાં રૂપાંતરિત કરતાં જનીનો આવેલાં છે.

આકૃતિ 2 : શુક્રપિંડના કૅન્સરનો લસિકાગ્રંથિમાં ફેલાવો. (1) શુક્રપિંડમાં ગાંઠ, (2) N1 તબક્કો, (3) N2 તબક્કો, (4, 5) N3 તબક્કો, (5) શુક્રપિંડની શસ્ત્રક્રિયા પછી ઊરુપ્રદેશમાં અસરગ્રસ્ત થતી લસિકાગ્રંથિ, (6) શુક્રગ્રંથિની શસ્ત્રક્રિયા પછીનો ખાલી સંવૃષ્ણ (scrotum).

કૅન્સરસૂચક દ્રવ્યો (tumour markers) : AFP  અને Beta-HCG – આ બંને કૅન્સરસૂચક દ્રવ્યોમાંથી કોઈ એક અથવા બંને 90 % દર્દીઓમાં વધેલા જોવા મળે છે. ગર્ભાવરણીય પેશી(chorionic tissue)માં Beta-HCGનો ઉત્પન્ન થાય છે અને જરદીકોષ્ઠ(yolk sac)ની પેશીમાં AFP બને છે. કોરિયોએમ્બ્રિયૉનિક ઍન્ટિજન (CEA) 0થી 40 % કૅન્સરમાં જોવામાં આવે છે. તે નિદાન કે પૂર્વાનુમાન (prognosis) માટે ઉપયોગી નથી. સેમિનોમામાં AFP વધતું નથી અને બીટા-HCGનો વધારો અલ્પ હોય છે. લોહીના રુધિરરસમાંનો LDH અવિશિષ્ટ પ્રકારનું કૅન્સરસૂચક દ્રવ્ય છે. તે સેમિનોમા ઉપરાંત બીજા કૅન્સર (દા.ત., લિમ્ફોમા) તથા બિનકૅન્સર રોગોમાં વધે છે. શુક્રપિંડના કૅન્સરમાં તે ગાંઠના કોષદળ અને વૃદ્ધિદર વિશે માહિતી આપે છે.

સારણી 1 : સામાન્ય પ્રાગર્ભીય અથવા ભ્રૂણ સંબંધી (embryonal) વિકાસ

ક્રમ

સામાન્ય પ્રાગર્ભ અથવા ભ્રૂણ

(embryo)ના વિકાસની પેશી

તેમાં ઉદભવતું

કૅન્સર

કૅન્સરસૂચક દ્રવ્ય

(tumour marker)

1. શુક્રકોષજનક પેશી શુક્રબીજકોષી

કૅન્સર (seminoma)

ક્યારેક, થોડા

પ્રમાણમાં bHCG

2. પ્રાગર્ભ અથવા ભ્રૂણ-

(embryo)ના અંદરના કોષો

પ્રાગર્ભકોષીય કૅન્સર

(embryonal

carcinoma)

bHCG અને/

અથવા AFP

3. પ્રાગર્ભ અથવા ગર્ભની પેશી ગર્ભપેશી અર્બુદ

(teratoma)

ગર્ભપેશી કૅન્સર

(teratocarcinoma)

bHCG + AFP
4. ગર્ભાવરણ (chorion) ગર્ભાવરણીય કૅન્સર

(choriocarcinoma)

bHCG
5. જરદીકોષ્ઠ (yolk sac) જરદીકોષ્ઠ કૅન્સર

(બાળકોમાં)

AFP

વર્ગીકરણ : શુક્રપિંડનાં મોટાભાગનાં કૅન્સર પ્રજનકકોષ(germ cell)માંથી ઉદભવે છે (97 %). તેમાં મોટાભાગનાં (48 %) શુક્રબીજકોષી કૅન્સર (seminoma) હોય છે જ્યારે અન્ય પ્રકારોમાં

સારણી 2 : શુક્રપિંડના કૅન્સરનું TNM વર્ગીકરણ

T : મૂળ ગાંઠ
Tis અતિસીમિત કૅન્સર (શુક્રજનકનલિકા, seminiferous tubuleમાં)
T1 શુક્રપિંડ તથા અધિશુક્રપિંડમાંનું શ્વેતાંબર (tunica albuginea)

સુધી સીમિત કૅન્સર

T2 શ્વેતાંબર(tunica albuginea)થી બહાર ત્રાણિકાંબર

(tunica vaginalis) અથવા નસો કે લસિકાવાહિનીઓ

(lymphatics)માં ફેલાવો

T3 શુક્રવાહિની(vas deferens)માં ફેલાવો
T4 સંવૃષણ અથવા શુક્રપિંડ-કોથળી(scrotum)માં ફેલાવો
N : લસિકાગ્રંથિ (lymphnodes)
N1 એક કે વધુ લસિકાગ્રંથિ(2 સેમી.થી નાની)માં ફેલાવો
N2 2થી 5 સેમી.ની એક અથવા વધુ લસિકાગ્રંથિમાં ફેલાવો
N3 5 સેમી.થી મોટી એક અથવા વધુ લસિકાગ્રંથિઓમાં ફેલાવો
M : સ્થાનાંતરિત (metastatic) ફેલાવો
M1a દૂરના અવયવોમાં ફેલાવો  લસિકાગ્રંથિઓ, ફેફસું
M1b અન્ય અવયવોમાં ફેલાવો

પ્રાગર્ભકોષીય કૅન્સર (embryonal carcinoma,  20થી 25 %), ગર્ભપેશી અર્બુદ (teratoma, 5થી 10 %), ગર્ભપેશી-કૅન્સર (teratocarcinoma, 25થી 50 %) અને ગર્ભાવરણીય કૅન્સર (choriocarcinoma, 1થી 3 %) હોય છે. તેના મુખ્ય બે વિભાગો છે : સેમિનોમા(શુક્રબીજકોષી કૅન્સર) અને બિન-સેમિનોમેટસ કૅન્સરો (સારણી 1). તેમનું TNM વર્ગીકરણ અને તેમના તબક્કા સારણી 2, 3 અને 4માં દર્શાવ્યાં છે.

સારણી 3 : કૅન્સરસૂચક દ્રવ્યોની રુધિરરસ(serum)સપાટી (s)

તબક્કો

LDH બીટા-HCG

(mlu/ml)

AFP

(mg/ml)

S1 < 1.5ગણું* < 5,000 < 1,000
S2 1.5-10ગણું* 5,000-50,000 1,000-10,000
S3 > 10ગણુ* > 50,000 > 10,000

   * ઉપરની સામાન્ય રુધિરસપાટી કરતાં વધારે

સારવાર : પ્રાથમિક સારવાર ઊરુપ્રદેશ(inguinal region)માં કાપો મૂકીને શુક્રપિંડ તથા શુક્રવાહિનીને દૂર કરવામાં આવે છે. સેમિનોમા અને બિન-સેમિનોમેટસ પ્રજનકકોષી કૅન્સર(germ cell cancer)માં જો AFPનું પ્રમાણ વધુ હોય તો અસરગ્રસ્ત શુક્રપિંડ ઉપરાંત પેટની પાછળના ભાગમાં આવેલી લસિકાગ્રંથિઓને દૂર કરવામાં આવે છે. તેને પશ્ચ-પરિતની લસિકાગ્રંથિ-ઉચ્છેદન (retroperitoneal lymphnode dissection, RPLND) કહે છે. જો N3 તબક્કાની લસિકાગ્રંથિઓ હોય, પેટ કે ડોકમાં ગાંઠો હોય અથવા ફેફસામાં રોગ ફેલાયો હોય (C-તબક્કો) તો સૌપ્રથમ ઔષધચિકિત્સા કરાય છે અને ત્યારબાદ RPLNDની શસ્ત્રક્રિયા કરાય છે. ક્યારેક જો ઔષધચિકિત્સાથી રોગ સંપૂર્ણપણે કાબૂમાં આવે તો લસિકાગ્રંથિઓ કાઢવાની શસ્ત્રક્રિયા ન પણ કરાય. સેમિનોમામાં II B તબક્કા સુધી પેટમાંની લસિકાગ્રંથિઓ પર વિકિરણન-ચિકિત્સા (radiotherapy) અપાય છે. બિનસેમિનોમેટસ કૅન્સરમાં વિકિરણન-ચિકિત્સાનો ઉપયોગ નહિવત્ છે. તે ફક્ત દવાઓની અસર ન થતી હોય એવા અને શસ્ત્રક્રિયા શક્ય ન હોય તેવા જ દર્દીઓમાં ક્યારેક ઉપયોગી છે. દવાની સારવારનાં સુંદર પરિણામ મળેલાં છે.

સારણી 4 : સારણી 1 અને 2માંના TNM અને S વર્ગીકરણ પરથી શુક્રપિંડના કૅન્સરના તબક્કા

તબક્કો

T N M

S

I A 1 0 0 0
I B 2-4 0 0 0
II A 1-4 1 0 0-1
II B 1-4 2 0 0-1
II C 1-4 3 0 0-1
III A 1-4 0-3 1-a 0-1
III B 1-4 0-3 0-1a 2
III C 1-4 0-3 0-1a 3
1-4 0-3 1-b 0-3

સેમિનોમાના વિકિરણનની અસર ન થઈ હોય તેવા કે વ્યાપકપણે ફેલાયેલા રોગના દર્દીમાં તે ઉપયોગી છે. સિસ-પ્લૅટિન અને બ્લિયોમાયસિનની સાથે વિન્બ્લાસ્ટિન (PVB) કે ઇટોપોસાઇડ (PEB) અથવા આઇફૉસ્ફેમાઇડ(VIP)ની સામૂહિક ઔષધચિકિત્સા (combination chemotherapy) વડે બિન-સેમિનોમેટસ કૅન્સરની સારવાર કરાય છે. સામાન્ય રીતે PEB કે PVBનાં 3 આવર્તનો (cycles) અપાય છે. PEBમાં બ્લિયોમાયસિન ન અપાય તો તેને PE કહે છે. PEBનાં 3 આવર્તનો જેટલું જ PEનાં 4 આવર્તનોથી લાભ રહે છે. બિનસેમિનોમાવાળા દર્દીમાં રોગની શરૂઆત છાતીના મધ્યવક્ષ(mediastenum)માં થઈ હોય, ફેફસાં સિવાય અન્યત્ર રોગ ફેલાયો હોય કે S3 તબક્કાનાં કૅન્સરસૂચક દ્રવ્યો હોય તો PEBનાં 4 આવર્તનો અપાય છે. આ જૂથને વધુ જોખમવાળું ગણાય છે. 25 % દર્દીઓના વીર્યમાં શુક્રકોષો ઘટી જાય છે. તેથી શરૂઆતથી જ શુક્રકોષ-સંગ્રહકોશ(spermbank)માં વીર્યસંગ્રહ કરવાની એક પદ્ધતિ છે. ક્યારેક ફેફસાં, મૂત્રપિંડ, હૃદય, ચેતાતંત્રને અસર કરતી આડઅસરો થાય છે. ક્યારેક તેની આડઅસરોને કારણે દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે. દવાઓ આપ્યા પછી RPLND કરવામાં આવે ત્યારે ફક્ત 20 %માં જ કૅન્સર જોવા મળે છે. તેમને ફરીથી દવાઓ અપાય છે. ઘણી વખત લાંબા સમય સુધી રોગ ઊથલો મારતો નથી, ત્યારે તે મટી ગયેલો મનાય છે. મોટાભાગના ઊથલા 18 માસમાં થાય છે અને ત્યારે સુરક્ષાદાયી (salvage) ઔષધચિકિત્સા અપાય છે. તે માટે VIPનો ઉપયોગ કરાય છે. અન્ય પ્રયત્નોમાં ભારે માત્રામાં ઔષધો આપીને અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ (bone marrow transplantation) કરાય છે.

પરિણામ : સેમિનોમામાં ઘણી વખત વિકિરણન-ચિકિત્સાથી રોગ મટે છે. તેમાં 2થી 5 વર્ષ સુધી A અને B તબક્કાના 91 % દર્દીઓ જીવે છે. બિન-સેમિનોમેટસ કૅન્સરના 50 %થી 70 % દર્દીઓ પણ દવાઓ બાદ આવેલો જીવનકાળ મેળવે છે. રોગે ઊથલો માર્યો છે કે નહિ તે જોવા માટે AFP અને Beta-HCGનું લોહીમાંનું પ્રમાણ નિયમિતપણે જાણવું જરૂરી ગણાય છે.

શિલીન નં. શુક્લ

રાજેન ટંકશાળી