કૅન્સર, શિશ્ન(penis)નું તથા મૂત્રાશયનળીનું : શિશ્નનું કૅન્સર : પુરુષોના બાહ્ય જનનાંગ(external genitalia)નું કૅન્સર થવું તે. શિશ્ર્ન પોચી વાહિનીજન્ય (vascular) પેશીનું બનેલું અંગ છે જેમાં લોહી ભરાય ત્યારે તેનું કદ વધે છે. તે પુરુષોમાં પેશાબના ઉત્સર્ગ તથા વીર્યના બહિ:ક્ષેપ માટે વપરાતું અંગ છે. તેના મુખ્ય 3 ભાગ છે : મૂળ, દંડ (shaft) અને ટોચના સ્થાને ગુંબજ (glans). ગુંબજ લાલાશ પડતો ગોળ ભાગ છે જેમાંના છિદ્રમાંથી પેશાબ અને વીર્ય નીકળે છે. તેની ઉપર ચામડીનું ખસી શકે તેવું ચર્મ-આવરણ (prepuce) હોય છે. તેના દંડમાં બે નળાકાર છિદ્રાળુકાય (corpora cavernosa) અને એક મૃદુકાય (corpusa spongiosum) હોય છે. મૃદુકાયમાંથી મૂત્રાશયનળી (urethra) પસાર થાય છે.

આકૃતિ 1 : શિશ્નનું કૅન્સર : (1) વેરુરક્ત કૅન્સરની Ta તબક્કાની ગાંઠ, (2) T1 તબક્કો, (3) T2 તબક્કો, (4) T3 તબક્કો, (5) T4 તબક્કો.

વસ્તીરોગવિદ્યા : અમેરિકામાં થતાં બધાં કૅન્સરમાં તેનું પ્રમાણ 1 % છે. ભારતમાં પણ તેનો દર ઘણો ઓછો છે. આફ્રિકાના કેટલાક વિસ્તારમાં તે 20 % જેટલો છે. ભારતના બર્શીના ગ્રામીણ વિસ્તારમાં તેનું પ્રમાણ 1 લાખ પુરુષોએ 2.9 છે. અન્યત્ર તેનો દર 1-2 / 1 લાખ પુરુષો છે. અમદાવાદમાં તેનો દર 0.75 / 1 લાખ પુરુષો છે. આમ અમદાવાદના પુરુષોના કૅન્સરના 0.77 % દર્દીઓને આ કૅન્સર થાય છે.

કારણો : સામાન્ય રીતે જે સમાજમાં સુન્નત(circumcision)નો રિવાજ નથી ત્યાં તેનું પ્રમાણ વધુ છે. યહૂદીઓમાં જન્મ પછી તરત સુન્નત કરવામાં આવતી હોવાથી તેઓમાં તે રોગ જવલ્લે જ જોવા મળે છે ( ભાગ જેટલો દર), જ્યારે મુસલમાનોમાં સુન્નત યૌવનારંભે (puberty) કરાતી હોવાથી કૅન્સરનો દર મધ્યમકક્ષાનો રહે છે. તે મોટે ભાગે 60 વર્ષની વય પછી થાય છે. તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. શિશ્નની અસ્વચ્છતા, લૈંગિક સંક્રામક ચેપ (જાતીય વ્યવહારથી લાગતો ચેપ) તથા લૈંગિક બહુજનગામિતા (sexual promiscuity) એટલે કે એકથી વધુ વ્યક્તિ સાથે જાતીય સમાગમ હોય તો શિશ્નનું કૅન્સર થવાનો ભય વધે છે. આ ઉપરાંત પારજાંબલી કિરણોનો સંસર્ગ અને તમાકુનું સેવન પણ અસરકારક પરિબળો છે. શિશ્નના ગુંબજના રક્તિમવિકસન(erythroplasia)ને કારણે ચપટાં લાલાશ પડતાં કે વૅલ્વેટ જેવાં ચકામાં થાય તો તેમાં 10 % કૅન્સર થાય છે. તેવી જ રીતે શિશ્ન-ગુંબજ પર ખરજવા જેવી કે સફેદ ચકતીઓ ઉદભવે તો તેમાં પણ કૅન્સર થાય છે. ક્યારેક શિશ્ન-ગુંબજ પર કોલી-ફ્લાવર જેવું વિકસન પણ થાય છે, જેમાં કોઈ વખત કૅન્સર ઉદભવે છે. ગુંબજ પરની આવી ચકતીઓને કૅન્સર-પૂર્વ રોગવિસ્તારો (premalignant lesions) કહે છે.

આકૃતિ 2 : શિશ્નના કૅન્સરનો લસિકાગ્રંથિઓ(lymphnodes)માં ફેલાવો :

(1) શિશ્ન, (2) ઊરુપ્રદેશ(inguinal region)માં N1 તબક્કાની એક લસિકાગ્રંથિ, (3) N2 તબક્કામાં ઘણી અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ, (4) ઊરુપ્રદેશમાં ઊંડે આવેલી N3 તબક્કાની લસિકાગ્રંથિ, (5) શ્રોણીની અંદરની અનેક અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ (N3 તબક્કો).

વર્ગીકરણ : મોટાભાગનાં કૅન્સર લાદીસમ (શલ્કસમ કોષી) (squamous cell) કૅન્સર હોય છે (45 %). તે સામાન્ય રીતે શિશ્ન-ગુંબજ કે તેની મુકુટીય ફાડ(coronal sulcus)માં ઉદભવે છે. તે ચાંદું, ગંડિકા કે કોલી-ફ્લાવર જેવું હોય છે. રોગ ફેલાય એટલે ઊરુપ્રદેશ(inguinal region)ની લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત થાય છે. પેટ અને જાંઘ જોડાય તે ભાગને ઊરુપ્રદેશ કહે છે. તે લોહી દ્વારા ફેફસાં, હાડકાં અને અન્ય અવયવોમાં ફેલાય છે. તેના તબક્કા સારણીમાં દર્શાવ્યા છે. શિશ્નના કૅન્સરનું નિદાન ઉપદંશ (syphilis) તથા શિશ્ન પર ચાંદાં કરતા અન્ય લૈંગિક સંક્રામક રોગો, વેરુકસ કૅન્સર, AIDSના દર્દીમાં થતા કાપોસીના માંસાર્બુદ (sarcoma), તલકોષી કૅન્સર (basal cell carcinoma), પેજેટનો રોગ, મિલેનોમા વગેરે વિવિધ અન્ય રોગોથી અલગ પાડીને કરાય છે.

સારણી : શિશ્નના કૅન્સરના તબક્કા

તબક્કો               રોગનો ફેલાવો
1 શિશ્ન-ગુંબજ (glans) કે ચર્માવરણ(prepuce)માં કૅન્સર
2 શિશ્ન-દંડ(shaft)માં ફેલાવો
3 1 અને 2 તબક્કા + સ્થાનિક લસિકાગ્રંથિઓ(lymphnodes)માં ફેલાવો
4 શસ્ત્રક્રિયા ન થઈ શકે તેવો લસિકાગ્રંથિમાં રોગ અથવા અન્ય અવયવોમાં ફેલાવો

સારવાર : પ્રારંભિક સારવાર શશ્નક્રિયા છે. જો 2 સેમી. જેટલો રોગમુક્ત દંડ રાખી શકાતો હોય તો શિશ્નને આંશિક રૂપે કાપી નખાય છે. મોટી ગાંઠ કે શિશ્નના દંડમાં ફેલાયેલા કૅન્સરમાં આખા શિશ્નને દૂર કરાય છે. તેને શિશ્નોચ્છેદન (penectomy) કહે છે. પૂરેપૂરું શિશ્ન કાઢી નંખાય તો મૂત્રાશયનળીને ઉપસ્થપ્રદેશ(perineum)માં છિદ્ર દ્વારા બહાર ખોલવામાં આવે છે. બે જાંઘની વચ્ચે અને ગુદાદ્વાર તથા મૂત્રદ્વારની આસપાસના પ્રદેશને ઉપસ્થવિસ્તાર કહે છે.

વધુ ફેલાયેલા કૅન્સરમાં પ્રારંભિક અથવા નવસહાયક સારવાર રૂપે દવાઓ અપાય છે અને ત્યારપછી શક્ય હોય તો શસ્ત્રક્રિયા કરાય છે. શસ્ત્રક્રિયા પછી થતી તકલીફોમાં શિશ્નને કાપવાથી ઉદભવતી કદરૂપતા મનોવિકાર કરે છે. લસિકાગ્રંથિઓ દૂર કર્યા પછી ક્યારેક સોજો આવે છે, પેશી-અંતર્ગત નસોમાં લોહી જામી જાય છે અથવા ઘામાં ચેપ લાગે કે ઘા ખૂલી જવા જેવી આનુષંગિક તકલીફો થાય છે. વિકિરણન-ચિકિત્સાથી મૂત્રાશયનળી કે મૂત્રછિદ્ર સાંકડું થઈ જાય છે. યુવાન દર્દીઓમાં શિશ્નને જાળવી રાખવા વિકિરણન-ચિકિત્સા (radiotherapy) અપાય છે. તે 3 સેમી.થી નાની ગાંઠમાં ઉપયોગી છે. રક્તિમ ચકતી જેવા કૅન્સર-પૂર્વ વિકારોમાં લેઝરની સારવાર અથવા 5-ફ્લ્યુરોયુરેસિલનો મલમ ઉપયોગી છે. બીજા અને ત્રીજા તબક્કાના કૅન્સરમાં શસ્ત્રક્રિયા પછી સિસ-પ્લૅટિન, મિથોટ્રેક્ઝેટ તથા બ્લિયોમાયસિન સહાયક સારવાર માટે વપરાય છે. ખૂબ વધેલા કૅન્સરમાં પણ 50 % દર્દીઓમાં તેની અસર થાય છે.

મૂત્રાશયનળીનું કૅન્સર : મૂત્રાશયના નીચલા છેડેથી મૂત્રાશયનળી નીકળે છે, જે પુરુષોમાં પ્રૉસ્ટેટ ગ્રંથિ અને શિશ્ર્નમાંથી પસાર થાય છે. સ્ત્રીઓમાં તે ખૂબ નાની હોય છે. તેનું ભાગ્યે જ કૅન્સર થાય છે. મોટા ભાગે મોટી ઉંમરની સ્ત્રીઓમાં આ રોગ જોવા મળ્યો છે. ઘણી વખતે ગોનોરિયાના ચેપને કારણે સાંકડી થયેલી નળીમાં તે ઉદભવે છે. મોટે ભાગે શલ્કસમ (લાદીસમ) કોષીય કૅન્સર (squamous cell carcinoma) થાય છે. ક્યારેક ઉપપરિવર્તિત કોષ (transitional cell) કૅન્સર કે ગ્રંથિકૅન્સર (adenocarcinoma) જોવા મળે છે. પેશાબની હાજતમાં મુશ્કેલી, બળતરા, નીચલા મૂત્રમાર્ગમાં ગાંઠ, શિશ્નના છિદ્રમાં પ્રવાહીનો સ્રાવ, દુખાવો તથા ઊરુપ્રદેશમાં લસિકાગ્રંથિઓમાં ફેલાવાને લીધે ગાંઠ વગેરે લક્ષણો અને ચિહનો થાય છે. શસ્ત્રક્રિયા વડે ગાંઠને દૂર કરાય છે. મોટી ગાંઠને નાની કરવા ઔષધચિકિત્સા (દવાઓ) અપાય છે અને ત્યારપછી શસ્ત્રક્રિયા કરી શકાય છે.

શિલીન નં. શુક્લ