કૅન્સર – યકૃત(liver)નું
January, 2008
કૅન્સર, યકૃત(liver)નું : યકૃત પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો 1.4 કિગ્રા.નો ઘન અવયવ છે. તેના મુખ્ય બે ખંડો (lobes) છે, જમણો અને ડાબો. યકૃતકોષોમાં બનતું પિત્ત (bile) પિત્ત-લઘુનલિકાઓ(bile canaliculi)માં થઈને યકૃતનલિકાઓ(hepatic-ducts)માં ઠલવાય છે. ડાબી, જમણી અને મુખ્ય યકૃતનલિકા ઉપરાંત પિત્તાશયનળી અને મુખ્ય પિત્તનળીના સમૂહને પિત્તનલિકાઓ કહે છે. તે અને પિત્તાશય (gall bladder) મળીને પિત્તમાર્ગ બનાવે છે. યકૃત શરીરમાંની ચયાપચયી (metabolic) રાસાયણિક ક્રિયાઓ કરતો મહત્વનો અવયવ છે. તેમાં શરીરમાં ઉદભવતા અનેક ઝેરી પદાર્થોનું બિનઝેરીકરણ (detoxification) થાય છે. યકૃતના મુખ્ય કૅન્સરને યકૃતકોષી કૅન્સર (hepatocellular carcinoma) કહે છે. યકૃતમાંની પિત્તનલિકાઓના કૅન્સરને પિત્તનળી-કૅન્સર (cholangio-carcinoma) તથા તેમાંની લોહીનસોના કૅન્સરને વાહિની-માંસાર્બુદ (angiosarcoma) કહે છે. યકૃતકોષી કૅન્સર કરતાં શરીરના અન્ય ભાગમાં થયેલું કૅન્સર યકૃતમાં આવ્યું હોય તેવું લગભગ 20ગણી વખત વધુ બને છે.
વસ્તીરોગવિદ્યા : યકૃતકોષી કૅન્સરના દુનિયાભરમાં દર વર્ષે આ રોગના 2,50,000 નવા દર્દીઓ નોંધાય છે. વિશ્વના જુદા જુદા દેશોમાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. ચીન, દક્ષિણ-પૂર્વ એશિયા, પશ્ચિમી અને દક્ષિણી આફ્રિકા તથા પૂર્વીય દેશોમાંની ચીની વસ્તીમાં તેનું પ્રમાણ ઘણું ઊંચું છે. (20/100000 પુરુષો), જ્યારે ભારત, અમેરિકા, ઇંગ્લૅન્ડ, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, કેટલાક યુરોપીય દેશોમાં તેનો દર ઘણો ઓછો છે (5/100000 પુરુષો). ભારતમાં યકૃતના કૅન્સરનો દર 1થી 3.5/1 લાખ પુરુષો અને 0.5થી 1.9/1 લાખ સ્ત્રીઓ છે. 1 લાખ પુરુષોએ 1.78ના દરે તથા દર 1 લાખ સ્ત્રીઓએ 0.6ના દરે અમદાવાદમાં યકૃતનું કૅન્સર જોવા મળે છે.
કારણો : તેનો દર ઉંમર સાથે વધે છે અને પુરુષોમાં તે વધુ પ્રમાણમાં જોવા મળે છે. સૌથી વધુ તે આયુષના પાંચમા દાયકામાં જોવા મળે છે. તે વિષુવવૃત્તીય પ્રદેશોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે અને તેથી તે વિસ્તારોના પોષણસંબંધિત વિકારો કારણભૂત હોવાની શક્યતા છે. ગરમ અને ભેજવાળા વાતાવરણમાં અનાજ પર ઊગતી ફૂગનું ફૂગવિષ (mycotoxin) યકૃતનું કૅન્સર કરે છે એમ મનાય છે. તેના દ્વારા અન્ય પ્રાણીમાં યકૃતનું કૅન્સર થયેલું નોંધાયું છે. યકૃતશોથ-બીના વિષાણુ (hepatitis-B virus, HBV)નો લાંબા સમયનો ચેપ યકૃતના કૅન્સર થવામાં 100ગણો વધારો કરે છે. આ પ્રકારે થતો ચેપી કમળો સામાન્ય રીતે લોહી કે શરીરના અન્ય પ્રવાહી દ્વારા ફેલાય છે. કદાચ આ વિષાણુનો ચેપ આ પ્રકારનું કૅન્સર કરે છે એવું મનાય છે. પશ્ચિમી દેશોમાં દારૂના સેવનથી થતા યકૃતકાઠિન્ય-(cirrhosis)વાળા દર્દીઓમાં તે જોવા મળે છે. યકૃતકૅન્સરના 80 % કિસ્સામાં યકૃતકાઠિન્ય તથા HBVનો ચેપ કારણરૂપ હોય છે. દારૂથી થતું યકૃતકાઠિન્ય આશરે 15 % કિસ્સામાં યકૃતકૅન્સર કરે છે. આ ઉપરાંત યકૃતમાં લોહ(iron)નો ભરાવો, વિકિરણન (radiation), જનનગ્રંથિલક્ષી અંત:સ્રાવો જેવા કે ઍન્ડ્રોજન અને ઇસ્ટ્રોજન, વાઇનલ ક્લોરાઇડ, આર્સેનિક, પર્ણકૃમિ વગેરે વિવિધ ઘટકો પણ કૅન્સરકારક મનાય છે.
નિર્દેશન અને નિદાન : તેને કારણે પેટમાં જમણી બાજુ ઉપલા ભાગમાં દુખાવો, ગાંઠ, અરુચિ (ભૂખ ન લાગવી), વજનમાં ઘટાડો, કમળો તથા ક્યારેક પેટમાં પ્રવાહી ભરાવું (ascites) વગેરે લક્ષણો અને ચિહનો જોવા મળે છે. ઘણી વખત પરાકૅન્સરી (paraneoplastic) સંલક્ષણ રૂપે વિવિધ વિકારો ઉદભવે છે, જેમ કે લોહીમાં ગ્લુકોઝ ઘટી જાય તથા કૅલ્શિયમ વધે, કુશિંગનું સંલક્ષણ થાય, યૌવનારંભ (puberty) વહેલો થઈ જાય, લોહીના કોષો(ખાસ કરીને રક્તકોષો)ની સંખ્યા વધે, લોહીના રક્તકોષો તૂટી જાય, શ્વેતકોષો વધે કે નસોમાં લોહી જામી જાય વગેરે. નિદાન કરવા માટે ધ્વનિચિત્રણ (sonography) વડે તપાસ, લોહીમાં આલ્કલાઇન ફૉસ્ફેટેઝ અને આલ્ફા-ફીટો-પ્રોટીન(aFP)નું વધેલું પ્રમાણ તથા સોય વડે યકૃતપેશીનો ટુકડો લઈને કરાતું જીવપેશીપરીક્ષણ (biopsy) ઉપયોગી છે. જેમને યકૃતશોથ (hepatitis) ન હોય તેમાં 400 માઇક્રોગ્રામ/ડેસીલિટરથી વધુ અને જેમનામાં યકૃતશોથ-બી(hepatitis-B)નો સપાટીગત પ્રતિજન (surface antigen) અથવા ઑસ્ટ્રેલિયા એન્ટિજન (HBsAg) હોય તેમનામાં 4,000 માઇક્રોગ્રામ/મિલીલિટરથી વધુ aFP હોય તો તે યકૃતકોષી કૅન્સરનું નિદાન સૂચવે છે. કાર્સિનોએમ્બ્રિયોનિક ઍન્ટિજન (CEA) યકૃતકોષી કૅન્સરમાં નહિ પરંતુ પિત્તનલિકાઓના કૅન્સરમાં વધે છે. જરૂર પડ્યે ધ્વનિચિત્રણ (sonography) કે સીએટી-સ્કૅન વડે સ્થાન નિશ્ચિત કરીને જીવપેશીપરીક્ષણ કરાય છે.
સ્ત્રીઓમાં ક્યારેક તંતુસ્તરીય (fibrolamellar) પ્રકારનું યકૃતકૅન્સર થાય છે. તેમાં સામાન્ય રીતે આલ્ફા-ફીટો-પ્રોટીનનું પ્રમાણ વધતું નથી, પરંતુ તેમાં વિટામિન બી12 સાથે જોડાતું પ્રોટીન અને ન્યુરોટેન્સિન નામનું કૅન્સરસૂચક દ્રવ્ય (tumour marker) વધે છે. આ પ્રકારના કૅન્સર સાથે યકૃતકાઠિન્ય હોતું નથી. યકૃતકૅન્સરના તબક્કા તેના કદ, નસો સાથેનો સંબંધ, સ્થાનિક લસિકાગ્રંથિઓમાં કે અન્ય અવયવોમાંના ફેલાવાને આધારે નક્કી કરવામાં આવે છે.
સારવાર : મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે. ગાંઠનો તબક્કો તથા યકૃતની ક્રિયાક્ષમતાને આધારે શસ્ત્રક્રિયા સંભવિત છે કે નહિ તે નક્કી કરાય છે. દર્દીને યકૃતકાઠિન્ય (cirrhosis) ન હોય અથવા થોડુંક જ હોય તો આંશિક યકૃત-ઉચ્છેદન (partial hepatectory) કરીને યકૃતનો રોગગ્રસ્ત ભાગ કાપી કઢાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં યકૃતનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. જો દર્દીને મધ્યમકક્ષાથી અતિતીવ્ર યકૃતકાઠિન્ય હોય તો યકૃતપ્રત્યારોપણ-(liver transplantation)ની સારવાર કરાય છે. સિરમ બિલિરુબિન, પ્રોથ્રોમ્બિનટાઇમ અને સિરમ આલ્બ્યુમિનની સપાટી તથા જલોદર અને મસ્તિષ્કરુગ્ણતા(encephalitis)ની હાજરીને આધારે, જોખમનો આંક (risk index) ગણી કઢાય છે. જો તે 5-6 ગુણ હોય તો તે ‘એ’ વર્ગ અને 10થી 15 ગુણ હોય તો ‘સી’ વર્ગ ગણવામાં આવે છે. ‘એ’ વર્ગના દર્દીમાં શસ્ત્રક્રિયાનું જોખમ ઓછું રહે છે. ફક્ત 13 %થી 35 %માં આંશિક યકૃતઉચ્છેદન થઈ શકે છે; 5 %નો મૃત્યુદર રહે છે. શરૂઆતના તબક્કાના કૅન્સરમાં 5 વર્ષનો જીવનકાળ 30 %થી 40 % કિસ્સામાં મળે છે. યકૃતકાઠિન્યથી યકૃત ઘણું અસરગ્રસ્ત થયેલું હોય, ગાંઠ 5 સેમીથી નાની હોય, 2 કે 3 ગાંઠો 3 સેમીથી નાની હોય, નસોમાં કૅન્સર પ્રસર્યું ન હોય, તો યકૃતપ્રત્યારોપણ કરી શકાય છે. શસ્ત્રક્રિયા સંબંધિત મૃત્યુદર ઊંચો છે. જેમનામાં શસ્ત્રક્રિયા ન થઈ શકે તેમાં વિવિધ પેશીનાશન (ablation) પ્રક્રિયા કરાય છે, જેમ કે ગાંઠમાં ઇથેનોલનું ઇન્જેક્ષન આપવું, રેડિયોતરંગો વડે ગાંઠનો નાશ કરવો, શીતચિકિત્સા (cryotherapy) કરવી, યકૃતની ધમનીમાં રસાયણગુલ્મન (chemoembolisation) કરવું વગેરે.
દુખાવાની સારવાર રૂપે ક્યારેક વિકિરણન-ચિકિત્સા (radiotherapy) કરાય છે. હાલ વિકિરણનશીલ (radioactive) I131 ઍન્ટિફેરિટિન અને Y90 ઍન્ટિફેરિટિન વડે સારવારના પ્રયોગો ચાલે છે. તેવી જ રીતે યકૃતધમનીમાં 5-ફ્લ્યુરોયુરેસિલ, ડૉક્સોરુબિસિન તથા 5-FUdRનાં ઇન્જેક્ષન આપવાના પ્રયોગો પણ થઈ ચૂક્યા છે. શિરા વાટે (નસ દ્વારા) સિસ-પ્લૅટિન અને ડૉક્સોરુબિસિન આપવાથી થોડા કિસ્સામાં લાભ રહે છે. શિરામાર્ગી સિસ-પ્લૅટિન, ઇન્ટરફીરૉન આલ્ફા-ટુ-બી, ડૉક્સોરુબિસિન અને 5-ફલ્યુરોયુરેસિલની PIAF નામની સામૂહિક ઔષધચિકિત્સાની સફળતાનો દર 50 % નોંધાયો છે. તેની આડઅસરો ઘણી હોય છે.
યકૃતની સૌમ્ય (benign) ગાંઠો : તેમને વિશે મહત્વની માહિતી સારણીમાં દર્શાવી છે.
સારણી : યકૃતની કેટલીક સૌમ્ય ગાંઠો
ગાંઠ |
વિશેષતા |
|
1 | વાહિનીઅર્બુદ (haemangioma) |
યકૃતની સૌથી વધુ થતી ગાંઠ છે. સોય વડે કરાતું જીવપેશીપરીક્ષણ (biopsy) ક્યારેક જોખમી છે. અલ્ટ્રાસાઉન્ડ કે સીએટી- સ્કૅનથી નિદાન થાય છે. તેની કોઈ સારવારની જરૂર નથી. |
2 | ગ્રંથિઅર્બુદ (adenoma) |
યુવાન સ્ત્રીઓમાં થતી ગાંઠ છે. તેના દર્દી માટે ગર્ભનિરોધી ગોળીઓ અને સગર્ભા વસ્થાનો નિષેધ છે. તે શસ્ત્રક્રિયાથી દૂર કરાય છે. ક્યારેક ગાંઠ ફાટી જાય તો ખૂબ જ લોહી વહી જાય છે. |
શિલીન નં. શુક્લ