કૅન્સર, મોં, નાક અને ગળાનું  : મોં, નાક, ગળું તથા લાળગ્રંથિનું કૅન્સર થવું તે. તેને અંગ્રેજીમાં head and neck cancers તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મગજ, આંખ તથા ચહેરાની ચામડી, હાડકાં અને મૃદુપેશીના કૅન્સરનો તેમાં સમાવેશ કરાતો નથી. હોઠ, મોંની બખોલ અથવા મુખગુહા (oral cavity), જીભ, ગળાનો ભાગ, નાક અને આસપાસનાં વિવરો (હાડકાંમાંનાં પોલાણો, sinuses) તથા સ્વરપેટીના કૅન્સરને ઉપલા શ્વસન-પચનમાર્ગ(aero-digestive track)નાં કૅન્સર કહે છે. તે મુખ્યત્વે (90 %) લાદીસમ અથવા શલ્કસમ કોષી કૅન્સર (squamous cell carcinoma) પ્રકારનાં હોય છે. 5 %થી 20 % કિસ્સામાં કૅન્સર એકથી વધુ વિસ્તારોમાં જોવા મળે છે.

વસ્તીરોગવિદ્યા : વિશ્વમાં દર વર્ષે 5 લાખ નવા દર્દીઓને તે થાય છે. અમેરિકાનાં 4 %થી 5 % કૅન્સર મોં, નાક અને ગળા વિસ્તારમાં થાય છે. ત્યાં તેનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં બેથી અઢીગણું વધારે હોય છે, પરંતુ સ્ત્રીઓમાં ધૂમ્રપાનની ટેવ વધવાની સાથે આ તફાવત ઘટી રહ્યો છે. મોટા ભાગના દર્દીઓ 50 વર્ષથી વધુ વયના હોય છે.

ભારતના પશ્ચિમ ભાગમાં મોં, નાક અને ગળાનાં કૅન્સર સૌથી વધુ પ્રમાણમાં થાય છે. તમાકુનું સેવન (ધૂમ્રપાન તથા પાન-મસાલા) તેમાં મુખ્ય કારણરૂપ મનાય છે. ભારતમાં પુરુષોને 23 % (સૌથી વધુ) કૅન્સર મોંની બખોલ, ગળું અને સ્વરપેટીનું થાય છે. સ્ત્રી અને પુરુષોને હોઠનું કૅન્સર 0.2થી 0.7/100000ના દર મુજબ થાય છે. જીભના કૅન્સરનું પ્રમાણ 0.5થી 10.89/100000 છે જેમાં અમદાવાદ 10.89/100000ના દર સાથે મોખરે છે. સ્ત્રીઓ (0.5થી 2.3/100000)ના કરતાં પુરુષો(1.2થી 6.5/100000)ને જીભનું કૅન્સર વધુ થાય છે. મોંની બખોલના કૅન્સરનો દર 0.6થી 10.2/100000 છે. ચેન્નાઈના પુરુષો અને બૅંગલોરની સ્ત્રીઓમાં તે સૌથી વધુ જોવા મળે છે. ગળાના ત્રણે મુખ્ય ભાગો  નાકગળું, મુખગળું અને નીચેનું ગળું અનુક્રમે નાકની પાછળ, મોંની બખોલની પાછળ અને ગળાના નીચલા ભાગમાં આવેલાં છે. તેમાં ગળાના નીચલા ભાગમાં સૌથી વધુ કૅન્સર જોવા મળે છે. ખાસ કરીને પુરુષોમાં (3.5થી 10.3/100000). તેમાં ભોપાલમાં સૌથી વધુ દર્દીઓ નોંધાયેલા છે. લાળગ્રંથિનું કૅન્સર ઓછા પ્રમાણમાં થાય છે (0.2થી 0.8/100000). તેવી જ રીતે નાકના કૅન્સરનો દર પણ 1.4/100000 કે તેથી ઓછો છે. સ્ત્રીઓ (0.01થી 1.9/100000) કરતાં પુરુષોમાં (2.6થી 11.0/100000) સ્વરપેટીનું કૅન્સર વધુ થાય છે. તેના સૌથી વધુ કિસ્સા દિલ્હીમાં નોંધાયા છે. મોં, નાક અને ગળાનાં બધાં જ કૅન્સર થવાનું સૌથી વધુ પ્રમાણ અમદાવાદમાં પુરુષોમાં 48.32/100000ના દરે જોવા મળ્યું છે. ભારતમાં દર 50થી 111 પુરુષે એકને આ વિસ્તારના કોઈ એક ભાગનું કૅન્સર થવાની શક્યતા છે, જ્યારે સ્ત્રીઓમાં આ દર 83થી 1000નો છે.

વિશ્વમાં વિવિધ સ્થળોએ સ્વરપેટીના કૅન્સરનું પ્રમાણ જુદું જુદું છે, પરંતુ બધે જ તે પુરુષોમાં વધુ થાય છે. બ્રાઝિલના અમુક વિસ્તારો અને અમેરિકાના હબસીમાં તેનું પ્રમાણ ભારત કરતાં વધુ છે (અનુક્રમે 17.8 અને 12.6 દર 100000 પુરુષોએ), જ્યારે બ્રિટન, ફિનલૅન્ડ અને સ્વીડનમાં તેનું પ્રમાણ ઓછું છે.

અમદાવાદમાં પુરુષોમાં જીભનું કૅન્સર 8.69 %ના દરે, સ્વરપેટીનું કૅન્સર 5.87 %ના દરે તથા ગળાના નીચલા ભાગનું કૅન્સર 5.72 %ના દરે થાય છે. પુરુષોમાં આ વિસ્તારનાં બધાં જ કૅન્સરનો સંયુક્ત દર 44.77 % છે. જીભ સિવાયનું મોંની બખોલમાંનું કૅન્સર 4.62 %ના દરે થાય છે. આમ મોટા ભાગનાં કૅન્સર મોંની બખોલ તથા ગળાની અંદરના ભાગમાં જોવા મળ્યાં છે (24.91 %). સ્ત્રીઓમાં બધાં જ કૅન્સર ઓછા પ્રમાણમાં જોવામાં આવ્યાં છે અને તેમનો સંયુક્ત દર 10.52 % જેટલો છે.

સારણી 1 : મોંગળાના કૅન્સરકારકો (carcinogens)

 

વિસ્તાર

કૅન્સરકારક ઘટકો

સહાયક
પરિબળ

1. નાકનું પોલાણ તથા નાકની
આસપાસનાં હાડકાંનાં પોલાણો
એટલે કે નાકગુહા અને
પરાનાસા વિવરો
(paranasal sinuses)
લાકડાની ભૂકી
(સુથારીકામ),
ચામડાની બનાવટોનો
ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ,
નિકલ-શોધન
(refining), થોરોટ્રાસ્ટ
(રેડિયો કેમિકલ),
મસ્ટાર્ડ વાયુ
કદાચ લાંબા
સમયનો
વિવરશોથ
(sinusitis)
તથા
ધૂમ્રપાન
2. નાસા-ગ્રસની (નાકગળું,
nasopharynx) –
નાકની પાછળનો ગળાનાં
પોલાણનો ભાગ
નાઇટ્રોસેમાઇન્સ એપ્સ્ટિન-બાર
વિષાણુ,
ચીનની
પ્રજા
3. મુખગુહા (oral cavity) ધૂમ્રપાન, દારૂ,
છીંકણી સૂંઘવી,
તમાકુ ચાવવી કે
દાંત-અવાળુ પર
ઘસવી, કાપડ તથા
“ચામડાના ઉદ્યોગો
ઉપદંશ
(syphilis),
વિટામિનની
ઊણપ
4. અધોગ્રસની (hypopharynx,
ગળાનો નીચેનો ભાગ) તથા
સ્વરપેટી
ધૂમ્રપાન,
ઍસ્બેસ્ટૉસ
મસ્ટાર્ડ વાયુ, દારૂ,
લાકડાની ભૂકી
પોષણની
ઊણપ
5. લાળગ્રંથિ વિકિરણન
(radiation)
એસ્કિમો
પ્રજા

કારણો : શ્વાસ તથા ખોરાક લેવાની પ્રક્રિયાને કારણે આ વિસ્તારની અંદરની શ્લેષ્મસ્તરીય (mucosal) દીવાલ વિવિધ પ્રકારના કૅન્સરકારકો સાથે સંસર્ગમાં આવે છે. તમાકુ ચાવવી, સૂંઘવી, દાંત કે અવાળુ પર ઘસવી તથા તેનું ધૂમ્રપાન કરવું, દારૂ પીવો તથા તમાકુ તેમજ દારૂ બંનેનું સેવન કરવું – આ ટેવો કૅન્સર સાથે સીધી રીતે જોડાયેલી છે. તમાકુ-વ્યસનને કારણે મોં-ગળાની અંદરની દીવાલ વ્યાપક રીતે અસરગ્રસ્ત થવાથી તેમાં એકસાથે કે કાલાનુક્રમે એકથી વધુ જગ્યાએ કૅન્સર થાય છે. તે સ્થિતિને કૅન્સરીકૃત ક્ષેત્રતા (field cancerisation) કહે છે. મોં અને ગળાની સ્વચ્છતાની ઊણપ તથા ખોરાકમાં પોષણની ઊણપ (દા.ત. લોહ તથા વિટામિનો) પણ આ પ્રકારનાં કૅન્સરકારક પરિબળો ગણાય છે. વિષાણુજન્ય (viral) અને વાતાવરણજન્ય પરિબળો કાર્યરત હોવાની માન્યતા છે. વિવિધ કૅન્સરકારકોની માહિતી સારણી 1માં દર્શાવી છે. તૂટેલા દાંતથી થતો સતત ઘસારો હોઠ, જીભ કે ગલોફાનું કૅન્સર કરે છે.

આકૃતિ 1 : ગળામાંની લસિકાગ્રંથિમાં કૅન્સરના ફેલાવાથી થતી ગાંઠ : (1) નાક, (2) હોઠ, (3) દાંત, (4) જીભ, (5) નાકગુહા, (6) મૃદુતાળવું, (7) અધિસ્વરયંત્રિકા (epiglottis), (8) નાસાગ્રસની (nasopharynx), (9) મુખગળું (orophirynx), (10) અધ:ગ્રસની (hypopharynx), (8, 9, 10) ગળું (pharynx), (11) થાયરૉઇડ કાસ્થિ, (12) ક્રિકોઇડ કાસ્થિ, (13) સ્ટર્નોમેસ્ટોઇડ સ્નાયુ, (14) સમાન બાજુની એક 3 સેમી.થી નાની ગાંઠ હોય તો N1, (15) એક અથવા વધુ ગાંઠો 3થી 6 સેમી. વચ્ચે હોય તો N2, (16) 6 સેમી.થી વધુ મોટી ગાંઠ હોય તો N3. (અ) માથું અને ગળાનો ઊભો છેદ, (આ) ગળામાં આવેલી લસિકાગ્રંથિઓનાં જૂથો (I, II, III, IV, V); લસિકાગ્રંથિઓના 5 જૂથ જેમને ‘સ્તર’ (level) પણ કહે છે,  (ઇ) N1 અને N2 તબક્કાનું કૅન્સર, (ઈ) N3 તબક્કો.

નિર્દેશન અને નિદાન : સામાન્ય રીતે મોં-ગળાની અંદરની દીવાલની સપાટી પર (mucosal) કે ક્યારેક તેની નીચે (submucosal) વિસ્તારમાં કૅન્સર ઉદભવે છે. કાકડા, જીભનું મૂળ તથા નાની લાળગ્રંથિઓમાં સૌપ્રથમ સપાટીની નીચે રોગવિસ્તાર થાય છે. એક વખત સારવાર અપાઈ હોય તેવા દર્દીમાં ફરીથી થતું કૅન્સર પણ શ્લેષ્મસ્તર(mucosa)ની નીચે ઉદ્ભવે છે. આવાં કૅન્સરને જોવાથી શોધી ન પણ શકાય પરંતુ સ્પર્શથી તરત તેમની જાણ થાય છે. અંદરની દીવાલ પરનું કૅન્સર વિવિધ રૂપે જોવા મળે છે. ક્યારેક તેનાથી ચાંદું પડે છે, ક્યારેક સપાટી ખરબચડી થાય છે, જાડી થાય છે, ઊપસી આવે છે અથવા તેમાં કૉલી ફ્લાવર જેવી ગાંઠ થાય છે. તે લાલાશ પડતી કે સફેદ રંગની હોય છે. ગાંઠ વધે એટલે તેના પર ચેપ લાગે, કોષનાશ (necrosis) થાય અને લોહી પડે છે. ધીમે ધીમે તે નીચે આવેલા સ્નાયુને અસરગ્રસ્ત કરીને કાર્યક્ષમતા ઘટાડે છે. આ ઉપરાંત તે શ્લેષ્મસ્તરની સપાટી પર પણ વિકસે છે તથા આસપાસની સંરચનાઓ દા.ત., હાડકાં કે કાસ્થિ(cartilage)નું આવરણ કે ચેતાતંતુઓ પણ અસરગ્રસ્ત થાય છે. હાડકાં સૌથી છેલ્લે અસરગ્રસ્ત થાય છે. ચેતાઓ (nerves) અને નસોના માર્ગમાં તે ફેલાય છે. તે રીતે તે ઊંડે સુધી અને દૂર દૂર પ્રસરે છે.

ગાંઠ, તેનાથી થતું દબાણ, તેમાં લાગતો જીવાણુજન્ય અને ફૂગજન્ય ચેપ અને તેથી થતો સોજો અને દુખાવો કરતો શોથ (inflammation) વિવિધ લક્ષણો અને ચિહનો કરે છે. ગાંઠ ફેલાવાથી સ્નાયુઓનું કાર્ય ઘટે છે તેથી ખોરાક ગળવામાં તકલીફ થાય છે, અવાજ ભારે થઈ જાય છે અને બોલવામાં તકલીફ પડે છે. વળી ચેતાઓના દબાણને કારણે પણ અવાજ બેસી જાય છે તથા દુખાવો ઊપડે છે. સપાટી પર ચાંદું પડવાથી તથા કોષનાશ થવાથી લોહી પડે છે. શ્વસનમાર્ગનો અવરોધ ઘરેરાટી (stridor) કરે છે. દુખાવો કાન અને માથામાં ફેલાય છે. નાક અને આસપાસનાં વિવરોનાં કૅન્સરમાં નાક બંધ થવું તથા નાકમાંથી લોહી પડવું વગેરે તકલીફો થાય છે. જોકે જીભનું મૂળ, નાકની પાછળનો ભાગ, નાકની આસપાસનાં હાડકાંમાંનાં પોલાણો (sinuses) તથા સ્વરપેટીની ઉપર આવેલી જમરૂખી બખોલ(pyriform fossa)માં ઉદભવતાં કૅન્સર જ્યાં સુધી ખૂબ વધી ન જાય ત્યાં સુધી કોઈ લક્ષણો દર્શાવતાં નથી. કૅન્સર લસિકાવાહિનીઓ (lymphatics) નામની સૂક્ષ્મનલિકાઓ દ્વારા ગળામાંની લસિકાગ્રંથિઓ(lymph nodes)માં જાય છે. ક્યારેક ગળામાંની લસિકાગ્રંથિમાં ફેલાયેલી ગાંઠ જ પ્રથમ ચિહન બની રહે છે. વિવિધ પ્રકારનાં કૅન્સરનો ફેલાવો જુદો જુદો પણ નિશ્ચિત રૂપનો જ હોય છે. જો મૂળ ગાંઠ મોટી હોય અથવા લસિકાગ્રંથિઓમાં વ્યાપકપણે ફેલાઈ હોય તો તેની અન્યત્ર ફેલાવાની શક્યતા વધે છે. ફેફસાં સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. રોગ ક્યારેક હાડકાં, યકૃત અને મગજમાં પ્રસરે છે.

સીધું અથવા દર્પણની મદદથી કરાતું અવલોકન તથા આંગળી વડે જે-તે ભાગને અડવાથી રોગની જાણકારી મળે છે. મોંમાં થતી સફેદ ચકતી (leukoplakia) કૅન્સર-પૂર્વ અવસ્થા છે. અવલોકન અને સ્પર્શન (palpation) વડે કરાતી તપાસ સમયે મોં-ગળામાંની ગાંઠ કે ચાંદું તથા ગળામાં મોટી થયેલી કઠણ લસિકાગ્રંથિ શોધી શકાય છે. ગળાની અંદરની ગાંઠ જોવા માટે જીભને બહાર અને નીચેની તરફ ખેંચીને રાખવામાં આવે છે અને દાંડી દ્વારા ગોળ અને ત્રાંસા અરીસાને ગળામાં લઈ જઈને જોવાય છે. અરીસાને પહેલાં સહેજ ગરમ કરાય છે જેથી તેના પર ભેજ ન બાઝે. દર્દીને ‘ઈ’ બોલવાનું કહેવાય છે જેથી સ્વરપેટી ઉપરની તરફ ખસે અને તેની ઉપલી સપાટી સ્પષ્ટપણે જોઈ શકાય. આ સમયે સ્વરરજ્જુ(vocal cord)નું હલનચલન પણ જોઈ શકાય છે. ગળામાં અંદરના ભાગમાં પ્રકાશ જાય તે માટે ડૉક્ટર તેના કપાળ પર આંખની પાસે વીજબત્તી રાખે છે અથવા અરીસો રાખે છે જેના દ્વારા બહારથી આવતો પ્રકાશ ગળામાં ફેંકી શકાય. ગળાની મૃદુપેશીનું એક્સ-રે ચિત્રણ, સૉનોગ્રાફી (અશ્રાવ્યધ્વનિલેખન), બેરિયમનો કોળિયો ગળીને લેવાતું એક્સ-રે ચિત્રણ તથા સીએટી-સ્કૅન અને એમઆરઆઈ ગાંઠના સ્થાન અને ફેલાવાને નિશ્ચિત કરવામાં મદદ કરે છે. તેમના વડે આસપાસની ધોરી નસો(દા.ત., મસ્તિષ્કધમની, carotid artery)ને ગાંઠ વડે અસરગ્રસ્ત કરાઈ છે કે નહિ તે જાણી શકાય છે. નિદાન માટે ત્રિમાર્ગી અંત:નિરીક્ષા (triple endoscopy) કરવાનું સૂચવાય છે – તેના દ્વારા નાકની પાછળનું ગળું, મુખગળું, ગળાનો નીચેનો ભાગ, સ્વરપેટી તથા અન્નનળીનો ઉપલો ભાગ જોવામાં આવે છે. તે માટે કરાતી અંત:નિરીક્ષાઓને સ્વરતંત્રનિરીક્ષા (laryngoscopy), નાસાગ્રસનીનિરીક્ષા (nasopharyngoscopy) અને અન્નનળી-નિરીક્ષા (oesophagoscopy) કહે છે. આ પ્રકારનાં નિરીક્ષાલક્ષી (endoscopic) પરીક્ષણો અંત:દર્શકો (endoscopy)ની મદદથી થઈ શકે છે. અંત:દર્શકો દ્વારા દર્શાવાતાં અથવા મોંની ગુફા કે ડોક પરની ગાંઠ કે ચાંદાનો ટુકડો કાપીને સૂક્ષ્મદર્શક વડે તપાસ કરાય છે. તેને પેશીપરીક્ષણ (biopsy) કહે છે.

સારણી 2 : મોંગળાના કૅન્સરનું TNM વર્ગીકરણ અને તબક્કા

મૂળ ગાંઠ (T)
Tx

Tis

T1–3

T4

મૂળ ગાંઠ દર્શાવી શકાતી ન હોય

અતિસીમિત (in situ) કૅન્સર

જુઓ સારણી 3

મોટી ગાંઠ, આસપાસનાં હાડકાં/મૃદુપેશીમાં ફેલાવો

લસિકાગ્રંથિ (N)
   Nx

N0

N1

 

N2

 

N3

લસિકાગ્રંથિમાં ફેલાવો દર્શાવી શકાતો ન હોય

લસિકાગ્રંથિમાં ફેલાવો ન હોય

3 સેમી.થી નાની ગાંઠની સમબાજુ(ipsilateral)એ એક

લસિકાગ્રંથિ અસરગ્રસ્ત

3થી 6 સેમી.ની એક કે વધુ સમબાજુએ લસિકાગ્રંથિઓમાં

ફેલાવો

6 સેમી.થી મોટી સમબાજુની લસિકાગ્રંથિ અથવા વિષમબાજુ

(સામેની બાજુ, contralateral) લસિકાગ્રંથિઓમાં ફેલાવો

સ્થાનાંતરિતતા (M)
   M0

M1

અન્ય અવયવો અસરગ્રસ્ત ન હોય

અન્ય અવયવો અસરગ્રસ્ત ન હોય

તબક્કાઓ
   1

2

3

4

T1 N0 M0

T2 N0 M0

T3 N0 M0, T1–3 N1 M0

T4 N0–1 M0, T1–4 N2–3, M0, T1–4 N0–3 M1

વર્ગીકરણ : કઠણ તાળવું અને લાળગ્રંથિઓને બાદ કરતાં 95 % કિસ્સામાં લાદીસમ (શલ્કસમ) કોષીય (squamous cell) કૅન્સર થાય છે. નાની લાળગ્રંથિઓમાં ગ્રંથિકૅન્સર (adenocarcinoma) થાય છે. ક્યારેક સાર્કોમા (માંસાર્બુદ), મિલેનોમા, માયેલોમા, લિમ્ફોમા તથા અન્ય પ્રકારનું કૅન્સર જોવા મળે છે. મોં-ગળાના કૅન્સરનું TNM વર્ગીકરણ કરાયેલું છે (સારણી 2 અને 3). રોગનો તબક્કો સારવારના પરિણામને સીધી રીતે અસર કરે છે. કૅન્સરના કોષોના વિભેદન(differentiation)ને આધારે G1થી G4 સુધીનો તીવ્રતા-અંક (grade) નક્કી કરાય છે.

સારવાર : સારવારનો મુખ્ય આધાર શસ્ત્રક્રિયા અને વિકિરણન-ચિકિત્સા (radiotherapy) છે. શસ્ત્રક્રિયા રૂપે રૂઢિગત (conventional) શસ્ત્રક્રિયા, લેઝર શસ્ત્રક્રિયા, અતિશીત શસ્ત્રક્રિયા (cryosurgery), વીજદહન (electrocauterization) વગેરે કરાય છે. દવાઓથી ગાંઠનું કદ ઘટે છે પરંતુ તે ફરીથી ઊથલો મારે છે. હાલ દવાઓનો ઉપયોગ શસ્ત્રક્રિયા અને વિકિરણન-સારવારની સહાયક સારવાર તરીકે કરાય છે. વિકિરણન-સારવારનો ઉપયોગ પ્રસ્થાપિત થયેલો છે. તેની અસર વધારવા માટે વિવિધ પ્રયોગો થઈ રહ્યા છે. શસ્ત્રક્રિયા વડે દૂર ન થઈ શકે એવા સ્થળે થયેલું કૅન્સર વિકિરણન-સારવારથી કાબૂમાં લેવાય છે. શસ્ત્રક્રિયા વડે મૂળ ગાંઠને દૂર કરવામાં આવે ત્યારે વિવિધ પ્રકારની તકલીફો ઉદભવે છે. દા.ત. અવાજ ઉત્પન્ન કરવામાં, ઉચ્ચારો કરવામાં, ખોરાક ચાવવામાં અને ગળવામાં, શ્વાસોચ્છવાસની ક્રિયામાં અને શ્વસનમાર્ગના રક્ષણમાં તથા સ્વાદ કે ગંધ પારખવામાં તકલીફ થઈ શકે છે. ક્યારેક હાથના સ્નાયુઓ નબળા થાય છે તેથી શસ્ત્રક્રિયાથી થતો લાભ અને તેની આનુષંગિક તકલીફોને મૂલવીને નિર્ણય કરાય છે. જરૂર પડ્યે પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા કરીને, શ્વાસનળીમાં છિદ્ર કરીને કે કૃત્રિમ સ્વરપેટી જેવાં સાધનોની મદદથી તકલીફો ઘટાડાય છે. ગળામાં ફેલાયેલી ગાંઠોને દૂર કરવામાં શસ્ત્રક્રિયા ઉપયોગી છે. હાડકામાં પ્રસરેલા કૅન્સર માટે શસ્ત્રક્રિયા જરૂરી છે. મોંની ગુહા અને મુખગળા(oropharynx)ના કૅન્સરમાં ગાંઠ, નીચલા જડબાનો થોડો ભાગ તથા ગળાની લસિકાગ્રંથિઓ કાઢી નંખાય છે. તેને ‘કમાન્ડો ઑપરેશન’ કહે છે. નાની ગાંઠોમાં નીચલું જડબું સાચવી રાખીને શસ્ત્રક્રિયા કરાય છે. ગળામાંની મૂળ ગાંઠને વિકિરણન-સારવારથી સંપૂર્ણપણે કાબૂમાં લીધા પછી ગળાના બહારના ભાગમાં આવેલી અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ દૂર કરવા નિ:શેષ અથવા મૂળસહિત (radical) શસ્ત્રક્રિયા કરાય છે. તેને સમૂલ (નિ:શેષ) પરિકંઠપેશી ઉચ્છેદન (radical neck disection, RND) કહે છે. તેમાં હાંસડી ઉપરની બધી જ લસિકાગ્રંથિઓ, તંતુપડ (fascia), સ્ટર્નોક્લિડોમેસ્ટૉઇડ સ્નાયુ, ઑમોહાયોઇડ સ્નાયુ, ચરબી, નીચલા જડબાની નીચેની લાળગ્રંથિ, ગાલના ભાગમાં આવેલી પોટીડ નામની લાળગ્રંથિનો નીચલો છેડો અંત:મસ્તિષ્કી શિરા (internaljugular vein) તથા 11મી કર્પરિચેતા (cranialnerve) કાઢી નંખાય છે. યોગ્ય કિસ્સામાં આ શસ્ત્રક્રિયામાં ફેરફાર થાય છે. હાલ યોગ્ય કિસ્સામાં 11મી કર્પરિચેતાને સાચવી રાખવાનો પ્રયત્ન કરાય છે.

વિકિરણન-સારવારના કેટલાક વિશિષ્ટ લાભ છે. શસ્ત્રક્રિયાથી જે ખૂબ થોડુંક પણ જીવનનું જોખમ છે તે વિકિરણનની સારવારમાં નથી. વળી, દર્દીના દેખાવમાં કોઈ વિશેષ અને કાયમી કુરૂપતા આવતી નથી. ટૂંક સમય માટે સોજો આવવો તથા ચાંદાં પડવા જેવી તકલીફો થાય છે પરંતુ તે ઝડપથી શમી જાય છે. લાળગ્રંથિનું કાર્ય ઘટવાથી લાળનો સ્રાવ ઘટે છે તેથી મોંમાં જરૂરી ચીકાશ રહેતી નથી અને સ્વાદ પારખવાની ક્ષમતા ઘટે છે. લાંબા સમયે શોથ (inflammation), તંતુતા (fibrosis) અને સોજો રહેવાથી તકલીફ પડે છે. પેશીમાં ઉદભવતા પીડાકારક સોજાને શોથ કહે છે. તંતુતાને કારણે મોં ખોલવામાં તકલીફ પડે છે કે અવાજ બેસી જાય છે. આ બધાંને કારણે લાંબા ગાળાની ખોરાક ગળવાની તકલીફ, અવાજમાં ફેરફાર કે શ્વાસોચ્છવાસમાં તકલીફ રહે છે.

સારણી 3 : કેટલાક વિશિષ્ટ વિસ્તારોમાં મૂળ ગાંઠનું વર્ગીકરણ

વિસ્તાર T1 T2

T3

1 મોઢાનું પોલાણ અને
મુખગળું
2 સેમી.થી
નાની
2થી 4 સેમી. 4 સેમી.થી
મોટી
2 નાકની પાછળનો
ગળાનો ભાગ
કોઈ એક
બાજુની
દીવાલમાં અસર
બંને દીવાલમાં
અસર
નાકના
પોલાણમાં
ફેલાવો
3 સ્વરપેટી અને
ગળાનો નીચલો
ભાગ
એક બાજુ
ગાંઠ,
સ્વરરજ્જુનું
હલનચલન
શક્ય
બંને બાજુ
ગાંઠ,
સ્વરરજ્જુનું
હલનચલન
શક્ય
સ્વરરજ્જુ
હલનચલન
ન કરી શકે
4 નાક અને આસપાસનાં અંત:સંરચનાનો ઊર્ધ્વ કે અધો હાડકાં કે
વિવરો (sinuses) શ્લેષ્મસ્તર સંરચનાનો સ્નાયુમાં
અસરગ્રસ્ત શ્લેષ્મસ્તર ફેલાવો
અસરગ્રસ્ત
5 લાળગ્રંથિ 2 સેમી.થી
નાની ગાંઠ
2થી 4
સેમી.ની
મુક્ત ગાંઠ
4થી 6
સેમી.ની
ચોટેલી ગાંઠ

આ બધી જ તકલીફો કેટલાક કિસ્સામાં થોડીઘણી અગવડ ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે વિકિરણનની સારવાર અઠવાડિયામાં 5થી 6 દિવસ રોજ અપાય છે. તે 5થી 8 અઠવાડિયાં ચાલે છે. વિકિરણનની માત્રા નક્કી કરવામાં ગાંઠનું કદ અને સ્થાન ઉપયોગી છે. મોટી ગાંઠ (T3 કે T4) પર 70 Gy કે વધુ વિકિરણન અપાય છે. T1 અને T2 તબક્કાની નાની ગાંઠમાં 60થી 70 Gy અને N0 તબક્કામાં 50-55 Gy વિકિરણન ગાંઠને મટાડવા માટે પૂરતું છે. 70 Gyથી વધુ વિકિરણન ઘણી તકલીફો કરે છે. રાહતદાયી (palliative) સારવાર રૂપે અપાતું વિકિરણન સામાન્ય રીતે ઓછી માત્રામાં અપાય છે. યોગ્ય સ્થાને પૂરતી માત્રામાં વિકિરણન પહોંચે માટે સમસ્થિતિસર્જક (simulator) યંત્રની મદદ મેળવવામાં આવે છે. કમ્પ્યૂટરની મદદથી વિકિરણનનો પ્રવેશમાર્ગ (portal) તથા વિકિરણનક્ષેત્ર (field of radiation) નક્કી કરાય છે. સ્થાનિક વિકિરણન વધારવા વિકિરણશીલ સોયનો ઉપયોગ કરાય છે. ગાંઠ નાની થાય એટલે આસપાસની પેશીને નુકસાન ઓછું થાય માટે ઘણી વખત વિકિરણન-ક્ષેત્ર નાનું કરાય છે. સોનું કે ઇરિડિયમની ‘સોય’ કે ‘બીજ’ને નિવેશનનળી (catheter) કે સપાટીસ્થિત સંયોજના (device) વડે મૂકીને કેટલાક કિસ્સામાં સમીપસ્થાની વિકિરણન-સારવાર (brachy-therapy) અપાય છે. ખાસ કરીને નાકની પાછળનો ગળાનો ભાગ તથા ઉપલા જડબાના પોલાણ અથવા અસ્થિવિવર(sinus)ના કૅન્સરમાં તે ઉપયોગી છે. નાની ગાંઠો(T1 અને T2)માં શસ્ત્રક્રિયા અથવા વિકિરણન-સારવાર કરાય છે અને જરૂર પડ્યે ગળાની બહારના ભાગમાંની ગાંઠોને RND શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. T3 અને T4 તબક્કાની મોટી ગાંઠોમાં તથા N1–3 તબક્કાની ગળામાંની લસિકાગ્રંથિની ગાંઠો હોય તો શસ્ત્રક્રિયા અને વિકિરણન-સારવાર બંને કરાય છે. તેમનો ક્રમ ગાંઠનું કદ, તબક્કો, સ્થાન તથા વ્યક્તિગત ગમા-અણગમા પર આધારિત રહે છે.

મોં-ગળાના ફરીથી થતા કૅન્સરમાં તથા આગળ વધી ગયેલા તબક્કાના કૅન્સરમાં દવાઓ વડે રાહતદાયી / ઉપશામક (palliative) સારવાર કરાય છે. શસ્ત્રક્રિયા કે વિકિરણન-સારવાર પછી સહાયક (adjuvant) સારવાર કરવાના પ્રયોગો થઈ રહ્યા છે. મોટી ગાંઠમાં શસ્ત્રક્રિયા કે વિકિરણન પહેલાં, નવસહાયક (neoadjuvant) સારવાર રૂપે દવાઓ આપીને ગાંઠનું કદ ઘટાડી શકાય છે તેમજ તેનો અન્યત્ર ફેલાવો થતો અટકાવી શકાય છે. ઔષધો વડે કરાતી સારવારને ઔષધચિકિત્સા (chemotherapy) કહે છે. ત્યારપછી શસ્ત્રક્રિયા કરતી વખતે મૂળ ગાંઠ જેટલી મોટી હોય તે સમગ્ર વિસ્તારને દૂર કરવામાં આવે છે. અથવા જો વિકિરણન-ચિકિત્સા કરાય તો વિકિરણનના ક્ષેત્રમાં અગાઉ જે આખો વિસ્તાર ગાંઠથી અસરગ્રસ્ત થયો હોય તેને આવરી લેવાય છે. નસ વાટે અપાતી સિસ-પ્લૅટિન, કાર્બોપ્લૅટિન, 5-ફલ્યુરોયુરેસિલ, માયટોમાયસિન મુખ્ય દવાઓ છે. તેમને વિવિધ સમૂહમાં અપાય છે. નવાં ઉમેરાયેલાં ઔષધોમાં પેમિટ્રેક્ઝેટ, ઇરિનોટિકેન, જેમ્સાયટેબિન, વિનોરેલ્બિન વગેરેનો સમાવેશ થાય છે. જેફ્ટિનિબ નામની સૂક્ષ્માણુલક્ષી ચિકિત્સા (molecular targetted therapy) પણ ઉપલબ્ધ થઈ છે. જે મુખમાર્ગે અપાય છે. તે એકલી અથવા સમૂહમાં અપાય છે. દવા તથા વિકિરણન-સારવાર સાથે આપવાથી વધુ લાભ મળે છે તે સાબિત થયેલું હોવાથી તે હાલ પ્રમુખ સારવારપદ્ધતિ બની રહી છે.

મહત્વની આધારદાયી (supportive) સારવાર રૂપે પોષણની જાળવણી, દાંત-અવાળુની સાચવણી, ચેપ સામે રક્ષણ તથા માનસિક બળની પુરવણી અગત્યનું સ્થાન ધરાવે છે. શ્વાસોચ્છવાસના માર્ગમાં અવરોધ ઉત્પન્ન થાય તો શ્વાસનળીમાં કાણું પાડીને તથા ખોરાક ઉતારતાં તકલીફ થાય તો નાક-જઠરી(Ryle’s)નળી વડે માર્ગમાંનો અવરોધ દૂર કરાય છે. ઘણી વખતે સ્થાનિક ચેપ અજારક જીવાણુ(anaerobic bacteria)થી થતો હોવાથી અન્ય ઍન્ટિબાયૉટિક દવાઓ ઉપરાંત મેટ્રોનિડેઝોલ અપાય છે. ફૂગનો ચેપ દૂર કરવા ફલુકેનેઝોલની ગોળીઓ અપાય છે. ચેપનાશક દવા વડે કોગળા કરવાથી પણ ચેપનો ભય ઘટે છે. જાડી ચીકણી લાળને પાતળી કરવા માટે ક્ષારવાળું પ્રવાહી વપરાય છે. મોં-ગળાની વિવિધ સંરચનાના કૅન્સરની વિશેષતાઓ નીચે ચર્ચી છે. તેમનાં જૂથો સારણી 4માં દર્શાવ્યાં છે.

હોઠ : શ્લેષ્મસ્તર (mucosa) પર અથવા તેના અને ચામડીના  મિલનસ્થાને ગાંઠ અથવા ચાંદું ઉદભવે છે. મોં-ગળાના કૅન્સરના 15 % દર્દી આ કૅન્સરથી પીડાય છે. મોટા ભાગના (90 %થી 95 %) દર્દીઓમાં નીચલો હોઠ અસરગ્રસ્ત થાય છે. રોગ ફેલાય ત્યારે દાઢીની નીચેની (submental), ઉપલા જડબા નીચેની (submaxillary), ગળાના આગલા ભાગની તથા પેરૉટિડ લાળગ્રંથિમાંની લસિકા-

સારણી 4 : મોં, નાક અને ગળામાંની સંરચનાઓનાં જૂથો અને તેમની શસ્ત્રક્રિયા તથા વિકિરણનસારવાર [ = શસ્ત્રક્રિયા, વિ = વિકિરણન]

જૂથ

સંરચના (structure) શરૂઆતનો

તબક્કો

વધી ગયેલું

કૅન્સર

(અ) હોઠ હોઠ વિ/શ વિ
(આ) મુખગુહા

(oral

cavity)

1. જીભનો આગળનો  ભાગ

મોઢાનું તળિયું

2. અવાળુ (gingiva)

કઠણ તાળવું (hard palate)

3. ગલોફાની દીવાલ

4. દાઢની પાછળનો ત્રિકોણ

(retromolar trigone)

શ/વિ

 

 

શ/વિ

વિ/શ + વિ

 

શ + વિ

 

શ + વિ

શ + વિ

(ઇ) મુખગળું 1. મૃદુ તાળવું (soft palate)

2. કાકડા અને કાકડા-

બખોલ (tonsillar fossa)

3. કાકડા-બખોલનો અગ્રસ્તંભ

(anterior pillar)

4. જીભનું મૂળ (base of

tongue)

5. ગળાની દીવાલ

વિ

શ/વિ

 

શ/વિ

 

શ/વિ

 

વિ

વિ

શ + વિ

 

શ + વિ

 

વિ

 

શ + વિ

(ઈ) ગળાનો

નીચલો

ભાગ

(hypo-

pharynx)

1. જમરૂખી બખોલ

(pyriform fossa)

2. ગળાનો પાછલો

ભાગ

શ/વિ

 

વિ

વિ/શ + વિ

 

વિ

(ઉ) સ્વરપેટી 1. સ્વરયંત્ર (glottis)

2. અધિ-સ્વરયંત્રીય

(supraglottis)

3. અવસ્વરયંત્રીય

(subglottis)

વિ/શ

વિ/શ

 

શ/વિ

શ + વિ

શ + વિ

 

શ + વિ

(ઊ) નાક અને

નાકગળું

1. નાકગુહા (nasal cavity)

2. નાકનિવેશ (nasal

vestibule)

3. નાકગળું (nasopharynx)

4. ઇથમૉઇડ વિવર

(sinus)

5. ફ્રન્ટલ અને સ્ફિનૉઇડ

વિવર

6. મૅક્સિલરી વિવર

શ/વિ

વિ/શ

 

વિ

શ + વિ

 

વિ

 

શ + વિ

વિ

 

વિ

શ + વિ

 

વિ

 

શ + વિ

(એ) લાળગ્રંથિ 1. કપોલીય લાળગ્રંથિ

(parotid gland)

2. અધોહન્વી લાળગ્રંથિ

(submandifular gland)

શ ± વિ

 

શ/શ + વિ

શ ± વિ

 

શ + વિ

ગ્રંથિઓને અસરગ્રસ્ત કરે છે. સામાન્ય રીતે કૅન્સરનું વહેલું નિદાન થાય છે અને તેથી શસ્ત્રક્રિયા અથવા વિકિરણનથી રોગ મટે છે. દર્દીની ઉંમર, દેખાવ, સગવડ, અનુકૂળતા તથા ખર્ચને આધારે સારવારપદ્ધતિ નક્કી કરાય છે. લ્યુકોપ્લૅકિયા (સફેદ ચકતી), દુ:વિકસન (dysplasia) તથા અતિસીમિત (in situ) કૅન્સરમાં અસરગ્રસ્ત ભાગ ખોતરી કઢાય છે, 1 સેમી.થી નાની ગાંઠને કાપીને કાઢી નખાય છે તથા મોટી ગાંઠમાં વિકિરણનની સારવાર અથવા શસ્ત્રક્રિયા પછી પુનર્રચનાલક્ષી સારવાર અપાય છે. બે હોઠના જોડાણવાળા ખૂણાના કૅન્સર પર વિકિરણન-સારવાર અપાય છે. ગળાના બહારના ભાગમાંની અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓને શસ્ત્રક્રિયાથી દૂર કરાય છે.

આકૃતિ 2 : હોઠનું કૅન્સર : (1) નાક, (2) ઉપલો હોઠ, (3) નીચલો હોઠ, (4) ગાંઠ/ચાંદું, (5) નીચલા જડબાનું હાડકું, (6) જીભ. (અ) T1 તબક્કો, (આ) T2 તબક્કો, (ઇ) T3 તબક્કો, (ઈ અને ઉ) T4 તબક્કો; જેમાં આસપાસની પેશીમાં ફેલાવો. દા.ત., હાડકું, દાઢીની ચામડી.

મુખગુહાનું તળિયું, ગલોફાં, જીભનો આગળનો  ભાગ, અવાળુ, દાઢ પાછળનો ત્રિકોણ (દાઢોત્તર ત્રિકોણ, retromolar trigone) તથા કઠણ તાળવાનું કૅન્સર : આ બધા ભાગ મુખગુહામાં આવેલા છે. દુખાવો ન કરતી ગાંઠ કે ચાંદા રૂપે કૅન્સર ઉદભવે છે. પાછળથી કાનમાં ફેલાતો દુખાવો, ચાવવા કે ગળવામાં તકલીફ, બોલવામાં મુશ્કેલી કે દાંતનું ચોકઠું બંધબેસતું ન રહે વગેરે વિવિધ તકલીફો થાય છે. ગળાના ઉપરના અને બહારના ભાગની તથા નીચલા જડબા નીચેની અધોહન્વી (submandibular) લસિકાગ્રંથિઓમાં કૅન્સર ફેલાય છે. નીચલા જડબાનું એક્સ-રે ચિત્રણ લઈને હાડકાં કે ચિબુક ચેતા (mental nerve) અસરગ્રસ્ત છે કે નહિ તે જાણી લેવાય છે. જીભના આગળના ભાગના કે મોંના તળિયાના 1 સેમી.થી નાના કે T1 અને T2 તબક્કાના કૅન્સરને શસ્ત્રક્રિયા કે વિકિરણનથી મટાડાય છે. વધુ મોટા કૅન્સરમાં ફક્ત વિકિરણન-સારવાર અપાય છે. સિસ-પ્લૅટિન સહિતની દવાઓનો સમૂહ મોટી ગાંઠને નાની કરવા માટે તથા ચોંટેલી લસિકાગ્રંથિઓની સારવારમાં વપરાય છે.

અવાળુ તથા કઠણ જડબામાં થતું કૅન્સર સામાન્ય રીતે નાની લાળગ્રંથિઓનું ગ્રંથિકૅન્સર (adenocarcinoma) હોય છે. નાની ગાંઠને શસ્ત્રક્રિયા વડે અને મોટી ગાંઠને શસ્ત્રક્રિયા અને વિકિરણનથી કાબૂમાં લેવાય છે. ગલોફાના તથા દાઢ પાછળના ત્રિકોણમાંના નાના કૅન્સર(T1)માં શસ્ત્રક્રિયા અને વિકિરણન ઉપયોગી છે જ્યારે મોટા કૅન્સર (T2 – T3)માં વિકિરણન ઉપયોગી રહે છે. આ બધાં જ કૅન્સરમાં 40 %થી 90 % દર્દીઓમાં રોગ કાબૂમાં આવે છે. ગાંઠ T2 – T3 તબક્કામાં હોય અને ગળામાં લસિકાગ્રંથિ અસરગ્રસ્ત ન હોય તોપણ તેને શસ્ત્રક્રિયા અથવા વિકિરણનની સારવાર અપાય છે. ગળામાંની 3 સેમી.થી વધુ મોટી થયેલી લસિકાગ્રંથિઓ માટે RND શસ્ત્રક્રિયા કે વિકિરણન-સારવાર અપાય છે.

આકૃતિ 3 : જીભની આગળના ભાગનું કૅન્સર : (1) ઉપલો હોઠ, (2) દાંત, (3) જીભ, (4) ગાંઠ, (5) નીચલો હોઠ, (6) જડબાનું હાડકું. (અ) T1 તબક્કો, (આ) T2 તબક્કો, (ઇ) T3 તબક્કો, (ઉ) T4 તબક્કો.

મુખગળું (oropharynx) : મોંની બખોલની પાછળ આવેલા ગળાના ભાગમાં કાકડા અને તેની આસપાસની સંરચનાઓ (structures), મૃદુ તાળવું, જીભનું મૂળ અને ગળા(pharynx)ની દીવાલનો સમાવેશ થાય છે. આ બધાં જ કૅન્સર શરૂઆતના તબક્કામાં ભાગ્યે જ કોઈ લક્ષણો કે ચિહનો ઉત્પન્ન કરે છે. તે અંદરની દીવાલના શ્લેષ્મસ્તરની નીચે વિકાસ પામે છે. તેથી સીધા કે અરીસાની મદદથી કરાતા અવલોકનમાં સહેલાઈથી દેખાતાં નથી પરંતુ આંગળી વડે તપાસ કરવાથી કઠણ ભાગ શોધી શકાય છે. તેથી કાકડા અને જીભમૂળનું કૅન્સર ગળાના ઉપરના અને બહારના ભાગમાં મોટી થયેલી, અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ વડે જ સૌપ્રથમ જાણી શકાય છે. કૅન્સરને કારણે ગળા અને કાનમાં દુખાવો અને ગળવામાં તકલીફ થાય છે. આસપાસના સ્નાયુઓને અસર થાય ત્યારે જીભનું હલનચલન તકલીફવાળું થાય છે અને મોં ખોલતાં તકલીફ પડે છે. ખૂબ વધી ગયેલા કૅન્સરમાં સોજાને કારણે જીભ જાડી થઈ જાય છે. બેરિયમ પિવડાવીને કે મૃદુપેશી દેખાય તેવું ગળાના ભાગનું એક્સ-રે ચિત્રણ, સીએટી-સ્કૅન તથા એમઆરઆઈ વડે કૅન્સરનું સ્થાન અને તેનો ફેલાવો જાણી શકાય છે.

કાકડા-બખોલના અગ્રસ્તંભ (anterior pillar of tonsillar fossa) સિવાયની બીજી બધી જ સંરચનાઓ(કાકડા, જીભમૂળ, ગળાની પાછલી દીવાલ અને મૃદુ તાળવું)ના કૅન્સરના નિદાન સમયે 40 %થી 80 % કિસ્સામાં ગળાની બહારના ભાગની લસિકાગ્રંથિઓમાં ગાંઠ હોય છે. સામાન્ય રીતે નાના અને શરૂઆતના તબક્કાના કૅન્સરમાં વિકિરણનની સારવાર અથવા શસ્ત્રક્રિયા કરાય છે. મૃદુ તાળવાના કૅન્સરમાં વિકિરણન-સારવાર અપાય છે. જીભના મૂળના

આકૃતિ 4 : કાકડાનું કૅન્સર : (1) ઉપલો હોઠ, (2) તાળવું, (3) મૃદુપ્રવર્ધ (uvula), (4) અગ્રસ્થ સ્તંભ, (5) પશ્ચસ્થ સ્તંભ, (6) કાકડાનું કૅન્સર, (7) ગળાની પાછલી દીવાલ, (8) જીભ, (9) દાંત.

વધી ગયેલ કૅન્સરની સારવારમાં શસ્ત્રક્રિયા વડે જીભ કાઢી નાખવાની જરૂર રહે છે. તે ઘણી વખત દર્દીને સ્વીકાર્ય ન હોય તો વિકિરણન-સારવાર અપાય છે. આગળ વધેલા કૅન્સરમાં વિકિરણનની સારવાર અપાય છે. રોગના તબક્કા પ્રમાણે સ્થાનિક રોગ પર 25 %થી 80 % કિસ્સામાં કાબૂ મેળવી શકાય છે : પ્રારંભિક સારવાર રૂપે તથા વધી ગયેલા કે ફરીથી થતા કૅન્સરમાં રાહતદાયી સારવાર રૂપે દવાઓ અપાય છે. સિસ-પ્લૅટિન, માયટોમાયસિન તથા 5-ફ્લ્યુરોયુરેસિલ તેમજ પેક્લિટેક્સેલ કે ડોસિટેક્સેલ અથવા અન્ય દવાઓ એકલી કે સમૂહમાં અપાય છે. ગળામાંની લસિકાગ્રંથિમાં ફેલાયેલા કૅન્સરની સારવારમાં વિકિરણન-સારવાર અથવા શસ્ત્રક્રિયા (RND) કરાય છે.

ગળાનો નીચલો ભાગ (hypopharynx) : તેના કૅન્સરમાં ખોરાક ગળતી વખતે દુખાવો, ખોરાક ગળવામાં તકલીફ, કાનમાં દુખાવો, અવાજ બેસી જવો, ગળાની બહારના ભાગમાં ગાંઠો થવી તથા ન્યુમોનિયા વગેરે ચિહનો અને લક્ષણો ઉદભવે છે. ખૂબ આક્રમક કૅન્સર હોવાને કારણે તે ઝડપથી સ્વરપેટીમાં ફેલાય છે અને તેનું નિદાન સામાન્ય રીતે મોડું થાય છે. જમરૂખી-બખોલ(pyriform fossa)ની ઉપરના ભાગના શરૂઆતના કૅન્સરને વિકિરણન કે વિકિરણન અને ઔષધોની સામૂહિક સારવાર અપાય છે. અન્ય કૅન્સરમાં ગળું અને સ્વરપેટી કાઢી નાખવાની શસ્ત્રક્રિયા અને / અથવા વિકિરણનની સારવાર અપાય છે. અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓને વિકિરણન-સારવાર અને શસ્ત્રક્રિયા વડે કાબૂમાં લેવાય છે.

સ્વરપેટી : સ્વરપેટી(larynx)માં થતું કૅન્સર ગાંઠ કરે છે અને પેશીની અંદર તરફ ફેલાય છે. તે ખૂબ જ જોખમી પ્રકારનું હોય છે. તે સ્વરરજ્જુ કે તેના સ્નાયુમાં ફેલાઈને સ્વરરજ્જુ કે અડધી સ્વરપેટીનું હલનચલન બંધ કરે છે. તેને કારણે અવાજ બેસે, ખોરાક ગળતાં દુખાવો થાય અથવા તકલીફ પડે તથા ઉધરસ થાય છે. સ્વરયંત્ર(glottis)માં સ્વરરજ્જુ (vocal cords) આવેલા છે. તેના કૅન્સરમાં અવાજ ઘેરો બને છે અને તેથી તેનું નિદાન વહેલું થાય છે. સ્વરરજ્જુમાં લસિકાવાહિનીઓ નથી હોતી અને તેથી આસપાસ

આકૃતિ 5 : મોઢાની રચના તથા જીભના મૂળનું કૅન્સર : (1) ઉપલો હોઠ, (2) નીચલો હોઠ, (3) ઉપલો દાંત, (4) નીચલો દાંત, (5) તાળવું, (6) મૃદુપ્રવર્ધ, (7) મોઢાનું તળિયું, (8) જીભ, (9) કાકડો, (10) કરોડનો મણકો, (11) ગળું, (12) સ્વરપેટી, (13) શ્વાસનળી, (14) અન્નનળી, (15) અધિસ્વરક અથવા ઉપજિહવા (epiglottis), (16) ગાંઠ, (17) કાકડો. (અ) સામાન્ય રચના, (આ) T1 તબક્કો, (ઇ) T2 તબક્કો, (ઈ) T3 તબક્કો, (ઉ) T4 તબક્કો, જેમાં આસપાસની પેશી પણ અસરગ્રસ્ત.

ફેલાયેલું કૅન્સર જ લસિકાગ્રંથિઓને અસર કરે છે. સ્વરયંત્રની ઉપર ઉદભવેલું કૅન્સર લસિકાગ્રંથિઓને ઝડપથી અસરગ્રસ્ત કરે છે. સારવારથી સ્વરરજ્જુનું કૅન્સર કાબૂમાં આવે છે જ્યારે પોસ્ટક્રિકૉઇડ વિસ્તારનું કૅન્સર ભાગ્યે જ કાબૂમાં રાખી શકાય છે. અવાજ અને જીવન બંનેનું રક્ષણ કરવા માટે ઔષધો સાથેની વિકિરણન-સારવારનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરાય છે. તેમાં પ્રથમ નવસહાયક સારવાર રૂપે પ્લેટિનમના સંયોજનવાળી દવા (સિસ-પ્લૅટિન કે કાર્બોપ્લૅટિન) સાથે અન્ય દવા(મુખ્યત્વે 5-ફલ્યુરોયુરેસિલ, માયટોમાયસિન કે પેક્લિટેક્સેલ)ની સામૂહિક સારવારની બે કે ત્રણ માત્રા અપાય છે. ત્યાર બાદ પ્લેટિનમ સંયોજન અને વિકિરણન-સારવારની સામૂહિક (સંગામી) સારવાર અપાય છે. જો સ્વરપેટી કાઢી નાખવાની શસ્ત્રક્રિયાની જરૂર પડે તો જેમની સ્વરપેટી કાઢી નાખવામાં આવી હોય તેમાંના 50 %થી 70 % દર્દીઓમાં ‘અન્નનળીજન્ય અવાજ’ ઉત્પન્ન કરવાની તાલીમ અપાય છે. ઘણા કિસ્સામાં ઔષધો અને વિકિરણનની સારવારથી અવાજ તથા જીવન બંનેનું રક્ષણ થાય છે.

આકૃતિ 6 : સ્વરપેટીનું કૅન્સર : T તબક્કા (ઉપલી સપાટીનો દેખાવ). (1) સામાન્ય સ્વરરજ્જુ (vocal cords), (2) સ્વરરજ્જુ પર કૅન્સર, (3) આસપાસનો સોજો. (અ) સ્વરપેટીનો ઉપરની તરફનો દેખાવ, (આ) એક સ્વરરજ્જુમાં કૅન્સર (T1 તબક્કો), (ઇ) બંને સ્વરરજ્જુમાં કૅન્સર (T1 તબક્કો), (ઈ) અધિસ્વરપેટી-સંરચના(supraglottis)માં અસર (T2 તબક્કો), (ઉ) સ્વરપેટીમાંનું મોટું કૅન્સર જેને કારણે સ્વરરજ્જુનું સંચલન બંધ (T3 તબક્કો), (ઊ) સ્વરપેટીની આસપાસના કાસ્થિ કે પેશીમાં ફેલાવો (T4 તબક્કો).

લાળગ્રંથિ : લાળગ્રંથિની 80 % ગાંઠો પેરૉટિડ (કપોલ) ગ્રંથિમાં થાય છે અને તેમાંની 25 % ગાંઠોમાં કૅન્સર હોય છે, જ્યારે સબમૅન્ડિબ્યુલર (અધોહન્વી) અને નાની લાળગ્રંથિઓની 50 % ગાંઠો કૅન્સરગ્રસ્ત હોય છે. તેમાં વિવિધ પ્રકારનાં કૅન્સર ઉદભવે છે. તેમની તીવ્રતા ઓછી અને વધુ એમ બે પ્રકારની છે. લાળગ્રંથિમાં મ્યુકોએપિડમૉર્ઇડ ગાંઠ (ઓછી તથા વધુ તીવ્રતા), ઍડિનૉઇડ સિસ્ટિક કાર્સિનોમા અથવા સિલિન્ડ્રોમા (ઓછી તથા વધુ તીવ્રતા), અવિભેદિત (undifferentiated) કાર્સિનોમા, મેલિગ્નન્ટ મિક્સ્ડ ગાંઠ, ઍડિનો-કાર્સિનોમા, વધુ તીવ્રતાવાળું સ્ક્વેમસ સેલ કાર્સિનોમા, એસિનિક સેલ ગાંઠ અને લિમ્ફોમા વગેરે પ્રકારનાં કૅન્સર ઉદભવે છે. શરૂઆતમાં દુખાવા વગરની ગાંઠ થાય છે. ચેતા અસરગ્રસ્ત થવાથી દુખાવો અથવા નજીકના સ્નાયુઓનો લકવો થાય તો તે કૅન્સર થયું હોવાનું સૂચન કરે છે. સામાન્ય રીતે કૅન્સર આસપાસની પેશીમાં ફેલાય છે. ઍડિનોસિસ્ટિક કૅન્સર (ગ્રંથિકોષ્ઠીય કૅન્સર, adenocystic carcinoma) ચેતાના માર્ગમાં ફેલાય છે. તેની ફેફસાંમાં ફેલાતી ગાંઠો લાંબો સમય શાંત રહે છે. વધુ તીવ્રતાવાળાં કૅન્સર લસિકાગ્રંથિઓ અને અન્ય અવયવોમાં ઝડપથી ફેલાય છે.

પેરૉટિડ ગ્રંથિ(કપોલીય લાળગ્રંથિ)ના કૅન્સરની મુખ્ય સારવાર વિસ્તૃત શસ્ત્રક્રિયા (wide excision) છે. ચહેરાના સ્નાયુઓની ચેતા પેરૉટિડ ગ્રંથિમાંથી પસાર થાય છે. તેને સાચવવા માટે મર્યાદિત શસ્ત્રક્રિયા કરીને વિકિરણન-ચિકિત્સા (radiotherapy) અપાય છે. વિકિરણન-સારવારથી ગાંઠની ફરી થવાની શક્યતા ઘટે છે. વધુ તીવ્રતાવાળા કે ચહેરાના સ્નાયુનો લકવો થયો હોય તેવા કૅન્સરમાં પેરૉટિડ ગ્રંથિને શસ્ત્રક્રિયાથી દૂર કરાય છે. RNDની શસ્ત્રક્રિયા કરાય છે. ત્યાર બાદ ક્યારેક વિકિરણનની સારવાર અપાય છે. શસ્ત્રક્રિયા થઈ શકે એમ ન હોય તેમને વિકિરણનની સારવાર અપાય છે. ફરીથી ઊથલો મારે તો તેને શસ્ત્રક્રિયાથી દૂર કરીને વિકિરણનની સારવાર અપાય છે.

સબમૅન્ડિબ્યુલર (અધોહન્વી) લાળગ્રંથિમાં વિસ્તૃત શસ્ત્રક્રિયા પછી વિકિરણન-સારવાર અપાય છે. ફેલાયેલા કૅન્સરમાં દવાઓ અપાય છે. તે માટે મિથોટ્રેક્ઝેટ, 5-ફ્લ્યુરોયુરેસિલ અને ડૉક્સોરુબિસિન વપરાય છે.

નાક અને તેની આસપાસનાં અસ્થિવિવરો (sinuses) : ઘણી વખત નિદાન થાય ત્યારે કૅન્સર નાક અને આસપાસનાં પોલાણો અથવા વિવરમાં ફેલાયેલું હોય છે. તેથી મૂળ નાક કે વિવરનું કૅન્સર છે તે જાણી લેવામાં આવે છે. મોટા ભાગે સ્ક્વેમસ સેલ કૅન્સર થાય છે. ક્યારેક ઍડિનોકાર્સિનોમા, સાર્કોમા, પ્લાઝમાસાયટોમા કે લિમ્ફોમા થાય છે. શરૂઆતમાં વિવરશોથ(sinusitis)નાં લક્ષણો અને ચિહનો જોવા મળે છે. દુખાવો, સ્પર્શવેદના (tenderness), દાંતમાં દુખાવો, નાકમાંથી લોહીવાળું પ્રવાહી બહાર આવે, દાંત ઢીલા પડે, આંખનો ડોળો બહાર આવે, દાંતનું ચોકઠું બંધબેસતું ન રહે, નાક જામી જાય, જોવામાં તકલીફ પડે, ગાલનો આગળનો ભાગ કે કપાળ ઊપસી આવે, ચામડી કે તાળવામાં ચાંદું પડે વગેરે ચિહનો અને લક્ષણો થાય છે. ગળા પાછળની, ઉપલા જડબાની પાછળની તથા ડોકની ઉપરના ભાગની લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત થાય છે. કૅન્સરથી હાડકું ખવાઈ ગયું હોય તો તે જાણી શકાય છે. એક્સ-રે ચિત્રણમાં સીએટી-સ્કૅન અને એમઆરઆઈ નિદાન માટે ઉપયોગી છે.

નાકની આસપાસનાં અસ્થિવિવરોમાં હાડકું અસરગ્રસ્ત થતું હોવાથી વિસ્તૃત શસ્ત્રક્રિયા કરીને દેખાઈ આવતી ક્ષતિ દૂર કરવા પુનર્રચનાલક્ષી (reconstructive) શસ્ત્રક્રિયા કરાય છે. ત્યાર બાદ સામાન્ય રીતે વિકિરણનલક્ષી સારવાર અપાય છે. નાકના કૅન્સરમાં કુરૂપતાનો ભય હોવાથી શસ્ત્રક્રિયાને બદલે વિકિરણનની સારવાર અપાય છે. પરંતુ હાડકામાં રોગ ફેલાયો હોય કે મિલેનોમા અથવા સાર્કોમા થયું હોય તો શસ્ત્રક્રિયા કરાય છે. વધી ગયેલા કૅન્સર માટે બંને સારવારપદ્ધતિઓ ઉપયોગી છે. લિમ્ફોમા, પ્લાઝમાસાયટોમા, મેલિગ્નન્ટ હિસ્ટિયોસાયટોમા, રૅબ્ડોમાયોસાર્કોમા તથા હાડકાના કૅન્સરમાં વિકિરણન-સારવાર અને દવાઓ ઉપયોગી રહે છે. નાકના નિવેશ(vestibule)ના કૅન્સરમાં વિકિરણન-સારવાર અપાય છે. ઊથલો મારે તો દવાઓ ઉપયોગી રહે છે. ઇથમૉઇડ સાયનસના કૅન્સરમાં શસ્ત્રક્રિયા અને વિકિરણન-સારવાર અપાય છે. ફ્રન્ટલ અને સ્ફીનૉઇડ સાયનસના કૅન્સરમાં વિકિરણન-સારવાર ઉપયોગી છે. ઉપલા જડબાના હાડકાના સાયનસને મૅક્સિલરી સાયનસ કહે છે. તેના શરૂઆતના તબક્કામાં શસ્ત્રક્રિયા કરાય છે જ્યારે આગળ વધેલા કૅન્સરમાં શસ્ત્રક્રિયા ઉપરાંત વિકિરણન-સારવાર અપાય છે. ખૂબ જ વધેલા કૅન્સરમાં દવાઓ અને વિકિરણન-સારવાર અપાય છે.

નાકની પાછળનો ગળાનો ભાગ (nasopharynx) : 85 % કૅન્સર અતિઅલ્પ વિભેદિત (poorly differentiated) સ્ક્વેમસ સેલ કાર્સિનોમા અથવા તેના લિમ્ફોએપિથેલિયમ ઉપપ્રકાર(variant)નું હોય છે. આ વિસ્તારનાં કૅન્સર વિવિધ પ્રકારનાં હોય છે. દા.ત. અવિભેદિત (undifferentiated) કાર્સિનોમા, મિલેનોમા, પ્લાઝમાસાયટોમા, એન્જિયોફાઇબ્રોમા વગેરે. આ પ્રકારનાં કૅન્સર સીધેસીધાં ફેલાઈને ખોપરીનાં તળિયાનાં હાડકાં અને વિવર(sinus)ને અસર કરે છે. તેને કારણે આંખને બહારની બાજુ ફેરવતા સ્નાયુ(lateral rectums)નો લકવો કરે છે. તે સમયે ક્યારેક દુખાવો થાય, આંખનું પોપચું ઢળી પડે, ચહેરા પર દુખાવો (ત્રિશાખી પીડ, trigeminal neuralgia) થાય તથા એક બાજુના ચાવવાના સ્નાયુનો લકવો ઉદભવે છે. કેટલાકને ખોરાક ગળવામાં તકલીફ થાય, ગળું, ખભો, જીભનો એક ભાગ તથા મૃદુ તાળવાના સ્નાયુમાં અશક્તિ આવે તથા હૉર્નરનું સંલક્ષણ થાય. કેટલાક દર્દીઓમાં ગળાની બહારના ભાગમાં લસિકાગ્રંથિની ગાંઠો થાય, માથું દુખે, નસકોરી ફૂટે, નાક બંધ થઈ જાય, કાનમાં ન સંભળાય, ગળું આવી જાય તથા ડોક દુખે. આ અણવિકસિત (anaplastic) પ્રકારનું કૅન્સર હોવાથી, મૂળ ગાંઠ નાની હોય તોપણ ઝડપથી તે લસિકાગ્રંથિઓમાં ફેલાય છે. ગળા(pharynx)ની પાછળ તથા બાજુ પરની લસિકાગ્રંથિઓ ઉપરાંત ગળાની બહારના ઉપલા ભાગની અને કાન પાછળની લસિકાગ્રંથિઓમાં રોગ ફેલાય છે. નિદાન માટે નાક અને ગળાની તપાસ ઉપરાંત સીએટી-સ્કૅન અને એમઆરઆઈની જરૂર પડે છે. વિકિરણન અને દવાઓ વડે સારવાર કરાય છે. T1-T2 તબક્કામાં વિકિરણન અને T3-T4 તબક્કામાં પ્લેટિનમ-સંયોજન સહિતનાં ઔષધો સાથેની વિકિરણન-ચિકિત્સા ઉપયોગી રહે છે. ગળામાં ફરીથી થતી ગાંઠો માટે RNDની શસ્ત્રક્રિયા કરાય છે. 90 %થી 100 % કિસ્સામાં રોગ કાબૂમાં આવે છે.

સાર્કોમા : માથા-ગળાના કૅન્સર રૂપે માંસાર્બુદ (sarcoma) ક્યારેક જ જોવા મળે છે. તેમનાં લક્ષણો અને ચિહનો અન્ય કૅન્સર જેવાં જ હોય છે. તેમનો તીવ્રતાંક (grade) તેમની આક્રમકતા સૂચવે છે. અતિતીવ્રતાંક (high grade) ગાંઠ આસપાસની સંરચનાઓ તથા ફેફસાં, હાડકાં, યકૃત અને કેન્દ્રીય ચેતાતંત્ર(મગજ)માં પ્રસરે છે. સ્થાનિક લસિકાગ્રંથિઓમાં તે ન પણ ફેલાય. ક્યારેક તે વિકિરણન-ચિકિત્સાની પાછળથી થતી આડઅસર રૂપે હોય છે, ત્યારે તે અતિશય આક્રમક હોય છે. શક્ય હોય તે કિસ્સામાં શસ્ત્રક્રિયા દ્વારા તેને આખેઆખું દૂર કરાય છે. આક્રમક કૅન્સરમાં ત્યાર બાદ વિકિરણન-ચિકિત્સા તથા સમીપસ્થાની ચિકિત્સા (brachytherapy) નામની વિકિરણન-ચિકિત્સા અપાય છે. કેટલાક કિસ્સામાં નવસહાયક સારવાર રૂપે શસ્ત્રક્રિયા પહેલાં ઔષધચિકિત્સા (સિસ-પ્લૅટિન, ડૉક્સોરુબિસિન, આઇફૉસ્ફેમાઇડ) અપાય છે. પંચવર્ષીય સફળતાનો દર 60 % જેટલો હોય છે.

મિલેનોમા : માથા અને ગળાના વિસ્તારમાં થતા કૃષ્ણાર્બુદ(melanoma)ને શસ્ત્રક્રિયા વડે દૂર કરવાની સારવાર કરાય છે. વિકિરણન-ચિકિત્સાથી ખાસ ફાયદો થતો નથી. ઔષધચિકિત્સા અંગે પ્રયોગો થઈ રહેલા છે.

શિલીન નં. શુક્લ

રાજેન્દ્ર આઈ. દવે

લલિત બી. ચોકસી