કૅન્સર, મૃદુપેશી(soft tissue sarcoma)નું (પુખ્ત વયે) : તંતુઓ, નસો, ચરબીના કોષો, સ્નાયુઓ, હાડકાંના સાંધાનું આવરણ વગેરે વિવિધ પ્રકારની મૃદુપેશી(soft tissue)નું કૅન્સર થવું તે. આ પ્રકારની પેશીઓને સંધાનપેશી (connective tissue) કહે છે. તેના કૅન્સરને મૃદુપેશી માંસાર્બુદ (યમાર્બુદ, sarcoma) કહે છે. તે બધાં ગર્ભની એક જ પ્રકારની આદિપેશી(મધ્યત્વચા, mesoderm)માંથી વિકસતાં હોવા છતાં જુદા જુદા સ્થાને અને જુદી જુદી લાક્ષણિકતા ધરાવતાં કૅન્સર છે. શરીરની 75 % પેશી આ પ્રકારની છે પણ કૅન્સરના બધા પ્રકારોમાં ફક્ત 1 % જેટલાં જ કૅન્સર તેમાં ઉદભવે છે.

વસ્તીરોગવિદ્યા : દરેક પ્રકારનાં મૃદુપેશી માંસાર્બુદ (soft tissue sarcoma) ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. એ જૂથ તરીકે પણ તે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અમેરિકામાં દર વર્ષે 8,300 નવા દર્દીઓ નોંધાય છે. ભારતમાં મૃદુપેશી માંસાર્બુદનું પ્રમાણ વધુમાં વધુ 1.6/1 લાખ સ્ત્રી કે પુરુષો છે. અમદાવાદમાં પુરુષોના કૅન્સરના 1.2 % અને સ્ત્રીઓના કૅન્સરના 1.77 % દર્દીઓ આ રોગથી પીડાય છે. અને તેનો વસ્તીમાં નવસંભાવ્ય દર (incidence) 0.77/1 લાખ પુરુષો અને 1.45/1 લાખ સ્ત્રીઓ જેટલો છે.

કારણો : લગભગ 50 % દર્દીઓ 50 વર્ષથી વધુ વયના હોય છે. તે પુરુષો અને સ્ત્રીઓમાં લગભગ સરખે અંશે જોવા મળે છે, પરંતુ પુરુષ દર્દીઓની સંખ્યા થોડી વધુ હોય છે. અમેરિકામાં હબસીઓના મુકાબલે ત્યાંની શ્ર્વેત પ્રજામાં તેનું પ્રમાણ વધુ છે (94 %). તેના કારણરૂપ જનીનીય (વારસાગત), વાતાવરણજન્ય અને ચિકિત્સાજન્ય પરિબળો છે એમ માનવામાં આવે છે પરંતુ કોઈ ચોક્કસ કારણ નિશ્ચિત કરાયેલું નથી. ફૉન રેક્લિન્હાસનનો રોગ કૌટુંબિક રોગ છે. તેમાં ચેતાપેશીનું માંસાર્બુદ થાય છે. જે હાડકા કે મૃદુપેશી પર પહેલાં વિકિરણનની સારવાર આપી હોય ત્યાં પણ મૃદુપેશી માંસાર્બુદ થાય છે, દા.ત. હૉજકિનનો રોગ અને સ્તનના કૅન્સરમાં જ્યાં વિકિરણન અપાયું હતું તેવા કેટલાક કિસ્સાઓમાં 5થી 28 વર્ષ પછી આ તકલીફ થયેલી નોંધાયેલી છે; જે હાથ કે પગમાં લાંબા સમય સુધી લસિકાજન્ય માંસાર્બુદ (lymphomatous) સોજો રહ્યો હોય ત્યાં ક્યારેક લસિકાવાહિનીનું માંસાર્બુદ (lymphangiosarcoma) થાય છે. ક્યારેક ઈજા થઈ હોય એ ભાગમાં તંતુપેશી માંસાર્બુદ (fibro-sarcoma) થાય છે. ફિનૉક્સી હર્બિસાઇડ (ફિનૉક્સી-એસેટિક ઍસિડ તથા ક્લોરોફિનોલ્સ) જૂથનાં રસાયણો, દા.ત., એજન્ટ ઑરેન્જ પણ મૃદુપેશીમાં માંસાર્બુદ કરે છે. તેમનાં કારણોને સારણી 1માં દર્શાવ્યાં છે. તેમ છતાં મોટા ભાગના કિસ્સામાં કોઈ ચોક્કસ કારણ હોતું નથી.

નિર્દેશન અને નિદાન : મોટે ભાગે પગમાં (39 %) તથા હાથમાં (11  %) માંસાર્બુદ થાય છે. લગભગ 15 % કિસ્સામાં તે પેટના પોલાણની પાછળ અને 13 % કિસ્સામાં છાતીના પોલાણમાં થાય છે. પેટના પોલાણની પાછળના ભાગની ગાંઠને પશ્ચ-પરિતની (retroperitoneal) ગાંઠ કહે છે. તે એક વિશિષ્ટ જૂથ ગણાય છે. આ ઉપરાંત તે મૂત્રપ્રજનનમાર્ગ (7 %), અન્ય અવયવોમાં (5 %) અને માથા અને ગળાના ભાગમાં પણ (5 %) જોવા મળે છે. લગભગ પાંચમા ભાગના દર્દીઓ જ્યારે સારવાર માટે આવે છે ત્યારે તેઓમાં

સારણી 1 : મૃદુપેશીના માંસાર્બુદનાં કારક પરિબળો

માંસાર્બુદનો પ્રકાર

કારક પરિબળ

લસિકાવાહિની-માંસાર્બુદ
(lymphangiosarcoma)
સ્તનના કૅન્સર પછી હાથ પર રહેતો લાંબા-ગાળાનો સોજો આવ્યો હોય. ક્યારેક લસિકાર્બુદ
(lymphoma)ના દર્દીમાં પણ જોવા મળે છે.
તંતુમાંસાર્બુદ
(fibrosarcoma)
વિકિરણન-ચિકિત્સા પછી, હાડકાંનો પેજેટનો રોગ
અરેખ સ્નાયુમાંસાર્બુદ
(leiomyosarcoma)
HIV-1નો ચેપ, બાળકોમાં
કાપોસીનું માંસાર્બુદ રોગ HIV, સાયટોમેગેલો વિષાણુનો ચેપ
વાહિનીમાંસાર્બુદ રોગ
(angiosarcoma)
પોલિવિનાયલક્લોરાઇડ (PVC), થોરિયમ
ડાયૉક્સાઇડ, ડાયૉક્સિન, આર્સેનિક,
એન્ડ્રોજન્સ વગેરેની વિષાક્તતા

અન્યત્ર ફેલાયેલું કૅન્સર હોય છે. અરેખ સ્નાયુઓનું માંસાર્બુદ (leiomyosarcoma) તથા પેટના પોલાણના પાછલા ભાગમાં કે અવયવોમાં વિકસેલું માંસાર્બુદ ઝડપથી અન્યત્ર ફેલાય છે. મોટા ભાગના કિસ્સામાં પ્રથમ તપાસ સમયે જ મોટી ગાંઠ હોય છે. સામાન્ય રીતે આ પ્રકારનું કૅન્સર ગાંઠના રૂપે જોવા મળે છે. તેમાં શરૂઆતમાં દુખાવો હોતો નથી. 5 સેમી.થી મોટી ગાંઠ ઘણી વખતે અન્યત્ર ફેલાયેલી હોય છે. ક્યારેક તે ચેતાતંતુ કે નસોને દબાવે તો દુખાવો અને સોજો આવે છે. માથામાં થતા માંસાર્બુદમાં ઘણી વખત ચેતાતંતુઓની વિષમતા (દા.ત., પોપચાનો લકવો) જોવા મળે છે.

ગાંઠમાંથી પેશીનો ટુકડો લઈને સૂક્ષ્મદર્શક વડે તપાસવાથી નિદાન થાય છે. તેને જીવપેશીપરીક્ષણ (biopsy) કહે છે. મૃદુપેશી તથા હાડકાનાં એક્સ-રે ચિત્રણો, ફેફસાનું એક્સ-રે ચિત્રણ, પેટની અલ્ટ્રાસૉનોગ્રાફી, સીએટી-સ્કૅન અને એમઆરઆઈ એમ વિવિધ પ્રકારનાં ચિત્રણો ગાંઠના કદ અને રોગના તબક્કા વિશે માહિતી આપે છે.

પેશીરુગ્ણવિદ્યા : તેમાં વિવિધ પ્રકારની મૃદુપેશીમાં ઉદભવતા માંસાર્બુદોનો સમાવેશ થાય છે. તેઓ મેદકોષો (adipocytes, fat cells), તંતુબીજકોષો (fibroblasts), સ્નાયુતંતુબીજકોષો (myofibroblasts), તંતુપેશીકોષો (fibrohistocytes), અરેખ સ્નાયુઓ (smooth muscle), સરેખ સ્નાયુકોષો (skeletal muscles), વાહિનીઓ (vascular) અથવા નસો, બહિરસ્થીય (extraskeletal) અસ્થિબીજકોષો તથા કેટલાક પ્રકીર્ણ પ્રકારો(દા.ત., સંધિકલા, synoriumsમાં ઉદભવતા માંસાર્બુદો)નો સમાવેશ થાય છે. સારણી 2માં શરીરના વિવિધ ભાગોમાં જોવા મળતી ગાંઠોનો નવસંભાવ્ય દર દર્શાવ્યા છે.

સારણી 2 : મૃદુપેશી માંસાર્બુદના પ્રકારો અને શરીરમાં જોવા મળતો નવસંભાવ્ય દર

માંસાર્બુદના
પ્રકાર

માથું અવયવો પેટનો
પાછલો
ભાગ
હાથ
(ઉપલાં
અંગો)
પગ
(નીચલાં
અંગો)

કુલ

ભ્રૂણપેશી સરેખ
સ્નાયુકોષી માંસાર્બુદ
(embryonal rha-bdomyosarcoma,
ERMS)
15 % 8 % 5-19 %
મારક તંતુમય પેશી-
કોષાર્બુદ (malignant fibrous sarcoma)
16 % 6 % 32 % 24 % 10-23 %
અરેખ સ્નાયુમાંસાર્બુદ
(leiomyosarcoma)
9 % 59 % 26 % 8 % 7 % 7-11 %
સંધિકલા માંસાર્બુદ
(synovial sarcoma)
5 % 28 % 12 % 13 % 5-20 %
તંતુમાંસાર્બુદ
(fibrosarcoma)
18 % 3 % 6 % 12 % 18 % 5-20 %
મેદમાંસાર્બુદ
(liposarcoma)
3 % 42 % 14 % 28 % 15-18 %
અન્ય 42 % 28 % 20 % 22 % 19 % અજ્ઞાત
કુલ 100 % 100 % 100 % 100 % 100 % 100 %

સ્નાયુનું કૅન્સર : (1) હાડકું, (2) જાંઘની ધમની, (3) સ્નાયુ, (4) ગાંઠ.
(અ) T1 તબક્કો, (આ) T2 તબક્કો.

વર્ગીકરણ : ઉદભવકોષ(પેશી)ને આધારે જે તે પ્રકારના યમાર્બુદ(માંસાર્બુદ)નું નામ અપાય છે. દા.ત., અરેખ સ્નાયુમાંસાર્બુદ, (leiomyosarcoma), સરેખ સ્નાયુમાંસાર્બુદ (rhabdomyo-sarcoma), વાહિની માંસાર્બુદ (angiosarcoma), મેદકોષી માંસાર્બુદ (liposarcoma), તંતુકોષી માંસાર્બુદ (fibrosarcoma), ચેતાતંતુકોષી માંસાર્બુદ (neurofibrosarcoma) વગેરે. સૌથી વધુ મેદપેશી-માંસાર્બુદ થાય છે. ચરબીની પેશીમાં ઉદભવે છે. તે હાથ-પગ, મોઢા અને ગળાનો વિસ્તાર તથા પેટના પોલાણના પાછલા ભાગમાં જોવા મળે છે. જોકે સૌથી વધુ ફેલાતું કૅન્સર તંતુકોષી માંસાર્બુદ છે. તેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે : અલ્પ-તીવ્રતાવાળા (low grade) અને અતિ-તીવ્રતાવાળા (high grade) માંસાર્બુદો. અલ્પ-તીવ્રતાવાળા માંસાર્બુદમાં કૅન્સર-કોષનું વિભેદન (differentiation) વધુ હોય છે, તેમાં થોડા કોષો અને વધુ બહિષ્કોષી દ્રવ્ય હોય છે. તેમાં નસો ઓછી હોય છે અને કોષનાશ (necrosis) પણ ઓછો જોવા મળે છે. નાના (T2), ઓછી તીવ્રતાવાળા સપાટીની નજીકના માંસાર્બુદમાં સારવારનું પરિણામ સારું આવે છે. સારણી 3માં તેના તબક્કા દર્શાવ્યા છે. સામાન્ય રીતે સ્થાનિક લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત થતી નથી. પરંતુ સરેખ સ્નાયુમાંસાર્બુદ (RMS), સંધિકલા માંસાર્બુદ (synovial sarcoma) અને અધિત્વચાભ (epidermoid) માંસાર્બુદમાં તે અસરગ્રસ્ત થાય છે. તે ફેફસાંમાં સ્થાનાંતરિત થઈને ફેલાય છે. પરંતુ મેદમાંસાર્બુદ, તંતુમાંસાર્બુદ, મારકતંતુપેશીકોષ અર્બુદ (malignant fibro-sarcoma), ચર્મતંતુમાંસાર્બુદ પ્રવર્ધમાન (dermatofibrosarcoma protuberans), કાપોસીનું માંસાર્બુદ વગેરે જવલ્લે જ સ્થાનાંતરિત થઈને અન્ય અવયવોમાં ફેલાય છે. ક્યારે પરાકૅન્સરી સંલક્ષણ (paraneoplastic syndrome) રૂપે લોહીમાં ગ્લુકોઝ ઘટે (પશ્ચપરિતની તંતુમાંસાર્બુદ, retroperitoneal fibrosarcoma), લોહીમાં કે હાડકાંમાં કૅલ્શિયમ ઘટે અથવા આંગળીઓના છેડા પહોળા થાય (છાતીમાંના માંસાર્બુદ).

રોગનાં લક્ષણો અને ચિહનો ગાંઠના સ્થાન પર નિર્ભર છે. તેમાં ગાંઠ, દુખાવો તથા આસપાસના અવયવો કે સંરચનાઓ પર દબાણથી થતા વિકારો જોવા મળે છે.

સારણી 3 : મૃદુપેશી માંસાર્બુદના તબક્કા

T1a

T1b

 5 સેમી. કદ, સ્નાયુ પરના તંતુપડ(fascia)ની ઉપર

> 5 સેમી. કદ, સ્નાયુ પરના તંતુપડની નીચે (ઊંડે)

T2b  5 સેમી., સ્નાયુ પરના તંતુપડની ઉપર

> 5 સેમી., સ્નાયુ પરના તંતુપડની નીચે (ઊંડે)

N1 સ્થાનિક લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત
M1 અન્યત્ર ફેલાયેલું કૅન્સર (દા.ત., ફેફસું)
G1

G2

G3

G4

પૂર્ણ વિભેદિત (well differentiated)

મધ્યમ (moderality) વિભેદિત

અતિઅપૂર્ણ (poorly) વિભેદિત

અવિભેદિત

તબક્કો

G T N

M

IA 1, 2 1a, b 0 0
IA 2 2a, b 0 0
IIA 3, 4 1a, b 0 0
IIB 3, 4 2a, b 0 0
III 3, 4 2b 0 0
IV 1-4 I-II 1 0
1-4 1-2 0-1 1

સારવાર : શસ્ત્રક્રિયા મહત્વની સારવાર છે. હાલ તંતુપડ(fascia)થી બનતા વિભાગમાંની સમગ્ર પેશીને દૂર કરીને કરવામાં આવતી શસ્ત્રક્રિયા વડે અંગ-ઉચ્છેદન (amputation) ન કરવું પડે તેવી રીતે સારવાર અપાય છે. તેથી બાયૉપ્સી કરેલી જગ્યાએ, ત્યાંની ચામડી, ચામડી નીચેની પેશી, તંતુમય પડ તથા પાસેના સ્નાયુઓનું જૂથ શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. તેને અંગ-પરિરક્ષીય (limb-preserving) શસ્ત્રક્રિયા પણ કહે છે. આને માટે ગાંઠની આસપાસ 2થી 3 સેમી.ની સામાન્ય પેશી પણ દૂર કરાય છે. ત્યાર બાદ વિકિરણનની સારવાર આપવાનું સૂચવાય છે. આ માટે બહારથી યંત્ર દ્વારા અથવા શસ્ત્રક્રિયા પછી રહેલી ગાંઠમાં I125નું ‘બીજ’ મૂકીને વિકિરણન કરાય છે. I125ના ‘બીજ’ વડે થતી વિકિરણન-સારવારને સમીપસ્થાની વિકિરણન-ચિકિત્સા (brachytherapy) કહે છે. જોકે વિકિરણન-સારવાર પહેલાં સ્થાનિક શસ્ત્રક્રિયા સંપૂર્ણ હોવી જરૂરી ગણાય છે. કેટલાંક સારવારકેન્દ્રોમાં શસ્ત્રક્રિયા પહેલાં વિકિરણન-ચિકિત્સા કરાય છે. હાડકાંના સાંધા તથા શૃંખલાઓ (girdles) પાસેના કૅન્સરમાં અંગ-ઉચ્છેદન કરી જે-તે હાથ કે પગને કાઢી નાખવો પડે છે. શસ્ત્રક્રિયા પછી દવાઓનો સહાયક સારવારરૂપી ઉપયોગ હજુ પ્રાયોગિક રહ્યો છે. ડૉક્સોરુબિસિન આ માટે મહત્વની દવા ગણાય છે. વધુ તીવ્રતાવાળા કૅન્સરમાં તે જીવનકાળ લંબાવે છે. મોટે ભાગે કૅન્સર ફેફસાંમાં ફેલાય છે. આવા દર્દીને ડૉક્સોરુબિસિન એકલી કે સાઇક્લોફૉસ્ફેમાઇડ અથવા આઇફૉસ્ફેમાઇડ સાથે કે સાઇક્લોફૉસ્ફેમાઇડ, વિન્ક્રિસ્ટિન અને DTIC સાથે અપાય છે. તેની સામૂહિક સારવારને MAID સમૂહ કહે છે. હાલ DTIC આપવાનું બંધ કરીને આડઅસરો ઘટાડવાના પ્રયોગો થઈ રહ્યા છે. ડૉક્સોરુબિસિનની માફક એપિરુબિસિન અને લાયપોઝોમલ ડૉક્સોરુબિસિન ઉપયોગી છે. આ ઉપરાંત આઇફૉસ્ફેમાઇડ, જેમ્સાયટેબિન અને ડોસિટેક્સેલ પણ ઉપયોગી ઔષધો છે.

કેટલાંક કેન્દ્રોમાં ફેફસાંમાંની સ્થાનાંતરિત ગાંઠોને શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે.

પેટના પોલાણના પાછલા ભાગમાં જો માંસાર્બુદ વિકસ્યું હોય તો તેને નિ:શેષ (radical) શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. ઉચ્છેદનની કિનારીમાં કૅન્સરના કોષો ન રહે તે માટે જરૂર પડ્યે પાસેનો અસરગ્રસ્ત અવયવ પણ દૂર કરાય છે. જો સંપૂર્ણ ગાંઠ કાઢી શકાય નહિ તો 95 % સુધીની ગાંઠ કાઢી શકાય તેટલી શસ્ત્રક્રિયા કરાય છે. ફક્ત 40 % દર્દીઓમાં 5 વર્ષનો જીવનકાળ લંબાય છે માટે શસ્ત્રક્રિયા પછી વિકિરણનની સારવાર અપાય છે. દૂરસ્થ (tele-) અથવા સમીપસ્થાની (brachy-) એમ બંને પ્રકારમાંથી કોઈ એક પ્રકારની વિકિરણન-ચિકિત્સા અપાય છે. પૂરેપૂરી ગાંઠ કાઢી શકાઈ ન હોય તેમને ડૉક્સોરુબિસિન અપાય છે.

પરિણામ : 53 વર્ષથી નાની ઉંમર, ઓછી તીવ્રતાવાળી ગાંઠ, એમ્બ્રિયૉનલ રૅબ્ડોસાર્કોમા કે એન્જિયોસાર્કોમા સિવાયનાં કૅન્સર, પ્રથમ તપાસ વખતે દુખાવાની ગેરહાજરી, 10 સેમી.થી નાની ગાંઠ, શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરાયેલ પેશીની કિનારીમાં કૅન્સરના કોષો ન હોય તો રોગ વગરનો લાંબો જીવનકાળ શક્ય બને છે. પૂરેપૂરી શસ્ત્રક્રિયા શક્ય હોય તેમાંના 76 % 2 વર્ષ અને 43 % 5 વર્ષ જીવે છે. પ્રથમ તબક્કામાં 5 વર્ષથી વધુ જીવનકાળ 85 %થી 90 %, બીજા તબક્કામાં 70 %થી 80 %, ત્રીજા તબક્કામાં 45 %થી 55 % અને ચોથા તબક્કામાં 0 %થી 20 % જેટલો નોંધાયો છે.

વિશિષ્ટ સ્થાનોનાં મૃદુપેશી માંસાર્બુદો : જઠર અને આંતરડાંની સંજાલપેશી(stromal tissue)માં જઠરાંત્ર સંજાલપેશીય માંસાર્બુદ (gastrointestinal stromal tumours, GIST) થાય છે. તેની માહિતી માટે જુઓ કૅન્સર, જઠરાંત્રીય, સંજાલપેશીય માંસાર્બુદ અવયવમાંની મુખ્ય પેશી(parenchyma)ના કોષોને જાળી કે માળખા જેવી સંરચના કરીને તથા બહારથી ઢાંકીને આધાર અને આવરણ આપતી પેશીને સંજાલ (stroma) કહે છે. તે એક પ્રકારે અવયવની મુખ્ય પેશીના કોષોનું સંનિધાન (packaging) કરતી પેશી છે. તેમાં c-kit (CD117) નામના વૃદ્ધિ ઘટકનો સ્વીકારક (growth factor receptor) હોય છે. તેની શસ્ત્રક્રિયા તથા ઇમાટીનિબ નામના મુખમાર્ગી ઔષધ વડે સફળ સારવાર કરી શકાય છે. તેની સ્થાનાંતરિત (metastatic) ગાંઠ જો શક્ય હોય તો શસ્ત્રક્રિયા વડે દૂર કરી શકાય છે.

માથા અને ગળાના માંસાર્બુદ(4 %)માં શસ્ત્રક્રિયા પછી ગાંઠને પૂરેપૂરી કૅન્સરમુક્ત કિનારી મેળવવી મુશ્કેલ બને છે. તેથી જ્યાં પણ શંકા રહે ત્યાં વિકિરણન-ચિકિત્સા અપાય છે. તેમાં શસ્ત્રક્રિયા-પૂર્વ વિકિરણન આપવાના પ્રયોગો થયેલા છે.

પુખ્ત વયે મૂત્રમાર્ગમાં ભાગ્યે જ માંસાર્બુદ જોવા મળે છે. તેને માથા અને ગળાના માંસાર્બુદની માફક સારવાર આપીને 58 %થી 74 %નો 5 વર્ષથી વધુ જીવનકાળ આપી શકાય છે.

ગર્ભાશયમાં 2 %થી 4 % કિસ્સામાં માંસાર્બુદ થાય છે. તેમાં શસ્ત્રક્રિયા પછી વિકિરણન-ચિકિત્સા તથા વધુ ઊંચા તબક્કાના કે વધુ તીવ્રતાંક(grade)વાળી ગાંઠમાં દવાઓ આપવાના પ્રયોગો થઈ રહેલા છે. મિશ્ર (mixed) કે ઉપપ્રકાર મુલેરિયન સાર્કોમાની સારવારમાં સિસ-પ્લૅટિન એકલી કે આઇફૉસ્ફેમાઇડ સાથે અપાય છે. તેવી રીતે પેક્લિટેક્સેલ અને ટોપોટિકેન પણ ઉપયોગી છે. જો અરેખ સ્નાયુકૅન્સર (leinomyosarcoma) હોય તો ડૉક્સોરુબિસિન અસરકારક રહે છે.

તંતુબંધાભ (desmoid) નામની ગાંઠ જવલ્લે જ જોવા મળે છે. તેમાં શસ્ત્રક્રિયા પછી વિકિરણન-સારવાર અપાય છે. ઔષધચિકિત્સામાં પીડાનાશકો, ઇસ્ટ્રોજનના વિષમધર્મી દ્રવ્યો, મિથોટ્રેક્ઝેટ, વિન્બ્લાસ્ટિન વગેરે વપરાય છે.

સ્તનનાં કૅન્સરના 1 %થી ઓછા પ્રમાણમાં માંસાર્બુદ થાય છે. તેની મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે. વિકિરણન અને ઔષધચિકિત્સા વડે ફરી થતો ઊથલો ઘટાડાય છે.

નસોના માંસાર્બુદ(વાહિનીમાંસાર્બુદ, angiosarcoma)માં મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે. વિકિરણન અને ઔષધો (ખાસ કરીને પેક્લિટેક્સેલ) મર્યાદિત લાભ કરે છે. સંધિકલા માંસાર્બુદ(synovial sorcoma)માં ઔષધોની ઘણી સારી અસર થાય છે. યુવાન દર્દીમાં વ્યાપકપણે ફેલાયેલા કૅન્સરમાં પણ આઇફૉસ્ફેમાઇડવાળી સામૂહિક સારવાર ઉપયોગી છે. તેમાં તેની સાથે ડૉક્સોરુબિસિન અપાય છે. શસ્ત્રક્રિયા પછી તે બંને દવા ઉપરાંત સિસ-પ્લૅટિન પણ અપાય છે.

શિલીન નં. શુક્લ