કૅન્સર – મૂત્રપિંડનું (પુખ્તવયે)
January, 2008
કૅન્સર, મૂત્રપિંડનું (પુખ્તવયે) : પુખ્તવયે મૂત્રપિંડ(kidney)નું કૅન્સર થવું તે. માણસમાં બે મૂત્રપિંડ આવેલા છે. મૂત્રપિંડને વૃક્ક પણ કહે છે. તે મૂત્રલ (nephron) નામના લોહીને ગાળનારા એકમોનો બનેલો પિંડ જેવો અવયવ છે. તેની મૂત્રલનલિકાઓ મૂત્રને મૂત્રપિંડ-કુંડ પાસે લાવે છે. બંને મૂત્રપિંડોમાંથી એક એક મૂત્રનળી (ureter) નીકળે છે જેના દ્વારા પેશાબ મૂત્રાશયમાં ઠલવાય છે. મૂત્રાશયમાંથી મૂત્રાશયનળી દ્વારા પેશાબ બહાર ધકેલાય છે. અમેરિકામાં પુરુષોમાં મૂત્રમાર્ગ અને જનનમાર્ગનાં કૅન્સર કુલ કૅન્સરના ત્રીજા ભાગનાં હોય છે. બાળકોમાં થતું મૂત્રપિંડનું કૅન્સર (વિલ્મનું કૅન્સર) ઘણા કિસ્સામાં મટી શકે છે. વળી પુખ્તવયે થતા મૂત્રપિંડના કેટલાક કિસ્સામાં તે આપોઆપ શમી જાય છે (spontaneous regression). આને કારણે રોગમાં પ્રતિરક્ષાલક્ષી (immunology) પ્રવિધિઓનો અભ્યાસ મહત્વનો બન્યો છે અને મૂત્રપિંડના કૅન્સરની સારવારમાં પ્રતિરક્ષાલક્ષી પદ્ધતિઓનો પ્રાયોગિક ઉપયોગ થઈ રહ્યો છે.
વસ્તીરોગવિદ્યા : અમેરિકામાં દર વર્ષે નોંધાતા કૅન્સરના નવા દર્દીઓમાં 3 %ને મૂત્રપિંડનું કૅન્સર થાય છે. મૂત્રમાર્ગના કૅન્સરમાં સૌથી વધુ પ્રમાણ મૂત્રાશયના કૅન્સરનું છે. ભારતમાં મૂત્રપિંડના કૅન્સરનું પ્રમાણ દર 1 લાખ પુરુષોએ 0.5થી 1.4 (સૌથી વધુ દિલ્હી) છે જ્યારે દર 1 લાખ સ્ત્રીઓએ 0.0થી 2.4 (સૌથી વધુ ભોપાલ) છે. મૂત્રાશયના કૅન્સરનું પ્રમાણ ઉત્તર ભારતમાં અને ખાસ કરીને દિલ્હીમાં વધુ જોવા મળે છે. અમદાવાદમાં દર 1 લાખ પુરુષોમાં મૂત્રપિંડના કૅન્સરનું પ્રમાણ 1.51 અને દર 1 લાખ સ્ત્રીઓમાં આ દર 0.72 છે. તેથી અમદાવાદમાં પુરુષોના કૅન્સરના 1.25 % અને સ્ત્રીઓના કૅન્સરના 0.83 % દર્દીઓને મૂત્રપિંડનું કૅન્સર હોય છે.
કારણો : મૂત્રપિંડનું કૅન્સર મોટી ઉંમરે (40 વર્ષથી વધુ) થાય છે. સામાન્ય રીતે તેનો દર્દી 55થી 60 વર્ષની વયનો હોય છે. સ્ત્રીઓ કરતાં પુરુષોમાં તે લગભગ બમણા દરે થાય છે. મોટા ભાગના કિસ્સામાં તે મૂત્રપિંડકોષીય (renal cell) કૅન્સર હોય છે (80 %). તે મૂત્રલનલિકાના અધિચ્છદ(renal tubular epithelium)ના કોષોમાં ઉદભવે છે. કેટલાક કિસ્સામાં (15 %), સ્ત્રી અને પુરુષોમાં સરખા દરે, મૂત્રપિંડ-કુંડ(renal pelvis)માં ઉપપરિવર્તિત કોષીય (transitional cell) તથા લાદીસમ અથવા શલ્કસમ કોષીય (squamous cell) એમ 2 પ્રકારનાં કૅન્સર થાય છે. મૂત્રપિંડકોષીય કૅન્સરને ગ્રેવિટ્ઝની ગાંઠ અથવા અતિવૃક્કાર્બુદ (hypernephroma) પણ કહે છે.
મૂત્રપિંડનાં મોટા ભાગનાં કૅન્સરમાં કોઈ દેખીતું કારણ હોતું નથી. પથરીને કારણે થતા લાંબા સમયના શોથ(inflammation)ને કારણે ક્યારેક મૂત્રપિંડ-કુંડનું કૅન્સર થાય છે. ધૂમ્રપાન અને મૂત્રપિંડના કૅન્સરને સંબંધ છે એવું વસ્તીરોગવિદ્યાના અભ્યાસોમાં નોંધાયું છે. ધૂમ્રપાન ન કરનારા કરતાં ધૂમ્રપાન કરનારામાં તે 40 %ના દરે વધુ થાય છે અને તેથી અમેરિકામાં ત્રીજા ભાગના મૂત્રપિંડી કૅન્સરમાં તમાકુનું સેવન જોવા મળે છે. જેટલું વધુ ધૂમ્રપાન તેટલું વધુ જોખમ. અન્ય જોખમી પરિબળોમાં તળેલું માંસ, વધુ વજન (મેદસ્વિતા) ખાસ કરીને સ્ત્રીઓમાં, ઍસ્બેસ્ટૉસ કે પેટ્રોલિયમ પેદાશનો સંસર્ગનો સમાવેશ થાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીમાં થતી કોષ્ઠો(cysts)માં મૂત્રપિંડનું કૅન્સર 30ગણા વધુ દરથી જોવા મળે છે. કદાચ અંત:સ્રાવો અને વિકિરણન (radiation) પણ મૂત્રપિંડનું કૅન્સર કરે છે. થોરોટ્રાસ્ટના સંસર્ગમાં આવતી વ્યક્તિઓને તે થાય છે. મૂત્રપિંડનું કૅન્સર કેટલાક વારસાગત કૌટુંબિક રોગોમાં પણ જોવા મળ્યું છે; જેમ કે વૉન હિમલ-લિન્ડો રોગ, વારસાગત અનંકુરીય મૂત્રપિંડ કૅન્સર (hereditary nonpapillary renal cell cancer), વારસાગત અંકુરીય (papillary) મૂત્રપિંડ કૅન્સર, વારસાગત અરેખ સ્નાયુ-અર્બુદતા (leiomyomatosis), બ્રિટ-હોગ-ડુવેનું સંલક્ષણ વગેરે; આ બધા જવલ્લે જ જોવા મળતા રોગો છે.
નિર્દેશન અને નિદાન : મોટા ભાગના દર્દીઓમાં પ્રારંભિક ચિહનો કે લક્ષણો હોતાં નથી. ઘણી વખત અન્ય તકલીફો માટેની તપાસ દરમિયાન (ખાસ કરીને અલ્ટ્રાસૉનોગ્રાફી કે સીએટી-સ્કૅન દ્વારા) મૂત્રપિંડના કૅન્સરની હાજરી જણાઈ આવે છે. મુખ્ય લક્ષણો રૂપે પેશાબમાં લોહી પડવું (70 %), પેટ કે પીઠમાં દુખાવો થવો (50 %), પેટમાં ગાંઠ દેખાવી (20 %), તાવ આવવો (16 %) તથા ક્યારેક લોહીના રક્તકોષોની સંખ્યા વધવી, લોહીનું દબાણ વધવું, યકૃત મોટું થવું, એમિલૉઇડતા થવી વગેરે છે. ક્યારેક યકૃતનો વિકાર થાય છે અથવા લોહીમાં કૅલ્શિયમનું પ્રમાણ વધે છે. ક્યારેક નિદાન સમયે કૅન્સર ફેફસાં સુધી ફેલાયેલું જોવા મળે છે. નિદાન માટે અલ્ટ્રાસૉનોગ્રાફી અને સીએટી-સ્કૅન કરવામાં આવે છે. અગાઉ મૂત્રમાર્ગચિત્રણ (pyelography) નામનું પરીક્ષણ કરાતું હતું. સોય વડે કરાતી મૂત્રપિંડની તપાસ વડે અથવા શસ્ત્રક્રિયા કરીને પેશીરુગ્ણવિદ્યાકીય (histopathological) નિદાન કરાય છે. મૂત્રપિંડકોષીય કૅન્સર લોહીની નસો તથા લસિકાવાહિનીઓમાં પ્રસરે છે તથા મૂત્રપિંડના આવરણને પણ અસરગ્રસ્ત કરે છે. મૂત્રપિંડની શિરા (renal vein) તથા અધોમહાશિરા(inferior vena cava)માં તે રુધિરગુલ્મ (thrombus) રૂપે પ્રસરે છે અને તે દ્વારા ફેફસાં, લસિકાગ્રંથિઓ (lymphnodes), હાડકાં, યકૃત, ચામડી, કેન્દ્રીય
સારણી 1 : પુખ્તવયે થતા મૂત્રપિંડના કૅન્સરનું TNM વર્ગીકરણ
T | : મૂળગાંઠ (tumour) |
T1 મૂત્રપિંડમાં 2.5 સેમી.થી નાની ગાંઠ
T2 મૂત્રપિંડમાં 2.5 સેમી.થી મોટી ગાંઠ T3 મૂત્રપિંડની શિરા કે મૂત્રપિંડના આવરણમાં ફેલાવો T4 ગૅરોટાના તંતુપડ(fascia)માં ફેલાવો |
|
N | : લસિકાગ્રંથિ (lymphnode) |
N0 લસિકાગ્રંથિમાં કૅન્સર થયેલું ન હોય
N1 2 સેમી.થી નાની અસરગ્રસ્ત લસિકાગ્રંથિ N2 2થી 5 સેમી.ની ઘણી લસિકાગ્રંથિઓ N3 5 સેમી.થી મોટી લસિકાગ્રંથિઓ |
|
M | : સ્થાનાંતરિત (metastatic) |
M0 અન્ય અવયવોમાં લોહીમાર્ગે ફેલાવો ન હોય
M1 અન્ય અવયવોમાં લોહીમાર્ગે ફેલાવો છે. |
ચેતાતંત્ર (મગજ વગેરે), સ્વાદુપિંડમાં ફેલાય છે. તેની કેટલીક વિશેષતાઓ છે. તે ક્યારેક આપોઆપ વિલાય છે, ક્યારેક શુક્રપિંડ અને ચામડી જેવા ભાગ્યે જ સ્થાનાંતરિત (metastatic) કૅન્સરથી અસરગ્રસ્ત અવયવોમાં ફેલાય છે અને ઘણી વખતે તે ખૂબ મોડેથી પણ ફેલાવાનું શરૂ કરે છે.
સારણી 2 : મૂત્રપિંડના કૅન્સરના તબક્કા
તબક્કો |
રોગનો ફેલાવો |
1. | મૂત્રપિંડની પ્રમુખપેશી(parenchyma)માં કૅન્સર |
2. | મૂત્રપિંડની આસપાસ મેદપેશીમાં ફેલાવો |
3. | મૂત્રપિંડ શિરા તથા અધોમહાશિરા(inferior vena cava)માં
અથવા લસિકાગ્રંથિઓ અને અન્ય વાહિનીઓમાં ફેલાવો |
4. | આસપાસના અવયવો અથવા દૂરના અવયવોમાં ફેલાવો |
વર્ગીકરણ : મૂત્રપિંડકોષીય કૅન્સરને સ્વચ્છકોષી (clear cell), અંકુરીય (papillary), વર્ણવિરાગી (chromophobe), સમાહર્તી નલિકાકીય (collective duct) અને અવર્ગીકૃત એમ 5 ઉપપ્રકારોમાં વહેંચવામાં આવે છે. તેમાંથી સ્વચ્છકોષી કૅન્સર સૌથી વધુ (70-80 %) જોવા મળે છે. આ બધાં જ કૅન્સરમાં વધુ આક્રમકતાવાળો માંસાર્બુદસમ (sarcomatoid) ફેરફાર જોવા મળે છે. તે અલગ ઉપપ્રકાર નથી. પ્રથમ 4 ઉપપ્રકારોમાં વિવિધ પણ ચોક્કસ પ્રકારની જનીનીય વિકૃતિઓ જોવા મળે છે.
મૂત્રપિંડના કૅન્સરનું TNM વર્ગીકરણ સારણી 1માં છે તથા તેના તબક્કા સારણી 2માં દર્શાવ્યા છે, જ્યારે મૂત્રપિંડ-કુંડનું કૅન્સર આકૃતિ 2માં દર્શાવ્યું છે.
સારવાર અને પરિણામ : મૂત્રપિંડી કોષોના કૅન્સરમાં પ્રારંભિક સારવાર શસ્ત્રક્રિયા છે. તેના વડે અસરગ્રસ્ત મૂત્રપિંડ, તેની આસપાસની મેદપેશી, ગૅરોટાનું તંતુપડ (આવરણ) તથા સ્થાનિક લસિકાગ્રંથિઓ દૂર કરવામાં આવે છે. તે સાથે અધિવૃક્ક ગ્રંથિ (adrenal gland) તથા મૂત્રપિંડની શિરા પણ દૂર કરાય છે. જો બંને મૂત્રપિંડોમાં કૅન્સર થયેલું હોય તો ફક્ત ગાંઠને જ દૂર કરાય છે. ક્યારેક મૂત્રપિંડને બહાર કાઢી તેમાંની ગાંઠને દૂર કરાય છે અને ફરીથી મૂત્રપિંડને દર્દીના શરીરમાં મૂકવામાં આવે છે. 4 સેમી.થી નાની ગાંઠમાં ફક્ત ગાંઠ કાઢવાની શસ્ત્રક્રિયા મૂત્ર બનાવતા એકમો મૂત્રલો(nephrons)ને જાળવી રાખે છે અને જીવનકાળ પણ ઘટતો નથી. એકાદ અન્યત્ર ફેલાયેલી ગાંઠ કાઢી શકાય તો તેને પણ દૂર કરાય છે. સામાન્ય રીતે શરૂઆતના તબક્કામાં વિકિરણન-ચિકિત્સા (radiotherapy) કે દવાઓની જરૂર હોતી નથી. ફેલાયેલા કૅન્સરના દર્દીમાં પણ રોગગ્રસ્ત મૂત્રપિંડને દૂર કરાય છે. ક્યારેક તેને કારણે અન્યત્ર ફેલાયેલી ગાંઠો પણ શમે છે (1 %થી 2 %). ક્યારેક જરૂર પડ્યે બંને બાજુનાં કૅન્સરમાં બંને મૂત્રપિંડ દૂર કરીને પારગલન (dialysis) અથવા મૂત્રપિંડ પ્રત્યારોપણ (renal transplantation) કરવામાં આવે છે. શસ્ત્રક્રિયા કર્યા પછી મૂત્રપિંડની આસપાસની પેશીમાં જો કૅન્સર ફેલાયેલું હોય, તો વિકિરણન-ચિકિત્સા અપાય છે. ક્યારેક હાડકામાં કે મૂળ ગાંઠને સ્થાને ફરીથી કૅન્સરનો ઉપદ્રવ થાય તોપણ વિકિરણન-ચિકિત્સા અપાય છે. બહાર ફેલાયેલા કૅન્સરમાં સારવારની શરૂઆતમાં મૂત્રપિંડને શસ્ત્રક્રિયાથી દૂર કરવાની સંભાવના જોઈ લેવાય છે. જરૂર પડ્યે વિન્બ્લાસ્ટિન, 5-ફલ્યુરોયુરેસિલ, 5-ફલ્યુરોડિઑક્સિયુરિડિન (FUDR), જેમ્સાયટેબિન વગેરે વડે ઔષધચિકિત્સા કરાય છે. તેની સફળતા 5થી 17 % જેટલી નોંધાઈ છે. શસ્ત્રક્રિયા, વિકિરણન-ચિકિત્સા તથા ઔષધચિકિત્સાની મર્યાદિત સફળતાને કારણે પ્રતિરક્ષાલક્ષી (immune) સારવારના પ્રયોગો થઈ રહ્યા છે. તે માટે ઇન્ટરફીરૉન, ઇન્ટરલ્યુકિન-2, સ્વલસિકાકોષી ચિકિત્સા (autolymphocyte therapy) તથા પ્રતિરક્ષા પ્રભાવકો(immunomodulators)નો ઉપયોગ કરાય છે. વાહિની અંતછદીય વૃદ્ધિ ઘટક (vascular endothelial growth factor, VEGF) વિરુદ્ધનો પ્રતિદ્રવ્ય – બેવાસિઝુમેબ – વડે સારવાર કરવાના પ્રયોગો થઈ રહ્યા છે. શરૂઆતના તબક્કાના મૂત્રપિંડના કૅન્સરમાં 30 %થી 50 % દર્દીઓ 5 વર્ષથી વધુ જીવે છે અને 10 %થી 30 % દર્દીઓ 10 વર્ષથી વધુ જીવે છે.
મૂત્રપિંડ–કુંડ(renal pelvis)નું કૅન્સર : તે ઉપપરિવર્તિત કોષીય (transitional cell) તથા લાદીસમ અથવા શલ્કસમ કોષીય (squamous cell) કૅન્સર એમ 2 પ્રકારનું હોય છે. પીડાનાશક દવાઓ લેવાથી તેનું જોખમ વધે છે. તે દુખાવો, પેશાબમાં લોહી પડવું તથા પેટમાં ગાંઠ થવી વગેરે વિવિધ તકલીફો સર્જે છે. મૂત્રપિંડ-કુંડના કૅન્સર(renal pelvis carcinoma)માં મૂત્રપિંડ તથા મૂત્રપિંડનળીનો થોડો ભાગ શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. અન્યત્ર ફેલાયેલા કૅન્સરની સારવારમાં સિસ-પ્લૅટિન તથા 5-ફ્લ્યુરોયુરેસિલની સારવાર અપાય છે. મૂત્રપિંડ-કુંડના કૅન્સરના દર્દીઓમાં જો શરૂઆતનો તબક્કો હોય તો 50 % દર્દીઓ 5 વર્ષથી વધુ જીવે છે. જો સ્ક્વેમસ સેલ કૅન્સર થયેલું હોય તો સારવારનું પરિણામ સારું હોતું નથી.
મૂત્રપિંડનળી(ureter)નું કૅન્સર : આ પ્રકારનું કૅન્સર ભાગ્યે જ જોવા મળે છે. તે 60થી 70 વર્ષના પુરુષોમાં થાય છે. સામાન્ય રીતે તે ઉપપરિવર્તિત કોષીય (transitional cell) પ્રકારનું હોય છે. પેશાબમાં લોહી પડવું (75 %) તથા પેટમાં ચૂંક ઊપડવી એ બે મુખ્ય લક્ષણો છે. પેશાબની તપાસ અલ્ટ્રાસૉનોગ્રાફી તથા સીએટી-સ્કૅન વડે નિદાન કરાય છે. અગાઉ નસ વાટે એક્સ-રે-રોધી દ્રવ્ય આપીને શિરામાર્ગી મૂત્રમાર્ગચિત્રણ (intravenous pyelography, IVP) કરાતું હતું. મૂત્રપિંડની નજીકની નળીના કૅન્સરમાં મૂત્રપિંડ સહિત નળીનો તે ભાગ દૂર કરાય છે. મૂત્રાશય નજીકની નળીના કૅન્સરમાં નળીનો ફક્ત અસરગ્રસ્ત ભાગ દૂર કરાય છે. અન્યત્ર ફેલાયેલા કૅન્સરમાં સિસ-પ્લૅટિન તથા અન્ય દવાઓ અપાય છે. 25 %થી વધુ દર્દીઓ 5 વર્ષ જીવે છે.
શિલીન નં. શુક્લ
શકુંતલા વિ. શાહ