કૅન્સર, મૂત્રાશય(urinary bladder)નું : મૂત્રપિંડમાં બનેલો પેશાબ મૂત્રપિંડનળી (ureter) દ્વારા મૂત્રાશયમાં એકઠો થાય છે. મૂત્રમાર્ગનાં મોટા ભાગનાં કૅન્સર મૂત્રાશયમાં થાય છે. તેમાંથી મૂત્રાશયનળી (urethra) દ્વારા તે બહાર ફેંકાય છે. મૂત્રાશયનળીનું કૅન્સર શિશ્નના કૅન્સર સાથે વર્ણવ્યું છે.

વસ્તીરોગવિદ્યા : ભારતમાં દર 1 લાખ પુરુષોમાં 0.0થી 7.5ના પ્રમાણમાં તથા દર 1 લાખ સ્ત્રીઓએ 0.0થી 1.7ના પ્રમાણમાં મૂત્રાશયનું કૅન્સર થાય છે. સ્ત્રીઓ તેમજ પુરુષોમાં સૌથી વધુ દર દિલ્હીમાં નોંધાયો છે. અમદાવાદમાં દર 1 લાખ પુરુષોએ 2.85ને તથા દર 1 લાખ સ્ત્રીઓએ 0.76ને મૂત્રાશયનું કૅન્સર થાય છે. અમદાવાદમાં નોંધાતા પુરુષોના કૅન્સરના 1.96 % અને સ્ત્રીઓના કૅન્સરના 0.75 % દર્દીઓને આ રોગ હોય છે.

કારણો : મૂત્રાશયનું કૅન્સર મોટે ભાગે મૂત્રાશયની બાજુ પરની તથા પાછલી દીવાલ પર જોવા મળે છે. મોટી ઉંમર(50થી 70 વર્ષ)ના પુરુષોમાં (66 %) તે જોવા મળે છે. કાપડ, રબર તથા વિદ્યુતવાહક તારનાં દોરડાં(cables)ના ઉદ્યોગમાં વપરાતા ઍનિલિન પ્રકારના રંગોને કારણે તે થાય છે. સામાન્ય રીતે આ રંગોના વ્યાવસાયિક સંસર્ગ પછી 6થી 20 વર્ષે કૅન્સર ઉદભવે છે. બીટા-નેફ્થેલેમાઇન, 4-એમીનો ડાયફિનાયેલ તથા તમાકુની મેશ(tobacco-tar)ને કારણે પણ તે થાય છે. આ ઉપરાંત ટ્રક, ટૅક્સી કે બસચાલકો અને કેશકર્તકો-(hairdressers)માં તે વધુ જોવા મળે છે. પીડાનાશકો (ફિનાસેટિન), અન્ય કૅન્સર માટે પેટના નીચલા ભાગે વિકિરણનની કે સાઇક્લોફૉસ્ફેમાઇડ વડે સારવાર પણ તેનું જોખમ વધારે છે. ઇજિપ્તમાં શિસ્ટોસોમાનો ચેપ સ્ક્વેમસ સેલ કૅન્સર કરે છે. ધૂમ્રપાન કરતી વ્યક્તિમાં મૂત્રાશયનું કૅન્સર થવાની શક્યતા સામાન્ય કરતાં 6ગણી વધુ રહે છે. ધૂમ્રપાનના પ્રમાણને કૅન્સર થવાના જોખમ સાથે સીધો અને સમાંતર સંબંધ છે. મૂત્રાશયની નસોમાં વસતા શિસ્ટોસોમા હિમેટોબિયમ નામના કૃમિને કારણે તથા પથરીને કારણે લાંબા સમયનું સંક્ષોભન (irritation) થાય તો મૂત્રાશયમાં સ્ક્વેમસ સેલ (લાદીસમ અથવા શલ્કસમ કોષીય) કૅન્સર થાય છે.

પેશીરુગ્ણવિદ્યા : મોટે ભાગે ઉપપરિવર્તિત કોષીય (transitional cell) કૅન્સર જોવા મળે છે (90 %થી 95 %). 5 %થી 10 % કિસ્સામાં લાદીસમ અથવા શલ્કસમ કોષી (squamous cell) કૅન્સર થાય છે. ક્યારેક ગ્રંથિકૅન્સર (adenocarcinoma) પણ થાય છે (1 %  2 %).

નિર્દેશન અને નિદાન : દુખાવા વગર સુસ્પષ્ટ કે સૂક્ષ્મસ્વરૂપે પેશાબમાં લોહી પડવું (75 %), વારંવાર પેશાબની હાજત થવી, પેશાબ કરતાં બળતરા થવી કે દુખાવો થવો વગેરે લક્ષણો ઉદભવે છે. ફેલાયેલા કૅન્સરમાં વજનનો ઘટાડો, પેટમાં દુખાવો તથા હાડકાંમાં દુખાવો થાય છે. નિદાન માટે શિરામાર્ગી મૂત્રમાર્ગ-ચિત્રણ (intravenous pyelography, IVP), અલ્ટ્રાસૉનોગ્રાફી, સીએટી-સ્કૅન, મૅગ્નેટિક રેસોનન્સ ઇમેજિંગ (એમઆરઆઈ), મૂત્રાશય-નિરીક્ષા (cystoscopy) તથા પેશાબના વહનશીલ કોષમાપન (flowcytometry) વડે નિદાન કરાય છે. વહેલા નિર્દેશન (early detection) માટે પેશાબની કોષવિદ્યા(cytology)લક્ષી તપાસ ઉપયોગી છે. ફેફસાંમાં રોગ ગયો છે કે નહિ તે જાણવા ફેફસાંનું એક્સ-રે ચિત્રણ થાય છે.

આકૃતિ 1 : મૂત્રાશયનું કૅન્સર : (1) અધિચ્છદ (epithelium), (2) સંધાનપેશી, (3) સ્નાયુસ્તર, (4) પરિમૂત્રાશયી ચરબીનું સ્તર, (5) મૂત્રાશયનળી, (6) પુર:સ્થ (prostate) ગ્રંથિ, (7) શ્રોણીનું હાડકું. (અ) Tis તબક્કો, (આ) Ta તબક્કો જેમાં કલિકામય (papillary) બિનઆક્રમક કૅન્સરની ગાંઠ થાય છે, (ઇ) T1 તબક્કો, (ઈ) T2 તબક્કો, (ઉ, ઊ) T3 તબક્કો, (ઋ, એ) T4 તબક્કો.

વર્ગીકરણ : મૂત્રાશયના કૅન્સરનું TNM વર્ગીકરણ તથા તેના તબક્કા સારણીમાં અને આકૃતિ 1માં દર્શાવ્યાં છે. સામાન્યપણે સારવારની દિશા નક્કી કરતાં પહેલાં એ જોવાય છે કે કૅન્સર શ્લેષ્મસ્તરમાં છે, મૂત્રાશયના સ્નાયુ સુધી ફેલાયું છે કે મૂત્રાશયની બહાર ફેલાયું છે. તે માટે મૂત્રાશય-નિરીક્ષા (cystoscopy), સીએટી.-સ્કૅન, હાડકાં માટે બોનસ્કૅન, છાતીનું એક્સ-રે ચિત્રણ, લોહીમાં આલ્કેલાઇન ફૉસ્ફેટેઝની સપાટી જાણવામાં આવે છે.

સારણી 1 : મૂત્રાશયના કૅન્સરનું TNM વર્ગીકરણ અને તેના તબક્કા

રોગનો ફેલાવો

TNM

વર્ગીકરણ

તબક્કો

અતિસીમિત (in situ) ચપટું Tis
કલિકામય (papillary), બિનઆક્રમક Ta
અવશ્ર્લેષ્મસ્તર (submucosa) સુધી ફેલાવો T1 I
અંદરની સપાટી પાસેનો સ્નાયુસ્તર અસરગ્રસ્ત T2A II
સ્નાયુસ્તરમાં ઊંડે સુધી ફેલાવો T2B II
બહારની મેદપેશી તથા આસપાસના અન્ય
અવયવોમાં ફેલાવો T3 III
શ્રોણી કે પેટની દીવાલમાં ફેલાવો T4 IV
લસિકાગ્રંથિઓમાં ફેલાવો N13 IV
લોહીમાર્ગે અન્ય અવયવોમાં ફેલાવો M1 IV

સારવાર : મૂત્રાશયની અંદરની સપાટી પરના ફક્ત શ્લેષ્મસ્તર-(mucosa)ને અસર કરતા કૅન્સરને અંત:દર્શક(endoscope)ની મદદથી શસ્ત્રક્રિયા કરીને દૂર કરાય છે. તેને પારમૂત્રાશયનલિકી ઉચ્છેદન (transurethral resection, TUR) કહે છે. ક્યારેક Nd : YAG લેઝર વડે સારવાર અપાય છે. શ્લેષ્મસ્તરની સપાટી પરના અતિસીમિત ચપટા કૅન્સર(Tis તબક્કો)માં અંત:દર્શક વડે દૂર કરીને મૂત્રાશયમાં ક્ષયવિરોધી રસી (BCG) નાંખીને સારવાર કરાય છે. તેનાથી 75 % દર્દીઓ 5 વર્ષથી વધુ જીવે છે. T1 અથવા પ્રથમ તબક્કાના કૅન્સરમાં TURની શસ્ત્રક્રિયા પછી મૂત્રાશયમાં BCG કે કૅન્સરવિરોધી દવાઓ નાંખીને સારવાર કરવાથી ફરીથી ઊથલો મારવાનું જોખમ ઘટે છે. મૂત્રાશયમાં દવા નાંખીને કરાતી સારવારને મૂત્રાશયાંત:ચિકિત્સા (intravesical therapy) કહે છે. તે માટે થાયોટેમા, ડૉક્સોરુબિસિન, જેમ્સાયટેબિન અને માયટોમાયસિન નામની દવાઓ ઉપયોગી છે : T1 કે પહેલા તબક્કાથી વધુ મોટા તબક્કામાં શસ્ત્રક્રિયા વડે મૂત્રાશયને આંશિક કે પૂરેપૂરું કાઢવાની શસ્ત્રક્રિયા કરવી પડે છે : આ કૅન્સરમાં શ્લેષ્મસ્તર વડે સ્નાયુસ્તરમાં કૅન્સર પ્રસરેલું હોય છે. મૂત્રાશયના ઘુમ્મટ (dome) કે બાજુ પરની દીવાલના વધુ મોટા કૅન્સરમાં મૂત્રાશયનો અસરગ્રસ્ત ભાગ કાઢી નંખાય છે. સામાન્ય રીતે T2A તબક્કા સુધીના દર્દીઓમાં આ સારવાર ઉપયોગી છે. 50 % દર્દીઓમાં રોગ ફરી ઊથલો મારે છે અને તેથી વારંવાર અંત:દર્શક વડે શસ્ત્રક્રિયા અથવા મૂત્રાશયમાં દવા નાખીને ઔષધચિકિત્સા કરાય છે. મોટા, અતિશય મારક અને હુમલો કરી ફેલાતા (આક્રમક) કૅન્સર(T2B અને T3 તબક્કા)માં આખું મૂત્રાશય કાઢી નંખાય છે. તે સમયે આસપાસની લસિકાગ્રંથિઓ, પુર:સ્થ (prostate) ગ્રંથિ, વીર્યસંગ્રાહિકાઓ (seminal vesicles) પણ દૂર કરાય છે. મૂત્રપિંડની નળીઓ(ureters)ને આંતરડાના ટુકડામાંથી બનાવેલી કોથળી સાથે જોડવામાં આવે છે. આ કોથળી મૂત્રાશયનું કામ આપે છે. આવા સમયે કૃત્રિમ છિદ્રણથી પેટની આગળની દીવાલ પરથી પેશાબ બહાર આવે તેવી વ્યવસ્થા કરાય છે. ક્યારેક આવા કૃત્રિમ મૂત્રમાર્ગની જરૂર ન પડે તેવી શસ્ત્રક્રિયા કરાય છે. શસ્ત્રક્રિયાને બદલે પ્રારંભિક સારવાર રૂપે, શસ્ત્રક્રિયા પછી સહાયક સારવાર રૂપે તથા વધી ગયેલા કૅન્સરમાં રાહતજનક સારવાર રૂપે વિકિરણન-ચિકિત્સા (radiotherapy) અપાય છે. ઘણી વાર તે સમયે નસ વાટે સિસ-પ્લૅટિન નામની દવાનો ઉપયોગ કરીને વિકિરણનની અસર વધારી શકાય છે. સિસ-પ્લૅટિન સાથે મિથોટ્રેક્ઝેટ, ડૉક્સોરુબિસિન, 5-ફ્લ્યુરોયુરેસિલ, સાઇક્લોફૉસ્ફેમાઇડ, માયટોમાયસિન-સી વગેરે દવાઓના વિવિધ સમૂહો 10 %થી 40 % જેટલા દર્દીઓને ફાયદો કરે છે. સિસ-પ્લૅટિન એકલું પણ અપાય છે. વિન્બ્લાસ્ટિન તથા વિપિ-16 પણ વપરાય છે. શસ્ત્રક્રિયા પહેલાંની સારવાર રૂપે સિસ-પ્લૅટિન, મિથોટ્રેક્ઝેટ અને વિન્બ્લાસ્ટિન (CMV) અથવા મિથોટ્રેક્ઝેટ, વિન્બ્લાસ્ટિન, ડૉક્સોરુબિસિન તથા સિસ-પ્લૅટિન(M-VAC)ની સામૂહિક ચિકિત્સા કરાય છે. આ દવાઓ નસ વાટે અપાય છે.

આકૃતિ 2 : મૂત્રાશયના કૅન્સરમાં અસરગ્રસ્ત થતી લસિકાગ્રંથિઓ. (1) મૂત્રપિંડ, (2) લસિકાગ્રંથિઓ, (3) શ્રોણી(નિતંબ)નું હાડકું, (4) મૂત્રપિંડનળી, (5) લોહીની નસો, (6) મૂત્રાશય, (7) મૂત્રાશયની ગાંઠ, (8) N1 તબક્કાની અસરગ્રસ્ત લસિકાગ્રંથિ, (9) N2 તબક્કાની અસરગ્રસ્ત લસિકાગ્રંથિ, (10) N3 તબક્કાની અસરગ્રસ્ત લસિકાગ્રંથિ.

ચોથા તબક્કાના કૅન્સરમાં સિસ-પ્લૅટિન, મિથોટ્રેક્ઝેટ, પેક્લિટેક્સેલ, ડૉસિટેક્સેલ અને જેમ્સાયટેબિનમાંથી કોઈ એક ઔષધચિકિત્સા રૂપે અપાય છે. તેનાથી 30 %થી 45 % દર્દીઓને રાહત મળે છે. M-VACની સારવારથી વધુ દર્દીઓને લાભ થાય છે, પરંતુ તેમાં લોહીના તટસ્થકોષો (neutrophils) ઘટે છે, ચેપ લાગે છે, મોઢામાં અને જઠરાંત્રમાર્ગમાં ચાંદાં પડે છે અને ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતા જોવા મળે છે.

મૂત્રાશય અંદરની સપાટી પરના કૅન્સરના દર્દીઓમાંના 90 % દર્દીઓ 5 વર્ષ જીવે છે જ્યારે સ્નાયુસ્તર સુધી ફેલાયેલા કૅન્સરના 60 % દર્દીઓ 5 વર્ષ સુધી જીવે છે.

શિલીન નં. શુક્લ

શકુંતલા વિ. શાહ