કૅન્સર, મધ્યસ્તરીય પેશી(mesothelioma)નું : ફેફસાં, હૃદય, પેટના વિવિધ અવયવોનાં આવરણો તથા શુક્રપિંડની આસપાસનું શ્વેત આવરણ (tunica vaginalis) ગર્ભના મધ્યસ્તર(mesothelium)-માંથી બને છે. તેનું કૅન્સર માંસાર્બુદ કે યમાર્બુદ (sarcoma) જૂથનું કૅન્સર ગણાય છે. ફેફસાના આવરણમાં થતું કૅન્સર સામાન્ય રીતે ઍસ્બેસ્ટૉસના સંસર્ગથી થાય છે. આમ તે એક વ્યવસાયજન્ય (occupational) કૅન્સર ગણાય છે. ઍસ્બેસ્ટૉસના ઉત્પાદન કે વપરાશ સાથે સંકળાયેલા કામદારો જો ધૂમ્રપાન કરતા હોય તો તેનું પ્રમાણ વધારે રહે છે. ઍસ્બેસ્ટૉસ ઉત્પાદકો, વીજ-અવાહક સાધનો બનાવનારા, વહાણ બાંધનારા, સ્વયંસંચાલિત વાહનો બનાવનારા અને મકાન બાંધનારાઓમાં ઍસ્બેસ્ટૉસનો સંસર્ગ વધુ રહે છે. તે 50 વર્ષથી વધુ વયે જોવા મળે છે. સામાન્ય રીતે જમણા ફેફસાની બહારના આવરણ(પરિફેફસી કલા, pleura)માં તે વધુ જોવા મળે છે. તે 3 પ્રકારના હોય છે – અધિચ્છદીય (epithelial), તંતુમાંસાર્બુદીય (fibrosarcomatous) અને મિશ્ર પ્રકાર. જે અવયવના આવરણમાં તે ઉદભવે તેને ચારે બાજુથી ઘેરીને દબાવે છે. જે તે અવયવની કાર્યક્ષમતાને અસર કરીને તે ચિહનો અને લક્ષણો જન્માવે છે. વળી તે લોહીમાંના ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. તેને સામાન્ય રીતે અન્ય સ્થળેથી ફેલાઈને આવેલા (સ્થાનાંતરિત, metastatic) ગ્રંથિકૅન્સર-(adenocarcinoma)થી અલગ પાડવું જરૂરી બને છે. તે માટે પેશીરાસાયણિક (histochemical) અને પ્રતિરક્ષાલક્ષી પેશીરાસાયણિક (immunohistochemical, IHC) કસોટી કરાય છે. ક્યારેક વીજકણ સૂક્ષ્મદર્શક (electron microscope) ઉપયોગી રહે છે. તેનો તબક્કો નક્કી કરવામાં સીએટી-સ્કૅન ઉપયોગી છે. સામાન્યપણે તેનો સ્થાનિક વિકાસ થાય છે અને તેની મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે. વિકિરણન-ચિકિત્સા અને દવાઓની તેના પર મર્યાદિત અસર થાય છે. દવાઓમાં પ્રેમેટ્રેક્સેડ (અલ્મિટા) અને સિસ-પ્લૅટિન, મોટી માત્રા(dose)માં મિથોટ્રેક્ઝેટ અને સિસ-પ્લૅટિન અને જેમ્સાયટેબિનનો સમાવેશ થાય છે. પ્રેમેટ્રેક્સેડ દર 21 દિવસે એક દિવસ સિસ-પ્લૅટિન સાથે કે તેના વગર નસ વાટે અપાય છે. તે લોહીના શ્વેતકોષો તથા ગંઠનકોષોને ઘટાડે છે. તે ક્યારેક ચેતાતંત્રીય વિકાર સર્જે છે તથા લોહીમાં SGPT/OTને વધારે છે. તેની સાથે ફૉલિક ઍસિડ આપવાથી આડઅસરો ઘટે છે.

શિલીન નં. શુક્લ

જયવીરસિંહ ઝાલા