કૅન્સર, મગજ અને ચેતાતંત્રીયનાં : મોટું મગજ, નાનું મગજ, કરોડરજ્જુ તથા પીયૂષિકા (pituitary) ગ્રંથિનું કૅન્સર થવું તે. મોટું મગજ, નાનું મગજ અને પીયૂષિકા ગ્રંથિની ગાંઠોને ખોપરીમાંની ગાંઠો અથવા અંત:કર્પરી અર્બુદો (intracranial tumours) પણ કહે છે. મગજ અને કરોડરજ્જુને કેન્દ્રીય ચેતાતંત્ર (central nervous system) કહે છે. તેમની ગાંઠોને કેન્દ્રીય ચેતાતંત્રીય ગાંઠો કહે છે. તે  સૌમ્ય (benign) અથવા મારક (malignant) હોય છે. મારક ગાંઠોને કૅન્સર કહે છે. કૅન્સર કાં તો મગજમાં વિકસ્યું હોય (પ્રાથમિક કૅન્સર) અથવા અન્યત્ર થયેલું કૅન્સર ફેલાઈને મગજમાં ગાંઠ ઉત્પન્ન થઈ હોય. આવી ગાંઠને દ્વિતીયક (secondary) અથવા સ્થાનાંતરિત (metastatic) કૅન્સર કહે છે. સુશ્રુતે તેને દ્વિરર્બુદ (secondary tumour) કહ્યું છે. તાનિકાર્બુદ (meningioma), ચેતાતંતુ-અર્બુદ (neuroma) અને વાહિની-અર્બુદ (haemangioma) વગેરે સૌમ્ય અર્બુદો છે. જોકે બધા પ્રકારની મગજની ગાંઠો વધતેઓછે અંશે મારક હોય છે. પરંતુ ધીમે વૃદ્ધિ પામે અને સારવારથી સરળતાથી કાબૂમાં આવે તેમને સૌમ્ય અર્બુદો કહે છે.

મોટા મગજનું અને નાના મગજનું કૅન્સર : (1) મોટા મગજનો આડો છેદ, (2) મગજનો મધ્યરેખાસ્તર(sagittal plane)માં ઊભો છેદ, (3) મોટા મગજનો દ્વિપાર્શ્વી (coronal) ઊભો છેદ, (4) નાના મગજનો આડો છેદ, (5) T1 તબક્કાની મોટા મગજની ગાંઠ, (6) T2 તબક્કાની મોટા મગજની ગાંઠ, (7) T3 તબક્કાની મોટા મગજની ગાંઠ, (8) T4 તબક્કાની બંને બાજુ ફેલાતી મોટા મગજની ગાંઠ, (9) T1 તબક્કાની નાના મગજની ગાંઠ, (10) T2 તબક્કાની નાના મગજની ગાંઠ, (11) T3 તબક્કાની નાના મગજની ગાંઠ, (12) T4 તબક્કાની નાના મગજની ગાંઠ, (13) મોટું મગજ, (14) નાનું મગજ, (15) મજ્જાસેતુ, (16) લંબમજ્જા.

વસ્તીરોગવિદ્યા : અમેરિકામાં દર વર્ષે 15,000થી વધુ દર્દીઓ આ પ્રકારના કૅન્સરથી પીડાય છે. જોકે તેમની ખરેખરી સંખ્યા જાણવી અઘરી છે. ખોપરીમાંના પોલાણમાં મોટું મગજ, નાનું મગજ, લંબમજ્જા, મજ્જાસેતુ વગેરે આવેલાં હોય છે. મોટું મગજ (ગુરુમસ્તિષ્ક, cerebrum) ખોપરીના પોલાણના ઉપલા ભાગમાં આવેલું છે, જ્યારે નાનું મગજ (લઘુમસ્તિષ્ક, cerebellum) ખોપરીના નીચલા ભાગમાં આવેલું છે. બંને વચ્ચે તાનિકાપટલ (tentorium) નામનો પડદો આવેલો છે. તાનિકાપટલની ઉપર મોટા મગજમાં ગાંઠો થવાનું પ્રમાણ વધ્યું છે એમ મનાય છે. બાળકોમાં લોહીના કૅન્સર પછી બીજું મહત્વનું મૃત્યુકારક કૅન્સર કેન્દ્રીય-ચેતાતંત્રીય કૅન્સર ગણાય છે. અમેરિકામાં તે બાળકોમાં 3.1/1 લાખ તથા પુખ્તવયે મહત્તમ સ્થિર દરે 17.93થી 18.7/1 લાખના દરે થાય છે. ભારતમાં મગજના કૅન્સરનો દર 0.0થી 4.4/1 લાખ પુરુષો કે સ્ત્રીઓ નોંધાયેલો છે. અમદાવાદમાં 2.10/1 લાખ પુરુષો અને 1.77/1 લાખ સ્ત્રીઓના દરે આ કૅન્સર થાય છે જે પુરુષોને થતા કૅન્સરના 2.51 % અને સ્ત્રીઓને થતા કૅન્સરના 2.08 % થાય છે.

નિર્દેશન અને નિદાન : તેને કારણે સતત, ઊંડો તથા ખાસ કરીને સવારે થતો માથાનો દુખાવો, ઊલટીઓ, ખેંચ અથવા આંચકી (convulsions) અને શરીરના કોઈ ભાગનો લકવો થાય છે. માથાનો દુખાવો વજન ઊંચકતાં કે હાજત માટે બળ વાપરતાં વધે છે. 20 વર્ષ પછીની વયે સૌપ્રથમ વખત આવતી આંચકી શંકાપ્રેરક ગણાય છે. ગાંઠને કારણે દબાણ ઉત્પન્ન થવાથી ચક્કર, અંધારાં આવવાં, જોવામાં તકલીફ, બેવડું દેખાવું, થાક લાગવો, ઊંઘ આવવી, બુદ્ધિક્ષમતામાં ઘટાડો થવો વગેરે જોવા મળે છે. શરીરના કોઈ ભાગનો લકવો થાય તો તેનાથી ગાંઠનું સ્થાન નિશ્ચિત કરી શકાય છે. ગાંઠને લીધે મગજ પર સોજો આવે છે, ખોપરીના પોલાણમાં દબાણ વધે છે. તેને અંત:કર્પરિ અતિદાબ અથવા અતિપ્રદમ (increased intracranial tension અથવા pressure) કહે છે. તેને કારણે માથાનો દુખાવો થાય છે, ઊલટી થાય છે અને આંખમાં આવેલી ર્દષ્ટિચકતી (optic disc) પર સોજો આવે છે. તેને ર્દષ્ટિચકતીશોફ (papilloedema) કહે છે. આંખની અંદર સાધન (નેત્રાંત્ર:દર્શક, opthalmoscope) વડે જોવાથી તે જાણી શકાય છે. મગજનો સોજો વધે અને અંદરનું દબાણ વધે ત્યારે તાનિકાપટલમાંના કાણામાંથી અથવા ખોપરીના તળિયે આવેલા કાણામાંથી ચેતાતંત્રીય અવયવો નીચે તરફ સરકે છે અને તેથી વધુ પ્રમાણમાં દ્બાય છે. તેને અવસરણતા (herniation) કહે છે. તે ક્યારેક જીવનજોખમી હોય છે. નિદાન માટે અન્ય કાયમી કસોટીઓ ઉપરાંત ખોપરીનું એક્સ-રે ચિત્રણ, સીએટી-સ્કૅન અને એમઆરઆઈ કરાય છે. અગાઉ કરોડરજ્જુ-ચિત્રણ (myelography) તથા વાહિનીચિત્રણ (angiography) અને જરૂર પડ્યે નિલયચિત્રણ (ventriculography) તથા વાયવી-મસ્તિષ્ક ચિત્રણ (pneumoencephalography) પણ કરાતાં હતાં. હાલ તેમની જરૂર ઘટી છે. કમરમાંથી મસ્તિષ્ક અને કરોડરજ્જુની આસપાસનું પ્રવાહી કાઢીને તપાસ કરવાની ક્રિયા ઘણી જ સાવચેતી માગી લે છે. ખોપરીમાં છિદ્ર (કર્પરીછિદ્રણ, craniotomy) કરીને નિદાન માટે પેશી મેળવી શકાય છે.

વર્ગીકરણ : વિવિધ પ્રકારની સૌમ્ય અને મારક (કૅન્સર) ગાંઠોનું વર્ણન કરવામાં આવેલું છે. પુખ્ત વયે થતી મોટાભાગની ગાંઠો (62 %)  ચેતા-અંતરાલીય પેશી અથવા ચેતાશ્યાનતંતુપેશી(neuroglia અથવા

સારણી : ચેતાશ્યાનતંતુપેશી(neuroglia)માં વિકસતી કૅન્સરની ગાંઠો

ક્રમ

ગાંઠ અંગ્રેજી નામ બાળકો-તરુણો

(0થી 19 વર્ષ)

યુવાનો અને પુખ્ત

(20થી 39 વર્ષ)

પ્રૌઢ અને વૃદ્ધ

(40થી 74 વર્ષ)

 1. તારકાર્બુદ

– અલ્પતીવ્રતા

– વિપરીતવિકસિત

– શ્યાનતંતુબીજકોષી

બહુરૂપી અર્બુદ

Astrocytoma

– low garde

– anaplastic

– glioblastoma

multiforme

60 %

7 %થી 10 %

43 %થી 47 %

1 %થી 7 %

76 %થી 86 %

3 %થી 5 %

48 %થી 55 %

14 %થી 38 %

87 %થી 91 %

2 %થી 3 %

39 %થી 48 %

33 %થી 51 %

2. અલ્પશાખાતંતુ

શ્યાનતંતુ-અર્બુદ

oligodendro-

glioma

1 %થી 4 % 5 %થી 6 % 2 %થી 6 %
3. મિશ્ર શ્યાનતંતુ-અર્બુદ (1 + 2) mixed glioma 3 %થી 4 % 5 %થી 6 % 2 %થી 6 %
4. નલિકાચ્છદીય અર્બુદ ependymona 3 %થી 9 % 2 %થી 9 % 1 %

glia)માં ઉદભવે છે. તેથી તેમને શ્યાનતંત્વી અર્બુદો (gliomas) કહે છે. અન્ય મહત્વની ગાંઠો મૅનિન્જિયોમા, ઍકોસ્ટિક સ્વાનોમા તથા ઓલિગોડેન્ડ્રોગ્લાયોમા છે. મોટી ઉંમરે મેડ્યુલોબ્લાસ્ટોમા, હિસ્ટિયૉસાયટિક લિમ્ફોમા, પિનિયલોમા વગેરે ગાંઠો જવલ્લે જોવા મળે છે. બાળકોમાં પણ ગ્લાયોમા જૂથની ગાંઠો 50 % કિસ્સામાં જોવા મળે છે. તેમનામાં મેડ્યુલોબ્લાસ્ટોમા (20 %), એપેન્ડાયમોમા (9 %) અને ક્રેનિયોફેરિન્જિયોમા (3 %) પણ થાય છે. હાલ ગ્લાયોમા(શ્યાનતંત્વી અર્બુદ)ની ગાંઠોને સરળ રૂપે વર્ગીકૃત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તે મુખ્યત્વે 3 પ્રકારની ગાંઠોના જૂથમાં વહેંચાઈ શકે છે – સૌમ્ય તારકાર્બુદ (astrocytoma), વિપરીતવિકસિત (anaplastic) એસ્ટ્રોસાયટોમા (તારકાર્બુદ) તથા શ્યાનતંતુ-બીજકોષાર્બુદ અથવા ગ્લાયોબ્લાસ્ટોમા (glioblastoma). જોકે આવું વિભાગીકરણ સંપૂર્ણ નથી. શ્યાનતંતુપેશી(glial tissue)માં ઉદભવતા કૅન્સરની યાદી સારણીમાં દર્શાવી છે. બાળકોમાં થતા મુખ્ય કૅન્સરોમાં વિપરીતવિકસિત તારકાર્બુદ (anaplastic astrocytoma) અને ચેતામજ્જાબીજપેશી અર્બુદ(medulloblastoma)નો સમાવેશ થાય છે. ચેતાતંત્રીય કૅન્સરના તબક્કા નિશ્ચિત કરવાની સર્વસંમત પદ્ધતિ વિકસી નથી. તેમને સૌમ્ય ગાંઠો તથા અન્યત્ર થયેલું કૅન્સર ફેલાઈને મગજમાં પ્રસરે અને તેથી થતી ગાંઠોથી અલગ પાડીને નિદાન કરાય છે. સારવારથી થનારો લાભ અને તેના જીવનકાળ તથા જીવનકક્ષા(quality of life)નો આધાર કૅન્સરની ગાંઠના સ્થાન, પ્રકાર અને તીવ્રતાના અંક (grade) પર આધારિત છે.

સારવાર : મગજ અને કરોડરજ્જુની ગાંઠોની સારવારના સિદ્ધાંતો સમાન છે. ખોપરીમાં ગાંઠ વિકસવાથી મગજ પર સોજો આવે તો તેને ઓછો કરવા મેનિટોલ, ગ્લિસેરોલ, ડેક્સામિથેસોન તથા એસેટોઝોલેમાઇડ અપાય છે. કરોડરજ્જુ-ચિત્રણ (myelography) માટે કે અન્ય તપાસ માટે કમરમાં સોય મૂકીને પ્રવાહી મેળવતાં પહેલાં આ રીતે ખોપરીના પોલાણમાંનું દબાણ અને મગજ પરનો સોજો ઓછો કરાય છે. શસ્ત્રક્રિયાની મદદથી ગાંઠનું કદ ઘટાડી શકાય છે તથા મગજ પર સોજો આવે ત્યારે ખોપરીમાં દબાણ ન વધે તે માટે કૃત્રિમ સંયોગનળી (shunt) મુકાય છે. શક્ય હોય તેટલી ગાંઠને દૂર કરવામાં આવે છે. ખૂબ મોટી ઉંમરના તથા અતિશય અશક્ત દર્દીઓ હોય કે મજ્જાસેતુ તથા લંબમજ્જાની ગાંઠો હોય તો શસ્ત્રક્રિયા શક્ય બનતી નથી. ચેતક (thalamus) તથા મધ્યસેતુ (corpus callosum) જેવા મગજની વચ્ચે આવેલા ભાગમાંની નાની ગાંઠોના ટુકડાને તપાસ માટે મેળવવા માટે ત્રિપરિમાણી (stereotactic) શસ્ત્રક્રિયા ઉપયોગી છે. ગાંઠનો પ્રકાર નિશ્ચિત કર્યા પછી, શસ્ત્રક્રિયા બાદ, વિકિરણનચિકિત્સા (radiotherapy) અપાય છે. જેમને વિકિરણનનથી અસર થાય છે તેમને જ સામાન્ય રીતે પાછળથી અપાતી દવાઓથી લાભ મળે છે. વિકિરણનન સારવારની અસર વધે તે માટે ટીમોઝોલેમાઇડ નામની દવા અપાય છે. મારક ઍસ્ટ્રોસાયટોમામાં ટીમોઝોલેમાઇડ, સિસ-પ્લૅટિન, કાર્બોપ્લૅટિન, BCNU, CCNU, વિન્ક્રિસ્ટિન, પ્રોકાર્બેઝિન વગેરે ઔષધો સહાયક ચિકિત્સા રૂપે વપરાય છે.

બાળકોમાં થતી ગાંઠો વધુ આક્રમક હોય છે. મેડ્યુલોબ્લાસ્ટોમામાં શસ્ત્રક્રિયા તથા વિકિરણન અને દવાઓની સારવારને કારણે 5 વર્ષથી વધુ જીવતાં બાળકોની સંખ્યા ઘણી છે. પિનિયલ બૉડીની ગાંઠોમાં શસ્ત્રક્રિયા અને વિકિરણનની સારવાર ઉપયોગી રહે છે. જરૂર પડ્યે, મારક પ્રકારની ગાંઠ માટે દવાઓ પણ અપાય છે. ક્રેનિયો-ફેરિન્જિયોમા એક સૌમ્ય પ્રકારની ગાંઠ છે, જેમાં શસ્ત્રક્રિયા અને વિકિરણનની સારવારથી ઘણો લાભ થાય છે. તાનિકાર્બુદ(meningioma)ની ગાંઠ સૌમ્ય પ્રકારની હોય છે. ક્યારેક તે કૅન્સરમાં રૂપાંતરિત થાય છે. શસ્ત્રક્રિયાથી તે મટે છે. 20 % કિસ્સામાં તે ફરીથી થાય છે. લેઝરની સારવારથી તેને ઊથલો મારતો અટકાવી શકાય છે. ફરીથી થતા મૅનિન્જિયોમાના દર્દીને વિકિરણનની સારવાર પણ અપાય છે. અન્યત્ર થયેલું કૅન્સર જો મગજમાં પ્રસરે તો તેને વિકિરણનની સારવાર તથા જે તે કૅન્સરની ઔષધચિકિત્સા અપાય છે. જો તે કરોડરજ્જુને દબાવે તો શસ્ત્રક્રિયાથી દબાણ ઘટાડવાની કે વિકિરણન વડે સારવાર આપવાની પદ્ધતિ અજમાવાય છે. ચેતાતંત્રનો કોઈ પણ ભાગ ગાંઠને કારણે દબાય અને તેથી સોજો આવે તો ડેક્ઝામિથેઝોન અપાય છે. તેને કારણે દબાણથી ચેતાતંતુઓ મૃત્યુ પામતા અટકે છે.

પીયૂષિકા ગ્રંથિની ગાંઠ માટે શસ્ત્રક્રિયા, વિકિરણનસારવાર તથા બ્રોમોક્રિપ્ટિનની સારવાર ઉપયોગી છે. પીયૂષિકામાં કૅન્સરની ગાંઠ કદાચ થતી નથી. તેની ઔષધચિકિત્સા વિકસી નથી.

શિલીન નં. શુક્લ

કીર્તિ પટેલ