કૅન્સર, ભગોષ્ઠ(vulva)નું : ભગોષ્ઠ સ્ત્રીઓનું બાહ્ય જનનાંગ છે. તેમાં અલગ છિદ્રો દ્વારા યોનિ તથા મૂત્રાશયનળી ખૂલે છે. આમ તે અનુક્રમે પ્રજનનમાર્ગ અને મૂત્રમાર્ગનું બહારનું દ્વાર છે. સ્ત્રીઓનાં બાહ્ય જનનાંગમાં ગાંઠ કરતા વિવિધ પ્રકારના વિકારો ઉદભવે છે, જેમ કે દુ:પોષી ક્ષીણતા (dystrophy), અધિચ્છદાંત: નવવિકસન (intraepithelial neoplasia), બોવેનૉઇડ પેપ્યુલોસિસ, કોન્ડાયલોમા અને લાદીસમ(શલ્કસમ)કોષી (squamous cell) કૅન્સર વગેરે.

ભગોષ્ઠમાં વિવિધ પ્રકારની દુ:પોષી ક્ષીણતા થાય છે જેને કારણે જાડી સફેદ ચકતીઓ (leukoplakia) થાય છે. તેમની હાઇડ્રોકોર્ટિસોનના મલમ વડે સારવાર કરાય છે. ભગોષ્ઠની ચામડીનું ઉપલું પડ અધિચ્છદ(epithelium)નું બનેલું છે. તેમાં ઉદભવતી ગાંઠોને બોવેનનો રોગ અથવા અતિસીમિત કૅન્સર કહે છે. 66 % દર્દીઓ ખંજવાળની તકલીફ જણાવે છે. અર્ધા ભાગની સ્ત્રીઓ 40 વર્ષથી નાની હોય છે. જેમ ઉંમર વધે તેમ આક્રમક કૅન્સરની શક્યતા વધે છે. મોટા ભાગે શલ્કસમકોષી (squamous cell) કૅન્સર થાય છે. ભગોષ્ઠના કૅન્સરના 4 તબક્કા વર્ણવવામાં આવ્યા છે (જુઓ સારણી). મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે. પ્રથમ 3 તબક્કામાં નિ:શેષ અથવા આમૂલ (radical) શસ્ત્રક્રિયા દ્વારા ભગોષ્ઠ અને ઊરુપ્રદેશ(inguinal region)ની લસિકાગ્રંથિઓ દૂર કરાય છે. શૂન્ય તબક્કા(Tis)માં સ્થાનિક સવિસ્તાર ઉચ્છેદન (local wide excision) અથવા લેઝર શસ્ત્રક્રિયા અથવા બંને અથવા સચર્મ ભગોષ્ઠ-ઉચ્છેદન (skinning vulvectomy) જેમાં પાછળથી ચામડીનો નિરોપ (graft) મૂકવાની પુનર્રચનાલક્ષી (plastic) શસ્ત્રક્રિયા ક્યારેક કરાય છે. પ્રથમ તબક્કામાં જો ગાંઠનું 1 મિમી. જેટલું જ ઊંડાણ હોય તો સ્થાનિક સવિસ્તાર ઉચ્છેદન. 1થી 5 મિમી. જેટલું ઊંડાણ હોય તો આખું ભગોષ્ઠ અને તે બાજુની લસિકાગ્રંથિઓ કાઢવાની શસ્ત્રક્રિયા, જેને પરિવર્તિત આમૂલ (નિ:શેષ) ભગોષ્ઠ-ઉચ્છેદન અને સમપાર્શ્વી પૃષ્ઠતલીય ઊરુપ્રદેશીય લસિકાગ્રંથિ-ઉચ્છેદન (modified radical vulvectomy with ipsilateral superficial inguinal lymphadenectomy) કહે છે. શસ્ત્રક્રિયા સંભવિત ન હોય તો વિકિરણન-ચિકિત્સા અપાય છે. શસ્ત્રક્રિયા પછી ક્યારેક સ્થાનિક ચેપ, શરીરમાં ચેપ ફેલાવો, પગની નસોમાં લોહી જામવું, પગે સોજો આવવો, મૂત્રમાર્ગમાં ચેપ, જાતીય સમાગમમાં મુશ્કેલી, પેશાબની હાજત રોકવામાં મુશ્કેલી વગેરે થઈ આવે છે. ત્રીજા અને ચોથા તબક્કામાં શ્રોણીની લસિકાગ્રંથિઓ પણ કાઢી નાખવામાં આવે છે અથવા ઔષધો સાથેની વિકિરણનની સારવાર અપાય છે.

સારણી : ભગોષ્ઠ(vulva)ના કૅન્સરના તબક્કા T = મૂળ ગાંઠ, N = સ્થાનિક લસિકાગ્રંથિ, M = સ્થાનાંતરિતતા (metastasis)

(અ) TNM વર્ગીકરણ :
Tis

 

T1

 

T2

 

T3

 

T4

સ્થાનસીમિત (અતિસીમિત) કૅન્સર અથવા સૂક્ષ્મ કૅન્સર

(carcinoma in-situ)

ભગોષ્ઠ કે ઉપસ્થવિસ્તાર(perineum)માં આવેલી

2 સેમી. જેટલી કે તેથી નાની ગાંઠ

ભગોષ્ઠ અને ઉપસ્થવિસ્તારમાં આવેલી 2 સેમી.થી

મોટી ગાંઠ

મૂત્રાશયનળી, યોનિ કે ગુદાને અસરગ્રસ્ત કરતી

કોઈ પણ કદની ગાંઠ

મૂત્રાશય કે મળાશય સુધી ફેલાયેલી કે ગુદા સાથે

ચોંટેલી ગાંઠ

N0

N1

 

N2

લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત નહિ

એક તરફથી (સમપાર્શ્વી, ipsilateral) લસિકાગ્રંથિઓ

અસરગ્રસ્ત

બંને બાજુની (દ્વિપાર્શ્વી, bilateral) લસિકાગ્રંથિઓ

અસરગ્રસ્ત

M0

M1

અન્યત્ર ન ફેલાયેલું કૅન્સર

શ્રોણી(pelvis)માંની લસિકાગ્રંથિઓ કે અન્યત્ર લોહી

દ્વારા ફેલાયેલું કૅન્સર (સ્થાનાંતરિતતા)

(આ) કૅન્સરના તબક્કા :
0

I

II

IV

IV A

IV B

Tis

T1 N0 M0

T2 N0 M0

T3 N0–1 M0

T1 N1 –2 M0, T2–3 N2 M0, T4 N0–2 M0

T0–4 N0–2 M1

જો શસ્ત્રક્રિયા શક્ય ન હોય તો સંગામી ઔષધ-વિકિરણન-ચિકિત્સા રૂપે સિસ-પ્લૅટિન (દર અઠવાડિયે) અને વિકિરણન-ચિકિત્સા સાથે સાથે અપાય છે. ત્યારબાદ નાની થયેલી ગાંઠોને શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. વ્યાપક ફેલાયેલા કે ફરીથી થતા કૅન્સરમાં સિસ-પ્લૅટિન, મિથોટ્રેક્ઝેટ, સાઇક્લોફૉસ્ફેમાઇડ, બ્લિયોમાયસિન, માયટોમાયસિન વગેરેની અલગ કે સામૂહિક સારવાર અપાય છે. તેમનો સફળતા દર

ભગોષ્ઠ(vulva)નું કૅન્સર : (1) મૂત્રાશયનળીનું છિદ્ર, (2) યોનિનું છિદ્ર, (3) મળમાર્ગનું છિદ્ર, (4) T1 તબક્કાનું 2 સેમી. કદનું કૅન્સર, (5) T2 તબક્કાનું 2 સેમી.થી મોટું કૅન્સર, (6) મૂત્રમાર્ગના છિદ્રને અસર કરતું T3 તબક્કાનું કૅન્સર, (7) મળમાર્ગના છિદ્રને અસર કરતું T3 તબક્કાનું કૅન્સર, (8) મૂત્રાશય/મળાશયને અસર કરતું T4 તબક્કાનું કૅન્સર, (9) N1 તબક્કાની એક બાજુની મોટી થયેલી લસિકાગ્રંથિ, (10) N2 તબક્કાની બંને બાજુ મોટી થયેલી લસિકાગ્રંથિ, (11) N3 તબક્કામાં ચોંટેલી લસિકાગ્રંથિ.

20 %થી ઓછો હોય છે. 40 % દર્દીઓ 5 વર્ષથી વધુ જીવે છે. માંસારોહી કૅન્સર (verrucous carcinoma) નામના HPV–6 વિષાણુ સાથે સંકળાયેલા કૅન્સરમાં શસ્ત્રક્રિયા મુખ્ય સારવાર છે. તેમાં વિકિરણન વડે સારવાર કરાતી નથી.

શિલીન નં. શુક્લ

અનિલા સુ. કાપડિયા