કૅન્સર ગુદામાર્ગ(anal canal)નું
January, 2008
કૅન્સર, ગુદામાર્ગ(anal canal)નું : અમેરિકામાં દર વર્ષે 6,000 નવા દર્દીઓ આ રોગથી પીડાય છે. 50 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ અને ખાસ કરીને સ્ત્રીઓમાં તે વધુ જોવા મળે છે. તેનું કારણ જાણી શકાયું નથી પરંતુ ગુદામાર્ગમાં શોથ (inflammation) કે મસા(piles)ને કારણે જો લાંબા ગાળાનું ક્ષોભન (irritation) રહે તો ગુદામાર્ગનું કૅન્સર થવાની કદાચ સંભાવના વધે છે. માનવ અંકુરાર્બુદવિષાણુ(human papilloma virus, HPV)નો ચેપ, વારંવાર ગુદામાર્ગી લૈંગિક સમાગમ (anal intercourse), 10થી વધુ લૈંગિક સાથીદારો, લૈંગિક ચેપી રોગો, જનનમાર્ગમાં કૅન્સર તથા ધૂમ્રપાન ગુદાનું કૅન્સર થવાનું જોખમ વધારે છે. માનવ સંપ્રાપ્ત પ્રતિરક્ષા ઊણપ વિષાણુ(human immunodeficiency virus, HIV)ના ચેપ પછી થતા કૅન્સરમાં ગુદામાર્ગનું કૅન્સર પણ છે. તેવી રીતે કોઈ અવયવનું પ્રત્યારોપણ કર્યા પછી તેને શરીર સ્વીકારે તે માટે પ્રતિરક્ષા(immunity)ને દબાવવામાં આવે છે. તેને પ્રતિરક્ષાનિગ્રહણ (immune-suppression) કહે છે. તેમાં પણ ગુદામાર્ગનું કૅન્સર થાય છે. આવા દર્દીઓને ક્યારેક ગુદાકીય અંત:અધિચ્છદીય નવવિકસન (anal intraepithelial neoplasia, AIN) થાય છે. તેને ગર્ભાશય-ગ્રીવા(cervix)માં થતા CINની માફક વીજદહન (electrocautery), શીતનાશન (cryoablation) કે લેઝર વડે નાશ કરીને કાબૂમાં લેવાય છે. મોટા ભાગના દર્દીઓને (90 %) લાદીસમ અથવા શલ્કસમ કોષી (squamous cell) કૅન્સર થાય છે. અન્ય પ્રકારના કૅન્સરમાં તલીયકોષ (basal cell) કૅન્સર, પૅજેટનો રોગ, કૃષ્ણકોષી (melanoma) કૅન્સર, ગ્રંથિકૅન્સર (adenocarcinoma), લસિકાર્બુદ (lymphoma), માંસાર્બુદ (sarcoma) વગેરેનો સમાવેશ થાય છે. કૅન્સરની ગાંઠ સ્થાનિક પેશીમાં પ્રસરે છે, ચાંદું કરે છે તથા તે ઊરુપ્રદેશ(inguinal region)ની લસિકાગ્રંથિઓ(lymph nodes)માં (30 %) અને ક્યારેક યકૃતમાં (10 %) પ્રસરે છે. ક્યારેક લોહીમાં કૅલ્શિયમનું પ્રમાણ વધેલું જોવા મળે છે. તેને કારણે મળત્યાગમાં મુશ્કેલી, આંતરડાંમાં અવરોધ, શ્લેષ્મ, પરુ અને લોહીનો સ્રાવ તથા દુખાવો થાય છે.
ગુદામાર્ગના કૅન્સરની સારવારમાં પહેલાં 5ફલ્યુરોયુરેસિલ અને માયટોમાયસિન-સીની સામૂહિક ઔષધચિકિત્સા (combination chemotherapy) અપાય છે અને તેની સાથે સંગામી ચિકિત્સા (concurrent therapy) રૂપે વિકિરણનચિકિત્સા અપાય છે. જો દર્દીને ગાંઠ પૂરેપૂરી બેસી ગઈ હોય તો તેનું પુન: પેશીપરીક્ષણ (biopsy) કરીને તે નાબૂદ થઈ છે તે સાબિત કરાય છે અને દર્દીને નિયમિત તપાસ માટે બોલાવાય છે. જો આંશિક લાભ હોય અથવા ઊથલો મારે તો ફરીથી વિકિરણનચિકિત્સા અપાય છે અથવા
અગ્ર-પશ્ચઉચ્છેદન (anteroposterior resection) નામની શસ્ત્રક્રિયા કરીને પેટ પર કૃત્રિમ મળમાર્ગ અપાય છે. જો રોગ નાબૂદ થઈ શક્યો હોય તો તેની નિયમિત તપાસ કરાય છે અને રોગ રહી ગયો હોય કે ઊથલો મારે તો ઔષધચિકિત્સા કરાય છે.
શિલીન નં. શુક્લ