કૅન્સર ગર્ભાશયના મુખ(ગ્રીવા)(uterine cervix)નું

January, 2008

કૅન્સર, ગર્ભાશયના મુખ(ગ્રીવા)(uterine cervix)નું : ગર્ભાશયની ગ્રીવા અથવા મુખનું કૅન્સર થવું તે. તેને અંગ્રેજીમાં ટૂંકમાં કૅન્સર સર્વિક્સ પણ કહે છે. સ્ત્રીઓનાં અંદરનાં જનનાંગો(genitalia)માં મુખ્ય અવયવો છે : અંડપિંડ (ovary), ગર્ભાશય (uterus) અને  યોનિ (vagina). ગર્ભાશયના મુખ્ય ત્રણ ભાગ છે : ગર્ભાશય-કાય (body of uterus), બે અંડવાહિનીઓ અથવા અંડનળીઓ (fallopian tubes) અને ગર્ભાશય-કાયના નીચલા છેડે ગર્ભાશયની ડોક (neck) જેવો ભાગ  ગર્ભાશય-ગ્રીવા (cervix). ગર્ભાશય 7.5 × 5 × 2.5 સેમી.નો શ્રોણી(pelvis)માંનો અવયવ છે, જે નીચે યોનિમાં એક છિદ્ર (મુખ, OS) દ્વારા ખૂલે છે. ગર્ભાશય-ગ્રીવા(મુખ)નું કૅન્સર ભારતના ગ્રામીણ વિસ્તારોમાં વધુ છે જ્યારે શહેરી વિસ્તારોમાં તે સ્તનના કૅન્સર પછીના ક્રમે આવે છે. વળી ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરનું  વહેલું નિર્દેશન (early-detection) શક્ય છે. આરોગ્યલક્ષી સામૂહિક તપાસ (mass screening) કરીને જેમનામાં ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરનાં ચિહનો કે લક્ષણો પેદા ન થયાં હોય તેમનામાં પણ જો તેની શરૂઆત થઈ હોય તો તે જાણી શકાય છે. ગર્ભાશય-ગ્રીવાના વહેલા નિર્દેશન કે નિદાન માટે પૅપેનિકોલાઉ અથવા ‘પૅપ’ની કસોટી (Pap test) ઉપલબ્ધ છે. ગર્ભાશય-ગ્રીવા (મુખ) પરના શંકાસ્પદ વિસ્તારને દર્શાવવા આયોડિનના દ્રાવણ વડે પણ કસોટી કરી શકાય છે. આરોગ્યલક્ષી અને લૈંગિક (જાતીય) શિક્ષણ અને વહેલા નિર્દેશન માટેની સામૂહિક તપાસ દ્વારા આ રોગનું પ્રમાણ અને તેનાથી થતા મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય છે.

વસ્તીરોગવિદ્યા : ભારતમાં સ્ત્રીઓના કૅન્સરના ચોથા ભાગનાં (24 %) કૅન્સર ગર્ભાશય-ગ્રીવામાં ઉદભવે છે. આમ તે ભારતની સ્ત્રીઓમાં સૌથી વધુ પ્રમાણમાં થતું કૅન્સર છે. તેના પછી બીજા સ્થાને (20 %) સ્તનનું કૅન્સર આવે છે. સ્ત્રીઓનાં બધાં જ કૅન્સરમાં અમદાવાદ અને મુંબઈમાં લગભગ  ભાગનાં કૅન્સર, બૅંગલોરમાં 4 ભાગનાં કૅન્સર, દિલ્હી અને ભોપાલમાં 3 ભાગનાં કૅન્સર, ચેન્નાઈમાં 2 ભાગનાં કૅન્સર અને બર્શીના ગ્રામીણ વિસ્તારમાં 1 ભાગનાં કૅન્સર ગર્ભાશય-ગ્રીવામાં ઉદભવે છે. વસ્તીની ર્દષ્ટિએ તેનું સૌથી વધુ પ્રમાણ ચેન્નાઈમાં જોવા મળ્યું છે (38.8 / 1 લાખ સ્ત્રીએ). દિલ્હીમાં દર 1 લાખ સ્ત્રીઓએ તેનું પ્રમાણ 29.8, બૅંગલોરમાં 32.0, બર્શીમાં 29.2, ભોપાલમાં 24.1, મુંબઈમાં 19.4 અને અમદાવાદમાં 14.11 છે. કોલંબિયામાં 1 લાખ સ્ત્રીઓએ 48.2ના દરે આ કૅન્સર થાય છે. યુરોપ અને અમેરિકામાં આ દર 5.5થી 14.7ની વચ્ચેનો જોવા મળ્યો છે. મુંબઈમાં છેલ્લાં વીસ વર્ષમાં તેનો દર સતત ઘટતો રહ્યો છે. તેનું કારણ સ્ત્રીઓનાં લૈંગિક જીવન(sexual life)માં આવી રહેલો ફેરફાર, શિક્ષણનો સ્તર અને તબીબી સેવાનો વધેલો ઉપયોગ હોવાનું માનવામાં આવે છે. ભારતમાં દર 30થી 63 સ્ત્રીઓએ એકને આ કૅન્સર થવાની શક્યતા છે. જ્યારે યુરોપ, ઇંગ્લૅન્ડ અને જાપાનમાં 143થી 200 સ્ત્રીઓએ એકને તે થવાની શક્યતા છે. અમેરિકામાં વ્યાપકપણે યોજાતી સામૂહિક તપાસને કારણે ગર્ભાશય-ગ્રીવાનું કૅન્સર સીમિત (in situ) તબક્કામાં શોધી કઢાય છે. આ તબક્કામાં યોગ્ય સારવારને કારણે તે મટી શકે છે. અતિશય શરૂઆતના તબક્કામાં નિદાન કરવાની શક્યતાને કારણે તથા તે સમયે લગભગ સંપૂર્ણપણે મટવાની સંભાવનાને કારણે વિશ્વભરમાં સામૂહિક તપાસ કરવા વિશે અભ્યાસો થઈ રહ્યા છે.

કારણો : માનવમાં પેપિલોમા વાયરસ(માનવ અંકુરાર્બુદ વિષાણુ, human papilloma virus, HPV)ના વિવિધ પ્રકારો જાતીય અથવા લૈંગિક (sexual) સંબંધો દ્વારા ચેપ રૂપે ફેલાય છે. તેથી તેને જાતીય ચેપી રોગ અથવા લૈંગિક સંક્રામક રોગ (sexually transmitted disease) કહે છે. આ વિષાણુના ચેપને કારણે લાંબા સમયે ગર્ભાશય-ગ્રીવાનું કૅન્સર થાય છે. આમ કેટલાક નિષ્ણાતો ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરને જાતીય ચેપી રોગના જૂથમાં આવરી લેવાનું સૂચવે છે. ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરના 99 % કિસ્સામાં HPV-DNA દર્શાવી શકાય છે. તેની 200 ઉપરાંત જાત શોધી કઢાઈ છે, જેમાંની 50થી વધુ જનનમાર્ગમાં ચેપ કરે છે અને 20 જેટલી જાત ગર્ભાશય-ગ્રીવાના કૅન્સર સાથે સંકળાયેલી છે. તેમાં HPV 16, 18, 31, 33, 34, 35, 39, 45, 51, 52, 56, 58, 59, 66, 68, 69, 70 મહત્વની ગણાય છે. ભારતમાં HPV 16 અને 18નો ચેપ વ્યાપકપણે દર્શાવાયેલો છે. જોકે ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરની સારવારના પરિણામ પર HPVની કે તેની સારવારથી કોઈ ખાસ અસર પડતી નથી. રુધિરરસવિદ્યા (serology) અને પ્રતિરક્ષાલક્ષી (immunological) અભ્યાસો પરથી મળતી માહિતી પ્રમાણે હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુ (પ્રકાર 2) આ પ્રક્રિયામાં સહઘટક (co-factor) તરીકે કામ કરે છે. મોટા ભાગના દર્દીઓ નીચલા આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સ્તરના હોય છે. સામાન્ય રીતે આ સ્ત્રીઓનું લગ્ન વહેલું થયેલું હોય છે તથા તેમને ઘણાં બાળકો હોય છે. તેમનું જાતીય જીવન વહેલું (20 વર્ષની વયે) શરૂ થયેલું હોય છે તથા લાંબું ચાલે છે. વળી તેમને કાં તો અનેક પુરુષો સાથે જાતીય સંબંધ હોય છે અથવા તો તેમની સાથે જાતીય સંપર્ક ધરાવતો પુરુષ અનેક સ્ત્રીઓ સાથે જાતીય સંપર્કમાં હોય છે. આની બરાબર સામેની સ્થિતિ હોય, – દા.ત. મોડાં લગ્ન, ઓછાં બાળકો અથવા એક પણ બાળક ન હોય તથા મોડું શરૂ થયેલું ટૂંકું જાતીય જીવન હોય, જે સામાન્ય રીતે ઉપલા આર્થિક-સામાજિક સ્તરમાં જોવા મળે છે – તો સ્તનનું કૅન્સર વધુ પ્રમાણમાં થાય છે. આમ જાણે સ્તનનું કૅન્સર અને ગર્ભાશય-ગ્રીવાનું કૅન્સર, સ્ત્રીઓનાં બે મુખ્ય કૅન્સર જાતીય જીવનની તુલાનાં બે પલ્લાં જેવાં છે. તેને કારણે વેશ્યાઓમાં ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરનું પ્રમાણ ચારગણું વધુ હોય છે જ્યારે સાધ્વીઓમાં તેનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. જનનાંગોમાં વિષાણુમસા (warts) થયા હોય, પતિને શિશ્નનું કૅન્સર થયેલું હોય અથવા પતિની આગલી પત્નીને ગર્ભાશય-ગ્રીવાનું કૅન્સર થયેલું હોય તો તેવી સ્ત્રીને ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરનું પ્રમાણ વધે છે. એક અંદાજ પ્રમાણે 6 લૈંગિક સાથીદારો હોય તો આ કૅન્સર થવાનો દર 2.2 ગણાના દરે વધે છે. આર્થિક પછાતપણાને લીધે પોષણની ઊણપ પણ આ કૅન્સરના કારણમાં હોઈ શકે. તેના દર્દીઓમાં ઘણી વખત વિટામિન એ, સી તથા ફોલિક ઍસિડનું પ્રમાણ ઓછું હોય છે. ધૂમ્રપાનને પણ સહઘટક તરીકે કારણભૂત માનવામાં આવે છે. કૌટુંબિક કે અંત:સ્રાવી પરિબળોની શક્યતા ઓછી ગણાય છે. તેમ છતાં મુખમાર્ગી ગર્ભનિરોધક ગોળીઓના 10 વર્ષના સેવનથી તેનું જોખમ 2.2 ગણું વધે છે. 45થી 55 વર્ષની સ્ત્રીઓમાં આક્રમક કૅન્સર જોવા મળે છે જ્યારે તેની આગલા દાયકાની ઉંમરની સ્ત્રીઓમાં અતિસીમિત કૅન્સર જોવા મળે છે. માનવ પ્રતિરક્ષાઊણપકારી વિષાણુ(human immunodeficiency virus, HIV)નો ચેપ ધરાવતી સ્ત્રીમાં તે 2.5 ગણા દરે થાય છે. આવું ખાસ કરીને HIV ચેપના સંપ્રાપ્ત પ્રતિરક્ષાઊણપ સંલક્ષણ(acquired immunodeficiency syndrome, AIDS)ના તબક્કામાં જોવા મળે છે. મૂત્રપિંડના પ્રત્યારોપણ (kidney transplant) પછી સર્જવામાં આવતી પ્રતિરક્ષા (immunity) એટલે કે પ્રતિકારક શક્તિની ઊણપમાં તેનું જોખમ 5.7 ગણું વધે છે.

નિર્દેશન અને નિદાન : 18 વર્ષથી વધુ વય ને સક્રિય જાતીયતાવાળી યુવાન સ્ત્રીઓમાં વર્ષે એક વખત યોનિની તપાસ તથા તેના પ્રવાહીનું કાચની તકતી પર માર્જન (ચોપડીને) (smear) કરીને, તેને અભિરંજિત (stained) કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસવાથી ગર્ભાશય-ગ્રીવાના અધિચ્છદમાં જો વિકાર ઉદભવ્યો હોય તો તેનું 90 %થી વધુ પ્રમાણમાં વિશ્વાસપૂર્વક નિદાન કરી શકાય છે. તેને પૅપ-ટેસ્ટ કહે છે. આ એક બિનઆક્રમક, સાદી, સરળ, સસ્તી અને બધે જ થઈ શકતી તપાસ છે. તેના દ્વારા મેળવેલા કોષોનો કોષવિદ્યા(cytology)લક્ષી અભ્યાસ નિષ્ણાત તબીબ દ્વારા કરાય છે. આ પદ્ધતિએ તપાસ કરવાથી કોઈ પણ ચિહનો કે લક્ષણો ન હોય ત્યારે ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરના પૂર્વ તબક્કાનું (precancerous stage), અતિસીમિત તબક્કાનું અને શરૂઆતના આક્રમક (invasive) તબક્કાનું નિદાન થઈ શકે છે. ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરના પૂર્વતબક્કામાં દુ:વિકસન (dysplasia) થાય છે. દુ:વિકસનની તીવ્રતાના અંક (grade) નિશ્ચિત કરવામાં આવેલા છે. આ લક્ષણો વગરનો બિનઆક્રમક તબક્કો છે. તે ગ્રીવાના અધિચ્છદમાં નવવિકસન (cervical intraepithelial neoplasia, CIN) રૂપે 8થી 10 વર્ષે વિકસે છે. ખૂબ ઓછી તીવ્રતાવાળા દુ:વિકસનમાં ધીમે ધીમે તીવ્રતા વધે છે અને અતિસીમિત તબક્કો થતાં 5થી 10 વર્ષ લાગે છે. તેમાંથી આક્રમક કૅન્સર વિકસતાં 3થી 10 વર્ષ લાગે છે. જોકે 10 % આક્રમક કૅન્સર આવી ધીમે ધીમે વિકસતી દુ:વિકસનની તીવ્રતામાંથી ઉદભવતાં નથી. મોટે ભાગે કૅન્સર આસપાસની પેશી અને સ્થાનિક લસિકાગ્રંથિઓમાં ફેલાય છે. દૂરના અવયવોમાં ક્યારેક જ ફેલાવો થાય છે. આવા સંજોગોમાં ફેફસાં, યકૃત અને હાડકાં અસરગ્રસ્ત થાય છે. 70 વર્ષની વય પછી કે ગર્ભાશયને પૂરેપૂરું શસ્ત્રક્રિયાથી દૂર કરાયું હોય તો પૅપ-ટેસ્ટની જરૂર રહેતી નથી. મોટી વસ્તીમાં વ્યાપકપણે ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરની સંભાવના શોધવા માટે આયોડિન-કસોટી (લ્યુગોલ આયોડિન ગર્ભાશયમુખ પર ચોપડીને તેનું અવલોકન કરવાની કસોટી) પણ કરી શકાય છે.

ગર્ભાશય-ગ્રીવાનું કૅન્સર : (1) ગર્ભાશયકાય, (2) અંડનળી (અંડવાહિની), (3) અંડગ્રંથિ, (4) ગર્ભાશય-ગ્રીવા, (5) યોનિ (vagina), (6) શંકુકરણી (conization) શસ્ત્રક્રિયાથી દૂર કરાતો ભાગ, (7) અતિસીમિત કૅન્સર (Tis તબક્કો), (8) નિતંબનું હાડકું, (9) પરાગર્ભાશયી પેશી (parametrium), (10) યોનિમાં ફેલાતું T1 તબક્કાનું કૅન્સર, (11) પરાગર્ભાશયી પેશીમાં ફેલાતું T2 તબક્કાનું કૅન્સર, (12) યોનિ તથા પરાગર્ભાશયી પેશીમાં ફેલાતું T3 તબક્કાનું કૅન્સર, (13) નિતંબના હાડકા સુધી ફેલાતું T3 તબક્કાનું કૅન્સર, (14) મળાશય, (15) મૂત્રાશય, (16) મળાશય-મૂત્રાશયમાં ફેલાતું T4 તબક્કાનું કૅન્સર, (17) શ્રોણીની નસો, (18) અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ, (19) ગર્ભાશય-ગ્રીવાનું બહારનું મુખ. (અ) ગર્ભાશયની શારીરિક રચના, (અ થી ઈ) ગર્ભાશયનો દ્વિપાર્શ્વી (bilateral) ઊભો છેદ, (ઉ) ગર્ભાશય દર્શાવતો શ્રોણીનો અગ્ર-પશ્ચ (antero-posterior) ઊભો છેદ, (ઊ) વિવિધ લસિકાગ્રંથિઓનાં સ્થાન.

ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરનાં મુખ્ય લક્ષણો રૂપે યોનિમાંથી બહિ:સ્રાવ (પ્રદર, vaginal discharge) અથવા પ્રદર તથા લોહી પડે છે. ખાસ કરીને સંભોગ પછી લોહીના ડાઘ પડે છે. આગળ વધેલા કૅન્સરમાં કેડ અને પેડુમાં દુખાવો, મૂત્રપિંડનળીમાં અવરોધ, મૂત્રવિષતા (uraemia) થાય છે. ગર્ભાશય-ગ્રીવા પર ગાંઠ થાય છે, ભૂખરા (grey) રંગના વિસ્તારો થાય છે, લોહી પડે છે અને ગર્ભાશય-ગ્રીવાશોથ(cervicitis)ને કારણે લાલ ચાંદી અને સોજો થાય છે. અંદરના અવયવોની આંગળી વડે તપાસ કરવાથી ગાંઠનો આસપાસનો ફેલાવો જાણી શકાય છે. ગર્ભાશય-ગ્રીવા પરના રોગગ્રસ્ત વિસ્તારોના અભ્યાસ માટે યોનિ-અંત:દર્શક-(colposcope)નો ઉપયોગ કરાય છે. તેના વડે સ્થાન સુનિશ્ચિત કરીને સૂક્ષ્મદર્શક વડે પેશીપરીક્ષણ (biopsy) માટે પેશીનો નાનો ટુકડો કાપીને લેવાય છે. આ ઉપરાંત શિરામાર્ગી મૂત્રમાર્ગચિત્રણ (intravenous pyelography, IVP), મૂત્રાશય-નિરીક્ષા (cystoscopy), મળાશય-નિરીક્ષા (proctoscopy) કરવામાં આવે છે. આ ઉપરાંત બેરિયમ બસ્તી (enema), સૉનોગ્રાફી તથા સીએટી-સ્કૅન પણ કરાય છે. વધુ વધેલા કૅન્સરમાં કેડ, નિતંબ તથા પગમાં દુખાવો તથા પગ પર સોજો આવે છે. મૂત્રપિંડનલીઓ પર ગાંઠનું દબાણ આવે તો મૂત્રપિંડ-કૂંડ (renal pelvis) અને મૂત્રપિંડનલીઓ પહોળાં થાય છે અને તેમાં પેશાબ ભરાઈ રહે છે. તેમને અનુક્રમે મૂત્રપિંડશોફ (hydronephrosis) અને મૂત્રપિંડનલીશોફ (hydroureter) કહે છે.

પેશીવિકૃતિવિદ્યાલક્ષી (histopathological) નિદાન માટે પેપટેસ્ટ, યોનિ-અંત:દર્શકની મદદથી કરાતું પેશીપરીક્ષણ (biopsy), શંકાસ્પદ વિસ્તારમાં શંકુકરણી (conisation) નામની શસ્ત્રક્રિયા દ્વારા મેળવાયેલી પેશીનું પેશીપરીક્ષણ તથા મોટી સુસ્પષ્ટ ગાંઠની કિનારી પરથી પેશીનો ટુકડો કાપી લઈને પેશીપરીક્ષણ કરાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં મૂત્રાશય-નિરીક્ષા (cystoscopy) અને મળાશય-નિરીક્ષા (proctoscopy) કરીને મૂત્રાશય કે મળાશયમાં નિરીક્ષણ કરાય છે.

વર્ગીકરણ : મોટા ભાગનાં કૅન્સર લાદીસમ-કોષી અથવા શલ્કસમ-કોષી (squamous cell) કૅન્સર હોય છે, જ્યારે થોડાંક કૅન્સર ગ્રંથિકૅન્સર (adenocarcinoma) પ્રકારનાં હોય છે. ક્યારેક યમાર્બુદ અથવા માંસાર્બુદ (sarcoma) વિકસે છે. સારવારની પદ્ધતિ તથા પૂર્વાનુમાન નક્કી કરવા માટે કૅન્સરના તબક્કાનું નિદાન કરવું આવશ્યક ગણાય છે (સારણી 1). તેનું TNM વર્ગીકરણ તથા ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑવ્ ગાયનેકૉલૉજી અને ઑબ્સ્ટેટ્રિક્સ દ્વારા કૅન્સરના તબક્કાનું વર્ણન કરાયેલું છે.

સારવાર અને પરિણામ : II (a) તબક્કા સુધી શસ્ત્રક્રિયા તેની મુખ્ય સારવાર છે, જ્યારે II (b) અને III (a, b) તબક્કામાં વિકિરણનચિકિત્સા (radiotherapy) મહત્વની ગણાય છે. CIN તબક્કાના રોગની સારવાર, અતિશીત શસ્ત્રક્રિયા (cryosurgery), વીજ-દહન (electrocautery) અથવા લેઝર વડે કરાય છે. અતિશીત શસ્ત્રક્રિયાને દર્દીઓ વધુ સ્વીકારે છે. જ્યારે લેઝરની સારવાર મોંઘી છે તેમજ બધે ઉપલબ્ધ હોતી નથી.

શૂન્ય તબક્કાના દર્દીમાં, જેમનામાં ફક્ત અતિસીમિત કૅન્સર (carcinoma in situ) થયું હોય તેઓમાં વીજશસ્ત્રક્રિયા વડે કરાતી શિક્ય-ઉચ્છેદન પ્રક્રિયા (loop electrosurgical excision procedure, LEEP) કરાય છે. શિક્ય એટલે ગાળો (loop). ગાળા જેવી સંરચના દ્વારા ગર્ભાશય-ગ્રીવાના મુખ પાસેના સમગ્ર પરિવર્તન (transformation) વિસ્તારમાં ઓછા વોલ્ટેજવાળી પારઉષ્મન ક્રિયા (diathermy) વડે આ ક્રિયા કરાય છે. તેથી તેને પરાવર્તિત વિસ્તારનું મહાશિક્ય-ઉચ્છેદન (large loop excision of transformation zone, LLETZ) પણ કહે છે.

ગર્ભાશય-ગ્રીવા પરના રોગગ્રસ્ત વિસ્તારને પેશીપરીક્ષણ માટે લેવાથી, તેને શંકુ આકારે કાપવા(conization)થી તથા ક્યારેક ગર્ભાશયને શસ્ત્રક્રિયા વડે કાઢી નાખવાથી પણ કૅન્સરપૂર્વ વિકારોની તથા 1 મિમી.થી નાના કૅન્સરની સારવાર થઈ જાય છે.  ગર્ભાશયને આમૂલ દૂર કર્યા પછી તથા શંકુ આકારે કાપ્યા પછી 0.5 %થી 3.5 % દર્દીઓમાં ક્યારેક રોગ ફરીથી થાય છે. 3 મિમી. જેટલા મોટા કૅન્સર માટે ગર્ભાશયને શસ્ત્રક્રિયા કરીને કાઢવામાં (ગર્ભાશય-ઉચ્છેદન, hysterectomy) આવે છે. 3 મિમી.થી મોટા કૅન્સર માટે નિ:શેષ અથવા આમૂલ (radical) ગર્ભાશય-ઉચ્છેદન કરાય છે, જેમાં ગર્ભાશય ઉપરાંત શ્રોણીમાંની અને મહાધમની(aorta)માંની આસપાસની લસિકાગ્રંથિઓ પણ દૂર કરાય છે.

સારણી : ગર્ભાશયગ્રીવાના કૅન્સરના તબક્કા

તબક્કો

રોગનું વર્ણન

0 અતિસીમિત કૅન્સર
I. ગર્ભાશય-ગ્રીવામાં જ રહેલું કૅન્સર

(A) સૂક્ષ્મદર્શક વડે દર્શાવી શકાતું 7 મિમી. પહોળું કૅન્સર

(A1) 3 મિમી. ઊંડાઈ

(A2) 3થી 5 મિમી. ઊંડાઈ

(B) નરી આંખે દેખાતું ગર્ભાશય-ગ્રીવામાં સીમિત કૅન્સર

(B1) 4 સેમી. જેટલી ગાંઠ

(B2) 4 સેમી.થી મોટી ગાંઠ

II. યોનિ(vagina)ના ઉપલા B ભાગ અને ગર્ભાશયની

આસપાસની પેશીમાં ફેલાવો

(A) ગર્ભાશયની આસપાસની પરિગર્ભાશય

પેશી(parametrium)માં દેખીતો ફેલાવો નહિ.

(B) પરિગર્ભાશય પેશીમાં દેખીતો ફેલાવો.

III. યોનિના નીચલા 2 ભાગ તથા શ્રોણી-ગુહા(pelvic cavity)ની

દીવાલ સુધી ફેલાયેલું કૅન્સર. જેને કારણે મૂત્રપિંડ-જલશોફ

(hydronephrosis) થાય અથવા એક મૂત્રપિંડનું કાર્ય બંધ

થાય.

(A)  શ્રોણી-ગુહાની દીવાલ અસરગ્રસ્ત નહિ.

(B)  શ્રોણી-ગુહાની દીવાલ અસરગ્રસ્ત તથા મૂત્રપિંડનળીમાં

અટકાવ.

IV. શ્રોણી-ગુહાની બહાર ફેલાવો અથવા મૂત્રાશય કે મળાશયની

દીવાલમાં ફેલાવો

(A)  મૂત્રાશય કે મળાશય અસરગ્રસ્ત

(B) દૂરના અવયવોમાં ફેલાવો

પ્રથમ તબક્કાના કૅન્સરમાં નિ:શેષ (આમૂલ) શસ્ત્રક્રિયા અને વિકિરણનચિકિત્સાનાં સરખાં પરિણામો હોય છે. જોકે વિકિરણનસારવારથી લાંબે ગાળે લૈંગિક તકલીફો થાય છે. IA1 તબક્કામાં સાદું ગર્ભાશય-ઉચ્છેદન કરી શકાય છે. જો દર્દીને ગર્ભધારણશીલતા જાળવવી હોય તો ફક્ત શંકુકરણી (conisation) શસ્ત્રક્રિયા પણ કરી શકાય છે. IAB થી IIA તબક્કામાં શસ્ત્રક્રિયા કરાય છે. તે માટે નિ:શેષ (આમૂલ) ગર્ભાશય-ઉચ્છેદન કરાય છે. તેમાં ગર્ભાશય ઉપરાંત શ્રોણીમાંની લસિકાગ્રંથિઓ દૂર કરાય છે. જેમને ગર્ભધારણશીલતા જાળવવી હોય તેઓમાં નિ:શેષ (આમૂલ) ગ્રીવોચ્છેદન (radical trachelectomy) કરાય છે, જેમાં ફક્ત ગર્ભાશય-ગ્રીવા તથા લસિકાગ્રંથિઓ કઢાય છે અને ગર્ભાશયને જાળવી રખાય છે.

વિકિરણનસારવાર માટે સમીપસ્થાની (brachytherapy) અને દૂરસ્થ (external radiotherapy) એમ બંને પ્રકારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે. ગાંઠની અંદર અથવા અવયવના પોલાણમાં વિકિરણશીલ દ્રવ્ય મૂકીને કૅન્સરની ગાંઠને ઘણી મોટી માત્રામાં વિકિરણન આપી શકાય છે. તે માટે વિશિષ્ટ સાધનો ઉપલબ્ધ છે. મોટી ગાંઠને કારણે યોનિનો આકાર વિકૃત થાય છે અને તેથી વિકિરણનશીલ પદાર્થ મૂકવામાં તકલીફ પણ પડે છે. પેશીની અંદર મૂકેલ વિકિરણશીલ સોય ઘણી વખત ખૂબ જ શારીરિક બીમારી લાવે છે. IIA તબક્કા સુધી શસ્ત્રક્રિયા અને વિકિરણનચિકિત્સાનાં સરખાં પરિણામ આવે છે (75 %થી 90 %નો 5 વર્ષનો જીવનકાળ). શ્રોણીમાં ફરીથી ઊથલો મારે તેવી શંકા હોય (4 સેમી.થી મોટી ગાંઠ, દૂર કરાયેલી પેશીની કિનારીમાં કૅન્સરના કોષો, મોટી લસિકાગ્રંથિઓ વગેરે), તો શસ્ત્રક્રિયા પછી સંગામી વિકિરણન-ઔષધચિકિત્સા (concument chemoradio-therapy) કરાય છે. તેમાં વિકિરણનચિકિત્સાની સાથે સાથે કૅન્સરવિરોધી ઔષધ પણ અપાય છે. વિકિરણનચિકિત્સા વખતે લોહીમાં હીમોગ્લોબિનનું સ્તર 12 ગ્રામ % કે વધુ જાળવી રાખવું જરૂરી ગણાય છે. ગર્ભાશયની બહારની પેશી અને લસિકાગ્રંથિઓમાંના ફેલાવા માટે ઔષધો સાથે બહારથી વિકિરણનસારવાર અપાય છે (IIBથી IVA તબક્કા). તેમાં સામાન્ય રીતે સિસ-પ્લૅટિન દર અઠવાડિયે, વિકિરણનચિકિત્સાની સાથે અપાય છે. મૂત્રમાર્ગ તથા મળમાર્ગમાં ચાંદાં પડવાં તથા સોજો આવવો એ આ સારવારની મુખ્ય આનુષંગિક તકલીફ છે. લાંબે ગાળે લૈંગિક પ્રક્રિયામાં મુશ્કેલી, યોનિ સાંકડી થવી તથા મળાશયશોથ (proctitis) થાય છે. મળાશયમાં પીડાકારક સોજો આવે કે ચાંદાં પડે તેને મળાશયશોથ કહે છે. ક્યારેક મૂત્રાશય કે મળાશય સાથે જોડતી સંયોગનળી (fistula) પણ ઉદભવે છે. તેને કારણે યોનિમાંથી મળ અથવા મૂત્ર આવે છે.

ઔષધચિકિત્સા માટે વિવિધ પ્રયોગો થયેલા છે. શસ્ત્રક્રિયા કે વિકિરણનચિકિત્સા માટે રોગનો તબક્કો ઘટાડવા માટે ક્યારેક સૌપ્રથમ ઔષધો વડે સારવાર કરાય છે. તેને નવસહાયક ઔષધચિકિત્સા કહે છે. વધી ગયેલા કૅન્સરમાં અન્ય અવયવોમાં ફેલાવો થાય છે (IVB તબક્કો). તેમાં સિસ-પ્લૅટિન, કાર્બોપ્લૅટિન, પેક્લિટેક્સેલ, આઇફૉસ્ફેમાઇડ, ઇરિનોટિકેન વગેરે ઔષધો અપાય છે. ફરીથી ઊથલો મારતા કૅન્સરમાં જો મળાશય કે મૂત્રાશય અસરગ્રસ્ત થાય તો તેમને કાઢવાની શસ્ત્રક્રિયા વિચારાય છે. તેને સર્વાંગોચ્છેદન(exenteration અથવા evisceration)ની શસ્ત્રક્રિયા કહે છે. આ બધી રાહતદાયી (palliative) સારવાર ગણાય છે. 0 અને I(a) તબક્કામાં 100 % દર્દીઓ તથા I(b) તબક્કામાં 60 %થી 90 % દર્દીઓ રોગમુક્ત થાય છે. ત્રીજા તબક્કામાં સારવારની આવશ્યકતા 30 %થી 40 % જેટલી છે.

શિલીન નં. શુક્લ

અનિલા કાપડિયા