કૅન્સર ગર્ભાવરણનું (choriocarcinoma)
January, 2008
કૅન્સર, ગર્ભાવરણનું (choriocarcinoma) : ગર્ભનાં આવરણો-(chorion)ની પેશીનું કૅન્સર થવું તે. ગર્ભને પોષણ મળી રહે તે માટે ગર્ભપોષક પેશી(gestational trophoblast)નો વિકાસ થાય છે. આ પોષકપેશીના રોગોને ગર્ભપોષક પેશીય રોગ (gestational trophoblastic disease, GTD) કહે છે. તેમાં 4 વિકારોનો સમાવેશ થાય છે – (1) બહુકોષ્ઠાર્બુદ (hydatidiform mole), (2) ઓર-સ્થાની ગાંઠ (placental site tumour), (3) આક્રમક કોષ્ઠાર્બુદ (invasive mole) તથા (4) ગર્ભાવરણનું કૅન્સર (કૉરિયોકાર્સિનોમા). આમાંનાં છેલ્લાં 3ને ગર્ભપોષક પેશીય અર્બુદો (gestational trophoblast tumours, GTT) કહે છે. આ રોગની વિશેષતા એ છે કે તેમાં ગર્ભની પેશી માતાની પેશી પર આક્રમક બને છે અને તેમાં મુખ્યત્વે પિતાનાં રંગસૂત્રોનાં સૂચકદ્રવ્યો (chromosomal markers) હોય છે. તે અંત:સ્રાવો (hormones) ઉત્પન્ન કરે છે અને ફક્ત દવાઓથી તે મટી પણ શકે છે.
વસ્તીરોગવિદ્યા : એશિયા અને દૂર પૂર્વના દેશોમાં કૉરિયો-કાર્સિનોમાનું પ્રમાણ વધુ છે. માતાની ઉંમર 40 વર્ષથી ઉપર હોય તો તેનું પ્રમાણ વધે છે. લગભગ 50 % દર્દીઓમાં બહુકોષ્ઠાર્બુદ (hydatidiform mole, vesicular mole) થયેલું હોય છે જ્યારે અન્ય દર્દીઓમાં ગર્ભપાત (20 %), અન્યસ્થાની (ectopic) કે સામાન્ય સગર્ભાવસ્થા થયેલી હોય છે. બહુકોષ્ઠાર્બુદવાળી સગર્ભાવસ્થા પછી કૉરિયોકાર્સિનોમા થવાની શક્યતા 1,000ગણી વધે છે. ઓર(placenta)ના કૅન્સરનો ભારતમાં દર 0.0થી 0.3 / 1 લાખ સ્ત્રીઓ જેટલો છે. અમદાવાદમાં સ્ત્રીઓનાં કૅન્સરનાં 0.21 % કૅન્સર ઓરમાં થાય છે. તેનો દર 0.11 / 1 લાખ સ્ત્રીઓ છે.
નિર્દેશન અને નિદાન : તેનાં કોઈ ચોક્કસ કે વિશિષ્ટ ચિહનો કે લક્ષણો નથી. ઘણી વખતે તે સગર્ભાવસ્થા જેવાં, ગર્ભપાત જેવાં કે પ્રસૂતિ પછીના રુધિરસ્રાવ(લોહી વહેવું)ના વિકાર જેવાં ચિહનો કે લક્ષણો દર્શાવે છે. જો ફેફસાં કે મગજ અસરગ્રસ્ત થાય તો તેનાં ચિહ્નો જણાય છે. તેને કારણે યોનિમાર્ગ, મૂત્રમાર્ગ, ગુદામાર્ગમાંથી લોહી પડે છે અથવા ગળફામાં લોહી પડે છે. ક્યારેક મગજની અંદર પણ લોહી વહે છે. સામાન્યપણે કૉરિયોકાર્સિનોમા ગર્ભાશયના પોલાણમાં ઉદભવતી ગાંઠ છે, જેમાંથી સહેલાઈથી લોહી વહેવા માંડે છે. તે ગર્ભાશયના સ્નાયુસ્તરમાં નુકસાન કરે છે. ગર્ભપોષક પેશીમાં માનવ ગર્ભાવરણીય જનનપિંડઉત્તેજક (human chorionic gonadotrophin, HCG) નામના અંત:સ્રાવ(hormone)નું ઉત્પાદન થાય છે. તે સગર્ભાવસ્થા અને GTDમાં વધે છે. તેનો બીટા પ્રકારનો ઉપએકમ (Beta-HCG) આ રોગના નિદાનમાં વપરાતું કૅન્સરસૂચક દ્રવ્ય (tumour marker) છે. તેની વધઘટને આધારે રોગની વધઘટ નક્કી કરી શકાય છે. કૉરિયોકાર્સિનોમા લોહી દ્વારા ફેલાઈને મુખ્યત્વે ફેફસાં, યોનિ, યકૃત, મગજ, મૂત્રપિંડ અને જઠર-આંતરડાંમાં ફેલાય છે. વિશિષ્ટ નિદાનલક્ષી તપાસમાં બીટા-HCG, છાતીનું એક્સ-રે ચિત્રણ, પેટ અને શ્રોણીમાં અલ્ટ્રાસૉનોગ્રાફી, સીએટી-સ્કૅન કરાય છે તથા એમઆરઆઈની ઉપયોગિતા નિશ્ચિત કરવાના અભ્યાસો થઈ રહ્યા છે.
વર્ગીકરણ : GTDને 4 તબક્કામાં વહેંચવામાં આવેલું છે. જ્યારે રોગ ગર્ભાશય-કાય(body of uterus)માં જ હોય ત્યારે તેને પ્રથમ તબક્કો કહે છે. બીજા તબક્કામાં રોગ યોનિ (vagina) કે શ્રોણી(pelvis)માં ફેલાય છે. ફેફસાં અસરગ્રસ્ત થાય ત્યારે ત્રીજો તબક્કો કહેવાય છે. અન્ય અવયવોમાં થતો ફેલાવો ચોથા તબક્કાના રોગનું સૂચન કરે છે. કેટલાક નિષ્ણાતો તેને સ્થાનિક (local) અને સ્થાનાંતરિત (metastatic) GTD અથવા ઓછી અને વધુ તીવ્રતાવાળા GTD તરીકે પણ વર્ગીકૃત કરે છે. જોખમનો દર ગણવા પ્રાપ્તાંકી પદ્ધતિ (scoring system) વિકસાવાયેલી છે (જુઓ સારણી). પ્રાપ્તાંકો 6 કે તેથી ઓછા હોય તો ઓછું જોખમ રહે છે જ્યારે 7 કે વધુ પ્રાપ્તાંકો વધુ જોખમ સૂચવે છે.
સારણી : વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)-કૃત પ્રાપ્તાંકી પ્રણાલી (scoring system)
સારવાર : હાયડેટિડિફૉર્મ મોલ(બહુકોષ્ઠાર્બુદ)ની સારવાર અભિશોષી ખોતરણ (suction curettage) કે વિસ્ફારણ (dilatation) અને ખોતરણ (D & C) વડે થાય છે. તેમાં ગર્ભાશય-ગ્રીવાના મૂળને પહોળું કરી (વિસ્ફારણ) ગર્ભાશયની અંદરની ગાંઠને ખોતરી કઢાય છે (ખોતરણ). ક્યારેક તેને અભિશોષક સાધન વડે પણ બહાર કાઢી શકાય છે. 40 વર્ષથી વધુ વયે ગર્ભાશય કાઢી નંખાય છે. 8 અઠવાડિયે બીટા-HCG સામાન્ય થાય છે. 10 %થી 30 %માં GTT થતું હોવાથી દરેક દર્દીને સારવાર પછી પણ નિયમિતપણે તપાસવામાં આવે છે.
(ક) સ્થાનિક રહેલો GTT (ફક્ત ગર્ભાશયમાં જ રોગ) : મોટે ભાગે હાયડેટિડિફૉર્મ મોલ પછી થાય છે. તેથી હાયડેટિડિફૉર્મ મોલ કાઢી નાખ્યા પછીની નિયમિત તપાસમાં જો બીટા-HCG વધે, રોગ અન્યત્ર ફેલાય કે તેની સૂક્ષ્મદર્શક વડે કરાતી તપાસમાં કૉરિયોકાર્સિનોમા (ગર્ભાવરણીય કૅન્સર) થયેલું લાગે તો દવાઓ અપાય છે. અસરકારક દવાઓ શોધાઈ ન હતી ત્યારે શસ્ત્રક્રિયા અને વિકિરણનસારવાર (radiotherapy) વપરાતી હતી. હાલ ફક્ત જો મગજમાં રોગ પ્રસર્યો હોય તો ત્યાં વિકિરણનચિકિત્સા કરાય છે. દવાઓ વડે કરાતી સારવારથી મોટા ભાગના કિસ્સામાં રોગ મટે છે. મિથોટ્રેક્ઝેટ કે ઍક્ટિનોમાયસિન-ડીમાંથી કોઈ એક દવા અપાય છે. ક્યારેક મિથોટ્રેક્ઝેટ અને ફૉલિનિક ઍસિડ કે 5-ફ્લ્યુરોયુરેસિલ અને મુખમાર્ગી ઇટોપોસાઇડ પણ અપાય છે. દવાની અસર ન થાય તેમને ગર્ભાશય કાઢી નાખવાની શસ્ત્રક્રિયા થાય છે. રોગ લગભગ 100 % કિસ્સામાં મટે છે.
(ખ) ઓછી તીવ્રતાવાળા GTTની સારવારમાં ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ એક દવા અપાય છે. જો તે સફળ ન થાય તો દવાઓનો સમૂહ (EMA-CO અથવા EMA-CE) અપાય છે અથવા શસ્ત્રક્રિયા કરાય છે. અન્ય સ્થળે ફેલાયેલું કૅન્સર કાબૂમાં આવ્યા પછી જો તે ગર્ભાશયમાં રહી જાય તો ગર્ભાશય કાઢી નખાય છે. ક્યારેક ફેફસામાંની ઔષધરોધી (drug resistant) ગાંઠો પણ શસ્ત્રક્રિયાથી દૂર કરાય છે. 98.3 % જેટલો રોગ મટવાનો દર નોંધાયેલો છે. ઔષધચિકિત્સામાં ઇટોપોસાઇડ, મિથોટ્રેક્ઝેટ અને ઍક્ટિનોમાયસિન (EMA) તથા સાઇક્લોફૉસ્ફોઇડ અને વિન્ક્રિસ્ટિન(CO)ના ઔષધીય આવર્તનો (cources) અપાય છે. તેમને દર 14 દિવસે અપાય છે. EMA-CEમાં COનું સ્થાન CE (સિસ-પ્લૅટિન અને ઇટોપોસાઇડ) લે છે. બીટા-HCGનું લોહીમાંનું સ્તર સતત 3 અઠવાડિયાં સુધી સામાન્ય રહે ત્યાં સુધી ઔષધો અપાય છે.
(ગ) જોખમનો અંક અથવા સંદેહાંક (risk score) 7થી વધુ હોય તો સામૂહિક ઔષધચિકિત્સા અપાય છે. આવા દર્દીને વધુ તીવ્રતાવાળા GTTના દર્દી કહેવાય છે. તેમને મિથોટ્રેક્ઝેટ, ઍક્ટિનોમાયસિન-ડી અને સાઇક્લોફૉસ્ફેમાઇડની સામૂહિક સારવાર અપાય છે. આ ઉપરાંત વિવિધ દવાઓના સમૂહો પણ વપરાય છે. મગજ કે યકૃતમાંની ગાંઠો માટે વિકિરણનચિકિત્સા ઉપયોગી છે. ગર્ભાશય, ફેફસાં, મગજ કે યકૃતમાંની દવાઓથી ન દબાતી ગાંઠો માટે શસ્ત્રક્રિયા કરાય છે. 72 % કિસ્સામાં રોગ મટે છે. ક્યારેક રોગ ફરી ઊથલો મારે એવી શક્યતા હોવાને કારણે દવાઓ લાંબા સમય માટે અપાય છે.
શિલીન નં. શુક્લ
આવા દેસાઈ