કૅન્સર અંડપિંડ(ovary)નું
January, 2008
કૅન્સર, અંડપિંડ(ovary)નું : સ્ત્રીઓના જનનપિંડ(gonad)નું કૅન્સર થવું તે. અંડપિંડનો આકાર ફોલેલી બદામ જેવો હોય છે. તે શ્રોણીગુહા(pelvic cavity)ના ઉપલા ભાગમાં અંડવાહિનીઓ અથવા અંડનળીઓ(fallopian tubes)ના દૂરના છેડે આવેલા હોય છે. કેડનાં હાડકાંની વચ્ચેની બખોલ જેવા પેટના પોલાણના નીચલા ભાગને શ્રોણી (pelvis) કહે છે. અંડપિંડ પહોળા તંતુબંધ (broad ligament) અને અંડપિંડી તંતુબંધ વડે તેના સ્થાને ગોઠવાયેલા રહે છે. અંડપિંડના કૅન્સરના મુખ્ય 3 પ્રકાર છે : અધિચ્છદીય (epithelial), પ્રજનકકોષી (germ cell) અને સંજાલકોષી (stromal cell). અધિચ્છદીય કૅન્સર 90 % કિસ્સામાં જોવા મળે છે. તેમને થતું અટકાવવામાં તથા તેની સારવારમાં એક વિશિષ્ટ મુશ્કેલી છે. તે ચિહનો કે લક્ષણો ઉત્પન્ન કર્યા વગર ધીમે ધીમે વધતું રહે છે અને તેથી ઘણા દર્દીઓનું નિદાન ત્રીજા કે ચોથા તબક્કામાં જ થાય છે.
વસ્તીરોગવિદ્યા : સમગ્ર વિશ્વમાં અંડપિંડના કૅન્સરના સૌથી વધુ દર્દીઓ પશ્ચિમી ઔદ્યોગિક દેશોમાં છે. અમેરિકામાં સ્ત્રીઓનું તે છઠ્ઠા સ્થાને આવતું કૅન્સર છે. ભારતમાં તેનું પાંચમું સ્થાન છે (5 %). ભારતમાં એક લાખ સ્ત્રીઓએ તે 3.9ના દરે બૅંગલોરમાં, 7ના દરે મુંબઈમાં, 5.7ના દરે ચેન્નાઈમાં, 7.4ના દરે દિલ્હીમાં, 5.2ના દરે ભોપાલમાં તથા 1.7ના દરે બર્શીના ગ્રામીણ વિસ્તારમાં થાય છે. અમદાવાદમાં સ્ત્રીઓનાં બધાં કૅન્સરમાં 4.6 % કૅન્સર અંડપિંડમાં થાય છે. તેનો એક લાખ સ્ત્રીઓએ 4.16 જેટલો દર છે.
કારણો : પશ્ચિમી ઔદ્યોગિક દેશોમાં તેનું વધુ પ્રમાણ સૂચવે છે કે ખોરાક અને વાતાવરણમાંનાં પરિબળો અંડપિંડના અધિચ્છદીય (epithelial) કૅન્સરમાં અગત્યનાં કારણો છે. તે દેશોમાં વસવાટ કરતી પૂર્વીય અલ્પવિકસિત દેશોની સ્ત્રીઓમાં પણ તેનું પ્રમાણ વધે છે. વિટામિન-એ અને રેસાવાળો ખોરાક અંડગ્રંથિના કૅન્સરનું પ્રમાણ ઘટાડે છે. અપ્રજનકકોષી (non-germ cell) કૅન્સરનું જોખમ ઉંમર સાથે વધે છે. 25 વર્ષની ઉંમર પહેલાં સગર્ભાવસ્થા, નાની ઉંમરે ઋતુસ્રાવ બંધ થવો અને ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ અંડપિંડનું કૅન્સર થવાની શક્યતા ઘટાડે છે. જેમને ઋતુસ્રાવનાં 40 વર્ષ થયાં હોય, એક પણ સગર્ભાવસ્થા ન થઈ હોય અને 30 વર્ષ પછી પહેલી સગર્ભાવસ્થા હોય તેમને તેનું જોખમ વધુ હોય છે. જેમની બહેન કે માને અંડપિંડનું કૅન્સર થયું હોય તેમની બાબતમાં તેની શક્યતા વીસગણી વધે છે. સ્તન, મોટું આંતરડું, ગર્ભાશય-કાય તથા અંડપિંડના કૅન્સરનાં કેટલાંક કારણરૂપ પરિબળો સમાન હોવાનું મનાય છે. BRCA1 અને 2 નામના જનીનો સ્તન અને અંડપિંડના કૅન્સર માટે ક્યારેક કારણરૂપ હોય છે. આવા દર્દીઓમાં અંડપિંડનું કૅન્સર થતું અટકાવવા ગર્ભાશય અને બંને અંડપિંડોને કાઢી નાંખવાની શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે.
નિર્દેશન અને નિદાન : અધિચ્છદીય (epithelial) કૅન્સરના વધુ જોખમવાળી સ્ત્રીઓમાં નિયમિત તપાસથી કદાચ વહેલું નિદાન શક્ય છે. તેવી વધુ વજનવાળી સ્ત્રીઓમાં યોનિમાર્ગી એષણી (vaginal probe) વડે અલ્ટ્રાસૉનોગ્રાફી કરીને તથા CA-125 જેવાં કૅન્સર-સૂચક દ્રવ્યોનું લોહીમાંનું પ્રમાણ જાણીને કદાચ વહેલું નિદાન કરી શકાય એવું કેટલાક નિષ્ણાતોનું માનવું છે. પરંતુ વસ્તીમાંની સામાન્ય સ્ત્રીઓમાં CA-125નું પરીક્ષણ કરીને અંડપિંડના કૅન્સરના દર્દીઓ શોધી કાઢવાની પ્રક્રિયા, જેને વિચયન (screening) કહે છે, તે કરવાનું સૂચવાતું નથી. પ્રથમ તબક્કાના 50 % દર્દીઓના અને તેથી વધુ તબક્કામાં 80 %થી 90 % દર્દીઓના લોહીના રુધિરરસનું પ્રમાણ વધે છે. તે સ્ત્રીના જનનાંગોના અન્ય રોગો તથા સ્તન કે ગર્ભાશયના કાય(body)ના કૅન્સરમાં થોડાથી મધ્યમ સ્તરે વધે છે. જ્યારે લક્ષણો કે ચિહનો ઉદભવે ત્યારે સામાન્યપણે અંડપિંડનું કૅન્સર ખૂબ વધી ગયેલું હોય છે. 66 % દર્દીઓમાં નિદાનના સમયે શ્રોણી તથા પેટમાંના અવયવો અસરગ્રસ્ત હોય છે. મુખ્ય લક્ષણો ખૂબ મંદ પ્રકારનાં હોય છે. પેટમાં અસ્પષ્ટ દુખાવો કે તકલીફ, અપચો, વાયુપ્રકોપ, પેટમાં પ્રવાહી ભરાવું, પેટમાં ગાંઠો થવી વગેરે તકલીફો થાય છે. 35 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીમાં જઠર-આંતરડાંની લાંબા સમયની (જેનું નિદાન ન થઈ શક્યું હોય એવી) તકલીફ હોય તો અંડપિંડના કૅન્સર માટે તપાસ કરાવવી જરૂરી ગણાય છે. વધી ગયેલું કૅન્સર આંતરડામાં અવરોધ કરે છે.
પ્રજનકકોષી (germ cell) કૅન્સર ઝડપથી વધે છે, કૅન્સરસૂચક દ્રવ્યો ઉત્પન્ન કરે છે તથા લસિકાવાહિનીઓ અને લોહી દ્વારા તે ફેલાય છે. દુ:બીજકોષી કૅન્સર (dysgerminoma) ક્યારેક બંને અંડપિંડમાં ઉદભવે છે (10 %થી 15 %). બિનગર્ભપેશીય (nongestational) ગર્ભાવરણીય કૅન્સર(choriocarcinoma)માં ઘણી વખતે સગર્ભાવસ્થાનાં ચિહ્નો અને લક્ષણો ઉદભવે છે. હંમેશ કરાતી નિદાન-તપાસો ઉપરાંત કૅન્સરસૂચક દ્રવ્યોનું પ્રમાણ શોધાય છે. બીજકોષી કૅન્સરમાં આલ્ફા-ફીટો-પ્રોટીન (AFP) તથા બીટા-હ્યૂમન કોરિયૉનિક ગોનેડોટ્રોફિન (Beta-HCG) નામના કૅન્સરસૂચક દ્રવ્યોનું પ્રમાણ વધે છે, જ્યારે અધિચ્છદીય (epithelial) કૅન્સરમાં CA-125નું પ્રમાણ વધે છે. સંજાલપેશી (stromal) કૅન્સરમાં નરકેશિતા (virilism), યુવાન છોકરીમાં કાલપૂર્વ લૈંગિક લક્ષણો, ઋતુસ્રાવ બંધ થવો, યોનિમાર્ગે લોહી પડવું જેવાં વિવિધ અંત:સ્રાવી (endocrine) વિકારો થાય છે.
સારણી 1 : અંડપિંડના કૅન્સરના કેટલાક મુખ્ય પ્રકારો
(ક) | અધિચ્છદીય (epithelial) ગાંઠો | |||
સિરસ–સિસ્ટ એડિનો–કાર્સિનોમા (40 %) (સતરલસર્જી કોષ્ઠીય ગ્રંથિઅર્બુદ) | ||||
એન્ડોમેટ્રિયૉઇડ કાર્સિનોમા (15 %) (ગર્ભાશય–અંત:કણાભ કૅન્સર) | ||||
મ્યુસિનસ–સિસ્ટ એડિનો–કાર્સિનોમા (12 %) (શ્લેષ્મસર્જી કોષ્ઠીય ગ્રંથિઅર્બુદ) | ||||
ક્લિયર સેલ (મિઝોનેફ્રોમા) (6 %) (સ્વચ્છકોષી કૅન્સર) | ||||
અન્ડિફરેન્શિયેટેડ કાર્સિનોમા (5 %) (અવિભેદિત કૅન્સર) | ||||
પ્રકીર્ણ | ||||
(ખ) | લૈંગિક–રજ્જુ સંજાલપેશીય (sex cord stromal) ગાંઠો | |||
ગ્રેન્યુલોઝા ટ્યૂમર સર્ટોલિ–લેડિગ સેલ ટ્યૂમર | ||||
(ગ) | પ્રજનકકોષી (germ cell) ગાંઠો | |||
ડિસ્જર્મિનોમા (દુ:બીજકોષી કૅન્સર) | ||||
એમ્બ્રિયૉનલ કાર્સિનોમા (ભ્રૂણપેશીય કૅન્સર) | ||||
એન્ડોડર્મલ સાયનસ ટ્યૂમર (અંતસ્તકીય વિવર–અર્બુદ) | ||||
કોરિયોકાર્સિનોમા (ગર્ભાવરણીય કૅન્સર) | ||||
ટેરેટોમા (ગર્ભપેશી અર્બુદ) | ||||
મિશ્ર | ||||
પ્રકીર્ણ | ||||
(ઘ) | અન્ય કૅન્સર |
વર્ગીકરણ : અંડપિંડમાં ઘણાં જુદા જુદા પ્રકારનાં કૅન્સર થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા કરાયેલું વર્ગીકરણ સારણી 1માં ટૂંકમાં દર્શાવ્યું છે. સૂક્ષ્મદર્શક વડે પેશીને તપાસતી વખતે તેમાં રહેલા અવિભેદિત (undifferentiated) કોષોના ટકા પ્રમાણે તેનો તીવ્રતાઅંક (grade) નક્કી કરાય છે. સારણી 2માં કૅન્સરના તબક્કાનું વર્ણન કરવામાં આવ્યું છે.
અધિચ્છદીય (epithelial) કૅન્સરની સારવાર : શસ્ત્રક્રિયા વડે કૅન્સરની ગાંઠો દૂર કરવી તે પ્રારંભિક સારવાર છે. પરંતુ મોટા ભાગના કિસ્સામાં શસ્ત્રક્રિયા વડે શક્ય એટલા પ્રમાણમાં કૅન્સરના કોષોને દૂર કરવાનો પ્રયત્ન કરી શકાય છે. તેમાં બંને અંડપિંડ, અંડવાહિનીઓ, પેટના પોલાણની પાછળના ભાગની લસિકાગ્રંથિઓ તથા અન્ય ફેલાયેલી ગાંઠો દૂર કરાય છે. બધા જ અવયવોની સપાટી તથા ઉરોદરપટલ(diaphragm)ની નીચલી સપાટી તથા પરિતનગુહા(peri-toneum)ની બધી સપાટીઓનું નિરીક્ષણ કરીને શક્ય બધી જ ગાંઠો દૂર કરાય છે. ઉદરાગ્રપટલ(omentum)ને કાપી કઢાય છે. તેને અલ્પકૅન્સરકોષકારી (cytoreductive) અથવા અલ્પદળકારી (debulking) શસ્ત્રક્રિયા કહે છે. ક્યારેક અતિઆક્રમક કૅન્સરમાં તે શક્ય બનતી નથી. બને ત્યાં સુધી 2 સેમી.ની નાની ગાંઠ સિવાય બધું જ કાઢી શકવાની નેમ સાથે શસ્ત્રક્રિયા કરાય છે. ક્યારેક તેમ કરતાં આંતરડાનો થોડો ભાગ કાઢી નાખવો પડે છે (તબક્કો II, III કે IV). જો ગાંઠ ફક્ત અંડપિંડમાં જ હોય અને ફેલાયેલી ન હોય તો આખા અંડપિંડને કાઢીને સૂક્ષ્મદર્શક વડે તપાસવા માટે મોકલાય છે. પેટના પોલાણમાં ભરાયેલા પ્રવાહીને કોષવિદ્યા(cytology)ની તપાસ માટે મોકલાય છે. સીમાવર્તી કૅન્સર(borderline tumour)માં શસ્ત્રક્રિયા પછી અન્ય સારવારની જરૂર રહેતી નથી. ગર્ભધારણ કરવા માગતી યુવાન સ્ત્રીમાં એક જ અંડપિંડ દૂર કરવાની સારવાર કરાય છે (તબક્કો IA, IB, તીવ્રતાંક 1). પરંતુ તીવ્રતાંક 1 કે વધુ હોય કે ગાંઠનો તબક્કો IC કે વધુ હોય તો પૂરેપૂરી શસ્ત્રક્રિયા કરાય છે. શસ્ત્રક્રિયા પહેલાં અને પછી દવાઓ અપાય છે. દવાઓ એકલી અથવા સમૂહમાં આપવામાં આવે છે. સિસ-પ્લૅટિન, પેક્લિટેક્સેલ, કાર્બોપ્લૅટિન, સાઇક્લોફૉસ્ફેમાઇડ અને ડૉક્સોરુબિસિન મુખ્ય દવાઓ છે. શસ્ત્રક્રિયા બાદ અપાતી સારવારના સિદ્ધાંતો સારણી 3માં દર્શાવ્યા છે. સામાન્ય રીતે પ્લૅટિનનું સંયોજન અને પેક્લિટેક્સેલની સામૂહિક ચિકિત્સા વધુ વપરાશમાં છે. ચોક્કસ કિસ્સામાં વિકિરણનચિકિત્સાની સારવાર કરવામાં આવે છે. તે માટે પૂર્ણોદરી (whole abdomen) સારવાર અપાય છે.
સારણી 2 : અંડપિંડના કૅન્સરના તબક્કા
તબક્કો | રોગનો ફેલાવો |
I. | અંડપિંડમાં ગાંઠ (A) એક અંડપિંડમાં ગાંઠ, (B) બંને અંડપિંડમાં ગાંઠ, (C) A અથવા B તથા સપાટી પર ગાંઠ, તૂટેલું આવરણ, પેટમાં પ્રવાહીનો ભરાવો. |
II. | શ્રોણીમાં ફેલાવો |
(A) ગર્ભાશય અને અંડવાહિનીમાં ફેલાવો, (B) અન્ય શ્રોણીય પેશીમાં ફેલાવો, (C) A અથવા B તથા સપાટી પર ગાંઠ, તૂટેલું આવરણ, પેટમાં પ્રવાહીનો ભરાવો. | |
III. | પરિતનકલા (peritoneum), લસિકાગ્રંથિ, યકૃતની સપાટી કે આંતરડામાં ફેલાયેલું કૅન્સર (A) શ્રોણીમાં કૅન્સર, (B) પેટમાં 2 સેમી. જેટલો ફેલાવો, (C) પેટમાં 2 સેમી.થી વધુ ફેલાવો. |
IV. | લોહી દ્વારા અન્ય અવયવોમાં ફેલાવો |
ફક્ત સિસ-પ્લૅટિન અને પેક્લિટેક્સેલની માફક સિસ-પ્લૅટિન અને સાઇક્લોફૉસ્ફેમાઇડનાં પણ સારાં પરિણામો છે. બીજા અને ત્રીજા તબક્કામાં દવાને બદલે અથવા તે ઉપરાંત વિકિરણનનચિકિત્સા (radiotherapy) પણ કરાય છે. તે માટે બહારથી વિકિરણનની સારવાર અથવા P32 વડે સારવાર કરવાના પ્રયોગો થયેલા છે. લગભગ 50 % દર્દીઓમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્વીકારકો (receptors) હોય છે. તેથી સારવારમાં મેજેસ્ટ્રોલ એસિટેટ, મેડ્રૉક્સિપ્રોજેસ્ટેરોન એસિટેટ, ટેમૉક્સિફેન વગેરેના પ્રયોગો કરાય છે. આવી અંત:સ્રાવી સારવાર હજુ કાયમી સ્વરૂપ પામી શકી નથી. ઔષધચિકિત્સા પૂરી થયા પછી ફરીથી શસ્ત્રક્રિયા કરાય છે. તેને પુનરવલોકન (second look) શસ્ત્રક્રિયા કહે છે. તેનાથી સારવારની સફળતા અંગે માહિતી મળે છે. જેમનું કૅન્સર પૂરેપૂરું કાબૂમાં ન આવ્યું હોય તેમને વિકિરણનની સારવાર અથવા પરિતનગુહાકીય (intraperitoneal) ઔષધચિકિત્સા રૂપે દવા પેટના પોલાણમાં નાખવામાં આવે છે.
ફરીથી ઊથલો મારતા રોગમાં ઔષધચિકિત્સા (chemo-theraphy) કરાય છે. જો 9થી 12 મહિના પછી ઊથલો મારે તો પ્લેટિનમનાં સંયોજનો સાથેની સામૂહિક ઔષધચિકિત્સા કરાય છે. અગાઉ દર્શાવેલી દવાઓ ઉપરાંત ટોપોટિકેન, જેમ્સાયટેબિન, વિનોરેલ્બીન, આઇફૉસ્ફેમાઇડ, હેક્સામિથાઇલ મિલેનિન, લાયપોઝોમલ ડૉક્સોરુબિસિન ઉપયોગી ઔષધો છે. વારંવાર ઊથલો મારતા રોગમાં ભારે માત્રામાં ઔષધો આપીને રોગને નિયંત્રણમાં લેવામાં આવે છે અને તે પછી અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ (bone-marrow transplantation) કરાય છે.
સીમાવર્તી (borderline) કૅન્સરની સારવાર : 10 % જેટલાં અધિચ્છદીય કૅન્સર બહુ જ ઓછાં મારક (malignant) હોય છે. તેમને પહેલાં સીમાવર્તી કૅન્સર કહેવાતાં. શરૂઆતના તબક્કામાં શસ્ત્રક્રિયા જ પૂરતી સારવાર ગણાય છે. ત્રીજા તબક્કામાં કૅન્સર ધીમે ધીમે વધે છે અને 50 %થી 80 % દર્દીઓમાં 5થી 10 વર્ષનો જીવનકાળ જોવા મળે છે. સામાન્ય રીતે આ પ્રકારની ગાંઠોમાં દવાઓનો સહાયક (adjuvant) ઉપયોગ લાભકારક હોતો નથી.
પેટના પોલાણ(પરિતનગુહા, paritoneum)ની દીવાલમાંના કોષોમાં ઉદભવતું કૅન્સર અંડપિંડના કૅન્સરના ત્રીજા તબક્કા જેવો રોગ કરે છે અને તેની તે રીતે જ સારવાર કરાય છે.
સારણી 3 : અંડપિંડના અધિચ્છદીય કૅન્સર માટે શસ્ત્રક્રિયા બાદ અપાતી સારવાર
તબક્કો | તીવ્રતાનો અંક | સારવાર | 5 વર્ષનો જીવનકાળ |
IA | 1 | કોઈ સારવાર નહિ | 80 % |
IA | 2, 3, 4 | ઔષધચિકિત્સા | 80 % |
II A, B, C | 1, 2, 3 | ઔષધચિકિત્સા તથા વિકિરણનની સારવાર | 60 % |
III A, B | 1, 2 | II A, B, C પ્રમાણે | 25 %થી 40 % |
* III C, IV | 3, 2 | ઔષધચિકિત્સા | 10 %થી 23 % |
* શસ્ત્રક્રિયા પછી બાકી રહેલું કૅન્સર 2 સેમી.થી વધુ હોય છે. |
બિનઅધિચ્છદીય કૅન્સરની સારવાર : ડિસ્જર્મિનોમા પુરુષોના કૅન્સર સેમિનોમા જેવું કૅન્સર છે. તે પશ્ર્ચપરિતની (retroperitoneal) લસિકાગ્રંથિઓમાં વહેલું ફેલાય છે. શરૂઆતના તબક્કામાં બંને અંડપિંડ અને અંડવાહિની દૂર કરાય છે. જો દૂર કરાયેલી કૅન્સરની ગાંઠમાં ‘Y’ રંગસૂત્ર હોય તો બંને બાજુના અંડપિંડો કાઢી નંખાય છે. શસ્ત્રક્રિયા પછી બ્લિયોમાયસિન, ઇટોપોસાઇડ અને સિસ-પ્લૅટિનની BEP નામની સામૂહિક ઔષધચિકિત્સા અપાય છે. જો ગર્ભધારણની જરૂરિયાત ન હોય તો વિકિરણનચિકિત્સા ઘણી લાભકારક રહે છે. પ્રથમ તબક્કાના કૅન્સરમાં એક અંડપિંડ (અસરગ્રસ્ત) કાઢ્યું હોય તો 5 વર્ષનો જીવનકાળ 95 % કિસ્સામાં જોવા મળે છે. જો 20 વર્ષથી નાની વય હોય, 10થી 15 સેમી.ની ગાંઠ હોય અથવા વિકસિત (anaplastic) ગાંઠ હોય તો ઊથલો મારવાનો ભય રહે છે. વધુ તબક્કાની ગાંઠમાં શસ્ત્રક્રિયા પછી BEP-ઔષધચિકિત્સા કરવાથી 5 વર્ષ કરતાં વધુ આયુષ્યના 85 %થી 90 % કિસ્સા જોવા મળે છે. વધેલા તબક્કામાં કે ફરીથી ઊથલો મારતા રોગ માટે વિકિરણન સારવાર અપાય છે. દવાઓ પણ વપરાય છે. બાળક ઇચ્છતી યુવાન સ્ત્રીમાં ફક્ત એક બાજુનાં અંડપિંડ અને અંડવાહિની કાઢી નખાય છે.
અંડપિંડનું કૉરિયોકાર્સિનોમા ભાગ્યે જ થાય છે. તે 20 વર્ષથી નાની વયે થાય છે. તેમાં બીટા-HCG વધે છે. અર્ધા ભાગના દર્દીઓને કાલપૂર્વ સ્ત્રીયૌવનારંભ (menarche) થાય છે. તેની દવાઓ વડે સારવાર કરાય છે. ઔષધોરૂપે મિથોટ્રેક્ઝેટ, ઍક્ટિનોમાયસિન-ડી, સાઇક્લોફૉસ્ફેમાઇડ (MAC ઔષધસમૂહ) અપાય છે. તેનાં પરિણામો ઓછાં પ્રોત્સાહક હોય છે.
એન્ડોડર્મલ સાયનસ ટ્યૂમરમાં એક બાજુનાં અંડપિંડ અને અંડવાહિની દૂર કરવાની શસ્ત્રક્રિયા કરીને દવાઓ અપાય છે. અન્ય જર્મ સેલ કૅન્સરમાં શસ્ત્રક્રિયા કરાય છે. એન્ડોડર્મલ સાયનસ ટ્યૂમર(અંત:ત્વકીય વિવર કૅન્સર)ને જરદી કોષ્ઠ કૅન્સર (yolk sac cancer) પણ કહે છે. આ બધાં જ કૅન્સરમાં શસ્ત્રક્રિયા પછી PEBની ઔષધચિકિત્સા કરાય છે.
લૈંગિક-રજ્જુ સંજાલપેશી (sex cord stromal) કૅન્સરની બાળક ઇચ્છતી સ્ત્રીમાંથી ફક્ત ગાંઠ કઢાય છે. અન્ય બધી જ સ્ત્રીઓમાંથી ગર્ભાશય, અંડવાહિનીઓ અને બંને અંડપિંડો દૂર કરાય છે. વધી ગયેલા કૅન્સરમાં તેમને દવા અપાય છે. અન્ય પ્રકારનાં કૅન્સર(ગોનેડોબ્લાસ્ટોમા, સાર્કોમા, લિમ્ફોમા)માં શસ્ત્રક્રિયા કરીને જનનપિંડ (અંડપિંડ) દૂર કરાય છે અને ત્યાર બાદ સાર્કોમા અને લિમ્ફોમાના દર્દીને જે તે રોગ મુજબની દવાઓ વડે સારવાર અપાય છે.
વિશેષ નોંધ : શ્લેષ્મસર્જી ગ્રંથિઅર્બુદ (mucinous adenoma) કે શ્લેષ્મસર્જી કોષ્ઠગ્રંથિ કૅન્સર(mucinous cystodenocar-cinoma)માં જેલી જેવું શ્લેષ્મ (ઘટ્ટ પ્રવાહી) ઝરે છે જે પેટના પોલાણમાં ભરાય છે. તેને કારણે પેટ મોટું થાય અથવા આંતરડાની ગતિમાં અટકાવ આવે છે. તેને માટે વારંવાર શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. અંડપિંડના કૅન્સરના પાછલા તબક્કામાં મૂત્ર કે મળમાર્ગમાં અટકાવ થાય છે.
શિલીન નં. શુક્લ