કૅન્યૂટ (જ. 990, ડેનમાર્ક; અ. 12 નવેમ્બર 1035, શેફટ્સબરી, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડ તથા ડેનમાર્કના રાજવી. 1014માં તેમના પિતા સ્વેન પહેલાનું મૃત્યુ થતાં તે ડેનમાર્ક અને ઇંગ્લૅન્ડના રાજવી બન્યા. કાયદા પળાવવામાં સખ્તાઈને કારણે તેમને ઇંગ્લૅન્ડ છોડીને ડેનમાર્ક નાસી જવું પડ્યું હતું. 1015માં ફરીથી ઇંગ્લૅન્ડ જીતીને ન્યાયથી ઉદારતાપૂર્વક રાજ્ય કર્યું તેથી તે લોકપ્રિય બન્યા. ડેનિશ અને ઇંગ્લિશ બંને પ્રજાને તેમણે સમાન અધિકારો આપ્યા. તેમની ઉદારતા, વિદ્યાપ્રિયતા અને સંગીતના શોખ માટે લોકોને માન હતું. 1028માં તેમણે નૉર્વે જીતી લીધું. તેમના અવસાન પછી તેમના પાટવી પુત્ર સ્વેન નૉર્વેના રાજા બન્યા, અને બીજા પુત્ર હૅરલ્ડ ઇંગ્લૅન્ડના રાજા બન્યા અને ત્રીજા પુત્ર હાર્ડિકૅન્યૂટ ડેનમાર્કના રાજા બન્યા.
મુગટલાલ પોપટલાલ બાવીસી