કેન્યા પર્વત : આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારો પછી બીજા ક્રમે (5,199 મી.) આવતો પૂર્વ આફ્રિકાના કેન્યા રાજ્યમાં નૈરોબીથી ઈશાન અને ઉત્તર દિશાએ 112 કિમી.ના અંતરે 0-10′ દ.અ. ઉપર આવેલો પર્વત. આ પર્વત સુપ્ત જ્વાળામુખી છે. તેનું મુખ ઘસાઈ ગયું છે. તેના ખડકો લાવા રસના બનેલા અગ્નિકૃત ખડકો છે. આ પર્વત વિષુવવૃત્ત ઉપર આવેલો હોવા છતાં ઊંચાઈને કારણે તેનાં શિખરો સદૈવ હિમાચ્છાદિત રહે છે અને પંદરેક જેટલી નાની હિમનદીઓ તેમાંથી નીકળે છે. પાયાનો ઘેરાવો (પરિઘ) 200 કિમી. જેટલો વિશાળ છે. આસપાસનો ઉચ્ચપ્રદેશ 2,130 મી. ઊંચો છે. તેનો ત્રીજા ભાગ જેટલો નીચે તરફનો ભાગ સીડર, વાંસ વગેરે પોચા લાકડાવાળાં વૃક્ષોનાં ગાઢ જંગલોથી છવાયેલો છે. વધુમાં વધુ 3,700 મી.ની ઊંચાઈએ વૃક્ષો છે. તેનાથી ઉપર 4,550 મી. સુધી પશ્ચિમ તરફના ઢોળાવો અને ધારો વચ્ચેની ખીણોમાં ઘાસનાં બીડો છે. 1848માં આ પર્વતની ભાળ કિલિમાન્જારોના શોધક જર્મન મિશનરી જોહાન લુડવિગને મળી હતી. તેના સર્વોચ્ચ શિખર ઉપર ચડવા ઘણા નિષ્ફળ પ્રયત્નો બાદ 1899માં હૉલફર્ડ મૅકિન્ડર સફળ થયા હતા. 1949માં તેના 590 કિમી. વિસ્તારને નૅશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ પ્રવાસધામ તરીકે તેનો વિકાસ થયો છે. નીચેના ઢોળાવો ઉપર કિકુયુ જાતિના લોકો વસે છે.

શિવપ્રસાદ રાજગોર