કૅન્ટોરૉવિચ, લિયૉનિદ (Leonid Kantorovich) (જ. 19 જાન્યુઆરી 1912, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા; અ. 7 એપ્રિલ 1986, રશિયા, સોવિયેત યુનિયન) : સોવિયેત સંઘના વિખ્યાત ગણિતજ્ઞ તથા 1975ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા.
તેમનું સમગ્ર શિક્ષણ લેનિનગ્રાદમાં થયેલું, જ્યાંની યુનિવર્સિટીમાંથી અઢાર વર્ષની નાની વયે તેમણે 1930માં ગણિતશાસ્ત્રની અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. પછી તે જ યુનિવર્સિટીમાં 1932–34ના ગાળામાં અધ્યાપક તરીકે રહ્યા. 1934માં તેમની નિમણૂક લેનિનગ્રાદ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસરના પદ પર થઈ હતી, જ્યાં તેમણે 1960 સુધી કામ કર્યું હતું. દરમિયાન 1935માં તે જ યુનિવર્સિટીએ તેમને ડૉક્ટરેટ ઑવ્ સાયન્સની પદવી એનાયત કરી. 1961–71 દરમિયાન તેમણે યુ.એસ.એસ.આર. અકાદમી ઑવ્ સાયન્સીઝની સાઇબીરિયાની શાળામાં ગણિત અને અર્થશાસ્ત્ર વિભાગના વડા તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ 1971–76ના ગાળામાં મૉસ્કો ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ નૅશનલ ઇકૉનૉમિક પ્લાનિંગની સંશોધન શાળાના વડા તરીકે તેમણે સેવાઓ આપી હતી. દરમિયાન 1964માં સોવિયેત સંઘના અકાદમી ઑવ્ સાયન્સીઝના સભ્ય તરીકે તેમની વરણી થઈ હતી, જેને એક સન્માનની બીના ગણવામાં આવે છે.1965માં તેમને રશિયાનું સર્વોચ્ચ માન ગણાતા લેનિન પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. રશિયન ભાષામાં પ્રસિદ્ધ થયેલ તેમનો ‘ધ બેસ્ટ યૂઝ ઑવ્ ઇકૉનૉમિક રિસૉર્સિઝ’ (1959) ગ્રંથ શકવર્તી ગણાય છે. આર્થિક આયોજનની પ્રક્રિયામાં એક અગત્યના સાધન (tool) તરીકે સુરેખ/રૈખિક પ્રોગ્રામિંગ (Linear Programming)ની તકનીક વિકસાવવામાં તેમનો ફાળો મહત્વનો ગણાયછે. આ અંગેનું મૉડલ તેમણે 1939માં તૈયાર કર્યું હતું. તેમની પૂર્વપીઠિકા (background) ગણિતજ્ઞની હોવા છતાં અછત ધરાવતાં સાધનોનો ઇષ્ટ ઉપયોગ કરી તેમાંથી મહત્તમ આર્થિક લાભ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે તેમણે કરેલું વિશ્લેષણ નોંધપાત્ર છે. પાશ્ચાત્ય અર્થશાસ્ત્રમાં આભાસી કિંમતો(shadow prices)નો જે ખ્યાલ પ્રચલિત છે તે ખ્યાલને સમકક્ષ ગણાય એવો ‘રિઝૉલ્વિંગ મલ્ટિપ્લાયર્સ’ નામનો ખ્યાલ તેમણે સામ્યવાદી અર્થશાસ્ત્રના સંદર્ભમાં વિકસાવ્યો હતો. વિકેન્દ્રિત આયોજન અને તર્કસંગત ભાવસપાટીની આવશ્યકતા પરત્વે તેમણે રજૂ કરેલ વિચારોને કારણે તેઓ ‘સુધારાવાદી’ (reformist) અર્થશાસ્ત્રી તરીકે સામ્યવાદી જગતમાં જાણીતા બન્યા હતા. માર્કસવાદની સનાતન આર્થિક વિચારસરણી કરતાં તેમની વિચારસરણી ભિન્ન એટલે કે ઉદારમતવાદી હોવાને કારણે બંને વિચારસરણીઓ વચ્ચે સંઘર્ષ જામ્યો હતો.
તેમને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરનાં અનેક બહુમાન તથા પુરસ્કારો એનાયત થયાં હતાં. 1975ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના તેમના સહવિજેતા નેધરલૅન્ડ્ઝના નાગરિક જાલિંગ કૂપમૅન્સ (1910–85) હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે