કૅન્ટૉન (ગુઆંગઝોઉ) : દક્ષિણ ચીનનું સૌથી મોટું શહેર. તે ચુ-ચિયાંગ નદીના મુખત્રિકોણ પ્રદેશ ઉપર સમુદ્રથી લગભગ 144 કિમી. અંદર નદીનાળ પર આવેલું બંદર પણ છે. ભૌગોલિક સ્થાન : 23° 06′ ઉ. અ. અને 113° 16′ પૂ. રે.
કૅન્ટૉનની આબોહવા ઉનાળામાં ગરમ અને ભેજવાળી હોય છે. તેનું તાપમાન 38° સે. અને 5° સે. વચ્ચે રહે છે. મેથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસામાં 1,630 મિમી. વરસાદ પડે છે. દક્ષિણ ચીનના અહીંના પીઠપ્રદેશમાં શેતૂર અને વાંસ ઉપરાંત ચા, ડાંગર, તમાકુ, શેરડી, તેલીબિયાં વગેરેનો મુખ્ય પાક છે. ડુક્કરઉછેર અને મત્સ્યઉછેર પણ મહત્વનો વ્યવસાય છે.
અહીં રેશમી અને સુતરાઉ કાપડની મિલો, હોઝિયરી, રંગાટીકામ, છાપકામ તેમજ ચામડાં કમાવવાનાં અને ચામડાની વસ્તુઓ અને યંત્રો બનાવવાનાં કારખાનાં, સિમેન્ટ, કાચ, રસાયણ, સિરૅમિક, પ્લાસ્ટિક અને જહાજી ઉદ્યોગ તથા ફટાકડા, હાથીદાંત તથા રત્નજડિત વસ્તુઓની હસ્તકલાના ગૃહઉદ્યોગો વિકસ્યા છે.
ધોરીમાર્ગો, વિમાનમાર્ગો તથા રેલવે દ્વારા તે અંદરના ભાગો સાથે જોડાયેલું છે.
શહેરના જૂના વિસ્તારોમાં સાંકડી ગલીઓ અને એક-બે માળવાળાં મકાનો છે. અહીં વસ્તી ગીચ છે. લોકો નદીમાં હાઉસબોટમાં પણ વસે છે. શહેરના દક્ષિણ ભાગમાં રસ્તા પહોળા, પાકા અને મકાનો આધુનિક શૈલીનાં છે. દક્ષિણ ભાગમાં યુત સાઉશાન ટેકરી, જાહેર ઉદ્યાન તથા પાંચ માળવાળું પેગોડા સંગ્રહસ્થાન, સુન યાટ-સેનની કબર તથા શહીદોનું સ્મારક વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. વિવિધ સંગ્રહસ્થાનો, પુસ્તકાલય, બે યુનિવર્સિટી, ચીની અને આધુનિક પદ્ધતિની મેડિકલ કૉલેજો, ટૅકનિકલ તથા ઇજનેરી શાળાઓ તથા કૉલેજો વગેરે સંસ્થાઓ આવેલી છે.
અહીં પ્રાચીન સમયથી અરબ અને ભારતીય વેપારીઓ તથા સોળમી અને સત્તરમી સદીમાં પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ડચ, અંગ્રેજ જેવા યુરોપીય વેપારીઓ વેપાર માટે આવતા. પરંતુ 1737માં મંચુ શહેનશાહે વિદેશી વેપારીઓની ચીનમાંથી હકાલપટ્ટી કરી. પાછળથી તેમને કેટલીક શરતોને અધીન રહીને માત્ર કૅન્ટૉન બંદરે વેપાર કરવાની છૂટ આપવામાં આવી.
1839માં ચીનની સરકારે કૅન્ટૉન બંદરે અંગ્રેજ વેપારીઓએ ગેરકાયદે ઘુસાડેલું અફીણ જપ્ત કર્યું. એને પરિણામે તેને બ્રિટન સાથે યુદ્ધ થયું, જે ‘અફીણ વિગ્રહ’ તરીકે જાણીતું થયું. આ વિગ્રહમાં ચીનનો પરાજય થયો અને સંધિની શરતો મુજબ કૅન્ટૉન (તથા અન્ય ચાર બંદરો) વિદેશીઓના વેપાર તથા વસવાટ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. તે પછી કૅન્ટૉન શહેરની દીવાલ બહાર વિદેશીઓની વસાહતો સ્થપાવા લાગી અને શહેરનો વિકાસ થયો.
1850-64ના ચીનના ખેડૂતોના ભયંકર બળવા(તાઈ-પિંગ બળવો)નું કેન્દ્ર કૅન્ટૉન હતું; તે પછી પણ તે હંમેશાં મંચુ રાજાશાહી વિરુદ્ધની લાગણીઓનું કેન્દ્ર રહ્યું હતું. કૅન્ટૉન ચીનના રાષ્ટ્રવાદી નેતા (અને રાષ્ટ્રપિતા) ડૉ. સુન યાટ-સેનની જન્મભૂમિ હતું. તેને કારણે તે 1885થી 1925 સુધી ચીનની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું. ચીનની 1911ની પ્રખ્યાત ક્રાન્તિની શરૂઆત કૅન્ટૉનમાંથી જ થઈ હતી. પ્રજાસત્તાક ચીનના ચાંગ કાઈ-શેક, માઓ ત્સે-તુંગ, ચાઉ એન-લાઈ જેવા નેતાઓએ પોતાની કારકિર્દીની શરૂઆત ડૉ. સુન યાટ-સેનના માર્ગદર્શન નીચે કૅન્ટૉનમાંથી જ કરી હતી.
કૅન્ટૉન 1937 સુધી ચ્યાંગ કાઈ-શેકની રાષ્ટ્રવાદી સરકારના તાબામાં હતું. તે દરમિયાન તેને વારંવાર જાપાની બૉમ્બમારાનો ભોગ બનવું પડ્યું હતું. 1938માં તે જાપાનના તાબામાં આવ્યું. જાપાને ત્યાં પોતાની ‘પૂતળા સરકાર’ સ્થાપી. 1945માં જાપાનના પરાજય પછી ચારેક વર્ષ કૅન્ટૉનમાં અંધાધૂંધી રહી. આખરે 1949માં માઓ ત્સે-તુંગની નેતાગીરી નીચે સામ્યવાદીઓએ તેનો કબજો લેતાં ત્યાં સુવ્યવસ્થા સ્થપાઈ તથા શહેરની નવરચના, વિકાસ અને સમૃદ્ધિની નવી દિશાઓ ખૂલી. હવે સામ્યવાદી શાસન નીચે કૅન્ટૉનનો વહીવટ 40 સભ્યોની (સામ્યવાદી રાષ્ટ્રીય મહાસભા દ્વારા ચૂંટાયેલી) મ્યુનિસિપલ સમિતિ અને તેના મેયર કરે છે. તેના વહીવટ નીચે કૅન્ટૉને વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, વિજ્ઞાન, સ્વાસ્થ્ય-સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે ક્ષેત્રોમાં સારી પ્રગતિ સાધી છે. આ શહેરની વસ્તી 1,86,76,605 જ્યારે બૃહદ શહેરની વસ્તી 6,55,94,622 (2020).
દેવેન્દ્ર ભટ્ટ