કૅન્ટરબરી ટેલ્સ : આંગ્લકવિ જફ્રી ચૉસર(આશરે 1343થી 1400)ની સુપ્રસિદ્ધ કૃતિ. તે 1387 પછી લખાઈ હોવાનું મનાય છે. ‘ડિકૅમરન’ જેવી આ પ્રકારની (કાવ્યકથાસંગ્રહ જેવી) અન્ય કૃતિઓ કરતાં આની વિશેષતા એ છે કે એમાં વાર્તાના કથકોનું પુષ્કળ વૈવિધ્ય છે એટલું જ નહિ, એ કથકોના વર્ણનમાં પૂરેપૂરી ચિત્રાત્મક અને રસપ્રદ વાસ્તવિકતા આલેખાઈ છે; વળી કથા અને કથક વચ્ચે અમુક કાર્યકારણસંબંધ પણ વણી લેવાયો છે. આ કથાચક્રમાં ગદ્યમાં તથા મુખ્યત્વે પદ્યમાં લખાયેલી 17,000 પંક્તિઓ છે. એમાં વિવિધ પ્રકારના છંદોનો ઉપયોગ કરાયો હોવા છતાં પ્રાસાનુપ્રાસી કંડિકાઓની અધિકતા રહેલી છે.

જફ્રી ચૉસર ‘કૅન્ટરબરી ટેલ્સ’ની આવૃત્તિનું એક ચિત્ર (1490)

‘જનરલ પ્રોલૉગ’રૂપ પ્રાસ્તાવિકમાં સાઉથવર્કમાં આવેલી ટેબાર્ડ ઇન ખાતે કૅન્ટરબરી જવા ભેગા થયેલા 29 યાત્રિકોનું વર્ણન છે; હકીકતમાં બધા મળીને 31 યાત્રિક થાય છે. એમાંથી ચૉસરે પોતાની રસાળ શૈલીમાં 21 યાત્રિકોનાં વિગતપ્રચુર અને આબેહૂબ શબ્દચિત્ર આલેખ્યાં છે. યજમાન એવું સૂચન કરે છે કે યાત્રાનો રસ્તો કાપવા માટે દરેક યાત્રિકે કૅન્ટરબરી જતાં અને આવતાં બબ્બે વાર્તા એટલે કે કુલ ચાર વાર્તા કહેવી. તે પોતે પણ એ યાત્રામાં જોડાશે અને સૌથી સરસ વાર્તા કહેનાર યાત્રિકને પાછા ફરતાં વિના મૂલ્યે મિજબાની આપશે એવું પણ પ્રલોભન તે મૂકે છે. એ ર્દષ્ટિએ જોતાં આ કૃતિ અધૂરી છે; કેવળ 23 યાત્રિકો વાર્તા કહે છે અને માત્ર 24 વાર્તા જ રજૂ કરાઈ છે. એમાં યાત્રિક તરીકે ચૉસરની પોતાની પણ બે વાર્તા છે.

દરેક વાર્તાને એકબીજી સાથે સાંકળી લેવા માટે યાત્રિકો વચ્ચે પરસ્પર વર્ણનાત્મક સંવાદો તેમજ વાર્તાના પ્રારંભે ‘પ્રોલૉગ’ અને અંતે ‘એપિલૉગ’ મૂકવાની યોજના આ કૃતિમાં અપનાવાઈ છે. પણ એમાં સાતત્ય સચવાયું નથી. વાર્તાઓના ક્રમ વિશે પણ કેટલીક અનિશ્ચિતતા રહે છે. વળી હસ્તપ્રતોમાંની વિગત અને ભૌગોલિક ઉલ્લેખ તથા સંદર્ભ વિરોધાભાસી જણાય છે. આ બધી વિગતોનું અભ્યાસીઓએ કરેલું અર્થઘટન પણ એવું જ વિસંગત જણાય છે.

આ કથાચક્રમાં નાઇટ, મિલર, રીવ, કૂક, મૅન ઑવ્ લૉ, વાઇફ ઑવ્ બાથ, ફ્રાયર, સમનર, ક્લાર્ક, મર્ચન્ટ, સ્ક્વાયર, ફ્રૅન્કલિન, ફિઝિશન, પાર્ડનર, શિપમૅન, પ્રાયરેસ, મન્ક, નન, સેકન્ડ નન, કેનન્સ યૉમેન, મેન્સિપલ તથા પારસન અને ચૉસર પોતે  એમ સમાજના વિવિધ વર્ગોના વ્યવસાયોનાં પ્રતિનિધિ પાત્રો વાર્તાકથન કરે છે એવી રજૂઆત છે. આ વાર્તાઓની કથાસામગ્રી તરીકે ચૉસરે પરદેશનું કથાસાહિત્ય, પ્રાચીન દંતકથાઓ, લોકકથાસાહિત્ય વગેરેનો ઉપયોગ કરીને તેને મૌલિક તથા સર્જનાત્મક કાવ્યઓપ આપ્યો છે.

પારસનની વાર્તા પૂરી થયે સમાપન રૂપે ચૉસર ‘રિટ્રૅક્શન’ના નામે વિદાયવચન ઉચ્ચારે છે. એમાં તે દુન્યવી અહંકાર તથા અવગુણોની ગાથા ગાવા બદલ ઈશ્વરની ક્ષમા પ્રાર્થે છે. પણ આ રીતે તે પોતાની કૃતિઓનું કર્તૃત્વ પાછું ખેંચી લે છે એવું અર્થઘટન અભિપ્રેત નથી. ઘણી મધ્યકાલીન કૃતિઓમાં કવિઓ આ રીતે પોતાની કૃતિઓનાં લૌકિક તત્વોથી પોતાની જાતને અળગી રાખવા જે રીતે સમાપન કરતા હતા તે પ્રથાનું આ કૃતિ લાક્ષણિક ર્દષ્ટાંત છે.

મહેશ ચોકસી