કૅનેડિયન-ફ્રેન્ચ સાહિત્ય

કૅનેડિયન-ફ્રેન્ચ સાહિત્ય : જેક્વિસ કાર્ટિયર 1535માં ઉત્તર અમેરિકાની સફરે બીજી વાર આવેલા ત્યારે સેન્ટ લૉરેન્સ રિવરના ખીણપ્રદેશની ભાળ મેળવેલી. 17મી અને 18મી સદીમાં આ પ્રદેશમાં ફ્રેન્ચ સત્તાની વસાહત સ્થપાઈ હતી. 1763માં ન્યૂ ફ્રાન્સની હકૂમતનો પ્રદેશ બ્રિટિશ સત્તાને નામે ચડાવવામાં આવ્યો ત્યારે 60,000થી વધુ રોમન-કૅથલિક પંથના માણસો જે ભાષાનો ઉપયોગ કરતા હતા તે કેટલીક ફ્રેન્ચ બોલીઓના મિશ્રણમાંથી પ્રગટેલી ફ્રેન્ચ ભાષા હતી.

ન્યૂ ફ્રાન્સ પર બ્રિટિશ સામ્રાજ્યની સત્તાના આરોહણ પછી ફ્રાન્સમાંથી કૅનેડા આવનાર વસાહતીઓની સંખ્યા લગભગ નહિવત્ થઈ ગઈ; પરંતુ ‘ફ્રેન્ચ’ ભાષા બોલનાર આગંતુકોની સંખ્યા વધતી ગઈ. કૅનેડાની 5/6 ફ્રેન્ચભાષી પ્રજા ક્વિબેકમાં રહે છે અને પોતાને ‘ક્વિબેકૉઇસ’ તરીકે ઓળખાવે છે. ‘ફ્રેન્ચ-કૅનેડિયન’ અથવા ‘ક્વિબેકૉઇસ’ સાહિત્ય તરીકે જાણીતું આ સાહિત્ય તેના આગવા ઇતિહાસ અને અસ્મિતાની રૂએ જગતસાહિત્યમાં સ્થાન પામ્યું છે.

સોળમી અને સત્તરમી સદી દરમિયાન ન્યૂ ફ્રાન્સમાં એક પણ પાનું ‘ફ્રેન્ચ’ ભાષામાં છપાયું નહોતું. તે વખતે એક પણ છાપખાનું નહોતું. બ્રિટિશ સત્તાના ઉદય પછી ત્યાં છાપકામ શરૂ થયું. સંસ્થાનના સાહિત્ય તરીકે ન્યૂ ફ્રાન્સ(કૅનેડા)માં સાહિત્યની રચના થતી ગઈ. યુરોપના વાચકો માટે તે સાહિત્ય સુલભ હતું. તેમાં નવા પ્રદેશોની શોધ અને નવા નવા સાહસવીરોના પુરુષાર્થની કથાઓ હતી. સત્તાધિકારીઓએ કરેલા હેવાલ કે નિવેદનોની આમાં નોંધ છે. આવો સરકારી પત્રવ્યવહાર, પ્રવાસીઓની કથાઓ, મિશનરીઓનાં લખાણો, ધાર્મિક પંથોની નોંધો કે સંસ્થાન માટેના ઇતિહાસનું લખાણ ખાસ ઉલ્લેખનીય છે. આમાં હસ્તપ્રતો અને છપાયેલાં પુસ્તકો છે. આમાંથી કંઠસ્થસાહિત્ય (oral literature), લોકગીતો, લોકકથાઓ, દંતકથાઓ વગેરે મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ સાહિત્ય પર સંશોધનો થયાં છે.

સપ્તવર્ષીય યુદ્ધ પછીની ભયંકર તારાજી બાદ બૌદ્ધિક પ્રવૃત્તિની કલ્પના કરવી પણ શક્ય નહોતી. ‘ક્વિબેક ગેઝેટ’ (1764), ‘લ કૅનેડિયન’ (1806) અને ‘લા મિનર્વે’ (1826) લોકોના વિચારવિમર્શ માટેનાં માધ્યમો હતાં. આ પ્રકાશનો દ્વારા યુરોપ અને અમેરિકા સાથેનો સંપર્ક ચાલુ રહ્યો હતો, વળી કૅનેડાની રાજકીય સૂઝસમજની અભિવ્યક્તિ પણ થતી હતી. કેટલાક રમૂજી પ્રસંગકથાઓ, કાવ્યો, નિબંધો અને ધર્મોપદેશ માટે ચર્ચમાં થતાં વ્યાખ્યાનો જેવાં છૂટાંછવાયાં લખાણો આ સામયિકોમાં પ્રસિદ્ધ થતાં હતાં. આમાં બે ફ્રેન્ચ વસાહતીઓ જૉસેફ ક્વેસનેલ અને જૉસેફ મર્મેતનાં નામ તેમનાં કાવ્યો માટે નોંધપાત્ર છે. ફ્રેન્ચ-કૅનેડાના પ્રથમ નોંધપાત્ર લેખક ક્વેસનેલ છે. તેમણે નવોદિત નટમંડળ માટે નાટકો લખ્યાં છે. ‘કોલાસ એત કોલિનેત’ (1788) હાસ્યપ્રધાન નાટક (comedy) છે, જેનું પાછળથી રેડિયો-નાટક તરીકે 1968માં રૂપાંતર પણ થયેલું.

ફ્રેન્ચ-કૅનેડિયન સાહિત્ય સૌપ્રથમ 1830થી કૅનેડામાં પ્રકાશિત થવા લાગ્યું. કાવ્યોનો પ્રથમ સંગ્રહ 1830માં, પ્રથમ નવલકથા 1837માં અને ત્યારપછી તરત જ પ્રથમ કૉમેડી અને પ્રથમ ટ્રૅજેડી પ્રસિદ્ધ થયાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આ સમયમાં શરૂ થયું. ફ્રેન્ચ પાઠ્યપુસ્તકો અને સામયિકો ફ્રાન્સ સાથેના વ્યાપારી સંબંધો 1855માં સ્થપાયા તે પહેલાં કૅનેડામાં પ્રકાશિત થતાં હતાં. રાષ્ટ્રીય અસ્મિતાની સૂઝ બ્રિટિશ સત્તાની વિરુદ્ધ જવાબદાર સરકાર માટેની માગણી અને રાજકીય ચળવળોમાં છેક 1837થી ર્દષ્ટિગોચર થતી હતી. ફ્રાન્કોઈ-ઝેવિયર ગાર્નોએ લખેલ ‘હિસ્તૉઇર દુ કૅનેડા(1845-48; ‘હિસ્ટરી ઑવ્ કૅનેડા’)માં નવા મિજાજનું સ્વરૂપ છતું થયું છે. ક્વિબેકના પુસ્તકવિક્રેતા ઑક્ટેવ ક્રિમેઝીની દેશાભિમાનની કવિતા પણ આ સંદર્ભમાં નોંધપાત્ર છે. 1840ના ‘ઍક્ટ ઑવ્ યુનિયન’ દ્વારા સરકારી કાર્ય અન્વયે કૅનેડાની પાર્લમેન્ટને 1859માં ‘ક્વિબેક સિટી’માં સ્થળાંતર કરાવવામાં આવ્યું અને તેથી તેમના તમામ કર્મચારીઓને પણ ત્યાં લઈ જવામાં આવ્યા. રાજધાનીના આ નગરમાં લેવેલ યુનિવર્સિટીની સ્થાપના 1852માં કરવામાં આવી. ફ્રેન્ચ-કૅનેડાને માટે સ્વાભાવિક રીતે તે એક આદર્શ સ્થળ બની રહ્યું. પ્રથમ સાહિત્યકારોના જૂથના આંદોલનને ‘મુવમેન્ટ લિટરેર દ ક્વિબેક’ અથવા ‘ધ મુવમેન્ટ ઑવ્ 1860¢ નામથી ઓળખવામાં આવતું. તેના પ્રથમ બાર સભ્યો ફ્રેન્ચ-કૅનેડાના અસ્તિત્વ માટે દેશાભિમાની અને પરંપરાપ્રિય હતા તથા રોમન-કૅથલિક પંથ પરત્વે ચુસ્ત વલણ દાખવતા હતા. એબ હેનરી-રેમન્ડ ક્રેસગ્રેઇન તેમના અવાજનું પ્રતિનિધિત્વ કરતો હતો. ઉત્તર અમેરિકામાં જગદુદ્ધારક ઈસુ ખ્રિસ્ત સંબંધી ગુણાનુવાદ કરતા વિચારો ક્રેસગેઇને ફ્રેન્ચ-કૅનેડિયન વસાહતીઓ માટે અભિવ્યક્ત કર્યા. તેમના મત મુજબ ફ્રાન્સની રાજ્યક્રાન્તિ પછીના વખતમાં ફ્રાન્સમાં નિરીશ્વરવાદિતા અને ભૌતિકવાદ બેસુમાર રીતે પ્રગટ થયાં હતાં. આની સામે ક્રેસગેઇનનો પ્રત્યાઘાત ઉગ્ર હતો. જોકે કેટલાક ફ્રેન્ચ રોમૅન્ટિક લેખકોના વખાણ પણ થતાં અને તેમના વિચાર અને શૈલીનું અનુકરણ કૅનેડામાં થતું હતું. ‘લે એન્સિયન્સ કૅનેડિયન્સ’(1863, ‘ધ કૅનેડિયન્સ ઑવ્ ઓલ્ડ’)માં તેના લેખક ફિલિપ ઑબર્ટ દ ગાસ્પેએ બ્રિટિશ સત્તાના આરોહણના સમયને આવરી લઈને ઐતિહાસિક નવલકથા લખી છે. ઍન્તૉઇન ગૅરિન-લાજોઇએ વસાહતને લગતી નવલકથા લખી છે. ‘જ્યા રિવર્ડ’ (1862-64) અને અન્ય કાવ્યસંગ્રહો પેમ્ફાઇલ લેમેએ આપ્યા છે. ‘લે વેન્જન્સિસ’ (1875) કાવ્યસંગ્રહ છે. લુઈ ફ્રેચેટનો કાવ્યસંગ્રહ ‘લા લિજેન્ડ દુન પ્યુપલ’ (1887, ‘ધ લિજેન્ડ ઑવ્ પીપલ’)માં વતનથી દૂર હોવાને કારણે વ્યથિત વ્યક્તિની વેદનાની કવિતા છે.

સદીના અંતે મૉન્ટ્રિયલ ઇલાકાનું વ્યાપારી પાટનગર બન્યું હતું. જ્યૉ કાર્બોન્યુ અને લાઉવિગ્ની દ મોન્તિગ્નીએ 1895માં ‘ઇકૉલ લિટરેર દ મૉન્ટ્રિયલ(‘મૉન્ટ્રિયલ લિટરરી સ્કૂલ’)ના નામે ઓળખાતી સાહિત્યિક ચળવળની શરૂઆત કરી હતી. 40 વર્ષ સુધી તેનો પ્રભાવ ચાલુ રહ્યો. તેના સભ્યોનાં પ્રમુખ લખાણોમાં કાવ્યસંગ્રહો છે. આ સંગઠન દ્વારા 1898-99માં સાહિત્ય માટે ચાર સંમેલનો પણ યોજવામાં આવ્યાં. તેમણે બે બૃહત સંગ્રહો 1900 અને 1925માં પ્રસિદ્ધ કર્યા. આ ચળવળનો ઉદ્દેશ વિધવિધ સિદ્ધાંતોના અનુશીલન પરથી સારગ્રાહી અને ઉદાર ર્દષ્ટિવાળું સાહિત્યસર્જન કરવાનો હતો. ફ્રાન્સ અને બેલ્જિયમમાં થયેલી પાર્નેશિયન અને પ્રતીકવાદી ચળવળોની અસર કૅનેડાના સાહિત્ય પર પડી હતી.

મૉન્ટ્રિયલ સ્કૂલના પ્રથમ પ્રતિભાશાળી ફ્રેન્ચ-કૅનેડિયન કવિ એમિલ નેલિગન છે. કિશોરવયમાં તેમણે કાવ્યો 1896-99માં રચેલાં. જોકે તેમની માનસિક હાલત અસ્થિર થઈ ગયેલી. સૉનેટ અને રૉન્ડેલ પ્રકારનાં તેમનાં કાવ્યો લુઈ દાન્તિને 1903માં પ્રસિદ્ધ કરેલાં. વીસમી સદીના પ્રથમ દશકામાં મૉન્ટ્રિયલ સ્કૂલમાંથી બે જૂથ થયાં : (1) ધી એસ્થેટ્સ (‘એક્ઝોટિસ્ટ્સ’) અને (2) ધ રીજિયૉનાલિસ્ટ્સ. એસ્થેટ્સમાં રેને ચોપિન, માર્સેલ ડુગા, પૉલ મોરિન અને રૉબર્ટ દ રાકબ્રન હતા. આ બધાંએ પૅરિસમાં શિક્ષણ લીધું હતું અને તેમના સમકાલીન ફ્રેન્ચ સાહિત્ય અને સંસ્કૃતિથી તેઓ ભારે પ્રભાવિત હતા. ‘લે નિગૉગ’ (‘ધ હાર્પૂન’) નામનું સામયિક 1918માં શરૂ કરેલું, પરંતુ તે લાંબો સમય ટકેલું નહિ. આ સાહિત્યકારોનું જૂથ લઘુમતીમાં હતું અને તેમને નવશિખાઉ લલિતકલાપ્રેમીઓ તરીકે ઓળખવામાં આવતા હતા. રીજિયૉનાલિસ્ટ્સમાં ગોન્ઝાલ્વ ડિઝૉલનિયર્સ, આલ્બર્ટ ફર્લૅન્ડ, ચાર્લ્સ ગિલ અને પાછળથી આલ્ફ્રેડ દેસરૉચર્સ, ક્લૉડહૅનરી ગ્રિગ્નૉન અને બ્લેન્ચ લેમોન્તેગ્નબોર્ગાર્દ હતા. લગભગ 30 વર્ષો સુધી તે બધા સાહિત્યકારોનું વર્ચસ્ રહ્યું. રોજબરોજની ઘટના અને વ્યવહારમાં વપરાતી ભાષા પ્રત્યે તેમનો પક્ષપાત હતો. ‘લ ટેરોઇટ’ (1909) તેમનું માનીતું સામયિક હતું. ઍબકેમિલ રૉય જેવા વિવેચક ફ્રેન્ચ-કૅનેડિયન રાષ્ટ્રવાદના પક્ષપાતી હતા. હૅનરી બૉરસા અને એબ લાયૉનેલ ગ્રૂલ્ક્સે તો આ સિદ્ધાંતને ટેકો જાહેર કરેલો. જોકે વિરોધાભાસી વલણ તો એ હતું કે આ પ્રદેશવાદીઓ (regionalists) ક્વિબેક સમાજના શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણની પ્રક્રિયા વિરુદ્ધ ગામડાની અને ખેતીવાડીની પરંપરા પરત્વે પક્ષપાતી વલણ દાખવતા હતા. લુઈ હૅમોનની નવલકથા ‘મારિયા ચેપદેલેન’(1914)ની પશ્ચાદભૂમિકામાં ક્વિબેકનો રૉમન કૅથલિક ધર્મસમાજ છે. જોકે ક્વિબેકના સાહિત્યકારો રૉડૉલ્ફે ગિરાર્દ ‘મૅરી કેલુમેત’ (1904) અને આલ્બર્ત લાબેર્જનાં નામ જાણીતાં હતાં. ગ્રામજીવનનું વાસ્તવિક ચિત્ર લઈને લખાયેલી નવલકથાઓની આકરી નિંદા પણ થયેલી. કવિ જ્યા-ઑબર્ત લૉરેન્જરના કાવ્યસંગ્રહ ‘લે એટ્મોસ્ફિયર્સ’(1920)ની તરફ હેતુપૂર્વક દુર્લક્ષ કરવામાં આવેલું.

બે વિશ્વયુદ્ધો દરમિયાન શહેરના વસ્તીવધારા સાથે સાક્ષરતા પણ ફેલાતી ગઈ. બુદ્ધિવાદીઓની બોલબાલા થવા લાગી અને 1905થી 1936 સુધીના સમયની સ્થાનિક ઉદાર સરકારોએ આ બૌદ્ધિકોનું સમર્થન પણ કરેલું.

જ્યૉં-ચાર્લ્સ હાર્વેએ ‘લે ડેમી-સિવિલાઇઝિઝ’(1934; સૅક-ક્લૉથ ફૉર બેનર)માં સમાજના મધ્યમ વર્ગની વિચારસરણી પર વિવેચન કર્યું છે. ત્રણ વર્ષ બાદ ફેલિક્સ-આન્તૉઇન સેવાર્ડે ‘મીનૉદ’ (‘બૉસ ઑવ્ ધ રિવર’)માં ઊર્મિસભર ભાષામાં ક્વિબેકના પ્રાકૃતિક સ્રોતો પરના બ્રિટન અને અમેરિકાના પ્રભુત્વની સામે નારાજી પણ દર્શાવી. 1938માં રિંગ્વેટે ક્વિબેકના ગ્રામ-અર્થવ્યવસ્થાના પતનની વાત ‘થર્ટી એકર્સ’માં કરી છે. ગેબ્રિએલ રૉયના ‘ધ ફલ્યૂટ’ને પ્રિક્સ-ફેમિનાનો ઍવૉર્ડ મળ્યો. રોજર લેમેલિનના ‘લે પ્લાઉફ’(1948; ‘ધ પ્લાઉફ ફૅમિલી’)માંથી ટેલિવિઝન માટેની લોકપ્રિય શ્રેણીનું સર્જન થયું.

રૉબર્ટ ચાર્બોનુ, આન્દ્રે ગિરૉક્સ, જર્મેન ગેવ્રેમોન્ત અને મેરી-દિદેસે ગ્રામપ્રદેશને લક્ષમાં લઈ નવલકથાઓ લખી. યેવે થૅરિયોલ્તના વિપુલ સર્જનમાં ક્વિબેકમાં વસતા એસ્કિમો અંગેના નવા વિષયોની વાત છેડી.

હેક્ટર દ સેંટ-દેનિસ ગાર્નોની ‘રિગાર્ડ્ઝ એત જૉ દાન પેસ્પેસ’ (1937); (‘ગ્લાન્સિસ ઍન્ડ ગેમ્સ ઇન સ્પેસ’) નવા યુગની અછાંદસ કવિતા છે. ગાર્નો, એલેન ગ્રાન્દબોઈ, એન હર્બટ અને રિના લેસ્નિયર 1941થી 1960ના નોંધપાત્ર કવિઓ છે. આ તમામ કવિઓ પોતપોતાની રીતે લખે છે પણ એ બધામાં એકલતા, નિરાશા અને અલગતાપણાનો ભાવ છે. ગ્રાન્દબોઈની અસર અન્ય કવિઓ પર સૌથી વધુ છે.

‘‘લ’ હેક્ઝાગોન’’ (1953) પ્રકાશક સંસ્થા છે. ક્વિબેકની કવિતા પર તેની ભારે અસર રહી છે. સુંદર છાપકામમાં આ સંસ્થાએ કેટલાક કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ કરેલા. ‘લિબર્ટી’ જેવું સામયિક પણ તેણે શરૂ કરેલું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સાહિત્યિક પરિષદોનું આયોજન તેણે કરેલું. ગેસ્તૉન મિરોન, રોલાંદ ગિગેર, ગિલ્સ હેનોલ્ત, ફર્નાન્ડ ક્વેલેટ, જ્યૉં-ગાય પિલોન અને માઇકલ વાન સેંદેલ – એ કવિતામાંનાં નોંધપાત્ર નામો છે.

ક્વિબેકની રંગભૂમિએ આધુનિક સ્વરૂપ ધારણ કર્યું. મૉન્ટ્રિયલની ‘લે કમ્પેનૉન્સ દ સેંટ-લૉરેન્ટ’ (1937-52) – એ મહત્વનું રંગમંડળ હતું. સમકાલીન ફ્રેન્ચ નાટકો ધંધાદારી ધોરણે તેઓ ભજવતા. ગ્રેશિયન ગેલિનાસ અને માર્સેલ દુબે રોજબરોજની ભાષામાં નાટકો લખતા. રંગભૂમિ અને ધંધાદારી નાટ્યમંડળીઓને સરકાર પણ સહાય કરતી. રેડિયો કૅનેડાનો પણ આમાં સહકાર મળી રહેતો. નૅશનલ ફિલ્મ બૉર્ડ ઑવ્ કૅનેડા પણ આ પ્રવૃત્તિને આર્થિક મદદ કરતું.

1950 પછી પરંપરાવાળા સમાજનો સૂર વિસરાતો જતો હતો. 1948માં ચિત્રકાર પૉલ-એમિલ બોર્દુઆસ ભૂતકાળનો સમૂળગો છેદ ઉડાડી દે છે. 1950માં પિયેર એલિયટ ટ્રુદો ‘સિટી લિબ્રે’ (‘ફ્રી સિટી’) નામનું સામાજિક અને રાજકીય વિચારો અભિવ્યક્ત કરતું સામયિક શરૂ કરે છે. શાંત ક્રાન્તિની વધુ નજીક જઈ રહેલો એ સમાજ હતો.

1960ના દશકામાં ક્વિબેકનો ઇતિહાસ ગજબની કરવટ લેતો હતો. ઉદારમતવાળી સરકાર નવા સમાજની રચના માટેની યોજનાઓ અમલમાં મૂકતી હતી. શિક્ષણમાં ક્રાન્તિ આવતી હતી. સાંસ્કૃતિક બાબતો માટેના પ્રધાનને નવી બાબતો માટે આગળ ધપવાની સ્વતંત્રતા હતી. ક્વિબેકના સ્વાતંત્ર્ય માટેની ‘પાર્ટી ક્વિબેકૉઇસ’ (1968) લોકોમાં જાણીતી થઈ હતી. 1976માં તેણે સરકારની રચના પણ કરી. સાહિત્યકારોએ ‘પાર્ટી પ્રિસ’ (‘ડિસિશન ટેકન’) નામનું સંગઠન રચ્યું. તેમણે પોતાનું સામયિક ચલાવ્યું. તેમનું પોતાનું છાપખાનું પણ હતું. ધર્મનિરપેક્ષ, સમાજવાદી અને સ્વતંત્ર ક્વિબેકની રચના માટે માગણી કરતાં લખાણો છાપ્યાં. બૌદ્ધિકોનો અવાજ દરેક જગ્યાએ સાંભળવા મળતો હતો. આ દશકામાં પહેલાં કરતાં ત્રણગણું સાહિત્ય સર્જાયું.

ક્વિબેકની પુન:શોધ કવિતામાં થઈ. પૉલ-મેરી લાપોઇન્તના ‘સિલેક્શન ઑવ્ પોએમ્સ : ટ્રીઝ’ (1960) અને ગ્રેશિયન લાપોઇન્તના ‘ઓડ ટુ ધ સેન્ટ લૉરેન્સ’(1963)માં કૅનેડાના અતીતને પુન: જાગ્રત કરવામાં આવ્યો છે. પૉલ ચેમ્બરલૅન્ડ ‘ટેરે ક્વિબેક’(1964)માં રાષ્ટ્રવાદનો મહિમા ક્રાન્તિની ભાષામાં ગાય છે. ‘લાબેર દુ જર’ (1965) ક્રાન્તિકારી સામયિક છે. આવું જ સામયિક ‘લે હબર્ઝ’ (1968) પણ છે. વાણીસ્વાતંત્ર્યની વાત કરતાં આ સામયિકો છે. સૌથી વધુ જાણીતો મિરોનનો ‘‘લ’ હોમ રેપેલ’’ કાવ્યસંગ્રહ છે. ક્વિબેકની અસ્મિતાની તે શોધ કરે છે. માઇકેલ લેલોન્ડની કટાક્ષકવિતા ‘સ્પીક વ્હાઇટ’(1970)માં પણ આ જ મથામણ છે.

1970ના દશકામાં કવિતાના અનેક પ્રયોગો થયા છે. ક્લૉડ ગૉવરૉ અને રાઉલ ડુગ્વે નોંધપાત્ર કવિઓ છે. સંગીત અને કવિતા વચ્ચે સંવાદ છે એવી પ્રબળ માન્યતા ડુગ્વેમાં છે. આના માટે ડુગ્વે એક નાના મંડળની સ્થાપના કરે છે. તે ‘લે મૅનિફેસ્ટે દ લ’ ઇન્ફોની’ (1970) અને ‘લેપોકેલિપ્સો’ (1971) પ્રસિદ્ધ કરે છે. પિયેર મૉરેન્સી જીવનના સંપૂર્ણ દર્શનને પામવા માટે ‘લ ટેમ્પ્સ દે ઓઇસૉક્સ’ (1975) અને ‘ટૉરેન્શિઅલ’ (1978) પ્રસિદ્ધ કરે છે.

છપાયેલી કવિતા કેવળ જૂજ સંખ્યાના દીક્ષિતો માટે ઉપલબ્ધ હતી એટલે સામાન્ય લોકનું આકર્ષણ નાના નાના ગાયકો તરફ થયું. ગાઇલ્સ વિગ્નૉલ્ટ કે પૉલિન જુલિયન તેમના માનીતા ગાયકો હતા. ‘ક્વિબેક સૉન્ગ’ સૌ માટે જાણીતું થયું હતું.

નવલકથા સૌને ગમતું સાહિત્યસ્વરૂપ બન્યું. શાંત ક્રાન્તિ માટેનું તે સાધન બન્યું. ક્વિબેકની ‘નવી નવલકથા’ની શરૂઆત ગોડબૂટના ‘‘લ’ એક્વેરિયમ’’(1962)થી થઈ. હુબર્ટ ઍક્વેઇનની ‘નેક્સ્ટ એપિસોડ’(1965)માં નવી નવલકથાનો મધ્યાહન થાય છે. તે જ વર્ષે મેરી-ક્લેર બ્લેઇસની ‘અ સિઝન ઇન ધ લાઇફ ઑવ્ ઇમેન્યુયેલ’ને પ્રિક્સ-મેડિસિસના પારિતોષિકથી નવાજવામાં આવે છે. તેમાં ક્વિબેકન ગ્રામજીવનનું ચિત્ર દોરાયું છે. ગોડબૂટના ‘સેલુટ, ગાલાર્નુ’ (1967)માં ક્વિબેકના અમેરિકીકરણનું ચિત્ર ઊપસ્યું છે. જિરાર્ડ બેસેટ ‘લે લિબ્રેર’ (1960)માં પોતાની જાતનું વારંવાર અવલોકન કરતા રહે છે. ‘નૉટ ફૉર એવરી આય’ (1960), ‘‘લ’ ઇન્ક્યુબેશન’’ (1965) અને ‘લે એન્થ્રોપોઇડ્ઝ’ (1977) નોંધપાત્ર નવલકથાઓ છે. એન હેબર્ટની ‘કેમૉરસ્કા’ (1970) અને ‘લે ફોસ દ બસાન’ (1982) પણ લોકપ્રિય નવલકથાઓ છે. બસાનને પ્રિક્સ-ફેમિના ઍવૉર્ડથી સન્માનવામાં આવે છે. રાજીન દુચાર્મની ‘ધ સ્વોલોવર સ્વોલૉડ’ (1966) નોંધપાત્ર નવલકથા છે. વીસમી સદીના છેલ્લા દશકાઓમાં જેક્વિલ ફેરોન, વિક્ટર-લેવી બોઇલ્યુ, રોચ કેરિયર નોંધપાત્ર નવલકથાકારો છે. ‘લા ગ્વેર યસ સર !’ (1968)માં રોક કેરિયર સેળભેળ થયેલી બે સંસ્કૃતિઓની વિડંબના કરે છે. ઍન્તૉનિન મેઇલેટની ‘લા સેગોઇન’ (1971) આગવું સર્જન છે. ‘ધ રિટર્ન ટુ અ હોમલૅન્ડ’(1979)ને પ્રિક્સ-ગોન્કોર્ટથી નવાજવામાં આવી. જેક્વિસ પૉલિનની નવલકથાઓ ‘મૉન ચેવલ પૉર અન રોયોમ’ (1967), ‘જિમ્મી’ (1969) અને ‘ધ જિમ્મી ટ્રાયોલૉજી’ (1979) યાદગાર નવલકથાઓ છે, ક્વિબેકની ઓળખની તેમાં મથામણ છે. યેવેસ બુચામિનની ‘લે મેટો’ (1981) અને ગોડબૂટની ‘લે ટેમ્પ્સ દે ગાલાર્નુ (1993) પણ નોંધપાત્ર નવલકથાઓ છે.

નારીવાદ ફ્રેન્ચ-કૅનેડિયન સાહિત્યનું આગવું પાસું છે. નિકોલ બ્રોસાડની ‘‘લ’ એમેર ઓ લે ચેપિત્રે એફ્રાઇટ’’ (1977) અને ‘પિક્ચર થિયરી’ (1982) ઉલ્લેખનીય નવલકથાઓ છે મેડલીન ગેગ્નોનની ‘લુઅર’ (1979), ફ્રાન્સ થિઓરેટની ‘અન વોઇ પોર ઓડિલ’ (1978) અને યોલેન્ડ વિલમેરની ‘લા વાઇ એન પ્રોઝ’ (1980) ગદ્યમાં થયેલાં મહત્વનાં પ્રકાશનો છે. લાઉકી બર્સિયાનિક અને જોવેટ માર્ચેસૉલ્ટ નારીવાદી સમાજમાં પુરુષના વર્ચસને સીધું દોર થઈ જતું દર્શાવે છે.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં ક્વિબેકમાં રંગભૂમિની બોલબોલા થાય છે. દર વર્ષે કોડીબંધ મૌલિક નાટકો ભજવાય છે. ‘ન્યૂ ક્વિબેક થિયેટર’ની શરૂઆત માઇકલ ટ્રેમ્બ્લેના ‘લે બેલે-સોઅર્સ’(1968)થી થાય છે. તેનું અંગ્રેજી રૂપાંતર ‘ધ સિસ્ટર્સ-ઇન-લૉ’ના શીર્ષકથી થયું છે. ટ્રેમ્બ્લે, જ્યા ક્લૉડ જર્મેન અને જ્યા બાર્બો નોંધપાત્ર નાટ્યકારો છે. ‘હેમ્લેટ, પ્રિન્સ ઑવ્ ક્વિબેક’ અને ‘ડબલ ગેમ’ નોંધપાત્ર નાટકો છે. માઇકલ ટ્રેમ્બ્લે આઠમા દશકાના નોંધપાત્ર નાટ્યકાર છે. ‘લે રાઈ મોન્ડે’ (1987) તેમનું શ્રેષ્ઠ નાટક છે. ‘વિમેન થિયેટર’ આગવી રંગભૂમિ બને છે. ડેનિસ બાઉચરનું ‘ધ ફેરિઝ આર થર્સ્ટી (1978) અને જૉવેટ માર્કેસૉલ્ટનું ‘ધ સાગા ઑવ્ વેટ હેન્સ’ (1981) ચર્ચાસ્પદ નાટકો છે.

કૃષ્ણવદન જેટલી

વિ. પ્ર. ત્રિવેદી