કેનેડી એડવર્ડ મૂર

January, 2008

કેનેડી, એડવર્ડ મૂર (જ. 1932, બ્રુકલિન, મૅસેચૂસેટ્સ) : અમેરિકાની સેનેટમાં ડેમોક્રૅટિક પક્ષની ઉદારમતવાદી પાંખના નેતા, અગ્રણી સેનેટ સભ્ય તથા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હૉન કેનેડીના સૌથી નાના ભાઈ. તેમના બંને મોટા ભાઈઓ જ્હૉન અને રૉબર્ટની અમેરિકાના અગ્રણી રાજપુરુષોમાં ગણના થાય છે. 1956માં એડવર્ડે હાર્વર્ડમાંથી સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી હેગ ખાતેની ઇન્ટરનૅશનલ લૉ સ્કૂલમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1959માં અમેરિકાના વર્જિનિયા વિશ્વવિદ્યાલયમાંથી કાયદાશાસ્ત્રની ઉપાધિ પ્રાપ્ત કરી. 1962માં મોટા

એડવર્ડ મૂર કેનેડી

ભાઈ જ્હૉને ખાલી કરેલ સેનેટની મૅસેચૂસેટ્સ રાજ્યની બેઠક પરથી ચૂંટાયા અને ત્યારપછી સતત સેનેટના સભ્યપદે રહ્યા. 1969માં સેનેટમાં ડેમોક્રૅટિક પક્ષના ઉપનેતા (majority whip) બન્યા અને 1972ની પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારી જાહેર કરી હતી. પરંતુ તે પૂર્વે 1969માં એક શંકાસ્પદ મોટર અકસ્માતમાં તેમની સાથે મુસાફરી કરી રહેલી એક યુવતી પુલ ઉપરથી પડતાં ડૂબી ગઈ, તેની સમયસર જાણ પોલીસને નહિ કરવા બદલ તેમના પર ગુનો દાખલ કરી કામ ચલાવવામાં આવ્યું અને ગુનેગાર સાબિત થતાં પ્રમુખપદ માટેની ઉમેદવારીમાંથી તેમને ખસી જવું પડ્યું હતું. છતાં સેનેટની તે પછીની ચૂંટણીઓમાં તેમને વિજય સાંપડ્યો હતો. 1979-81 દરમિયાન તેઓ સેનેટની ન્યાય સમિતિના ચૅરમૅન હતા. 1980માં ફરીવાર તેમણે પ્રમુખપદની ચૂંટણીમાં પક્ષની ઉમેદવારી જાહેર કરેલી પરંતુ જિમી કાર્ટર સામે પક્ષે તેમને પસંદ કર્યા ન હતા.

અમેરિકાની સેનેટમાં ઉદારમતવાદી જૂથના તેઓ નેતા ગણાય છે. સેનેટના સભ્ય તરીકે નૅશનલ હેલ્થ ઇન્સ્યૉરન્સ જેવી સામાજિક કલ્યાણ માટેની યોજનાઓને તેઓ સંનિષ્ઠ ટેકો આપતા રહ્યા છે તથા વિશ્વરાજકારણના પ્રવાહો પર સેનેટનું ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા છે. વિયેટનામના યુદ્ધમાં અમેરિકાની સંડોવણીનો તેઓ સખત વિરોધ કરતા રહ્યા હતા.

ઉચ્ચ શિક્ષણ લેતા પહેલાં બે વર્ષ તેઓ અમેરિકાના લશ્કરમાં જોડાયા હતા.

તેમના ગ્રંથોમાં ‘ડિસિઝન્સ ફૉર એ ડિકેડ’ (1968), ‘ઇન ક્રિટિકલ કન્ડિશન : ધ ક્રાઇસિસ ઑવ્ અમેરિકાઝ હેલ્થ કૅર’ (1972) તથા ‘અવર ડે ઍન્ડ જનરેશન’ (1979) ઉલ્લેખનીય છે.

તેઓ ‘ટેડ’ ઉપનામથી જાણીતા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે