કૅનેડિયન-અંગ્રેજી સાહિત્ય : બહુધા કૅનેડાની મુલાકાતે આવનાર પ્રવાસીઓ, સંશોધકો કે બ્રિટિશ અમલદારો અને તેમના પરિવારના આત્મજનો દ્વારા અંગ્રેજીમાં રચાયેલું સાહિત્ય. તે બધાંએ વર્ણનાત્મક લખાણો, રોજનીશી કે પત્રોમાં તેમના પ્રતિભાવોને રજૂ કર્યા છે. પ્રવાસ તથા અવલોકનના આધારે થયેલ સંશોધનને લીધે તે સમયના કૅનેડાનું સ્પષ્ટ ચિત્ર રજૂ થયું છે.
દસ્તાવેજી સામગ્રી પૂરી પાડતાં શરૂઆતનાં સીધાંસટ લખાણોમાં મુસાફરી અને નવા પ્રદેશની શોધખોળનાં વર્ણનો છે. સેમ્યુઅલ હર્ન લિખિત ‘અ જર્ની ફ્રૉમ પ્રિન્સ ઑવ્ વેલ્સ ફૉર્ટ ઇન હડ્સન્સ બે ટુ ધ નૉર્ધર્ન ઓશન’ (1795) અને સર ઍલેક્ઝાન્ડર મેકૅન્ઝી લિખિત ‘વૉયેજિઝ ફ્રૉમ મૉન્ટ્રિયલ… થ્રુ ધ કૉન્ટિનેન્ટ ઑવ્ નૉર્થ અમેરિકા ટુ ધ ફ્રોઝન ઍન્ડ પૅસિફિક ઓશન’ (1801) – બન્નેના લેખકો સાહસિક સંશોધક-પ્રવાસીઓ છે. મેકૅન્ઝી ઊનના વેપારી હતા. હડ્સન બે કંપની અને નૉર્થવેસ્ટ કંપની વતી તેમણે આ સાહસ ખેડીને, અજાણ્યા અને અતિવિશાળ પશ્ચિમ અને ઉત્તરના પ્રદેશો વિશે તે જમાનાની અદ્યતન અને આધારભૂત માહિતી આપી છે.
ક્વિબેકમાં ફ્રાન્સિસ બ્રૂકે અંગ્રેજીમાં પહેલી નવલકથા લખી. ‘હિસ્ટરી ઑવ્ ઍમિલી મોન્ટેગ’(1769)માં પત્રોમાં (epistolary) લખાયેલ પ્રેમશૌર્યની આ કથામાં ક્વિબેકના પ્રખર શિયાળાની અને તેના રહેવાસીઓના જીવનની વાત વણાઈ છે.
‘નોવા સ્કોટિયા મૅગેઝિન’ (1789) કૅનેડાનું પ્રથમ સાહિત્યિક સામયિક છે. જૉસેફ હાઉવે શક્તિશાળી પત્રકાર, કવિ અને નોવા સ્કોટિયાના પ્રથમ પ્રમુખ (premier) હતા. કૅનેડિયન સાહિત્યના પ્રથમ પ્રબુદ્ધકાળનો અહીં ઊગમ થયો હતો. નૉવા સ્કૉટિયાની બોલી, તેના રહેવાસીઓની ટેવો કે તેમનાં ન જેવાં અપલક્ષણોની મશ્કરીમજાક ટૉમસ મેકકુલોકે ‘લેટર્સ ઑવ્ મેફિબોશેથ સ્ટેપ્સ્યૉરે’ (1821-22) અને ટૉમસ ચેન્ડલર હેલિબર્ટને ‘ધ ક્લૉકમેકર’(1835-36)માં આપ્યાં છે.
શરૂઆતમાં લખાયેલાં કાવ્યો દેશાભિમાન અને ઈશ્વરસ્તવનનાં હતાં. ‘ધ લૉયલ વર્સિઝ ઑવ્ જૉસેફ સ્ટેન્સબરી ઍન્ડ ડૉક્ટર જોનાથન ઑડેલ’(1860)ની સાથે સાથે સ્થળવર્ણન કે સ્થળાકૃતિ સંબંધી કાવ્યો કે સૌપ્રથમ આવેલ મુલાકાતીઓએ કરેલ નવા પ્રદેશ અને તેના રહેવાસીઓનાં વર્ણનોવાળાં કાવ્યો પણ પ્રસિદ્ધ થયાં. ‘ધ રાઇઝિંગ વિલેજ’(1825)માં ઑલિવર ગોલ્ડસ્મિથે હિરોઇક કપ્લેટમાં નૉવા સ્કૉટિયાના શરૂઆતના વતનીઓના જીવન અને તેના વિકાસને ગાયો છે. નૉવા સ્કૉટિયાને તેમણે ‘પશ્ચિમની આકાશી સરહદોનું પરમ આશ્ચર્ય’ કહી નવાજ્યું છે. જોકે કૅનેડિયન સાહિત્યમાં તે આશાવાદના દ્યોતક કાવ્ય તરીકે રજૂ થયું છે, સ્ટ્રિકલૅન્ડની બહેનો તરીકે પ્રખ્યાત સુસાના સ્ટ્રિકલૅન્ડ મૂડી અને કૅથેરિન પાર સ્ટ્રિકલૅન્ડ ટ્રેલે નવા પ્રદેશમાં રહેવા માટે આવતાં મુલાકાતીઓને વેઠવી પડતી ભયંકર ઠંડી, તદ્દન અજાણી પરિસ્થિતિ અને ભૌતિક તેમજ સાંસ્કૃતિક ભૂખમરો વગેરેનું ગદ્યમાં હૂબહૂ આલેખન કર્યું છે. ‘રફિંગ ઇટ ઇન ધ બુશ’(1852)માં નવા વસાહતીઓને હતાશામાં ધકેલતું લખાણ છે તો ‘બેકવુડઝ ઑવ્ કૅનેડા’(1836)માં કૅથેરિને નવી દુનિયાનું પ્રોત્સાહક ચિત્ર દોરી આપ્યું છે.
‘ધ ડોમિનિયન ઑવ્ કૅનેડા’ 1867માં રચાયું; આમાં નૉવા સ્કૉટિયા, ન્યૂ બ્રન્ઝવિક, અપર કૅનેડા અને લોઅર કૅનેડા(હવે ઓન્ટારિયો અને ક્વિબેક)ને ભેગાં કરવામાં આવ્યાં અને પરિણામે દેશાભિમાન અને સાહિત્યિક પ્રવૃત્તિમાં ભારે વેગ આવ્યો. હવેના કવિઓ પોતાના દેશ કૅનેડાની પોતીકી કવિતાની શોધમાં નીકળ્યા. એમના પુરોગામીઓની રીતરસમ તો પ્રકૃતિનું વર્ણન કે તેના નીતિનિયમોનું વર્ણન કરવાની હતી, ત્યારે આ કવિઓ કવિના આત્માનું મિલન પ્રકૃતિના રહસ્ય સાથે કરવા માંગતા હતા. સર ચાર્લ્સ, જી. ડી. રૉબર્ટ્સન, બ્લિસ કારમન, લૅમ્પમૅન અને ડંકન કૅમ્પબેલ સ્કૉટ આ સમયના નોંધપાત્ર કવિઓ છે. લૅમ્પમૅન ધરતીના નજરે પડતા વિસ્તાર પર ચિંતન કરે છે તો સ્કૉટ ધોળા માનવીઓ દ્વારા છેતરાતા અને જુલ્મ સહન કરતા આદિવાસીઓ પ્રત્યે સહાનુભૂતિના સૂર કાઢે છે. સૌથી વધુ મૌલિક કવયિત્રી તરીકે ઇઝાબેલા વેલેન્સી ક્રૉફર્ડનું નામ જાણીતું છે. ‘ઓલ્ડ સ્પૂક્સીસ પાસ’, ‘માલ્કમ કેટી ઍન્ડ અધર પોએમ્સ’ (1884) તેમના કાવ્યસંગ્રહો છે.
આ સમયમાં નવલકથાનું ‘ઐતિહાસિક રોમાન્સ’વાળું સ્વરૂપ ખૂબ લોકપ્રિય થયું હતું. ‘ધ ગોલ્ડન ડૉગ : અ લિજેન્ડ ઑવ્ ક્વિબેક’(1877)માં વિલિયમ કર્બી ન્યૂ ફ્રાન્સના મોટા જમીનદારોના જીવનને રોમૅન્ટિક ર્દષ્ટિએ જુએ છે, તો જ્હૉન રિચર્ડસન ‘વાકોસ્ટા : ઑર ધ પ્રૉફેસી અ ટેલ ઑવ્ ધ કૅનેડાસ’(1832)માં ઓટાવાના મુખીએ કરેલ બળવાની વાત કરે છે. જેમ્સ દ મિલની ‘અ સ્ટ્રેન્જ મૅન્યુસ્ક્રિપ્ટ ફાઉન્ડ ઇન અ કૉપર સિલિન્ડર’ (1888) પ્રવાસકથા છે. રૉબટર્સની ‘ધ કિન્ડ્રેડ ઑવ્ ધ વાઇલ્ડ’ (1902) પ્રાણીકથા છે.
20મી સદીની શરૂઆતમાં કવિતામાં ફ્રેન્ચ-કૅનેડિયન રીતરિવાજ અને બોલીનાં સ્થાનિક ચિત્રો રજૂ થયાં છે. ડબ્લ્યૂ. ડ્રમોન્ડ, ઇ. પૉલિન જ્હૉન્સન, ફ્લિન્ટ અને ફેધર અને રૉબર્ટ સરવિસે નોંધપાત્ર કવિઓ છે. જ્હૉન મેકેરેએ પ્રથમ વિશ્વયુદ્ધનું વર્ણન ‘ઇન ફ્લૅન્ડર્સ ફિર્લ્ડ્ઝ’-(1915)માં કર્યું છે. તે કૅનેડાની યુદ્ધકવિતા તરીકે ખૂબ જાણીતું બન્યું છે. લાગણીપ્રધાન, દેશાભિમાની અને વિક્ટોરિયન કવિતા સામે કવિઓએ અણગમો વ્યક્ત કરવાનું શરૂ કર્યું. ઈ. જે. પ્રાટે ‘ન્યૂફાઉન્ડલૅન્ડ વર્સ’(1923)માં દરિયા સાથે સંબંધિત ઊર્મિકાવ્યો રચ્યાં. ‘ધ ટાઇટેનિક’ (1935), ‘બ્રીબ્યુફ ઍન્ડ હિઝ બ્રૅધરિન’ (1940) અને ‘ટૉવર્ડ્ઝ ધ લાસ્ટ સ્પાઇક’(1952)માં પ્રમાણભૂત માહિતીને આધારે રચાયેલાં કાવ્યો છે. અર્લ બિર્ની ‘ડૅવિડ’(1942)માં નાયકના જીવનનો કરુણ વૃત્તાંત છે.
‘કૅનેડિયન ફોરમ’ (1920) ટોરૉન્ટોમાં સ્થપાયું અને ‘મેકગિલ ફૉટર્નાઇટલી રિવ્યૂ’ (1925-27) મૉન્ટ્રિયલમાં શરૂ થયું. તેમાં નવી કવિતા ર્દષ્ટિગોચર થાય છે. એ. જી. એમ. સ્મિથ, એફ. આર. સ્કૉટ અને એ. એમ. ક્લીને એમની નવી કવિતા ‘ન્યૂ પ્રૉવિન્સિસ’(1936)માં પ્રસિદ્ધ કરી. એમણે કલ્પનો, સીધીસટ ભાષા અને અછાંદસ કાવ્યરચના ઉપર ભાર મૂક્યો. આધુનિકો તરીકે તેમનું માનવું હતું કે કવિની ફરજ ચોક્કસ ઓળખ, નામ અને જે તે સ્થળ સાથે અંગત સંબંધ સ્થાપવાની હતી. ક્લીને ‘પૉર્ટ્રેટ ઑવ્ ધ પોએટ ઍઝ લેન્ડસ્કૅપ’ (1948)માં કવિ વિશે નોંધપાત્ર અવલોકન કર્યું છે. નૉર્થરોપ ફ્રાયનું ‘લિટરરી હિસ્ટરી ઑવ્ કૅનેડા’ (1965) નોંધપાત્ર વિવેચનગ્રંથ છે.
મહામંદી સામે તીવ્ર પ્રત્યાઘાત, સામ્યવાદ અને સમાજવાદનો પ્રતિકાર કરવા માટે ઇટાલીમાં આવિર્ભૂત થયેલો રાજદ્વારી રાષ્ટ્રવાદ-ફાસીવાદ અને દ્વિતીય વિશ્વયુદ્ધ ત્રીસી અને ચાલીસીની કવિતા ઉપર સમૂળગો ફરી વળ્યો હતો ત્યારે ડોરોથી લાઈવસે ‘ડે ઍન્ડ નાઇટ’ (1944)માં શ્રમજીવીઓના શોષણને સમૂળગું વખોડી કાઢ્યું છે. તેમનાં ઊર્મિકાવ્યોના સંગ્રહ ‘સાઇન પોસ્ટ’(1932)માં મૈથુનનું નિખાલસભાવે આલેખન થયું છે. ઇરવિંગ લેટન, લુઈસ ડુડેક અને રેમન્ડ સોસ્ટરે કવિઓને વધુ ને વધુ વાસ્તવિક અને ઉત્તર અમેરિકાના સંદર્ભમાં વધુ સ્વદેશી થવાનું જણાવે છે. તેમણે સ્મિથના ચિંતનાત્મક અને સાહિત્યિક સામયિક ‘પ્રિવ્યૂ’(1942-45)ના અભિગમથી વેગળા રહેવાની સલાહ પણ આપી.
1900થી ઐતિહાસિક રોમાન્સને બદલે નવલકથાઓ તળપદી અને સ્થાનિક રંગોને વધુ આલેખતી થઈ હતી. લુસી મૉડ મૉન્ટગોમરીની બાળકોની વાર્તા ‘એન ઑવ્ ગ્રીન ગેબલ્સ’ (1908) નોંધપાત્ર છે. ઑન્ટારિયો ટાઉન્સ અને તેની સાંકડી મનોવૃત્તિને જેનેટ ડંકને ‘ધી ઇમ્પિરિયાલિસ્ટ’(1904)ના રાજકીય જીવનની રજૂઆતમાં હૂબહૂ નિહાળી છે. રાલ્ફ કોનોરેની ‘ધ મૅન ફ્રૉમ ગ્લેન્ગેરી’ (1901), સ્ટીફન લીકૉકની કટાક્ષભરપૂર વાર્તાઓ ‘સનશાઇન સ્કેચિઝ ઑવ્ અ લિટલ ટાઉન’ (1912) અને માઝો દ લા રૉકની ખૂબ લોકપ્રિય ‘જાલના સ્ટોરિઝ’ (1927-60) આ પ્રકારનું સાહિત્ય લઈને આવે છે. માર્થા ઑસ્લેન્ઝોની ‘વાઇલ્ડ ગીઝ’(1925)માં એક મજબૂત મનોબળવાળી છોકરી ક્રૂર પિતાના ભયંકર રોષ અને બીક નીચે ઊછરે છે તેનું હૃદયંગમ વર્ણન છે. આ પ્રમાણે ફ્રેડરિક ફિલિપ ગ્રવ ‘સેટલર્સ ઑવ્ ધ માર્સ’ (1925) અને ‘ફ્રુટ્સ ઑવ્ ધી અર્થ’ (1933)માં પોતાની જાત અને જમીન પરના વર્ચસ્ માટેના માણસના સંઘર્ષનું બ્યાન કરે છે, પણ તેમાં ખેડૂતોની અજબ ખુમારીની હૃદયદ્રાવક કથાઓનું આલેખન થયું છે.
1940થી 1960 દરમિયાન લખાયેલી નવલકથાઓના મોટાભાગના કથાનાયકો લાગણીશીલ, અશાંત કે બેચેન બાળકો કે કલાકારો છે. પ્રેરી નવલકથાઓમાં સિંકલેર રૉસની ‘ઍર્ઝ ફૉર મી ઍન્ડ માય હાઉસ’ (1941), ડબ્લ્યૂ. ઓ. મિચેલની ‘હુ હૅઝ સીન ધ વિન્ડ’ (1947) અને અર્નેસ્ટ બકલરની ‘ધ માઉન્ટન ઍન્ડ ધ વૅલી’ (1952) નોંધપાત્ર છે. પરંપરાથી ચાલ્યું આવતું નવલકથાનું સ્વરૂપ અહીં બદલાઈ જાય છે. હવે સામાજિક વાસ્તવિકતાને બદલે ઊર્મિશીલતા દેખા દે છે. ‘ટુ સૉલિટ્યૂડ્ઝ’ (1945) અને ‘ધ વૉચ ધૅટ એન્ડ્ઝ ધ નાઇટ’(1959)માં હ્યુ મૅક્લેનાન વ્યક્તિમાં નિષ્પન્ન થતા નૈતિક, સામાજિક અને ધાર્મિક સંઘર્ષો અને કૅનેડાની ફ્રેન્ચ અને અંગ્રેજી પરંપરાની બે સંસ્કૃતિઓનાં ચિત્રો રજૂ કરે છે. શીલા વૉટસનની ‘ધ ડબલ હૂક’ (1959) રહસ્યમય નવલકથા છે. એથેલ વિલ્સનની ‘સ્વૉમ્પ એન્જેલ’ (1954) બ્રિટિશ કોલંબિયાની અંતરિયાળ મુસાફરીઓ વિશેનો એક ગૃહિણીનો મહાનિબંધ છે.
ઓગણીસમી સદીના પાંચમા દશકામાં કલ્પિત નવલકથા તરફનું પ્રયોગાત્મક વલણ પોતે જ નવલકથાનો વિષય બન્યું. એમાંથી જ નવલકથા તરફના જુદા જુદા અભિગમો પ્રગટ થયા. રૉબર્ટ્સન ડેવિસની ડેપ્ટફર્ડ નવલકથાત્રયી – ‘ફિફ્થ બિઝનેસ’ (1970), ‘ધ મોન્ટીકોર’ (1972), ‘વર્લ્ડ ઑવ્ વન્ડર્સ’(1975)માં નાયકો યુંગના માનસશાસ્ત્રીય સિદ્ધાંત મુજબ પુખ્ત થાય છે. ડેવિસ કૉર્નિશની નવલકથાત્રયી – ‘ધ રેબેલ એન્જેલ્સ’ (1981), ‘વૉટ ઇઝ બ્રેડ ઇન ધ બોન’ (1985), ‘ધ લાયર (Lyre) ઑવ્ ઑર્ફિયસ’ (1988) અને ‘મર્થર ઍન્ડ વૉકિંગ સ્પિરિટ્સ’(1991)માં કૅનેડિયન તાર્દશતા કે ઓળખ અને કલાના સ્વરૂપની દુનિયાને પામવાનો પ્રયત્ન છે. એલિસ મનરોની ‘લાઇવ્ઝ ઑવ્ ગર્લ્સ ઍન્ડ વિમેન’ (1971) નોંધપાત્ર નવલકથા છે. માર્ગારેટ લૉરેન્સની મેનવાકા પ્રદેશમાં લખાયેલી નવલકથા – ‘ધ સ્ટોન એન્જેલ’ (1964) અને ‘અ જેસ્ટ ઑવ્ ગૉડ’ (1966) પણ નોંધપાત્ર છે. ‘ધ ડિવાઇનર્સ’(1974)માં નાનકડા ગામની રીતરસમો અને રિવાજો સામે ખુલ્લો બળવો પોકારતી નાયિકાઓનાં વર્ણનો છે. મેવિસ ગેલન્ટ ‘હોમ ટ્રૂથ્સ’(1981)ની ટૂંકી વાર્તાઓમાં છૂટાંછવાયાં પાત્રોની તકલાદી અને ભ્રામક દુનિયા કઈ રીતે છિન્નભિન્ન થઈ જાય છે તેનું બ્યાન છે. ‘એક્રૉસ ધ બ્રિજ’ (1993) વાર્તાસંગ્રહમાં આ જ લેખિકા સામાન્ય લોકોના જીવનમાં સત્ અને અસત્ વચ્ચેની પાતળી રેખાના ભેદને પરખવા પ્રયત્ન કરે છે. વેધક ઉપહાસ કે કટાક્ષરૂપે, માર્ગારેટ એટવુડની ‘ધી એડિબલ વુમન’ (1969), ‘સરફેસિંગ’ (1972), ‘લેડી ઓરેકલ’ (1976), ‘બોડિલી હાર્મ’ (1981), ‘ધ હૅન્ડમેઇડ્ઝ ટેલ’ (1985) અને ‘ધ રૉબર બ્રાઇડ’ (1993); મોર્ડેકાઇ રિચલરની મોન્ટ્રિયલ નવલકથાઓ ‘ધી ઍપ્રેન્ટિસશિપ ઑવ્ ડડ્ડી ક્રેવિટ્ઝ’ (1959), ‘સેંટ અર્બેન્સ હોર્સમૅન’ (1971) અને ‘જોશુઆ ધૅન ઍન્ડ નાઉ’ (1980) આધુનિક સમાજના દંભ પર કટાક્ષ કરે છે. લિયૉનાર્દ કોહેન ‘બ્યૂટિફુલ લૂઝર્સ’ (1966) દ્વારા સંતત્વ, કામવાસના અને સર્જકતાની બારીક તલસ્પર્શી સમીક્ષા કરે છે.
1970 પછીના લેખકો નવલકથાની દિશામાં પરિવર્તન લાવે છે. હવે વાસ્તવિકતાને બદલે અતિવાસ્તવવાદ (surrealism) રજૂ થાય છે. હવે સ્ત્રીઓના સમાનાધિકારની વાત થાય છે. ઐતિહાસિક ઘટનાઓ અને સ્થળકાળનાં ઊંડાં સંશોધનો પ્રત્યેનો અભિગમ જેમનો તેમ રહે છે. જોકે નવલકથા જેવાં સ્વરૂપોમાં જાતજાતના પ્રયોગો થતા રહે છે. જેક હોડગિન્સ ‘ધ ઇન્વેન્શન ઑવ્ ધ વર્લ્ડ’ (1977)માં અતિવાસ્તવિક કાલ્પનિક ટાપુનું બ્યાન કરે છે. ઓડ્રી થૉમસ ‘રિઅલ મધર્સ’ (1981)ની ટૂંકી વાર્તાઓ અને ‘લટકિયા’ (1979), ‘ઇન્ટરટાઇડલ લાઇફ’ (1984) અને ‘ગ્રેવન ઇમેજિઝ’ (1993) નવલકથાઓમાં સ્ત્રીઓના જીવનને રજૂ કરે છે. ‘ધ સ્ટડહોર્સ મૅન’ (1969) અને ‘બેડલેન્ડ્ઝ’(1975)માં નવલકથાકાર રૉબર્ટ ક્રોટશ્ચ પ્રેરી પ્રકારની નવલકથાની વાસ્તવિકતાને બદલે અતિઆધુનિકતાના પ્રવાહમાં વક્રોક્તિ કરી નવી રજૂઆત કરે છે. રુડી વીબ મહાકાવ્ય સમી ઐતિહાસિક નવલકથાઓ ‘ધ ટેમ્પ્ટેશન્સ ઑવ્ ધ બિગ બેર’ (1973) અને ‘ધ સ્કૉર્ચડ્-વૂડ પીપલ’ (1977) પશ્ચિમની ઐતિહાસિક ઘટનાઓ પર નિર્ભર છે. જ્યૉર્જ બાવરિંગની ‘બર્નિંગ વૉટર’ (1980) સાહસિક કથા છે. માઇકલ ઓન્ડાત્જે ‘કમિંગ થ્રૂ સ્લોટર’(1976)માં જાઝ સંગીતકાર બડી બોલ્ડનની વાત રજૂ કરે છે. 1992માં ઓન્ડાત્જેને બ્રૂકર પ્રાઇઝ ‘ધી ઇંગ્લિશ પેશન્ટ’ (1992) માટે એનાયત થયું હતું. એમાં ચાર વ્યક્તિઓના જીવનને એકમેકના સંદર્ભમાં જોવામાં આવ્યું છે. ‘ધ વૉર્સ’(1977)માં ટિમોથી ફિન્ડલે દ્વિતીય વિશ્વયુદ્ધનું હૃદયંગમ વર્ણન કરે છે.
‘બ્લડ ટાઇઝ’ (1976) અને ‘લાઇવ્ઝ ઑવ્ શૉર્ટ ડ્યૂરેશન’(1981)માં લોકસમાજ રજૂ થયો છે. ગાય વાન્ડરહેગ્ઝની ‘માય પ્રેઝન્ટ એજ’ (1984), ‘હોમસિક’ (1989) અને ‘ધી અર્બન પ્રેરી’ (1993) નવલકથાઓ નોંધપાત્ર છે. જોય કોગ્વાની ‘ઑબ્સન’ (1981) નવલકથા દ્વિતીય વિશ્વયુદ્ધના સમયના જાપાની-કૅનેડિયન લોકોનું દસ્તાવેજી ચિત્ર કુશળતાપૂર્વક રજૂ કરે છે. નિનો રિક્કી ઇટાલીના કુળના કૅનેડિયન લેખક છે. તેમણે એક વસાહતી તરીકે સમકાલીન સમયના કૅનેડાની ઓળખ આપવાનો પ્રયત્ન ‘લાઇવ્ઝ ઑવ્ ધ સેન્ટ્સ’ (1990) અને ‘ઇન અ ગ્લાસ-હાઉસ’(1993)માં આલેખ્યો છે. રોહિન્ટન મિસ્ત્રીએ ‘ટેલ્સ ફ્રૉમ ફિરોઝશા બાગ’ (1987) અને ‘સચ અ લૉન્ગ જર્ની’ (1991) – બન્નેમાં પશ્ચાદભૂમિકા તરીકે મુંબઈને રાખી ગરીબ મધ્યમ વર્ગનાં પારસી કુટુંબોની કથાનું સર્જન કર્યું છે. ‘સનડૉગ્ઝ’ (1992) અને ‘રેવન સૉન્ગ’ (1993) જેવી નોંધપાત્ર નવલકથાઓ લી મેરેકલ અને સ્લેશે અનુક્રમે આપી છે. ‘વી ગેટ અવર લિવિંગ લાઇક મિલ્ક ફ્રૉમ ધ લૅન્ડ’ (1993) જેવી નવલકથા જિનેટ આર્મસ્ટ્રૉન્ગે લખી છે.
કૅનેડિયન પોતાને અમેરિકનથી જુદા માને છે. એટવુડનો કાવ્યસંગ્રહ ‘ધ સર્કલ ગેમ’ (1966) અર્થસભર ઉક્તિઓમાં કટાક્ષમય રીતે લખાયો છે. ‘જર્નલ્સ ઑવ્ સુસાના મુડી’(1970)માં એટવુડે 19મી સદીના ‘રફિંગ ઇટ ઇન ધ બુશ’ના લેખકના વિચારોનો અનુવાદ આપ્યો છે. અહીં આધુનિક અલગપણાનો ભાવ અનુભવતા માણસની વાત થઈ છે. ઓન્ડાત્જે ‘ધ કલેક્ટેડ વકર્સ ઑવ્ બિલી ધ કિડ’(1970)માં ઐતિહાસિક ચરિત્રોની રજૂઆત કરે છે. બાવરિંગનું સુદીર્ઘ કાવ્ય ‘જ્યૉર્જ વાનકૂવર’ (1970) નોંધપાત્ર છે. ડાફને માર્લેટ ‘સ્ટીવેસ્ટન’(1974)માં નગરને આબેહૂબ રજૂ કરે છે. ક્રોટ્શ્ચની ‘ફીલ્ડ નોટ્સ’(1981) પણ નોંધપાત્ર નવલકથા છે. ‘બિઇંગ અલાઇવ’ (1978) અને ‘પાઇલિંગ બ્લડ’ (1984) નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. ‘ધ ગાર્ડન ગોઇંગ ઑન વિધાઉટ અસ’(1985)માં લોર્ના ક્રોઝિયરના સાસ્કાટ્ચેવાનનાં પાત્રો સુપેરે આલેખાયાં છે. તેમનો અન્ય કાવ્યસંગ્રહ ‘એન્જેલ્સ ઑવ્ ફ્લૅશ, એન્જેલ્સ ઑવ્ સાયલન્સ’(1988) છે. માર્ગારેટ એવિઝનનું ‘વિન્ટર સન’ તથા ‘ધ ડમ્બફાઉન્ડિંગ’ (1982) અને એન વિલ્કિંસનનું ‘કલેક્ટેડ પોયેમ્સ’ (1968), પી. કે. પેજનું ‘ક્રાય આરારાટ’ (1967), ‘ઇવનિંગ ડાન્સ ઑવ્ ધ ગ્રે ફ્લાઇઝ’ (1981), એલી મેન્ડલનું ‘ડ્રીમિંગ બૅકવર્ડ્ઝ’ (1981) નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. ફિલિસ વેબનું ‘ધ વિઝન ટ્રી’ (1982), ડી. જી. જોન્સનું ‘અ થ્રો ઑવ્ પાર્ટિકલ્સ’(1983)માં પારલૌકિક ચિંતન અને મનુષ્યની ક્ષણભંગુરતાની વાત છે. આમાં આવતાં કલ્પનો જે તે સ્થળ, મુસાફરી અને દંતકથામાંથી લીધાં છે. ‘વિલ્સન્સ બાઉલ’ (1980), ‘વૉટર ઍન્ડ લાઇટ ગઝલ્સ’ અને ‘ઍન્ટી-ગઝલ્સ’ (1984) નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. રૂ બોર્સન્સના કાવ્યસંગ્રહો ‘રેઇન’ (1980) અને ‘ઇન ધ સ્મોકી લાઇટ ઑવ્ ધ ફિલ્ડ્ઝ’(1980)માં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો વચ્ચે ઊભા થતા પ્રશ્નોની રજૂઆત થઈ છે. ‘રૂમ ઑવ્ વન્સ ઓન’, ‘એટલાન્ટિસ’ અને ‘ટેઝેરા’ સામયિકો છે. ‘રાઇટિંગ રાઇટ’ (1982) અને ‘ન્યૂ ઑક્સફર્ડ બુક ઑવ્ કૅનેડિયન વર્સ’ (1982) જેવા ઉત્તમ કાવ્યસંગ્રહોમાં પણ આ સમયનો સ્પષ્ટ ચિતાર રજૂ થયો છે.
કવિઓ અને નવલકથાકારોની જેમ કૅનેડિયન નાટ્યકારો કૅનેડાની અસ્મિતાની શોધમાં તેના ઇતિહાસને ઢંઢોળે છે. પ્રથમ નાટકો પદ્યમાં 1812ના યુદ્ધ પર લખાયેલાં છે. આમાં ચાર્લ્સ મેરનું ‘ટેકુમસેહ’ (1886) અને સારાહ એન. કર્ઝનનું ‘લ્યોરા સેકર્ડ, ધ હીરોઈન ઑવ્ 1812’ (1887) છે. વીસમી સદીના બીજા અને ત્રીજા દશકામાં મેરિલ ડેનિસન, ગ્વેન ફારિસ રિંગવૂડ અને હરમાન વૉડેનને નાટકની સ્થાપના માટે મોટો સંઘર્ષ કરવો પડેલો. નવું નાટક રચાતું ગયું અને બેધડક રીતે પ્રજાના પ્રશ્નો રજૂ કરતાં નાટકો રંગભૂમિ પર ભજવાતાં ગયાં. જ્હૉન હર્બર્ટ ‘ફૉર્ચ્યુન ઍન્ડ મેન્સ આઇઝ’ (1967) જેલમાં બનતા સમાનલિંગી સંબંધ પર પ્રકાશ પાડે છે. જ્યૉર્જ રાયગા ‘ધી એક્સ્ટસી ઑવ્ રિટા જો’(1971)માં સ્થાનિક ગણિકાની વાત લઈને આવે છે. ‘ધ ફાર્મ શો’ (1976), ‘પેપર વ્હીટ’ (1978), ‘રિક સેલ્યુટિન્સ 1837’ (1976) અને ‘લે કૅનેડિયન્સ’ (1977) નોંધપાત્ર નાટકો છે. ડૅવિડ ફ્રીમેનના ‘ક્રીપ્સ’ (1972), ડૅવિડ ફ્રેન્ચના ‘લીવિંગ હોમ’ (1977), ડૅવિડ ફેનારિયોના ‘ઑન ધ જોબ’ (1976) અને માઇકલ કૂકના ‘ધ હેડ, ગટ્સ ઍન્ડ સાઉન્ડ બોન ડાન્સ’(1974)માં નર્યો વાસ્તવ દેખાય છે. કેરોલ બોલ્ટના ‘રેડ એમા’(1974)માં અને શેરોન પોલોકના ‘બ્લડ રિલેશન્સ’(1981)માં સ્ત્રીસંબંધી વાતો છે. બેટી લેમ્બર્ટનું ‘જીનિઝ સ્ટોરી’ (1984) પણ નોંધપાત્ર નાટક છે. જ્યુડિથ થૉમ્પસનનાં નાટકોમાં સ્વપ્નો અને સ્વપ્નોની અસરોની વાતની પછવાડે માનવના આંતરમનમાં ઊઠતાં અસત્ તત્વની વાત કરવામાં આવી છે.
કૃષ્ણવદન જેટલી
વિ. પ્ર. ત્રિવેદી