કૃષ્ણ–2 (ઈ.સ. 878-914) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા અને અમોઘવર્ષનો પુત્ર. તેણે જબલપુર નજીક ત્રિપુરીના ચેદિ વંશના રાજા કોકલ્લ1ની રાજકુંવરી મહાદેવી સાથે લગ્ન કર્યું હતું. તેના રાજ્યઅમલ દરમિયાન થયેલી લડાઈઓમાં મહાદેવીના પિયર પક્ષ તરફથી તેને ઘણી મદદ મળી હતી.
વેંગીના પૂર્વીય ચાલુક્યોની શાખાના રાજા વિજયાદિત્ય-3એ કૃષ્ણ-2ના રાજ્ય ઉપર ચડાઈ કરી. ચેદિ વંશના કલચુરીઓની મદદ મળવા છતાં શરૂમાં તો પ્રત્યેક મોરચા ઉપર કૃષ્ણ-2ની હાર થઈ. વિજયાદિત્ય કૃષ્ણ-2ના પાટનગર સુધી પહોંચ્યો અને નગરને આગ લગાડી. ત્યારબાદ કૃષ્ણ–2એ તેના લશ્કરમાં નવી ભરતી કરી, ખંડિયા રાજાઓ(સામંતો)ની મદદ મેળવી અને આક્રમકોને પાછા હઠાવ્યા. તેણે વિજયાદિત્ય-3જાના વારસદાર ભીમને પકડ્યો અને તેના માંડલિક (સામંત) તરીકે રાજ્ય કરવા કબૂલ કરાવ્યું. ત્યારબાદ તેને જવા દીધો; પરન્તુ ભીમે તેની સામે બંડ કર્યું. ત્યારે કૃષ્ણ-2એ લડાઈમાં તેને પરાજય આપ્યો.
ગુર્જર-પ્રતીહાર ભોજ-1 સાથે કૃષ્ણ-2ને લડાઈ થઈ. કૃષ્ણ-2ને ભોજે નર્મદા નદીને કાંઠે હરાવ્યો. તે પછી ગુજરાતના લાટ પ્રદેશમાંથી રાષ્ટ્રકૂટ માંડલિકોની સત્તાનો અંત આવ્યો.
કેટલાક શિલાલેખોમાં કૃષ્ણ-2 વિશે દાવો કરવામાં આવ્યો છે કે તેણે ગુર્જરોને ભયભીત કર્યા, લાટનો ગર્વ ઉતાર્યો અને ગૌડોને પાઠ ભણાવ્યો. વળી અંગ, કલિંગ, ગંગ તથા મગધના રાજાઓ તેની આજ્ઞાઓનું પાલન કરવા, તેના દ્વાર પાસે ઊભા રહેતા. આ લખાણમાં અતિશયોક્તિ જણાય છે; પરન્તુ એટલું કહી શકાય કે રાજ્યશાસનનો તેનો મોટાભાગનો સમય લડાઈઓમાં વીત્યો હતો. તેણે ‘અકાલવર્ષ’ અને ‘શુભતુંગ’ ખિતાબો ધારણ કર્યા હતા.
જયકુમાર ર. શુક્લ