કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ) (ઈ.સ. 758-773) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા. દંતિદુર્ગ અપુત્ર મૃત્યુ પામતાં તેના કાકા કૃષ્ણ (પ્રથમ) ગાદીએ બેઠા. તેણે ચાલુક્ય રાજા કીર્તિવર્મા બીજાને ઈ.સ. 760માં હરાવી તેનું બાકીનું રાજ્ય જીતી લીધું. તેણે મૈસૂરના ગંગો તથા વેંગીના પૂર્વીય ચાલુક્યોને હરાવ્યા. તે પછી રાષ્ટ્રકૂટો આખા ચાલુક્ય રાજ્યનો માલિક બન્યો.
કૃષ્ણ (પ્રથમ) એક મહાન વિજેતા હતો. તેણે ‘રાજાધિરાજ’, ‘શુભતુંગ’, ‘પરમેશ્વર’ તથા ‘અકાલવર્ષ’ ખિતાબો ધારણ કર્યા હતા. તેણે અનેક રાજાઓને હરાવી રાષ્ટ્રકૂટ સત્તા સંગઠિત કરી. તેની નોંધપાત્ર સિદ્ધિ તે ઇલોરામાં એક મોટી વિશાળ શિલામાંથી વિશ્વ-પ્રસિદ્ધ કૈલાસ (શિવ) મંદિર કોતરી કઢાવ્યું એ છે. ઘણી વિશાળ શિલામાંથી તૈયાર કરાયેલું આ અદભુત ગુફામંદિર ભારતનાં સ્થાપત્યોમાં શ્રેષ્ઠ કક્ષાનું, રાષ્ટ્રના ગૌરવ સમાન તથા આશ્ચર્યચકિત કરે એવું છે. ભારતની શિલ્પ અને સ્થાપત્ય કલાનો તે શ્રેષ્ઠ નમૂનો છે.
જયકુમાર ર. શુક્લ