કૃષ્ણા નદી

January, 2008

કૃષ્ણા નદી : મહારાષ્ટ્ર, કર્ણાટક તથા આંધ્રપ્રદેશમાંથી વહેતી દક્ષિણ ભારતની એક મોટી નદી. પુરાણોમાં તે વિષ્ણુરૂપે વર્ણવવામાં આવે છે. કૃષ્ણા નદીનું મૂળ મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ઘાટમાં આવેલ મહાબળેશ્વર વિસ્તારમાં આવેલું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ સાંગલી થઈને તે કોલ્હાપુર નજીક કર્ણાટકના બેલગામ જિલ્લામાં પ્રવેશે છે. ત્યાંથી બિજાપુર, ગુલબર્ગ અને રાયપુર જિલ્લાઓની સરહદ પર થઈને આંધ્રપ્રદેશમાં પ્રવેશે છે. અહીં તે અગ્નિ અને ઈશાન દિશામાં વહીને વિજયવાડા પાસે ત્રિકોણ પ્રદેશ નિર્માણ કરીને બંગાળના ઉપસાગરને મળે છે. કૃષ્ણાનો વહનમાર્ગ આશરે 1,270 કિમી જેટલો છે.

ગોદાવરી નદીની જેમ કૃષ્ણા નદી પણ વિશાળ ત્રિકોણપ્રદેશનું નિર્માણ કરે છે. પુષ્કળ જળજથ્થો હોવા છતાં ભૂપૃષ્ઠને કારણે તે નૌકાવહન માટે અનુકૂળ નથી. આ નદીને વેણ્ણા, સીના, ભીમા અને દક્ષિણે તુંગભદ્રા નદી મળે છે. 1957માં હોસ્પેટ પાસે એક બંધનું તથા વિજયવાડા પાસે પૂરનિયંત્રણ માટે એક આડબંધનું નિર્માણ કરવામાં આવ્યું છે. કૃષ્ણા નદીને કારણે આંધ્રમાં સિંચાઈની વધુ સગવડ પ્રાપ્ત થઈ છે. નલગોંડા જિલ્લામાં આવેલા નાગાર્જુન સાગર દક્ષિણ ભારતની સૌથી મોટી અને મહત્વની બહુહેતુક યોજના છે. આ બંધની ઊંચાઈ 137 મીટર પહોળાઈ 107 મીટર અને ક્ષેત્રફળ 150 કિમી. છે. વિજયવાડાથી આ બંધ 160 કિમી. અને હૈદરાબાદથી 100 કિમી. દૂર આવેલો છે. ઈંટ અને પથ્થરનો બાંધેલો આવો બંધ દુનિયામાં બીજે ક્યાંય નથી. પ્રાચીન સમયના નાગાર્જુન નામના બૌદ્ધ સાધુ પરથી આ બંધનું નામ આપેલું છે.

આંધ્ર પ્રદેશની આ નદીના કિનારાના ત્રિકોણપ્રદેશમાં અનાજ અને શેરડીની ખેતી વધુ થાય છે, જ્યારે નદીના કાંઠાના વિસ્તારમાં રીંગણાં, ચીભડાં, કાકડી અને તડબૂચ મોટા પ્રમાણમાં વવાય છે.

મહેશ મ. ત્રિવેદી

નીતિન  કોઠારી