કૃષ્ણા દેવયાની

January, 2008

કૃષ્ણા, દેવયાની (જ. 1918, ઇન્દોર, ભારત) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. મૂળ, પિયરનું નામ દેવયાની જાદવ. બાળપણથી જ દેવયાનીએ ઇન્દોરના ચિત્રકાર ડી.ડી. દેવલાલીકર પાસેથી તાલીમ લેવી શરૂ કરેલી. પ્રકૃતિ અને નિસર્ગ-ચિત્રણામાં દેવયાનીને પહેલેથી જ ઊંડી રુચિ હતી. મૅટ્રિક્યુલેશન પસાર કરીને 1935માં દેવયાની મુંબઈ પહોંચ્યાં અને ત્યાંની પ્રખ્યાત કળાશાળા સર જે.જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પાંચ વરસ કલાઅભ્યાસ કરીને 1940માં ડિપ્લોમા મેળવ્યો.

દેવયાની કૃષ્ણા

1941માં જાણીતા ચિત્રકાર કન્વલ કૃષ્ણા સાથે દેવયાનીએ લગ્ન કર્યું. એ જ વર્ષે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કન્વલ અને દેવયાનીનાં ચિત્રોનું સંયુક્ત પ્રદર્શન યોજાયું. પતિ કન્વલ સાથે દેવયાનીએ ભુતાન, સિક્કિમ, નેપાળ, લડાખ, તિબેટ, લાહોલ, સ્પીતી, ચમ્બા, કાંગડા, ધીર, સ્કાર્દુ, હૂન્ઝા, સ્વાત, ગિલગિટ અને ખૈબર, નેફા વિસ્તારના હિમાલયના ગિરિપ્રદેશોની મુલાકાતો કરી અને આહલાદક નિસર્ગચિત્રો ચીતર્યાં. આ ઉપરાંત મહાકાળ અને કાળભૈરવ જેવા શિવનાં રૌદ્ર રૂપોનાં આલેખનો પણ કર્યાં, જેની પાછળ તિબેટી કલાની અસર સ્પષ્ટ છે. 1958માં દેવયાની બાટિક કલા શીખ્યાં અને 1967માં દેવયાનીએ બાટિક પદ્ધતિએ ચીતરેલી સાડીઓનું વૈયક્તિક પ્રદર્શન દિલ્હીમાં યોજાયું. દેવયાનીનાં ચિત્રોનાં પ્રદર્શનો ભારત ઉપરાંત જર્મની, પોલૅન્ડ, હોલૅન્ડ, યુગોસ્લાવિયા, હંગેરી, રોમાનિયા, સ્વીડન, નૉર્વે, ડેન્માર્ક અને ચેકોસ્લોવૅકિયાનાં ઘણાં શહેરોમાં યોજાયાં છે.

અમિતાભ મડિયા