કૃષ્ણાટ્ટમ્

January, 2008

કૃષ્ણાટ્ટમ્ :  સંસ્કૃત નાટકો પરથી ઊતરી આવેલી નાટ્યશૈલીનો કુટિયાટ્ટમ્ નાટ્યપ્રકાર. કેરળ પ્રદેશ પ્રાચીન અને મધ્યયુગીન મંચનપ્રધાન કલાઓ(performing arts)નો ભંડાર છે. ત્યાં આદિવાસીઓનાં માનસમાં વસતાં ભૂતપ્રેત એમના જીવન પર પણ છવાઈ ગયાં છે. તૈય્યમ આવી એક વિધિવિધાનાત્મક (ritualistic) કલા છે, જેના અનેક પ્રકારો છે. ભદ્રકાળી અને દારિકાવધમ્ નાટ્યપ્રકાર પણ ગ્રામનિવાસીઓમાં પ્રચલિત છે. તૈય્યમ્, દારિકાવધમ્ વગેરે નૃત્ત-નાટ્યપ્રકારોની વેશભૂષા અને રંગભૂષા કોઈને પણ પ્રભાવિત કરે તેવી છે અને એ બધાંની અસર શાસ્ત્રીય નાટ્યપ્રકારો અને નૃત્યનાટિકાઓ પર પણ પડી છે. કુટિયાટ્ટમ્ નાટ્યશૈલી પર દારિકાવધમ્ જેવા નાટ્યપ્રકારોની વેશભૂષા-રંગભૂષાનો સ્પષ્ટ પ્રભાવ છે.

કૃષ્ણાટ્ટમ્ની એક ઝલક

કુટિયાટ્ટમ્ વળી બીજા નાટ્યપ્રકારોની જનેતા છે. તેમાંથી રામનાટ્ટમ્નો જન્મ થયો અને તેના પરથી કૃષ્ણાટ્ટમ્ આવ્યું અને આ ત્રણેય નાટ્ય અને નૃત્યનાટિકાઓના પ્રભાવથી કથકલીનો જન્મ થયો.

કેલિકટના રાજાનો ભત્રીજો માનવેદન કવિ અને કૃષ્ણભક્ત હતો. જયદેવનાં ‘ગીતગોવિંદ’ની ગાઢી અસર નીચે માનવેદને ‘કૃષ્ણગીતિ’ની રચના કરી.

કહેવાય છે કે માનવેદન ગુરુવાયૂરના કૃષ્ણમંદિરના ચોગાનમાં એક અદભુત બાળક જેના શિર પર મોરપિચ્છ શોભતું હતું તેને જોઈ ભાવવિભોર થઈ તેને પકડવા ગયા. પણ બાળક તો અર્દશ્ય થઈ ગયું પણ મોરપિચ્છ રહી ગયું. માનવેદને તેને સાચવી રાખ્યું.

‘કૃષ્ણગીતિ’ની રચના પછી તેને ભજવવાની તૈયારી કરી અને કૃષ્ણના મુકુટમાં પેલું મોરપિચ્છ જડી લીધું. મંડળી તૈયાર થતાં તેણે ‘કૃષ્ણગીતિ’ને કૃષ્ણાટ્ટમ્ એટલે કે કૃષ્ણનું આટ્ટમ (નાટ્ય) નામે નર્તિત કર્યું. પ્રથમ તો ગુરુવાયુરના પૂર્વાભિમુખ ગોપુરમની અને શ્રી કોઈલ(મંદિર)ના દ્વારની વચ્ચેની ખુલ્લી જગામાં ભગવાનની સંમુખ ભજવવા માંડ્યું પણ ભક્તોને ભગવાનના દર્શનમાં કંઈક અવરોધ જેવું લાગતાં હવે તે ભગવાનની ડાબી બાજુ ચોગાનમાં ભજવાય છે.

કૃષ્ણાટ્ટમ્ આઠ ભાગોમાં વિભાજિત હોય છે. તેમાં શ્રીકૃષ્ણના અવતારથી માંડી તેમના સ્વર્ગારોહણ સુધીના પ્રસંગો ગૂંથી લીધા હોય છે. દશેરાને દિવસે કૃષ્ણાટ્ટમનો ‘અવતારમ્’ – શ્રીકૃષ્ણજન્મથી આરંભ થાય છે. પછી બીજે દિવસે ‘કાલીયમર્દનમ્’, ‘રાસક્રીડા’, ‘કંસવધમ્’, ‘સ્વયંવરમ્’, ‘બાણયુદ્ધમ્’ ‘દ્વિવિદાવધમ્’ અને છેલ્લે ‘સ્વર્ગારોહણમ્’ મંદિરના ચોગાનમાં ભજવાય છે; પણ ‘સ્વર્ગારોહણ’થી નાટિકાની સમાપ્તિ શુભ નથી મનાતી અને તેથી નવમા દિવસે ‘અવતારમ્’ મંદિરથી થોડે દૂર આવેલા માનવેદનના મહેલમાં તેમની સમાધિ સામે ભજવાય છે.

આખું કૃષ્ણગીતિ સંસ્કૃતમાં લખાયું છે ને એ જ રીતે ભજવાય છે. કલાકારોની પાછળ સંગીતકારો પ્રસંગોનાં ગીતો ગાતા જાય છે. અભિનેતાઓ તે ગીતોના ભાવ હસ્તમુદ્રાઓ, મુખાભિનય, આંગિક અને પદચલન દ્વારા પ્રકાશિત કરે છે. સંગીતકારોમાં ચેંડા, મદ્દલમ્, ચેંગલ અને તાલમ્ હોય છે. તે ગાય પણ છે.

તિરશિલા-બે જણ રંગીન કપડાના બે છેડા પકડી રાખે છે; તેની પાછળથી મુખ્ય પાત્રો પ્રવેશ કરે છે ને તેમનું પ્રવેશગીત ગવાય છે. ધીર ગતિએ પ્રસંગનું ઉદઘાટન કરતું ગીત ગવાય ને ધીરેધીરે કથા આગળ વધે. આમાં હસ્તમુદ્રાઓનો કથકલી જેટલા વિસ્તૃત પ્રમાણમાં ઉપયોગ નથી કરતા. ભાવને પ્રસ્ફુટિત કરવા મુદ્રાઓ, આંગિક મુખાભિનય નૃત્ય, નૃત્ત – આમ સર્વાંગનો ઉપયોગ થાય છે. આખું નૃત્ત-નાટ્ય તૈર્ય-ત્રિકમ્-ગીત, વાદ્ય અને નૃત્ય પર રચાયેલું છે ને પ્રેક્ષકોને ભાવવિભોર કરે છે.

સ્ત્રીપાત્રો પણ પુરુષો જ ભજવે છે. મુખ્ય સ્ત્રીપાત્રોની ગૌર રંગભૂષામાં એક શ્વેતરંગી રેખા મુખના આકારને એક કાનથી બીજા કાન સુધી આવરી લે છે. કથકલીમાં પણ સ્ત્રીનાં પાત્રો પુરુષો જ ભજવે છે, પણ તે સ્ત્રીપાત્રોના મુખ પર આવી રેખા નથી કરવામાં આવતી.

બીજી બધી રીતે રંગભૂષા તેમજ વેશભૂષા કથકલીને મળતી આવે છે. આભૂષણો હલકા કાષ્ઠમાંથી બનાવેલાં હોય છે; તેના પર સોનેરી વરખ લગાવી મશાલના પ્રકાશમાં ઝગમગાટ ઉત્પન્ન કરી કંઈક પારલૌકિક ર્દશ્ય ઊભું કરે છે.

કૃષ્ણાટ્ટમમાં કલાકારના મુખ પર ભવ્યતાનો ભાસ કરાવવા કથકલીની રંગભૂષામાં વપરાતી ચુંટ્ટી(ચોખાના લોટની લુગદી)માં ચૂનાનું પાણી મેળવી રંગભૂષાકાર ઘણી જહેમતથી પાતળી રેખાઓ રચે છે. રંગોનો પ્રતીકાત્મક ઉપયોગ થાય છે. રાજસિક, તામસિક અને સાત્વિક ગુણોને અનુરૂપ વેશભૂષા ને રંગભૂષા રચાય છે, જેમાં ‘પચ્ચ’ – ઘેરો લીલો, શ્યામ વર્ણ સાત્વિક પાત્રો માટે હોય છે. આ ઉપરાંત ‘કત્તિ’, ‘કરી’, ‘તાટી’ અને મિનુક્ક (ગૌર) રંગભૂષા પાત્રોને ઓળખવામાં સહાયરૂપ બને છે.

કૃષ્ણાટ્ટમ્ એ એક જ એવો નૃત્ત-નાટ્યપ્રકાર છે જેમાં પુરાસુર જેવા રાક્ષસો અને બ્રહ્મા જેવા દેવો મહોરાં પહેરે છે. પુરાસુરનું મહોરું ચતુર્મુખ હોય છે, જ્યારે બ્રહ્માનું ત્રિમુખ હોય છે. સત્તરમી સદીમાં આ કલાનો ઉદભવ થયો ત્યારથી તે પ્રખ્યાત ગુરુવાયુરના મંદિરમાં જ ભજવાતું હતું. હવે કલાકારોને બહાર પણ લઈ જાય છે. કૃષ્ણાટ્ટમની એક જ મંડળી છે અને તેને પહેલાં કાલિકટના ઝામોરિન રાજાઓ નિભાવતા હતા અને હવે દેવસ્વોમ બૉર્ડ દ્વારા નિભાવવામાં આવે છે. બાળકૃષ્ણના પાત્ર માટે દર વર્ષે નવેસરથી વરણી થાય છે. ભાવિક લોકો પોતાની માનતા ફળે તે અર્થે પણ કૃષ્ણાટ્ટમના અમુક અમુક અંકો ભજવાવે છે.

ગોવર્ધન પંચાલ