કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન (જ. 24 ઑક્ટોબર 1940, એર્નાકુલમ, કેરળ; અ.25 એપ્રિલ 2025, બૅંગાલુરુ, કર્ણાટક) : ચન્દ્રયાન પ્રકલ્પની સ્પષ્ટ રૂપરેખા આપી, ગ્રહોના સંશોધન અને ખેડાણના યુગમાં પ્રવેશવા માટેના ભારતના શુભારંભનું નેતૃત્વ કરનાર દૂરંદેશી વિજ્ઞાની.

કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન
પિતા સી. એમ. કૃષ્ણસ્વામી ઐયર તથા માતા વિશાલક્ષ્મી. તેમના પૂર્વજો મૂળ તમિલનાડુના હતા અને બાદમાં કેરળના વિવિધ ભાગોમાં સ્થાયી થયા હતા. કસ્તુરીરંગનના પિતા રસાયણશાસ્ત્રમાં સ્નાતક હતા. તેમણે મુંબઈમાં ટાટા ઍરલાઇન્સમાં વિવિધ વહીવટી હોદ્દાઓ સંભાળ્યા હતા. બાળપણમાં કસ્તુરીરંગને માતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેઓ પોતાના ભાઈ રવિ સાથે એર્નાકુલમ આવી ગયા હતા. ત્યાં નાના-નાનીની નિશ્રામાં તેમનું બાળપણ વીત્યું. દસ વર્ષની ઉંમરે તેમના નાનાનું અચાનક મૃત્યુ થયું અને તેઓ તેમના ભાઈ સાથે ફરીથી બૉમ્બે (હવે મુંબઈ) તેમના પિતા પાસે આવી ગયા. કસ્તુરીરંગનની શાળાકીય અભ્યાસની શરૂઆત કોચિનની શ્રી રામ વર્મા હાઈસ્કૂલમાંથી થઈ હતી. તેઓ રામનારાયણ રુઇયા કૉલેજ – મુંબઈમાંથી વિજ્ઞાનમાં સ્નાતક થયા અને 1968માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં માસ્ટર ઑફ સાયન્સની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેઓ અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળામાં (PRL) જોડાયા. પ્રયોગશાળામાં કામ કરતાં કરતાં તેમણે 1971માં પ્રાયોગિક ઉચ્ચ ઊર્જા ખગોળશાસ્ત્રમાં (Experimental High Energy Astronomy) ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. તેમણે ખગોળશાસ્ત્ર, અવકાશવિજ્ઞાન અને ઍપ્લિકેશન્સનાં ક્ષેત્રોમાં 240થી વધુ શોધલેખો પ્રકાશિત કર્યા. જ્યારે ભારતનો અંતરિક્ષ કાર્યક્ર્મ હજુ પારણામાં હતો ત્યારે 1971માં તેઓ ઇસરોમાં જોડાયા. 1969માં તેમનાં લગ્ન સુશ્રી લક્ષ્મી સાથે થયાં, તેમને બે પુત્રો છે. તેમની પત્નીનું 1991માં અવસાન થયું હતું.
ઇસરોમાં તેમણે ઇસરો સેટેલાઇટ સેન્ટર – બૅંગાલુરુના નિદેશક તરીકે સેવા આપી હતી,. નવી પેઢીના અવકાશયાન, ભારતીય રાષ્ટ્રીય ઉપગ્રહ પ્રણાલી (INSAT-2), ભારતીય દૂરસ્થ સંવેદના ઉપગ્રહો (IRS-1A અને-1B) તેમજ વૈજ્ઞાનિક ઉપગ્રહોનો વિકાસ તેમના નેતૃત્વમાં થયો. ભારતના પ્રથમ બે પ્રાયોગિક પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહો, ભાસ્કર-I અને II ના તેઓ પ્રોજેક્ટડિરેક્ટર પણ હતા. તેઓએ 1994થી 2003 સુધી ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાન (ઇસરો)ના અધ્યક્ષ, અંતરિક્ષ આયોગના અધ્યક્ષ અને ભારત સરકારના અંતરિક્ષ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી હતી. તેમના નેતૃત્વ હેઠળ, ભારતના પ્રતિષ્ઠિત ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણયાનોના સફળ પ્રક્ષેપણ અને સંચાલન સહિત અનેક મુખ્ય સીમાચિહ્નોની ઓળખ મળી. તેમણે દૂરસ્થ સંવેદન ઉપગ્રહો, IRS-1C અને IRS-1D ના વિકાસ અને પ્રક્ષેપણ, સમુદ્ર નિરીક્ષણ ઉપગ્રહો IRS-P3 અને IRS-P4 ઉપરાંત નવી પેઢીના INSAT સંચાર ઉપગ્રહોના અમલીકરણનું માર્ગદર્શન કર્યું. વ્યાપક અભ્યાસ દ્વારા ચન્દ્રયાન-1 પ્રકલ્પની સ્પષ્ટ રૂપરેખા તેમણે આપી. આ રીતે ગ્રહોના સંશોધન અને ખેડાણના યુગમાં પ્રવેશવા માટેની ભારતની પહેલનું માર્ગદર્શન કર્યું. મુખ્ય અવકાશ કાર્યક્રમો ધરાવતા મુઠ્ઠીભર દેશોના સમૂહમાં તેમના આ પ્રયાસોએ ભારતને એક અગ્રણી રાષ્ટ્ર તરીકે મૂક્યું છે. તેમના નેતૃત્વ હેઠળ ભારતની સૌથી મહત્ત્વાકાંક્ષી અવકાશ આધારિત ઉચ્ચ-ઊર્જા ખગોળશાસ્ત્ર વેધશાળાની સ્પષ્ટ રૂપરેખા મળી અને તેને લગતી પ્રવૃત્તિઓ શરૂ થઈ. આ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પ્રયાસ છે.
ભારત માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 ઘડવા માટે રચાયેલી સમિતિના તેઓ અધ્યક્ષ હતા. કસ્તુરીરંગને રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ટ્રસ્ટ- બૅંગાલુરુના બોર્ડ ઑફ ટ્રસ્ટીના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. જીવનના અંત સુધી કસ્તુરીરંગન સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ રાજસ્થાન અને NIIT યુનિવર્સિટીના ચાન્સેલર હતા. એક સમયના તેઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ચાન્સેલર અને કર્ણાટક જ્ઞાન આયોગના અધ્યક્ષ પણ હતા. તેઓ રાજ્યસભાના (2003-09) સભ્ય અને તત્સમયના આયોજન પંચ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ સભ્ય હતા. તેઓ 2004થી 2009 દરમિયાન નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ – બૅંગાલુરુના નિર્દેશક હતા.
રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કુલ 45 સંસ્થાઓ દ્વારા કસ્તુરીરંગનને વિવિધ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા છે. તેમાંના કેટલાક આ મુજબ છે. 2009માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસે વિક્રમ સારાભાઈ મેમોરિયલ ગોલ્ડ મેડલ, 2007માં ઇન્ટરનેશનલ એકૅડેમી ઑફ ઍસ્ટ્રૉનૉટિક્સ દ્વારા થિયોડોર વોન કર્મન ઍવૉર્ડ, 2003માં ઍસ્ટ્રૉનૉટિકલ સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા આર્યભટ્ટ ઍવૉર્ડ, 1999માં એચ. કે. ફિરોદિયા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા એચ. કે. ફિરોદિયા ઍવૉર્ડ ફોર એક્સેલન્સ ઇન સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી, 1997માં એમ. પી. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ દ્વારા ખગોળશાસ્ત્રમાં એમ.પી. બિરલા મેમોરિયલ ઍવૉર્ડ, 1983માં શાંતિ સ્વરૂપ ભટનાગર ઍવૉર્ડ, 1981માં સોવિયેત એકૅડેમી ઑફ સાયન્સીસ તરફથી ઇન્ટરકોસમોસ કાઉન્સિલ ઍવૉર્ડ તેમજ ભારત સરકારે કસ્તુરીરંગનને ત્રણ મુખ્ય નાગરિક પુરસ્કારોથી; પદ્મશ્રી (1982), પદ્મભૂષણ (1992) અને પદ્મવિભૂષણ (2002)-નવાજ્યા હતા. તેમજ બનારસ હિન્દુ યુનિવર્સિટી, આંધ્ર યુનિવર્સિટી, રૂરકી યુનિવર્સિટી, આઈ.આઈ.ટી. મુંબઈ, ઇગનૌ, યુનિવર્સિટી ઑફ કલકત્તા સહિત 27 યુનિવર્સિટીઓ તરફથી કસ્તુરીરંગનને માનદ ડૉક્ટરેટની પદવી મળી છે.
ચિંતન ભટ્ટ