કૃષ્ણવિજય (પંદરમી સદી) : કૃષ્ણની લીલા પર રચાયેલું પાંચાલી પ્રકારનું સૌથી પ્રાચીન બંગાળી કાવ્ય. રચયિતા માલાધર બસુ. મહાન કૃષ્ણભક્ત ચૈતન્યદેવે પોતાના શરૂઆતના જીવનમાં આ કાવ્યનું ગાન સાંભળ્યું હતું, તે પરથી એની લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે. ચૈતન્યદેવ આ કાવ્યથી પૂર્ણાંશે પરિચિત હોવાથી ઓરિસ્સામાં માલાધરના પુત્રો સાથે પ્રથમ મુલાકાત થઈ ત્યારે ઊર્મિવિવશ થઈ એમને ભેટી પડ્યા હતા. આ કાવ્યમાં કૃષ્ણની લીલા જોડે રામાયણનો પણ થોડો ભાગ સમાવી લેવામાં આવ્યો છે. ભક્તિ-ભાવ અને કવિની નિષ્ઠાને લીધે કાવ્ય અસાધારણ સ્તરનું બન્યું છે. છતાં સમગ્રતયા તે ભક્તિપરક હોવાને કારણે ભક્તો અને શિક્ષિત વર્ગ પૂરતું સીમિત રહ્યું હતું. આ કાવ્ય પૂરું કરવામાં સાત વર્ષ (1473-1480) લાગ્યાં હતાં.
ચન્દ્રકાન્ત મહેતા