કૃષ્ણમાચારી વી. ટી. રાવબહાદુર (સર) (જ. 8 ફેબ્રુઆરી 1881, વેંગલ; અ. 14 ફેબ્રુઆરી 1964, ચેન્નાઈ) : કુશળ વહીવટકર્તા તથા ભારતની બંધારણ સભાના પૂર્વ ઉપાધ્યક્ષ (1946-49). ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજ તથા લૉ કૉલેજમાં શિક્ષણ લીધું. 1903માં ચેન્નાઈ પ્રાંતની મુલકી સેવામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા. 1908-11 દરમિયાન કોચીન રાજ્યના મુખ્ય મહેસૂલી અધિકારી રહ્યા. 1916-19 દરમિયાન તત્કાલીન ચેન્નાઈ પ્રાંતના ઉપસચિવ તથા 1924-27 દરમિયાન સચિવના પદ પર કાર્ય કર્યું. તેમણે ત્રણે ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. સંયુક્ત સંસદીય પ્રવર સમિતિમાં પ્રાંતીય બંધારણ સેવાઓમાં સમવાયતંત્રની રચના તથા નાણા સમિતિના સભ્ય તરીકે તેમણે કાર્ય કર્યું હતું (1930-34). 1934-36 દરમિયાન રાષ્ટ્રસંઘની મહાસભા(General Assembly)માં ભારતીય પ્રતિનિધિ તરીકે હાજરી આપી. 1937માં ઇંગ્લૅન્ડના રાજવી છઠ્ઠા જૉર્જના રાજ્યારોહણ સમારંભમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા. 1940માં સેન્ટ્રલ એડ્વાઇઝરી બૉર્ડ ઑવ્ એજ્યુકેશન અને 1941માં ચેમ્બર ઑવ્ પ્રિન્સિસની મંત્રી પરિષદમાં નિમાયા. 1927-44 દરમિયાન વડોદરા રાજ્યના દીવાન તરીકે કાર્ય કર્યું. 1945માં સાન ફ્રાન્સિસ્કો પરિષદમાં ભારતીય પ્રતિનિધિ તથા સંયુક્ત રાષ્ટ્રસંઘની તૈયારી સમિતિ પર સેવા આપી. 1946માં સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રથમ મહાસભામાં ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે હાજર રહ્યા. બંધારણીય બાબતોના તે નિષ્ણાત ગણાતા હતા. 1947માં તેમની ભારતની બંધારણ સમિતિના ઉપાધ્યક્ષપદે વરણી થઈ હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે