કૃષ્ણન્, કારેઆમ્માનીકમ્ શ્રીનિવાસ (સર) (જ. 4 ડિસેમ્બર 1898, વત્રપ, રામનાડ જિલ્લો, તામિલનાડુ; અ. 14 જૂન 1961) : દિલ્હીની ‘રાષ્ટ્રીય ભૌતિકી પ્રયોગશાળા’(NPL)ના પ્રથમ નિયામક અને પ્રખર ભૌતિકશાસ્ત્રી. પ્રાથમિક શિક્ષણ તેમના જન્મસ્થળ વત્રપ ગામમાં, માધ્યમિક શિક્ષણ શ્રી વિલ્લીપુત્તુરની ‘હિંદુ હાઈસ્કૂલ’માં અને કૉલેજ શિક્ષણ ‘ક્રિશ્ચિયન કૉલેજ’ અને કોલકાતાની ‘યુનિવર્સિટી કૉલેજ ઑવ્ સાયન્સ’માં લીધું. અધ્યાપનકાર્યનો પ્રારંભ ‘ક્રિશ્ચિયન કૉલેજ’માં રસાયણશાસ્ત્રના નિદર્શક (demonstrator) તરીકે કર્યો. 1923માં કોલકાતાના ‘ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર કલ્ટિવેશન ઑવ્ સાયન્સ’માં વિશ્વવિખ્યાત વિજ્ઞાનના પ્રોફેસર ચંદ્રશેખર વેંકટ (સી.વી.) રામન સાથે સંશોધન મદદનીશ તરીકે જોડાઈ સંશોધનકાર્ય હાથ ધર્યું (1923-1928). સંશોધનનો વિષય હતો, પ્રવાહીના કણ તેમજ વાયુના રજકણો વડે નીપજતું પ્રકાશનું પ્રકીર્ણન (scattering of light), જે પાછળથી ‘રામન અસર’(Raman effect)ની શોધમાં પરિણમ્યું. [‘રામન અસર’માં ખૂબ ટૂંકી તરંગલંબાઈવાળા પારજાંબલી (ultraviolet) પ્રકાશનું કિરણજૂથ, ક્વાર્ટ્ઝના પાત્રમાં રાખેલા પ્રવાહી ઉપર આપાત કરી, લંબદિશામાં પ્રકીર્ણન પામતા પ્રકાશને તપાસતાં તેમાં મૂળ તરંગલંબાઈની સાથે બીજી તરંગલંબાઈનો પ્રકાશ પણ મિશ્રિત થયેલો જણાયો. પારજાંબલી પ્રકાશ પ્રવાહીના અણુઓ સાથે ઊર્જા-વિનિમય કરે છે તેને પરિણામે વધારાની તરંગલંબાઈઓ મળતી હોય છે. તેમનું વિશ્લેષણ કરવાથી પ્રવાહીના અણુબંધારણ વિશે સારી એવી માહિતી મળે છે. ‘રામન અસર’ કે ‘રામન પ્રકીર્ણન’ની આ શોધ માટે સર સી. વી. રામનને 1930માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.]
1929થી 1933 સુધી ઢાકા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના રીડર તરીકે કૃષ્ણને સેવા આપી. અહીં તેમણે સ્ફટિકના ચુંબકીય ગુણધર્મો ઉપર સંશોધન કાર્ય કર્યું; તેનાં પરિણામોને ‘Proceedings of Royal Society’માં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં અને તેમના સંશોધનને તુરત જ માન્ય ગણાવામાં આવ્યું. તે વખતથી જ તેમને ચુંબકીય ક્ષેત્ર તથા સ્ફટિકના બંધારણ-ક્ષેત્રે તેમજ પ્રકાશના પ્રકીર્ણન-ક્ષેત્રે વિશ્વખ્યાતિ મળી. કૉલકાતાના ‘ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર કલ્ટિવેશન ઑવ્ સાયન્સ’માં ‘મહેન્દ્રલાલ સરકાર રિસર્ચ પ્રોફેસર – સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ભૌતિકશાસ્ત્ર’ તરીકે જોડાઈને 1933થી 1942 સુધી સેવા આપી. 1936માં વૉર્સો(પોલૅન્ડ)ની ‘ફોટો લ્યુમિનિસન્સ ઉપર આંતરરાષ્ટ્રીય પરિષદ’ માટે આમંત્રણ મળ્યું. તે પછીના વર્ષે એટલે 1937માં લૉર્ડ રુધરફર્ડના આમંત્રણથી કેમ્બ્રિજની ‘કૅવેન્ડિશ પ્રયોગશાળા’માં, સર વિલિયમ બ્રૅગના આમંત્રણથી લંડનની ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ’માં તથા બેલ્જિયમની લીઝ યુનિવર્સિટીમાં વ્યાખ્યાનો આપ્યાં. લીઝમાં ‘લીઝ યુનિવર્સિટી ચંદ્રક’ વડે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. 1939માં વૉર્સો(પોલૅન્ડ)ની ચુંબકશાસ્ત્ર (magnetism) ઉપરની પરિષદમાં ‘ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટેલેક્ચ્યુઅલ કોઑપરેશન’ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. 1940માં ‘ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ’માં ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે તથા લંડનની ‘રૉયલ સોસાયટી ઑવ્ સાયન્સ’ના ફેલો તરીકે ચૂંટાયા હતા. 1942થી 1947 સુધી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તથા ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે નિમાયા. 1946માં અંગ્રેજ સરકારે ‘સર’ના ઇલકાબથી નવાજ્યા અને 1947માં દિલ્હીની NPLના પ્રથમ નિયામક તરીકેનો હોદ્દો સંભાળ્યો. 1949માં ‘ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ’ના અધિવેશનના અધ્યક્ષ (General President) તરીકે તેમની વરણી થઈ. 1954માં ભારત સરકારે ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માનિત કર્યા અને 1961માં તેમને પ્રથમ ‘સર શાંતિ સ્વરૂપ (S. S.) ભટનાગર મેમૉરિયલ ઍવૉર્ડ’ મળ્યો. પ્રકાશના પ્રકીર્ણનના અભ્યાસ ઉપરાંત પદાર્થના ચુંબકીય ગુણધર્મો ઉષ્માજનિત વીજાણુ ઉત્સર્જન (thermionic emission) તથા ઘન પદાર્થોને લગતી અન્ય ઘટનાઓમાં તેમનું યોગદાન નોંધપાત્ર છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ