કૃપાલાની, જીવતરામ આચાર્ય (જ. 11 નવેમ્બર 1888, હૈદરાબાદ [સિંધ]; અ. 19 માર્ચ 1982, અમદાવાદ) : મહાત્મા ગાંધીજીના શરૂઆતના અનુયાયીઓમાંના એક પ્રખર દેશભક્ત. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના પહેલી હરોળના નેતા અને સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પણ કરનાર, સત્તાથી દૂર રહેનાર, સેવાભાવી રાજપુરુષ.
જે. બી. (જીવતરામ ભગવાનદાસ) કૃપાલાનીએ મુંબઈની વિલ્સન કૉલેજ, કરાંચીની ડી. જે. સિંધ કૉલેજ અને પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. બંગભંગ આંદોલન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા બદલ તેમને વિલ્સન કૉલેજમાંથી અને કૉલેજના આચાર્યે હિંદીઓ પ્રત્યે ઉચ્ચારેલ અઘટિત શબ્દોના વિરોધમાં પડેલ હડતાળમાં સક્રિય ભાગ લેવા બદલ સિંધ કૉલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. એમ.એ. થયા બાદ તે મુઝફ્ફરપુરની (બિહાર) સરકારી કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે 1912માં જોડાયા હતા. 1917માં ચંપારણ્ય સત્યાગ્રહ વખતે નોકરી છોડીને અંગ્રેજ ગળી-ઉત્પાદકોના ખેડૂતો પરના અત્યાચારોની તપાસમાં તેમણે ગાંધીજીને મદદ કરી હતી. 1919–20 દરમિયાન બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે રહ્યા હતા. અસહકારની ચળવળના પ્રારંભમાં ગાંધીજીએ અમદાવાદમાં સ્થાપેલ ગૂજરાત વિદ્યાપીઠમાં તે આચાર્ય તરીકે જોડાયા (1923) અને ત્યાં 1927 સુધી રહ્યા. પછી તે આચાર્ય કૃપાલાની તરીકે જાણીતા થયા.
તે વિદ્યાર્થીજગતમાં અને સૌના હૃદયમાં અનોખું સ્થાન પામ્યા તેમાં તેમની સહૃદયતા, શિક્ષણપ્રેમ, સ્વતંત્ર મિજાજ અને સૌની સાથે તાદાત્મ્ય સાધવાની અનોખી પ્રતિભા કારણભૂત હતાં.
ગૂજરાત વિદ્યાપીઠનું આચાર્યપદ છોડીને તેમણે મેરઠમાં આશ્રમ સ્થાપ્યો અને તે દ્વારા ખાદી અને ગ્રામોદ્ધારનું કાર્ય મોટે પાયે ચલાવ્યું હતું. એક પળે આ આશ્રમ દ્વારા 700 ઉત્પાદનકેન્દ્રો 20,000 ગામડાંમાં શરૂ કરવામાં આવ્યાં હતાં, જેમાં સવા લાખ કાંતનારા કામે લાગ્યા હતા.
રાષ્ટ્રીય આંદોલન દરમિયાન તેમને અનેક વખત કારાવાસ ભોગવવો પડ્યો હતો. કૉંગ્રેસ મહાસમિતિએ ‘હિંદ છોડો’ ઠરાવ પસાર કર્યાના બીજા દિવસે (9–8–1942) તેમની નેતાઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
તે અગિયાર વર્ષ સુધી (1935થી 45) કૉંગ્રેસના મહામંત્રી અને ડિસેમ્બર 1946થી નવેમ્બર 1947 સુધી પ્રમુખ રહ્યા હતા. કૉંગ્રેસના મહામંત્રી રહ્યા તે દરમિયાન તેમણે અલ્લાહાબાદને પ્રવૃત્તિકેન્દ્ર બનાવ્યું હતું. હિંદના ભાગલા અંગે તેમણે કહ્યું હતું કે ‘આપણા દુર્ભાગ્યે આજે તેઓ (ગાંધીજી) જોકે નીતિઓ ઘડી આપી શકે છે પરંતુ તેનો અમલ મુખ્યત્વે બીજાઓએ કરવાનો હોય છે અને તેઓ એમના વિચારના હોતા નથી. આવા દુ:ખદ સંજોગોમાં મેં હિંદના ભાગલાને ટેકો આપ્યો છે.’
પક્ષની સંસદીય પાંખ પર સંગઠનના વર્ચસની બાબતે જવાહરલાલ અને સરદાર પટેલ સાથે મતભેદ થતાં તેમણે કૉંગ્રેસનું પ્રમુખપદ છોડ્યું હતું. 1950માં તેમણે કિસાન મજદૂર પ્રજા પક્ષની સ્થાપના કરી, જે 1953માં પ્રજા સમાજવાદી પક્ષમાં ભળી ગયો. તે 1954માં પક્ષથી છૂટા પડ્યા અને 1971 સુધીના સંસદીય જીવનમાં અપક્ષ રહ્યા હતા. તેમણે ભૂદાન-આંદોલનમાં પણ ભાગ લીધો હતો. મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જનતા સરકારના તે સમર્થક હતા.
1936માં તેમનું લગ્ન ડૉ. એસ. એન. મજુમદારની પુત્રી પ્રાધ્યાપિકા સુચેતા સાથે થયું હતું. બંનેનું લગ્નજીવન ખૂબ સુખી હતું. આચાર્યે ‘ભારતવર્ષ કી વિભૂતિયાં’ પુસ્તકની રચના કરી હતી અને સાપ્તાહિક ‘વિજિલ’નું સંપાદન કર્યું હતું.
જીવનની શરૂઆતમાં જહાલવાદી તરીકે પ્રખ્યાત બનેલા કૃપાલાની હંમેશાં સ્વતંત્ર મિજાજના અને તેજસ્વી ખુમારી ધરાવતા રહ્યા હતા. ગાંધીજીની ખૂબ નજીક રહેવા છતાં તે કહેવાતા ‘ગાંધીવાદ’ના કટ્ટર દુશ્મન રહ્યા. તેમણે ગાંધીજીને એક માનવ તરીકે જ પિછાન્યા. ગાંધી- વિચારક અને સમર્થક હોવાની સાથે તે તેના એક ભાષ્યકાર પણ બન્યા.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતની સરકારોના તે પ્રખર સમીક્ષક અને ટીકાકાર રહ્યા તેમાં તેમનો લોકશાહી માટેનો અનહદ પ્રેમ અને જાગ્રત નાગરિકત્વની હિમાયત કરતા રહ્યાં હતાં. તેમનાં તીખાં તમતમતાં પ્રવચનો વર્ષો સુધી લોકોના હૃદયમાં ગુંજતાં રહ્યાં.
અમદાવાદમાં તેમણે ગાળેલાં વર્ષો તે હંમેશાં યાદ કરતા અને જોગાનુજોગ અમદાવાદમાં જ તેમણે છેલ્લો શ્વાસ લીધો.
તેમણે લખેલાં પુસ્તકોમાં ‘નૉન વાયૉલન્ટ રિવૉલ્યૂશન’, ‘ધ ગાંધિયન વે’, ‘ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ’, ‘ધ ફેટફુલ ઇયર્સ’, ‘ધ પૉલિટિક્સ ઑવ્ ચરખા’, ‘ધ ફ્યૂચર ઑવ્ ધ ચરખા’, ‘ધ ફ્યૂચર ઑવ્ ધ કૉંગ્રેસ’, ‘ધ ગાંધીયન ક્રિટિક’ મુખ્ય છે.
ભાનુપ્રસાદ મ. ગાંધી