કૃપાલાની, સુચેતા (જ. 25 જૂન 1908, અંબાલા; અ. 1 ડિસેમ્બર 1974, દિલ્હી) : પ્રખર ગાંધીવાદી મહિલા નેતા અને રાજનીતિજ્ઞ. પિતા મેડિકલ ઑફિસર હતા. વીમેન્સ કૉલેજ, લાહોરમાંથી સ્નાતકની પદવી તથા સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હીમાંથી એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. શિક્ષક તરીકે વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી તથા ત્રણ વર્ષ સુધી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપન કર્યું. શરૂઆતમાં રશિયન ક્રાંતિથી પ્રભાવિત થયાં હતાં. પરન્તુ પાછળથી ગાંધીવાદી વિચારસરણીના સંનિષ્ઠ હિમાયતી બન્યાં. રાષ્ટ્રીય કૉંગ્રેસના સભ્ય તરીકે રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો તથા તેની મહિલા પાંખના સ્થાપક મંત્રી બન્યાં. 1940માં બે વર્ષની એકાંત કારાવાસની સજા થઈ. કસ્તૂરબા ટ્રસ્ટના સ્થાપક મંત્રી તરીકે કાર્ય કર્યું. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે દેશમાં વ્યાપક પ્રમાણમાં કોમી તોફાનો થયાં ત્યારે કોમી એકતા તથા શાંતિ સ્થાપવા જ્યારે ગાંધીજીએ નોઆખાલીનો પ્રવાસ ખેડ્યો ત્યારે સુચેતા કૃપાલાની તેમની સાથે પ્રવાસમાં જોડાયાં. 1947માં કૉંગ્રેસ કાર્યકારિણીનાં સભ્ય તથા 1959માં સામાન્ય મંત્રી નિમાયાં. 1963માં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી બન્યાં. 1962ના ચીની આક્રમણ પછી તિબેટના નિર્વાસિતો માટે રાહત સમિતિ તથા નવી દિલ્હી ખાતે લોકકલ્યાણ સમિતિની સ્થાપના કરી.

સુચેતા કૃપાલાની

ગાંધીવાદના સંનિષ્ઠ હિમાયતી તરીકે પાયાની કેળવણી તથા ગૃહઉદ્યોગોના વિકાસ પર તેમણે સતત ભાર મૂક્યો હતો.

1936માં આચાર્ય જે. બી. કૃપાલાની સાથે તેમનાં લગ્ન થયાં હતાં. આચાર્ય કૃપાલાનીએ કૉંગ્રેસ તજી અને વિરોધી મોરચો ઊભો કરવા માટે કૃષક મજદૂર પ્રજા પાર્ટી(K.M.P.P.)ની સ્થાપના કરી છતાં સુચેતા કૃપાલાની છેક સુધી કૉંગ્રેસ પક્ષની સાથે જ રહ્યાં હતાં.

સુચેતાએ અમેરિકા (1949), જર્મની (1952) તથા સોવિયત સંઘનો પ્રવાસ ખેડ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે