કૃપાનિવાસ (જ. 1750 – અ.–) : રામોપાસનાના પ્રમુખ આચાર્ય. કૃપાનિવાસ શૃંગારી દ્રવિડ દેશ(દક્ષિણ ભારત)માં ઈ. સ. 1750ની આસપાસ પ્રગટ થયા હતા. તેમના પિતાનું નામ સીતાનિવાસ અને માતાનું નામ ગુણશીલા હતું. તેઓ શ્રીરંગના ઉપાસક હતા. બાળપણમાં રામાનુજીય વૈષ્ણવ સંત આનંદ-વિલાસ પાસે દીક્ષિત થયા અને પંદર વર્ષની વયે ઘરબાર છોડી વિરક્ત થયા. ત્યાંથી ઉત્તરમાં મિથિલામાં આવી રસિક (સંપ્રદાયની) ભાવનાનો આશ્રય લીધો. ચારેય ધામોની પદયાત્રા કરીને રેવાસા(જયપુર)ની અગ્રદાસ આચાર્યપીઠમાં અને ત્યાંથી અયોધ્યા જઈને એક વર્ષ સુધી સીતાકુંડ પર નિવાસ કર્યો. થોડો વખત ઉજ્જૈનમાં રહ્યા પછી ચિત્રકૂટમાં કાયમી નિવાસ કર્યો. ચિત્રકૂટમાં સ્ફટિકશિલા પાસે એમનો સાકેતવાસ થયો.
કૃપાનિવાસ-રચિત છંદોની સંખ્યા લાખથી પણ વધુ હોવાનું કહેવાય છે, પરંતુ એમણે રચેલા 24 ગ્રંથોમાં 25 હજાર જેટલા છંદો પ્રાપ્ત થાય છે. ‘ગુરુમહિમા’, ‘પ્રાર્થના શતક’, ‘લગન પચીસી’, ‘યુગલ માધુરી પ્રકાશ’, ‘ભાવના શતક’, ‘અનન્ય ચિંતામણિ’, ‘સમયપ્રબંધ’, ‘નિત્યસુખ’, ‘રહસ્યોપાસ્ય’, ‘વર્ષોત્સવ પદાવલિ’, ‘રૂપરસામૃતસિંધુ’, ‘રસસાર’, ‘રહસ્ય પદાવલી’, ‘સિદ્ધાંત પદાવલિ’, ‘સંપ્રદાય-નિર્ણય’ વગેરે રચનાઓના સ્વાધ્યાયથી જણાય છે કે કૃપાનિવાસ પોતે રૂપાસક્ત રામભક્ત હતા. તેમનું મોટા ભાગનું સાહિત્ય સાંપ્રદાયિક છે. એમાં કવિત્વની અપેક્ષાએ સિદ્ધાંત નિરૂપણ વિશેષ છે. ભાષા અવધી છે અને એમાં પંજાબી અને રાજસ્થાની શબ્દો છૂટથી પ્રયોજાય છે.
પ્રવીણચંદ્ર પરીખ