કૃત્રિમ બીજદાન (આયુર્વિજ્ઞાન) (artificial insemination) : સ્ત્રીના જનનમાર્ગમાં જાતીય સંભોગ સિવાય અન્ય રીતે શુક્રકોષોને દાખલ કરવાની પ્રક્રિયા. તેને કૃત્રિમ શુક્રનિવેશન કે કૃત્રિમ વીર્યસિંચન પણ કહે છે. તબીબીશાસ્ત્રમાં વંધ્યતા(infertility)ની સારવારમાં હાલ તેનો શાસ્ત્રીય રીતે ઉપયોગ કરાય છે. જ્યારે પતિના વીર્ય-(semen)માં અપૂરતા શુક્રકોષ હોય અથવા શુક્રકોષ ન હોય ત્યારે કૃત્રિમ બીજદાન ગર્ભાધાન માટે ઉપયોગી હોય છે. તેના શાસ્ત્રીય રીતે સ્વીકારાયેલા ઉપયોગો નીચેની સારણીમાં દર્શાવ્યા છે.
સારણી : કૃત્રિમ શુક્રનિવેશનના ઉપયોગો
(1) | શુક્રકોષનાશ (necrospermia). |
(2) | અલ્પશુક્રકોશતા (oligospermia) અને લાંબાગાળાની વંધ્યતા. |
(3) | શુક્રકોષ સામે કામ કરતાં પ્રતિદ્રવ્યો(antibodies)નું નિર્દેશન. |
(4) | અસ્વીકાર્ય આનુવંશિક (વારસાગત) કે જનીની (genetic) રોગોની સંભાવના. |
(5) | ક્યારેક સ્ત્રીની ગર્ભાશયગ્રીવાના રોગ. |
તેની યથાર્થતા અંગે તેમજ સામાજિક અને નૈતિક મૂલ્ય અંગે ઘણા વિવાદો થયેલા છે. હાલ કેટલાક દેશોમાં તેના નિયંત્રણ માટે કાયદા ઘડાયેલા છે. પ્રાણીઓની ઓલાદ સુધારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
કૃત્રિમ શુક્રનિવેશન બે પ્રકારનું છે : (1) દાતા-શુક્રનિવેશન અને (2) પતિ-શુક્રનિવેશન. દાતા-શુક્રનિવેશનની પ્રક્રિયામાં સ્ત્રી તથા તેના પતિથી અજ્ઞાત દાતાના વીર્યનો ઉપયોગ કરાય છે. આવા સમયે દાતાને પણ સ્વીકારક સ્ત્રી કે દંપતી વિશે જાણકારી થવા દેવાતી નથી. આમ, સમગ્ર પ્રક્રિયા તબીબ પૂરતી ગોપનીય રખાય છે. જ્યારે પતિના શુક્રકોષોનો જ ઉપયોગ કરાય છે ત્યારે તેને પતિ-શુક્રનિવેશન કહે છે. સમગ્ર પ્રક્રિયા માટે સ્ત્રી, તેના પતિ તથા દાતાની લેખિત અને વિગતે સંમતિ(informed consent)ની જરૂર ગણાય છે. સમગ્ર પ્રક્રિયાની ગોપનીય નોંધ રખાય છે. તેને કારણે જન્મતા બાળકના જન્મના દાખલામાં પિતાનું શું નામ જણાવવું તે માટે જુદા જુદા દેશોમાં કાયદાકીય સુસંગતતા નથી. આ પ્રવૃત્તિ માટેના વીર્યદાનનો વિક્રય થઈ શકે કે નહિ તે અંગે પણ જુદા જુદા દેશોમાં જુદી જુદી પરિસ્થિતિ છે. સંગૃહીત વીર્ય લાંબા સમય સુધી ક્રિયાશીલ રહે છે અને તેથી તેના સંગ્રહની જવાબદારી અને માલિકી અંગે પણ કાયદાકીય સ્થિતિ સુસ્પષ્ટ હોય એ ઇચ્છવા યોગ્ય છે. જુદા જુદા દાતાના વીર્યનું મિશ્રણ કરીને ‘જનીનીય ગૂંચવણ’ કરી શકાય કે નહિ તે પણ મહત્વનો મુદ્દો છે. જોકે તબીબી ગોપનીયતા અને વિશ્વસનીયતાને કારણે તથા જાહેરાતથી થતા સામાજિક પ્રશ્નોને કારણે ઘણા ઓછા કાયદાકીય વિવાદો નોંધાયા છે.
દાતા : ઉચ્ચ કોટિનું વીર્ય મળ્યું હશે એવો સ્વીકારકોને વિશ્વાસ હોય એવું જરૂરી છે. તેથી યોગ્ય જનીની બંધારણ, ગર્ભાવસ્થાની વધુ શક્યતા તથા જોખમી કોઈ તકલીફ ન થાય તે જરૂરી ગણાય છે. દાતા જે-તે જાતિ(race)નો જ હોય, તેનો રંગ અને તેનું કદ સ્વીકારક દંપતીનાં રંગ અને કદ સાથે મેળ ખાતા હોય, શુદ્ધ પૂર્વજીવનવાળો હોય, તેનું લોહીનું જૂથ મેળ ખાતું હોય, શુદ્ધ ચારિત્ર્યનો તથા ઈશ્વરદત્ત શક્તિનો સુયોગ્ય ઉપયોગ કરવામાં માનતો હોય, કોઈ માનસિક કે આનુવંશિક રોગથી પીડાતો ન હોય, સ્વીકારક દંપતીને જાણતો ન હોય તથા તેમના સંપર્કમાં આવવાની શક્યતા ધરાવતો ન હોય, સુડોળ દેખાવનો હોય, તેનામાં કોઈ સંક્રામક (transmissible) ચેપી રોગ (દા.ત., એઇડ્ઝ) તથા અન્ય વિષાણુજન્ય રોગો તેમજ અન્ય ચેપી રોગો ન હોય એટલી બાબતો ધ્યાનમાં રખાય છે. ક્યારેક ક્યારેક સગા-સંબંધીનું વીર્ય પણ લેવામાં આવે છે. દાતાની સંપૂર્ણ તબીબી તપાસ કરવી હિતાવહ ગણાય છે. જોકે પ્રચ્છન્ન (recessive) પ્રકારના વારસાગત રોગની શક્યતા નિવારી શકાતી નથી. એઇડ્ઝની શક્યતા પૂરેપૂરી નાબૂદ કરવી હોય તો વીર્યને 6થી 12 મહિના સંગૃહીત કરાય છે અને તે સમયગાળા દરમિયાન દાતા એઇડ્ઝ માટેની પ્રતિજન-કસોટીઓમાં પણ રોગમુક્ત છે એવું દર્શાવાય છે. દાતાના વીર્યની ફલનશીલતા માટે કેટલાક નિષ્ણાતો શુક્રકોષોની સાંદ્રતા, ચલનશીલતા (motility) અને દેખાવનો દર ત્રીસમા સેન્ટાઇલ જેટલો હોય એવું સૂચવે છે. વીર્યદાનની સંખ્યા અને તે ક્યારે કરવું તે વ્યક્તિગત કિસ્સા પર આધારિત છે.
સ્વીકારકો : જુદા જુદા દેશોમાં તેની માંગનું પ્રમાણ જુદું જુદું હોય છે. સ્વીકારક દંપતી અંગે બે બાબતો મહત્ત્વની છે : (1) તેમની પ્રજનનક્ષમતા અને (2) કૃત્રિમ શુક્રનિવેશન માટેની સામાન્ય સરળતા. સ્ત્રીની પ્રજનનક્ષમતા સામાન્ય હોય અને તેનો પતિ તે માટે સક્ષમ ન હોય અથવા તેને કારણે કોઈ જનીનીય કે વારસાગત રોગની શક્યતા હોય તો કૃત્રિમ શુક્રનિવેશન કરાય છે. પતિના શુક્રકોષોની ફલનશીલતા અંગે પૂરેપૂરી માહિતી મેળવવી આવશ્યક છે. કૃત્રિમ શુક્રનિવેશન કરતાં પહેલાં સ્ત્રીના અંડકોશમોચન(ovulation)નો સમય નિર્ધારિત કરવા 2-3 ઋતુસ્રાવચક્રોનો અભ્યાસ કરાય છે. સ્વીકારક દંપતીનું લગ્ન કાયદેસરનું થયેલું હોય તે આવશ્યક ગણાય છે. તેમનું દાંપત્યજીવન સુમેળભર્યું હોવું જોઈએ તથા સ્ત્રીની ઉંમર 21 વર્ષ કે વધુ હોય એ જોવાનું રહે. સ્વીકારક સ્ત્રીને કોઈ મહત્વનો રોગ ન હોય તે પણ નિશ્ચિત કરી લેવાય છે.
વીર્ય–સંગ્રહ : વિશ્વમાં મોટાભાગનાં સ્થળોએ તાજું વીર્ય વાપરવાની સવલત નથી. જોકે તાજા વીર્યના ઉપયોગમાં સફળતાની શક્યતા વધુ રહે છે. સંક્રામક જાતીય રોગોનો ભય પણ તેમાં વધુ રહેલો હોય છે. પોગ્લેએ 1949માં વીર્યના શીતસંગ્રહ(cryopre-servation)ની પદ્ધતિ વિકસાવી છે. ગ્લિસરોલ કે તેને બદલે મંદ ફોર્માલ્ડીહાઇડ શર્કરાઓ અને ડાઇમિથાઇલ સલ્ફોક્સાઇડ પણ વપરાય છે, પરંતુ તે ગ્લિસરોલથી વધુ સારા સાબિત થયેલા નથી. શીતકરણની વિવિધ પદ્ધતિઓ પણ વિકસેલી છે. તે બધી એકસરખી અસરકારક છે. વીર્યને પ્રવાહી નાઇટ્રોજનની મદદથી – 96o સે. તાપમાન સુધી ઠંડું પાડવામાં આવે છે. શીતકરણની શરૂઆતમાં શુક્રકોષો શીતકરણ-આઘાત અનુભવે છે અને કેટલાંકમાં એક્રોસોમ નામની અંગિકાને નુકસાન પહોંચે છે. તે કદાચ તેમની ફલનશીલતાને પણ અસર કરે છે. વીર્યને રાખવાના સંગ્રહદ્રવ્યમાં ગ્લિસરોલ, પોષકદ્રવ્યો, pH સંતુલકો (buffers) તથા શુક્રકોષની ચલનશીલતા પાછી લાવે તેવા ઈંડામાંના લાયપોપ્રોટિન હોય છે. વીર્યને જ્યારે પાછું ઓરડાના તાપમાને લાવવામાં આવે ત્યારે પણ શુક્રકોષને ઈજા થાય છે. વીર્યને 0.25 મિલિ. અથવા 0.5 મિલિ.ની પ્લાસ્ટિકની પોલી નળીઓમાં રાખવામાં આવે છે.
શુક્રનિવેશન : શરીરમાંના અંત:સ્રાવના સ્તરની નોંધ કરીને, શારીરિક તાપમાનની નોંધ કરીને અને અથવા ગર્ભાશયગ્રીવાના શ્લેષ્મ(cervical mucus)નો અભ્યાસ કરીને અંડકોશની મુક્તિનો સમય નક્કી કરાય છે અને પછી શુક્રનિવેશન કરાય છે. જોકે સૌથી ચોક્કસ પદ્ધતિ પીતપિંડકારી અંત:સ્રાવ(luteinising hormone, LH)નું સ્તર જોવાની છે. જો તાજું વીર્ય વપરાયું હોય તો શુક્રકોષોનો લાંબો જીવનકાળ હોવાથી, અંડકોશમુક્તિનો સમય નિશ્ચિત કરવામાં ચોક્કસાઈ ઓછી રાખી શકાય છે.
મુખ્ય બે પદ્ધતિઓ દ્વારા વીર્યનું સિંચન કરાય છે : ગર્ભાશયગ્રીવા-યોનિ પદ્ધતિમાં વીર્યને ગર્ભાશયગ્રીવા(uterine cervix)ના મુખ પર છાંટવામાં આવે છે અને બાકીના વીર્યને યોનિમાં મૂકવામાં આવે છે. બીજી પદ્ધતિમાં ગ્રીવાટોપ(cervical cap)નો ઉપયોગ કરીને વીર્યનો સંપર્કકાળ વધારી શકાય છે. હાલ સીધેસીધું ગર્ભાશયના પોલાણમાં વીર્ય દાખલ કરવાની પદ્ધતિ પણ વિકસી છે ને ગર્ભાશયગ્રીવાના રોગોમાં ઉપયોગી છે. વળી તેને કારણે અંડકોશના ફલનની શક્યતા વધે છે. દર ઋતુસ્રાવચક્રમાં એકાંતરે દિવસે એમ ઓછામાં ઓછા બે દિવસ વીર્યસિંચન કરાય છે. 60-70 % કિસ્સામાં સગર્ભાવસ્થા થાય છે. તે માટે 10-12 ઋતુસ્રાવચક્રો સુધી આ પ્રક્રિયા કરવી પડે છે. આમ તે વારંવાર કરવી પડતી અને કંટાળાજનક પ્રક્રિયા છે.
પતિ–શુક્રનિવેશન : દાતા-શુક્રનિવેશન કરતાં પતિ-શુક્રનિવેશન પછી સફળતાનો દર વધુ રહેલો હોય છે. સંતતિની જાતિ (લિંગ) નિશ્ચિત કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. નબળા કે ઓછા શુક્રકોષો હોય તોપણ મોટાભાગના પુરુષોના વીર્યમાં અમુક ટકા તો કાર્યશીલ શુક્રકોષો હોય છે અને તેથી પતિ-શુક્રનિવેશન વડે સગર્ભાવસ્થાની શક્યતા વધારી શકાય છે. આ જ રીતે બંને પગમાં લકવો થયો હોય તેવા પુરુષમાં વીજ-બહિર્ક્ષેપ (electro-ejaculation) કે નીઓસ્ટીમિનની મદદથી વીર્યસ્રાવ કરાવીને પતિ-શુક્રનિવેશન કરાવવાના પ્રયોગો થયા છે. પુરુષ-નસબંધી પહેલાં પતિનું વીર્ય સંપાદિત કરીને તેનો સંગ્રહ કરવાનું પણ શક્ય બનેલું છે. આવી રીતે પતિના મૃત્યુ પછી પણ તેના વીર્યનો ઉપયોગ કરી શકાય એવી સંભાવના ઊભી થઈ છે.
પ્રકાશ પાઠક
અનુ. શિલીન નં. શુક્લ