કૃત્રિમ જળાશયો : પાણીના કુદરતી સ્રોતથી દૂર આવેલા પ્રદેશમાં પાણીનો સંગ્રહ કરવા માટે તૈયાર કરેલાં જળાશયો. વરસાદનું પાણી સંગ્રહી રાખવાનાં તથા ભૂગર્ભપાણી મેળવવા માટેનાં જળાશયો વિશ્વવ્યાપી છે.

કૃત્રિમ જળાશયોના પ્રથમ વિભાગમાં તળાવો, ટાંકાં અને નહેરોનો સમાવેશ થાય છે. ભારતમાં વરસાદનાં વહી જતાં પાણીના માર્ગમાં આડબંધ અર્થાત્ સેતુ બાંધીને તળાવો તૈયાર કરવામાં આવે છે. જમીનના ઢોળાવો પ્રમાણે આ બંધ પાણીની ઊપજ ખુલ્લી રાખીને પાણી સંગ્રહવા માટે વહી જતું પાણી રોકાય તે રીતે એક બાજુ અથવા ચારે બાજુ બાંધવામાં આવે છે. આવતાં પાણી સાથે વહી આવતા કાદવ-કચરાને ઠારીને ચોખ્ખું પાણી તળાવમાં આવે, પાણીના પ્રવાહના વેગથી પાળ તૂટે નહિ અને વધારાનું પાણી બહાર નીકળી જાય તેવી વ્યવસ્થાવાળાં તળાવો બે-પાંચ સદી સુધી કામ આપતાં હતાં અને તેનો જીર્ણોદ્ધાર થતાં તે હજાર વર્ષ કરતાં વધારે વર્ષો કામ આપતાં રહ્યાં છે. તળાવની પાળથી પાણી સુધી પહોંચવા માટે ઓવારા કે ઘાટ બાંધવામાં આવે છે.

અડાલજની વાવ

એક તળાવ ઊભરાય અને તેનું પાણી નકામું ન જાય તે માટે ઘણી જગાએ પાણીનાં વહેણ પર એક કરતાં વધારે તળાવો બાંધીને પાણીનો સંચય કરવામાં આવતો.

મોટાં મકાનો પર પડતાં પાછોતરા વરસાદનાં પાણી ખાસ કરીને ભાદરવા માસમાં મકાનના ભૂગર્ભમાં ટાંકાં બાંધીને ભરી રાખવામાં આવતાં. એ પાણીનો રાંધવા તથા પીવા માટે ઉપયોગ થતો. આખું વર્ષ કે વધારે વખત ચાલે એવાં મોટાં ટાંકાં તૈયાર કરવામાં આવતાં.

જમીનની નીચેના પાણીનો ઉપયોગ કરવા માટે કૂવા, વાવ, કૂંડી વગેરેની રચના થતી. તેમાં વિવિધ કદના ગોળ અને ક્વચિત્ ચોરસ કૂવાઓ ખોદીને તેના પાણીનો ઉપયોગ થતો. લાંબો વખત ચાલે તેવા કૂવાની બાજુ ચણીને તે કૂવાને દીર્ઘજીવી બનાવવામાં આવતો. તેની બહાર પાણી કાઢીને તેનો સંચય કરવા માટે જરૂર પ્રમાણે હવાડા, ટાંકાં આદિ બાંધવામાં આવતાં અને નહેર મારફતે તે પાણી બીજે સ્થળે મોકલવામાં આવતું.

વાવ અને પાણીની સપાટી સુધી ઊતરી શકાય તેવી વ્યવસ્થાવાળો કૂવો છે. વાવના ઘણા પ્રકારોમાં તેમાં ઊતરવાના માર્ગો અને પગથિયાંની રચના વચ્ચે ભેદ જોવામાં આવે છે.

વાવ કરતાં મોટાં અને ચારે તરફથી પાણીની સપાટી સુધી ઊતરી શકાય તેવાં કૃત્રિમ જળાશયો કુંડ છે. આ શબ્દ ઘણી વાર કુદરતી જળાશયની આજુબાજુ થયેલી કૃત્રિમ રચનાને માટે પણ વપરાય છે.

ર. ના. મહેતા