કૃત્રિમ બીજદાન (પશુવિજ્ઞાન)

January, 2008

કૃત્રિમ બીજદાન (પશુવિજ્ઞાન)

સારા નરનું વીર્ય મેળવી, તેની ચકાસણી કરી, વેતરે આવેલ માદાના ગર્ભાશયમાં મૂકવાની રીત. પશુસંવર્ધનની આ પદ્ધતિ સદીઓ પુરાણી છે અને દિન-પ્રતિદિન તેમાં ઘણા સુધારા થતાં આજે વિશ્વભરમાં પશુપ્રજનનક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે.

ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ગાયો-ભેંસોનું સરેરાશ દૂધ-ઉત્પાદન દેશની જરૂરિયાત કરતાં અને બીજા વિકસિત દેશોની ગાયોની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. આનું મુખ્ય કારણ વ્યવસ્થાકીય ક્ષતિઓ તથા નબળા આનુવંશિક ગુણો અને ઓછી ઉત્પાદનક્ષમતા તથા નબળી પ્રજનનક્ષમતા ધરાવતી પશુ-ઓલાદો છે. આથી હાલમાં ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા દેશી તેમજ પરદેશી ઓલાદનાં સિદ્ધ અને પ્રમાણિત (progeny tested) સાંઢ-પાડા તથા ઘેટાંના થિજાવેલ વીર્ય દ્વારા કૃત્રિમ બીજદાનથી શુદ્ધ તેમજ સંકરસંવર્ધન કરી પશુઓલાદો સુધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ માટે નરની પસંદગીનું મહત્વ ઘણું જ છે. કૃત્રિમ બીજદાન પદ્ધતિ દુનિયાભરમાં ખૂબ જ પ્રચલિત અને આવકારદાયક બની છે.

ફ્રાંસમાં કૃત્રિમ બીજદાનનો સર્વપ્રથમ ઉપયોગ ત્યાંના પશુચિકિત્સક રેપીકવેટે 1890માં પશુવંધ્યત્વની સારવાર માટે કર્યો હતો. 1899માં રશિયન વૈજ્ઞાનિક ઇવાનોફે કૃત્રિમ બીજદાનની શરૂઆત ઘોડાથી કરી અને 1930 સુધીમાં તેઓએ તેનો ઉપયોગ ગાયો તથા ઘેટાંના સંવર્ધન માટે પણ વિકસાવ્યો. 1914માં એમાન્ટીઆ નામના ઇટાલીના વૈજ્ઞાનિકે શ્વાન, કૂકડા અને કબૂતરના શુક્રકોષ વિશે સંશોધનો કર્યાં અને શ્વાનનું વીર્ય પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ કૃત્રિમ યોનિની રચના પણ કરી. આ પછી કૃત્રિમ બીજદાન પદ્ધતિનો ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ થતો રહ્યો છે અને ઘણા વિકસિત દેશોમાં સહકારી સંઘના ધોરણે આ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. આમ હાલમાં વિશ્વના મોટાભાગના વિકસિત અને વિકાસશીલ દેશોમાં પશુસંવર્ધન માટે આ પદ્ધતિ પૂરેપૂરી અપનાવવામાં આવી છે.

ભારતમાં કૃત્રિમ બીજદાન પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ ડૉ. સમ્પથકુમારને 1939માં પૅલેસ ડેરી ફાર્મ, મૈસૂરમાં કર્યો હતો. ત્યારબાદ 1942માં ભારતીય પશુચિકિત્સા અનુસંધાન સંસ્થાન, ઇજતનગર ખાતે કૃત્રિમ બીજદાનનાં વિવિધ પાસાં ઉપર પદ્ધતિસર સંકલિત સંશોધન ત્યાંના વડા ડૉ. પી. ભટ્ટાચાર્યના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું તથા દેશમાં કોલકાતા, બૅંગલોર, નાગપુર અને લાહોર ખાતે અન્ય ચાર પ્રાદેશિક કેન્દ્રો ખોલવામાં આવતાં આ પદ્ધતિની ઉપયોગિતા પુરવાર થઈ. કૃત્રિમ બીજદાનથી ભેંસના પ્રથમ બચ્ચાનો જન્મ કૃષિ સંસ્થાન, અલ્લાહાબાદ ખાતે ઑગસ્ટ 1943માં થયો હતો. આ ઉપરાંત પ્રથમ પંચવર્ષીય યોજનાના ભાગ રૂપે 1955માં ભારત સરકારે અન્ન અને કૃષિ સંગઠન(FAO)ના નિષ્ણાત પ્રૉ. નીલ્સ લૅગરલોફની સલાહ મુજબ ‘કી વિલેજ સ્કીમ’ની રચના કરી, પરંતુ પ્રારંભિક તબક્કે કૃત્રિમ બીજદાન દ્વારા શુદ્ધ સંવર્ધનની આ યોજનાથી પ્રજનન અને દૂધ-ઉત્પાદનક્ષેત્રે ખૂબ જ ધીમી પ્રગતિ થતાં સરકારે ઘનિષ્ઠ પશુસુધારણા યોજના હેઠળ સંકરસંવર્ધનનો કાર્યક્રમ અપનાવ્યો. ગુજરાતમાં આ પદ્ધતિનો અમલ સર્વપ્રથમ 1951માં સૂરત જિલ્લાના બારડોલી તાલુકામાં થયો હતો. આજે દેશભરમાં અસંખ્ય કૃત્રિમ બીજદાન-કેન્દ્રો સ્થપાયાં છે અને તેનું કાર્ય મુખ્યત્વે ગાયો-ભેંસો પરત્વે ઘણું વિકાસ પામ્યું છે.

વળી 1949માં પોલ્જ અને સાથીદારો દ્વારા ઇંગ્લૅન્ડમાં ગ્લિસરીન વાપરીને વીર્ય થિજાવવાની રીતની આકસ્મિક શોધ થતાં આ પદ્ધતિને ક્રાંતિકારી વેગ મળ્યો. તેનાથી વીર્યસંગ્રહનો પ્રશ્ન ઘણો હલ થઈ ગયો. થિજાવેલ વીર્ય એટલે સૂકા બરફ અને મદ્યાર્કમાં -79o સે. તાપમાને અથવા પ્રવાહી નાઇટ્રોજનને ઠારક તરીકે વાપરતાં -196o સે. તાપમાને સંગૃહીત વીર્ય. વીર્ય થિજાવવાના અખતરા ભારતમાં સર્વપ્રથમ ઇજતનગર અને બૅંગલોર ખાતે અનુક્રમે 1956 અને 1960માં હાથ ધરવામાં આવેલા. જોકે પદ્ધતિસર વીર્ય થિજાવવાનું કાર્ય તથા તેનો સફળતાપૂર્વક બીજદાનમાં ઉપયોગ ઇન્ડો-સ્વિસ પ્રૉજેક્ટ, કેરળ ખાતે 1965થી શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છેલ્લા ત્રણેક દાયકાથી દેશભરમાં વિદેશી સહયોગ દ્વારા ઇન્ડો-ન્યૂઝીલૅન્ડ, ઇન્ડો-ડૅનિશ, ઇન્ડો-ઑસ્ટ્રેલિયન, ઇન્ડો-જર્મન જેવી થિજાવેલ વીર્યની બૅંકોની સ્થાપના થતાં પશુસુધારણાક્ષેત્રે દેશમાં હરણફાળ ભરી શકાઈ છે. વળી શ્વેત ક્રાંતિના યુગમાં થિજાવેલ વીર્યથી કૃત્રિમ બીજદાન દ્વારા પશુસંવર્ધનની રીત પશુપાલકોમાં અતિલોકપ્રિય બની છે અને કુદરતી સમાગમ કરતાં આ પદ્ધતિ દ્વારા ઘણાં સારાં પરિણામો હાંસલ થયાં છે. જોકે કૃત્રિમ બીજદાન પદ્ધતિના અનેક ફાયદા સામે અમુક મર્યાદાઓ પણ રહેલી છે, જે ધ્યાનમાં રાખવી અતિ આવશ્યક છે.

કૃત્રિમ બીજદાનના ફાયદા : (1) કૃત્રિમ બીજદાનથી સારી ગુણવત્તાવાળા સાંઢ-પાડાનો બહોળો ઉપયોગ કરી કુદરતી સમાગમની સરખામણીમાં 125થી 150 ગણી વધુ સંખ્યામાં ગાયો-ભેંસોને ફલિત કરી શકાઈ છે.

સામાન્ય રીતે એક સાંઢ કે પાડો કુદરતી સમાગમ દ્વારા એક વર્ષમાં 60થી 70 બચ્ચાં પેદા કરી શકે છે પરંતુ કૃત્રિમ બીજદાન પદ્ધતિથી તે જ સાંઢ-પાડાના થિજાવેલ વીર્યના વર્ષે 8,000થી 15,000 જેટલા ડોઝ પેદા કરી લગભગ 100થી 150 ગણી વધુ ઓલાદ પેદા કરી શકાય છે.

(2) આથી મધ્યમ અને નાના પશુપાલકોને નબળા સાંઢ-પાડાનો નિભાવ-ખર્ચ કરવાની કે થોડાં જાનવરો માટે બહુ કીમતી સાંઢ ખરીદવાની જરૂર રહેતી નથી. બદલામાં બે-ત્રણ ગાયો કે ભેંસો નિભાવીને તે ઉત્પાદનનો લાભ મેળવી શકે છે.

(3) આ પદ્ધતિમાં ઘણી ઓછી સંખ્યામાં પસંદગી કરેલ સારા સાંઢ-પાડાનો નાની વયે બહોળો ઉપયોગ કરી તેમનું સંતતિ-પરીક્ષણ ઝડપથી કરી શકાય છે. તેને કારણે પ્રાણીની ઓલાદમાં ઝડપી સુધારો અને પ્રજનનક્ષમતા તથા ઉત્પાદનક્ષમતામાં વધારો શક્ય બન્યો છે.

(4) પ્રાણીનાં જનનાંગોના મૈથુનજન્ય ચેપી રોગો જેવા કે બ્રુસેલોસીસ, વીબ્રીઓસીસ, ટ્રાઇકોમોનીઆસીસ વગેરે પર અંકુશ લાવી તેનો ફેલાવો અટકાવી શકાય છે, કારણ કે આ પદ્ધતિમાં નર અને માદાનો સીધેસીધો સંપર્ક જરૂરી નથી તથા પસંદગી પામેલ નર આવા રોગોથી મુક્ત હોય છે.

(5) આ પદ્ધતિ દ્વારા ઉત્તમ સાંઢ-પાડાના થિજાવેલ વીર્યથી ગાય-ભેંસને ઘેરબેઠાં પસંદગીના સાંઢ-પાડા મુજબ ઓછા ખર્ચે ફેળવી, સગર્ભા કરી, દેશ કે દુનિયાના ગમે તે ખૂણે સંકરણના ફાયદા મેળવી શકાય છે. આથી ઓલાદ-સુધારણાનું કાર્ય ઘણું આસાન બન્યું છે.

(6) થિજાવેલ વીર્યના વપરાશથી ઉત્તમ ગુણવત્તાવાળા વીર્યનો કે સાંઢ-પાડાનો સોએ સો ટકા ઉપયોગ થઈ શકે છે, જ્યારે પ્રવાહી વીર્યને વધુમાં વધુ 4થી 7 દિવસ વાપરી પછી ફેંકી દેવું પડે છે. આમ થિજાવેલ વીર્યના વપરાશથી આવા મૂલ્યવાન વીર્યનો દુર્વ્યય અટકાવી શકાય છે.

(7) આ પદ્ધતિમાં સ્વચ્છતા અને જંતુમુક્તતા જાળવી વૈજ્ઞાનિક ઢબે ઉચિત સમય અને સ્થળ પર સારી ઓલાદના ચકાસણી કરેલ વીર્યથી બીજદાન કરવામાં આવતું હોઈ ગર્ભધારણદર ઘણો વધારે મળે છે.

(8) બીજદાન માટે આવેલ પ્રાણી સગર્ભા છે કે ખાલી તે જાણી શકાય છે તથા તેનાં જનનાંગોની કુરચના, રોગો, વંધ્યત્વ વગેરે બાબતોનું યોગ્ય નિદાન, સારવાર અને માર્ગદર્શન મેળવી શકાય છે.

(9) પશુપાલકે વેતરે આવેલ ગાય-ભેંસને નરની ઉપલબ્ધિના અભાવે ઓલવાઈ જવા દેવી પડતી નથી તથા આ પદ્ધતિથી પશુપાલકો પોતાના પ્રાણીની માવજત કરવા પ્રેરાય છે.

(10) શરીરના કદ અને વજનની અસમાનતા તથા ખોડવાળાં–લંગડાં જાનવરો માટે કુદરતી સંગ શક્ય નથી તેમજ ઘણી ચંચળ તથા તોફાની માદા વેતરમાં હોવા છતાં નરને સમાગમ કરવા દેતી નથી તેવા કિસ્સામાં આ પદ્ધતિ ઉપયોગી પુરવાર થઈ છે.

(11) શારીરિક ઈજાને લીધે અશક્ત બની ગયેલા પરંતુ સિદ્ધ અને સારા આનુવંશિક ગુણો ધરાવતા સાંઢ-પાડાનું વીર્ય વિદ્યુત અપસારણ (electro-ejaculation) કે મસાજ પદ્ધતિથી મેળવી બીજદાન માટે વાપરી શકાય છે. આવી જ રીતે આવા સિદ્ધ નરના થિજાવેલ વીર્યથી તેના મૃત્યુ બાદ પણ વર્ષો સુધી તેની સંતતિ પ્રાપ્ત કરી શકાય છે.

(12) આ પદ્ધતિથી બે તદ્દન જુદી જુદી જાતનાં જાનવરો વચ્ચે સંકરણ કરી શકાય છે. જેમ કે ઘોડો × ગધેડી = ખચ્ચર, જિબ્રા × ઘોડો = જીબ્રોઇડ પેદા કરી શકાય છે.

(13) વીર્યબૅંક ખાતે પ્રવાહી નાઇટ્રોજનમાં સંગૃહીત થિજાવેલ વીર્યને જરૂર મુજબ દર પંદર દિવસે કે મહિને તેનાં બીજદાન-કેન્દ્રો પર મોકલવામાં આવતું હોવાથી હેરફેર, સાધનો અને સમયનો દુર્વ્યય તથા કાચા રસ્તા, બરફ તેમજ ક્યારેક વીર્યના અભાવ જેવી મુશ્કેલીઓ નિવારી શકાય છે. આ પદ્ધતિમાં વેતરે આવેલ પ્રાણીને કેન્દ્ર સુધી લાવવું પણ આવશ્યક નથી.

(14) વીર્ય થિજાવવાની ક્રિયામાં પ્રતિજૈવિકો ઉમેરો, તનુ કરેલ (diluted) વીર્ય ચોક્કસ પ્રકારની કસોટીઓમાંથી પાર ઊતર્યા બાદ સંગ્રહ કરાતું હોઈ તેની જંતુમુક્તતા તથા ગુણવત્તા વધુ હોય છે. તેથી ફલીકરણનો દર સારો મળે છે.

આમ, ઘણા લાભો હોવા છતાં કૃત્રિમ બીજદાન-પદ્ધતિના વિકાસ અને ઉપયોગમાં નીચે મુજબ કેટલીક મર્યાદાઓ રહેલી છે :

(1) કૃત્રિમ બીજદાનનું કામ કરવા માટે મોટી સંખ્યામાં તાલીમ પામેલા માણસોની જરૂર પડે છે, જેની તંગી વર્તાય છે.

(2) આ પદ્ધતિ માટે ઉપયોગમાં લેવાતાં સંતતિપરીક્ષિત દૂધ-ઉત્પાદન તથા પ્રજનનક્ષમતાના ઊંચા આનુવંશિક ગુણો ધરાવતા અમૂલ્ય સાંઢ-પાડા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતા નથી.

(3) આ પદ્ધતિ ઘણી ખર્ચાળ છે કારણ કે કેન્દ્ર તથા પ્રયોગશાળાનાં મકાનો, સાધનો અને વૈજ્ઞાનિક ઉપકરણો વસાવવા તથા કીમતી નર ખરીદવામાં ખૂબ જ મોટું મૂડીરોકાણ કરવું પડે છે. વળી કેન્દ્રની કાર્યશક્તિના પ્રમાણમાં બીજદાન માટે પૂરતાં માદા પ્રાણીઓ ન મળે તો આ નાણાંનો વ્યય થાય છે.

(4) ગામડાંના અભણ, ગરીબ, અજ્ઞાન અને વહેમી લોકોને આ પદ્ધતિ અપનાવવા અને તેના લાભો સમજાવવામાં ખૂબ તકલીફ પડે છે.

(5) કૃત્રિમ બીજદાન પદ્ધતિ બેધારી તલવાર જેવી છે, કારણ કે જો સાંઢ કે પાડાની પસંદગી કરવામાં કોઈ ભૂલ થાય અગર મૈથુનજન્ય/જાતીય સંક્રામક રોગો અને આનુવંશિક ખામીઓવાળો નર હોય તો પશુધનનાં ઉત્પાદન અને પ્રજનનક્ષમતા વધવાને બદલે ઊલટું મોટી સંખ્યામાં માદા પ્રજનનતંત્રના રોગોનો ભોગ બનવાની તથા સંતતિમાં આનુવંશિક કુરચના કે વિકૃતિઓનો ઝડપી ફેલાવો થવાની તથા ઓલાદ બગડવાની શક્યતા રહે છે. આથી જ નરની પસંદગી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

(6) વીર્યપ્રાપ્તિથી માંડીને બીજદાનના કાર્ય સુધીના દરેક તબક્કે પૂરતી કાળજી લેવામાં ન આવે તો વીર્ય જંતુવાળું બને છે અને તેમાં રહેલા શુક્રકોષો મૃત્યુ પામે છે અથવા ફલીકરણ-સામર્થ્ય ગુમાવે છે. પરિણામે ગર્ભધારણ દરમાં ધાર્યાં પરિણામો મળતાં નથી અને લાભ થવાને બદલે અનેકગણું નુકસાન થવાનો સંભવ રહે છે.

(7) સગર્ભાવસ્થાની શરૂઆતના 3થી 4 માસ દરમિયાન આશરે 5થી 10 ટકા ગાયો-ભેંસો ‘સગર્ભા વેતર’(gestational heat)નાં ચિહ્નો બતાવે છે. આવી સગર્ભા ગાય-ભેંસને બરાબર તપાસ્યા વિના જ ગર્ભાશયકાયા કે ગર્ભાશયગ્રીવામાં બીજદાન કરવામાં આવે તો ગર્ભપાત થાય છે. આવી જ રીતે વેતરે નહિ હોવા છતાં બીજદાન કરવામાં આવે તો ગર્ભાશયનો સોજો તથા પ્રજનનની અન્ય બીમારીઓ ઉદભવે છે.

(8) મર્યાદિત સંખ્યામાં નર વપરાતા હોવાથી પશુપાલકને પોતાનું પ્રાણી અમુક જ સાંઢ કે પાડા દ્વારા ફેળવવાની છૂટ રહેતી નથી. આમ કૃત્રિમ બીજદાન પદ્ધતિમાં સગોત્ર સંકરણ માટે અવકાશ નથી.

(9) ભારત જેવા વિકાસશીલ દેશોમાં ગામડાંના રસ્તા કાચા હોય છે ત્યાં ચોમાસામાં ઉપકેન્દ્રો સુધી વીર્ય પહોંચાડવાની તકલીફ પડે છે. પ્રવાહી વીર્યના વપરાશવાળાં કેન્દ્રોમાં આ તકલીફ વધારે હોય છે.

(10) આ પદ્ધતિ બધી જ પ્રાણીજાતિઓમાં સંપૂર્ણ ઉપયોગી પુરવાર થઈ નથી. વીર્યદાનની સફળતા ભારતની ગાયોમાં સૌથી વધુ છે, જ્યારે ભેંસોમાં તેટલી નથી અને ઘેટાં-બકરાંમાં પ્રયત્નો કરવા છતાં ગર્ભધારણની ટકાવારી ખૂબ જ ઓછી (25થી 30 ટકા) મળે છે.

(11) ખાસ કરીને મૂંગી, છાની કે બહેરી ગરમીવાળી ગાયો-ભેંસોમાં ઋતુકાળનાં ચિહનો પારખવાનું ક્યારેક સમસ્યારૂપ બને છે તેમજ નાના ધણ કે તબેલામાં આ કાર્ય માટે નસબંધી કરેલ (teaser) સાંઢ-પાડાનો ઉપયોગ પોસાય પણ નહિ. તેથી આવા કિસ્સામાં કૃત્રિમ બીજદાનને ધારી સફળતા મળતી નથી.

(12) વીર્યને થિજાવવાની ક્રિયા દરમિયાન લગભગ 25થી 50 ટકા શુક્રકોષો મરણ પામે છે તેમજ ઉત્તમ આનુવંશિક ગુણો ધરાવતા દરેક સાંઢ-પાડાનું વીર્ય થિજાવવા માટે અનુકૂળ હોતું પણ નથી.

(13) થિજાવેલ વીર્યના સંગ્રહ, વહન અને હેરફેર દરમિયાન તે હંમેશાં તેના તે જ તાપમાને રહે તે જરૂરી છે. આમ ન થાય તો થિજાવેલ વીર્યનો પૂરેપૂરો જથ્થો બિનઉપયોગી થઈ જાય છે અને કોઈ પરિણામો મળતાં નથી.

આ બધી મર્યાદાઓ નિવારવા માટે કૃત્રિમ બીજદાન પદ્ધતિના પ્રત્યેક તબક્કે પૂરતી તકેદારી લેવામાં આવે અને આ પદ્ધતિ સાથે સંકળાયેલ દરેક કાર્યકરને પૂરતી તાલીમ અને વિષયનું જ્ઞાન આપવામાં આવે તો સરવાળે કૃત્રિમ બીજદાન દ્વારા સંવર્ધન હંમેશાં ફાયદાકારક નીવડે છે. આ માટે નીચેના મુખ્ય ઘટકોનો ફાળો અમૂલ્ય છે :

1. ઉત્તમ અને સિદ્ધ આનુવંશિક ગુણો ધરાવતા નરની પસંદગી;

2. સારી ગુણવત્તા ધરાવતા વીર્યના નમૂનાની પસંદગી તથા તેની વિવિધ કસોટીઓ અને થિજાવવાની પ્રક્રિયામાં કાયમી કાળજી;

3. વીર્યના સંગ્રહ, વહન અને વપરાશમાં કાળજી;

4. ઋતુકાળ નિદાન તથા યોગ્ય સમયે બીજદાન અને અવલોકનની નોંધણી;

5. ગર્ભધારણ તપાસ અને સારવાર;

6. સંક્રામક તેમજ મૈથુનજન્ય રોગો માટે નિયમિત કસોટીઓ અને રોગનાબૂદી;

7. પશુપોષણ અને માવજતમાં કાળજી; અને

8. મોસમ તથા હવામાનને સાનુકૂળ પગલાં.

ઉપર દર્શાવેલ ઘટકોના યોગ્ય સમન્વય માટે કૃત્રિમ બીજદાન કેન્દ્રોના અધિકારીઓ, વૈજ્ઞાનિકો, બીજદાન કાર્યપદ્ધતિ સાથે સંકળાયેલા કાર્યકરો તથા પશુપાલકોમાં એકબીજા પ્રત્યે સહકાર, વિશ્વાસ અને પ્રગતિશીલ વલણ હોય તો જ ધાર્યાં પરિણામો મેળવી શકાય.

નરની પસંદગી અને માવજત : કૃત્રિમ બીજદાન પદ્ધતિથી ધાર્યાં પરિણામો મેળવવા નરની પસંદગી અતિશય મહત્વની છે, કારણ કે એક જ નરથી અસંખ્ય સંતતિ પેદા કરી શકાય છે અને દરેક સંતતિમાં અર્ધાં ગુણસૂત્રોનું રોપણ નર દ્વારા થાય છે. આથી નવી પશુ-ઓલાદમાં સારા ગુણધર્મો ઊતરી આવે તે માટે ઉત્તમ આનુવંશિક ગુણો ધરાવતા નરની પસંદગી કરવામાં આવે છે. આ માટે જાનવરની વંશવેલની ગુણવત્તા, નરની પોતાની ક્ષમતા, સ્વભાવ દેખાવ તેમજ તેની બહેનો અને સંતતિની ઉત્પાદનક્ષમતા અને પ્રજનનક્ષમતા વગેરે બાબતોનો સમન્વય કરી નરની પસંદગી કરવામાં આવે છે. આવા સોમાંથી પસંદગી પામેલ એકાદ સિદ્ધ ગુણવત્તાવાળા નરનો બહોળો ઉપયોગ કરી કૃત્રિમ બીજદાન પદ્ધતિથી પશુ-ઓલાદ સુધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. વળી આવા પસંદગી પામેલ નરને તેના વીર્યની ગુણવત્તા, આનુવંશિક ગુણદોષો, દૂધ/ઊન-ઉત્પાદન અને પ્રજનનક્ષમતા તેમજ સંક્રામક અને મૈથુનજન્ય રોગોની શક્યતાઓ માટે વખતોવખત ચીવટથી તપાસવામાં આવે છે. તેથી પશુસંવર્ધનમાં સારાં પરિણામો મળે છે.

સામાન્ય રીતે કૃત્રિમ બીજદાન માટેના નરની પસંદગી ખૂબ જ નાની વયે કરી, બીજાં જાનવરોથી અલગ રાખવામાં આવે છે તથા તેના પૌષ્ટિક સંતુલિત આહાર અને માવજત પ્રત્યે પૂરી તકેદારી લેવામાં આવે છે. આવા નર અતિ દૂબળા અથવા અતિ ચરબીયુક્ત હૃષ્ટપુષ્ટ ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આવા સાંઢ-પાડા 12થી 18 મહિને પુખ્ત થતાં તેમને વીર્યપ્રાપ્તિ માટે ધીરે ધીરે પલોટવામાં આવે છે તથા સંક્રામક રોગવિરોધી રસી અને પરોપજીવીનાશક દવાઓ પણ વખતોવખત આપવામાં આવે છે. જો કે બ્રુસેલોસીસ જેવા અમુક રોગના પ્રતિકાર માટેની રસી નરની પસંદગીના પરીક્ષણમાં બાધારૂપ થતી હોવાથી પસંદગી પામેલ નરને આવી રસી મૂકવામાં આવતી નથી. પુખ્તવયે પહોંચતા આવા સાંઢ-પાડાનું કૃત્રિમ બીજદાન પદ્ધતિ દ્વારા ઝડપી સંતતિપરીક્ષણ કરી, સિદ્ધ શ્રેષ્ઠ નર(proven sire)નો ત્યારબાદ બહોળો ઉપયોગ કરવામાં આવે છે. પસંદગી પામેલ આવા દરેક સાંઢને સલામતી અને કસરત માટે અલગ અલગ મોટા વાડાવાળા સ્વચ્છ ઓરડામાં રાખવામાં આવે છે; જેમાં 24 કલાક પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તથા આખું વર્ષ શાંત-સમઘાત આબોહવા મળી રહે તે માટે જરૂરી વૃક્ષારોપણ, પાણીના ફુવારા, પંખા વગેરેની પણ સવલતો આપવામાં આવે છે. આવા પુખ્ત સાંઢ-પાડા પાસેથી દર ત્રણ દિવસે કે અઠવાડિયે બે વખત એમ નિયમિત વીર્ય પ્રાપ્ત કરવામાં આવે છે તેમજ અન્ય કુટેવો ન વિકસે તે ખાસ જોવામાં આવે છે.

વીર્યપ્રાપ્તિની રીતો : કૃત્રિમ બીજદાનકાર્ય માટે પસંદગી પામેલ સાંઢ-પાડા પાસેથી વીર્ય મેળવવું આવશ્યક છે. આ માટે જૂના સમયથી અનેક રીતોના પ્રયોગો કરવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી નીચેની ત્રણ રીત અગત્યની છે અને હાલ ઉપયોગમાં લેવાય છે :

  1. કૃત્રિમ યોનિ (artificial vagina) દ્વારા,
  2. વિદ્યુત અપસારણ દ્વારા અને
  3. સહાયક જનનગ્રંથિઓના માલિશ (massage method) દ્વારા વીર્યપ્રાપ્તિ.

આ ત્રણે રીતોમાં પણ કૃત્રિમ યોનિ દ્વારા વીર્ય મેળવવાની રીત સૌથી સરળ, સાદી, સ્વચ્છ, વૈજ્ઞાનિક અને કુદરતી સમાગમનો આભાસ આપતી હોવાથી સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે અને દુનિયાના બધા દેશોમાં ખૂબ જ પ્રચલિત છે. કૃત્રિમ યોનિમાં ઋતુકાળમાં આવેલ, ગાય-ભેંસ કે જે-તે નર જાતિની માદાની યોનિમાં હોય તેવું જ કૃત્રિમ વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવે છે. તેથી મેળવેલ વીર્યની ગુણવત્તા તથા ફલીકરણશક્તિ ઘણાં ઊંચાં હોય છે તથા વીર્યસ્રાવને દૂષિત થયા વિના પૂરેપૂરો મેળવી શકાય છે તેમજ નર-જાનવરની કામલિપ્સાનો અભ્યાસ પણ થઈ શકે છે.

વિદ્યુત-અપસારણ પદ્ધતિમાં ખૂબ જ ઓછા વોલ્ટેજવાળા વિદ્યુતપ્રવાહ દ્વારા નરની શ્રોણીય સહાયક જનનગ્રંથિઓને ઉત્તેજિત કરી વીર્ય મેળવવામાં આવે છે. આ પદ્ધતિમાં બધા જ સાંઢ-પાડા કે ઘેટાંમાં શિશ્નનું ઉત્થાન થતું નથી. તેથી વીર્યસ્રાવ શિશ્નાગ્રચ્છદમાં જ થાય છે અને વીર્ય દૂષિત તથા ઓછા શુક્રકોષ સાંદ્રણવાળું મળે છે. સહાયક જનનગ્રંથિઓને મળાશય દ્વારા માલિશ કરીને વીર્ય મેળવવાની ત્રીજી રીત ઊંચા પ્રકારનો અનુભવ અને કૌશલ્ય ધરાવતા તજજ્ઞોને જ અનુકૂળ આવે છે. આ રીતમાં મળાશય દ્વારા શુક્રાશય (seminal vesicle) અને એમ્પ્યુલી નામનાં અંગોનું માલિશ કરવામાં આવે છે જે ફક્ત મોટા કદનાં જાનવરોમાં જ હોય છે. આ બંને રીતોથી સારી ઓલાદના જે સાંઢ-પાડા કૃત્રિમ યોનિમાં વીર્ય આપવા અસમર્થ હોય છે તેમનું વીર્ય પ્રાપ્ત કરી શકાય છે. જોકે આ રીતોથી પણ દરેક નરનું વીર્ય મેળવવું શક્ય બનતું નથી. આથી જ કૃત્રિમ યોનિ દ્વારા વીર્યપ્રાપ્તિની રીત સૌથી ઉત્કૃષ્ટ છે.

કૃત્રિમ યોનિની રચના અને વીર્યપ્રાપ્તિ : કૃત્રિમ યોનિ 35 કે 40 સેમી. લાંબા અને 6.5 સેમી. વ્યાસના સખત રબરના નળાકારમાંથી બનાવવામાં આવે છે. તેની અંદર સાઇકલની ટ્યૂબ જેવી બંને છેડે ખુલ્લી લૅટેક્સ લાઇનર પરોવી તેના બંને છેડા બહારની બાજુએ વાળી દેવામાં આવે છે. તેથી નળાકાર અને ટ્યૂબની વચ્ચે પડ બને છે. ત્યારબાદ તેમાં માદાની યોનિમાં જે તાપમાન હોય છે તેનો ભાસ કરવા માટે 45oથી 50o સે. તાપમાનવાળું પાણી ભરવામાં આવે છે તથા લૅટેક્સ લાઇનર મુલાયમ બનાવવા માટે જંતુરહિત વૅસલિન કે જેલી તેના આગલા અર્ધભાગ સુધી લગાડવામાં આવે છે. પછી અંદરના ભાગમાં કુદરતી યોનિના જેવાં પડ બને તે માટે એક જુદા વાલ્વથી હવા ભરવામાં આવે છે. નળાકારના વાલ્વ તરફના છેડે વીર્ય એકઠું કરવા માટે રબરની શંકુ આકારની ટ્યૂબ (latex cone) તથા કાચની અંકિત કશનળી બાંધવામાં આવે છે અને તેના ઉપર વિસંવાહક કોથળી ચઢાવી દેવામાં આવે છે જેથી એકઠા કરેલ વીર્યનું અતિ ઠંડી, ગરમી કે સીધા સૂર્યના તાપથી રક્ષણ થઈ શકે છે.

હવે સાંઢ જ્યારે ક્રેટ કે ઘોડીમાં ઊભી રાખેલ ગાય, ગાયનાં ઓઠાં કે બીજા સાંઢ ઉપર ઠેકે ત્યારે તેનું શિશ્ન ગાયની યોનિમાં ન જવા દેતાં કૃત્રિમ યોનિમાં દાખલ કરવામાં આવે છે જેથી સાંઢને ખબર નથી પડતી કે તે કૃત્રિમ કે કુદરતી યોનિમાં સમાગમ કરી રહ્યો છે. સામાન્ય રીતે પ્રથમ કૂદકા વખતે સાંઢ-પાડાને વીર્યસ્રાવ આપવા દેવામાં આવતો નથી અને આને ‘ખાલી કૂદકો’ (false mount) કહે છે. ખાલી કૂદકા પછીના બીજા કે ત્રીજા કૂદકે મેળવેલ વીર્યસ્રાવનું કદ તથા ગુણવત્તા વધુ સારાં હોય છે. વીર્યપ્રાપ્તિ વખતે સાંઢના શિશ્નને કૃત્રિમ યોનિના મુખમાં દાખલ કરતાંની સાથે જ તે સખત ધક્કો (thrust) મારી વીર્યસ્રાવ આપી દે છે. વીર્યસ્રાવ મળતાં તુરત જ કૃત્રિમ યોનિ સાંઢના શિશ્નને ઈજા ન થાય તેમ દૂર કરી તેમાંનું ગરમ પાણી ઠાલવી દેવામાં આવે છે અને વીર્યથી ભરેલ કશનળીને 35o સે. તાપમાનવાળા પાણીમાં મૂકી તુરત જ તેનું પરીક્ષણ અને તનૂકરણ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દરેક સાંઢ-પાડા માટે જંતુરહિત અલગ અલગ કૃત્રિમ યોનિ વાપરવી હિતાવહ છે. સામાન્ય રીતે આ પદ્ધતિથી દર ત્રણ દિવસે એક વખત અથવા અઠવાડિયામાં બે વખત વીર્યસ્રાવ મેળવવાથી સાંઢ-પાડાની કામલિપ્સા તથા વીર્યની ગુણવત્તા સારી રીતે જળવાઈ રહે છે. આ પદ્ધતિમાં સાંઢ-પાડાને આ રીતે વીર્ય આપતો કરવાની ટેવ પાડવી પડે છે. એક વખત આ રીતે ટેવાઈ ગયેલ સાંઢ-પાડો ત્યારપછી તે જ જાતિના બીજા સાંઢ-પાડા ઉપર કે માદાના ઓઠા ઉપર પણ વીર્યસ્રાવ આપે છે અને ગરમીમાં આવેલ માદાની આવશ્યકતા રહેતી નથી. આ પદ્ધતિમાં નરના શિશ્નની લંબાઈ ને વ્યાસ મુજબ કૃત્રિમ યોનિ પણ નાનીમોટી વાપરવામાં આવે છે.

વીર્યનું મૂલ્યાંકન, તનૂકરણ, સંગ્રહ અને વહન : કૃત્રિમ બીજદાન પદ્ધતિમાં વીર્યના મૂલ્યાંક્ધાનું મહત્વ ઘણું છે. વીર્યના મૂલ્યાંકનથી તેની ગુણવત્તા તથા ફલીકરણ-સામર્થ્યનો ક્યાસ કાઢી શકાય છે. વળી વીર્યની ગતિશીલતા, શુક્રકોષ-સાંદ્રણ અને જીવંત તથા રચનાકીય ખામીયુક્ત શુક્રાણુઓની ટકાવારી જાણવાથી તનૂકરણના અનુપાતનો ખ્યાલ આવે છે. નરી આંખે દેખાતાં લક્ષણો વીર્યસ્રાવનાં કદ, ઘટ્ટતા અને રંગનો ખ્યાલ આપે છે, જ્યારે બીજી કસોટીઓ સૂક્ષ્મદર્શક દ્વારા કરવામાં આવે છે. જુદાં જુદાં નર-પ્રાણીઓના વીર્યસ્રાવના ગુણધર્મો નીચે સારણી 1માં દર્શાવ્યા છે.

સારણી 1 : જુદી જુદી જાતિનાં નરપ્રાણીઓમાં વીર્યસ્રાવના ગુણધર્મો

અ.નં. વીર્યના ગુણધર્મો સાંઢ પાડા ઘેટાં-બકરાં ઘોડા ડુક્કર કૂતરા બિલાડા મરઘાં મનુષ્ય
 1. વીર્યસ્રાવનું કદ
(ઘન સેમી.)
4.5
(1થી 15)
3.0
(1થી 8)
1.0
(0.7થી 3.0)
70
(30થી 250)
250
(1થી 25)
10
(0.01થી
0.12)
0.04
(0.05થી 1.5)
0.8
(0.05થી 4)
1-5
 2. હાઇડ્રોજન
આયન સાંદ્રણ
(પી. એચ.)
608
(6.2થી
7.5)
607
(6.3થી
7.2)
6.8
(6.2થી
7.0)
7.4
(7.0થી
7.8)
704
(7.0થી
7.8
607
(6.0થી
6.8)
704
(7થી
7.8)
700
(6.9થી
7.2)
608
(602થી
702)
 3. શુક્રકોષ સાંદ્રણ
(મિલિયન ઘન
સેમી.)
1200
(300થી
2500)
1000
(250થી
2000)
3000
(1000થી
3000)
120
(30થી
600)
150
(25થી
1000)
125
(20થી
540)
1730
(100થી
370)
3000
(2400થી
4700)
150
(50થી
450)
 4. વીર્યસ્રાવમાં
કુલ શુક્રાણુ
(મિલિયન)
408થી
502
208થી
300
804 37.5 1.25 0.057 2.4 0.25
 5. વ્યક્તિગત
શુક્રકોષોની
ગતિશીલતા (ટકા)
85થી 90 75થી 85 90થી 95 70થી 75 70થી 80 75થી 80 70થી 80 70થી 75
 6. અસામાન્ય શુક્ર-
કોષોની ટકાવારી
5થી 7 8થી 10 4થી 7 12થી 15 15થી 20 15થી 20 12થી 18 20થી 22
 7. ફ્રુક્ટોઝ
(ગ્રા./100
ઘન સેમી.)
530 450 250 2 13 0

વીર્યસ્રાવમાં શુક્રાણુ ઉપરાંત અસંખ્ય રાસાયણિક અને ખનિજ તત્વો પણ રહેલાં હોય છે, જે તેની ચયાપચયની ક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. જોકે વીર્ય-ચકાસણીની કોઈ એક કસોટી વીર્યસ્રાવની ફલીકરણશક્તિનો પ્રત્યક્ષ અંદાજ આપી શકતી નથી. આથી ઘણી બધી કસોટીઓનાં પરિણામોનો સમન્વય કરી વીર્યની ગુણવત્તા તપાસવામાં આવે છે. ખરેખર વીર્યની સાચી કસોટી તો તેના બીજદાનથી ભેંસ સગર્ભા બને તે જ છે. આમ છતાં વીર્યની ગતિશીલતા, શુક્રકોષ-સાંદ્રણ, તથા જીવંત, સામાન્ય અને અસામાન્ય કે વિકૃત શુક્રકોષોની ટકાવારી તેમજ ચયાપચયની કેટલીક કસોટીઓનો વીર્યના ફલીકરણ-સામર્થ્ય સાથે ગાઢ સંબંધ સ્થાપિત થયેલ છે. તેથી વીર્યના નમૂનાની ગુણવત્તા માટે આ પરોક્ષ કસોટીઓનો રોજિંદો ઉપયોગ કરવામાં આવે છે.

જોકે દરેક પ્રાણીના વીર્યની સરેરાશ ગુણવત્તા તથા કદમાં કેટલાંક કારણોથી ફેરફાર થઈ શકે છે, જેમ કે પોષણના દોષો, હવામાન અને મોસમના ફેરફારો, વીર્યપ્રાપ્તિની રીત અને આવર્તન, લૈંગિક આચરણના દોષો, શારીરિક વ્યાધિઓ, શિશ્નાગ્રચ્છદના રોગો તથા જીવાણુઓ, નરનું પરિવહન, આનુવંશિક દોષો, વ્યાયામનો અભાવ, નરની ઉંમર અને અંત:સ્રાવોનું પ્રમાણ વગેરે ઘટકો વીર્યની ગુણવત્તાને અસર કરે છે.

આ ઉપરાંત વીર્યસ્રાવમાં અન્ય રાસાયણિક અને વિરલ તત્વો, અંત:સ્રાવો, ઉત્સેચકો, પ્રજીવકો, ચરબી, પ્રોટીન તથા બીજા શક્તિવર્ધક પદાર્થો પણ રહેલા હોય છે, જે શુક્રકોષોને શક્તિ, ચયાપચય, ગતિશીલતા અને ફલીકરણનું સામર્થ્ય આપે છે.

વીર્યપ્રાપ્તિ અને મૂલ્યાંકન બાદ, સારી ગુણવત્તાવાળા વીર્યના નમૂનાઓનો અનેક માદાઓના ફલીકરણ માટે ઉપયોગ કરવા તેનું યોગ્ય માધ્યમ વડે તનૂકરણ કરવામાં આવે છે. વળી તનૂકરણ કરવાથી વીર્યના કદમાં વધારો કરી તેને લાંબા સમય સુધી સારી રીતે સંગ્રહી પણ શકાય છે. વીર્યના તનૂકરણ માટે વપરાતું તનૂકારક સસ્તું, જીવાણુરહિત, શુક્રકોષો માટે જરૂરી પોષક તત્વો, ખનિજ તત્વો, પ્રજીવકો અને પ્રતિજૈવિકો ધરાવતું તેમજ ચયાપચયની ક્રિયાથી ઉત્પન્ન થતા ઝેરી પદાર્થોનો નાશ કરે તેવું હોવું જોઈએ.

સામાન્ય રીતે વીર્યના તનૂકરણ માટે 20 ટકા ઈંડાંની જરદી તથા 80 ટકા બીજાં રસાયણમિશ્રિત દ્રાવણો વાપરવામાં આવે છે તેમજ તેનો ઘન સેમી.દીઠ 1000 આંતરરાષ્ટ્રીય યુનિટ પેનિસિલિન તથા 1 મિગ્રા. સ્ટ્રૅપ્ટોમાઇસિન નામના પ્રતિજૈવિકો ઉમેરવામાં આવે છે. તનૂકારક દ્રાવણ તરીકે ટ્રીસ, સોડિયમ સાઇટ્રેટ, લૅક્ટોઝ, ફ્રુક્ટોઝ, છાશ, દૂધ કે નાળિયેરનું પાણી પણ વાપરી શકાય છે. તનૂકરણનો દર બીજદાન કેન્દ્રની જરૂરિયાત મુજબ અથવા પ્રત્યેક બીજદાન માત્રામાં જરૂરી 10થી 15 મિલિયન જીવંત, ચપળ, ગતિશીલ શુક્રકોષો મળી રહે તે રીતે રાખવામાં આવે છે, જેથી ફલીકરણદરને અસર થતી નથી. વીર્યની ગુણવત્તા મુજબ તેને 10થી 60 ગણું પાતળું કરી શકાય છે.

આવું પાતળું કરેલ વીર્ય સામાન્ય તાપમાને, શીતાગાર કે બરફમાં અથવા થિજાવીને પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહી શકાય છે. પરંતુ પ્રથમ બે રીતથી તેને અનુરૂપ તનૂકારકો વડે સંગ્રહેલ વીર્ય અનુક્રમે 6થી 7 અને 2થી 3 દિવસ પૂરતું જ વાપરવાલાયક રહે છે, જ્યારે થિજાવેલ વીર્ય અનન્ત કાળ સુધી તેની તે જ સ્થિતિમાં પ્રવાહી નાઇટ્રોજન દ્વારા વાપરવાલાયક રાખી શકાય છે. વીર્યના નમૂનાને મૂલ્યાંકન બાદ તુરત જ ક્રમાનુસાર તનૂકરણ કરી ઠંડું પાડવાથી તેમાં રહેલ શુક્રકોષોની ચયાપચય અને જીવનક્રિયાઓ એકદમ મંદ પડી જાય છે. આથી તેની શક્તિ સચવાઈ રહે છે અને યોગ્ય સમયે વાપરવામાં આવે તો ફલીકરણદર પ્રમાણમાં સારો મળે છે.

ઉપરની રીતે સંગ્રહેલ વીર્યને વેતરે આવેલ માદા સુધી પહોંચાડવા તેને મુખ્ય કેન્દ્ર ઉપરથી ઉપકેન્દ્ર પર કે પશુપાલકના ઘેર લઈ જવું આવશ્યક છે. આ માટે વીર્યનું વ્યક્તિ અથવા યોગ્ય વાહન દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક વહન કરવામાં આવે છે. વીર્યનાં સંગ્રહ, વહન તથા હેરફેર દરમિયાન તેનું તાપમાન તેનું તે જ રહે તે ખાસ હિતાવહ છે. આ માટે પ્રવાહી વીર્યને હંમેશાં બરફની વચ્ચે બરફના સીધા સંપર્કમાં ન આવે તેમ થર્મૉસમાં ગોઠવી અને થિજાવેલ વીર્યને હંમેશાં પ્રવાહી નાઇટ્રોજનમાં ડૂબેલું રાખી હેરફેર કરવી આવશ્યક છે. આમાં જરા પણ ગફલત કે ખામી રહી જાય તો ઉત્તમ ગુણવત્તાવાળું વીર્ય તથા ત્યારસુધીની મહેનત નકામી જવાનો સંભવ રહે છે અને આવા ખરાબ, સૂકા, નિ:સત્વ વીર્યથી જાનવરો કદાપિ ગર્ભધારણ કરતાં નથી. આથી વીર્યના સંગ્રહ અને વહનમાં કાળજી લેવી અનિવાર્ય છે.

વીર્ય થિજાવવાની ટૂંકી રૂપરેખા વિશે હવે વિચારીએ : (1) કૃત્રિમ યોનિ દ્વારા ઉત્તમ સાંઢ-પાડાનું વીર્ય વહેલી સવારે પ્રાપ્ત કરી તેનું પ્રયોગશાળામાં તુરત જ મૂલ્યાંકન કરવામાં આવે છે. જો આ વીર્યના નમૂનામાં શુક્રકોષો ગતિશીલતા તથા જીવંત શુક્રકોષોની ટકાવારી 70થી વધુ હોય અને વિકૃત શુક્રકોષોનું પ્રમાણ 20 પ્રતિશત કરતાં ઓછું હોય તો જ તેને થિજાવવાના વપરાશમાં લેવામાં આવે છે.

(2) આવા વીર્યસ્રાવનું કદ અને ગુણવત્તા પ્રમાણે, ટ્રીસ-ફ્રુક્ટોઝ-યોક-ગ્લિસરોલ નામના તનૂકારક વડે તનૂકરણ કરવામાં આવે છે. તનૂકરણનો દર સામાન્ય રીતે પ્રતિ ઘન સેન્ટિમીટરે આશરે 50થી 60 મિલિયન ચપળ શુક્રકોષો રહે તે રીતે રાખવામાં આવે છે. તનૂકરણ વખતે વીર્ય તથા તનૂકારક દ્રાવણનું તાપમાન એકસરખું જ (35o સે. અથવા 5o સે.) હોવું જોઈએ. થિજાવેલ વીર્યના તનૂકારકમાં 6થી 7 ટકા ગ્લિસરોલ ઉમેરવામાં આવે છે, જે વીર્ય થિજાવવાની પ્રક્રિયા દરમિયાન શીતાઘાત(cold shock)થી શુક્રકોષોનો નાશ થતો રોકે છે.

(3) ગ્લિસરોલ ધરાવતા તનુ કરેલ વીર્યને પછી પૉલિવિનિયલ ક્લૉરાઇડમાંથી બનાવેલ અર્ધઘન સેમી. કદની પાતળી સ્ટ્રૉ કે ભૂંગળીઓમાં ભરવામાં આવે છે. આ ફ્રેંચ સ્ટ્રૉ ઉપર મશીન વડે સાંઢ-પાડાનું નામ, માસ/તારીખ, ઓળખની અન્ય માહિતી છાપવામાં આવે છે. વીર્ય ભર્યા પછી આ સ્ટ્રૉમાં થોડી હવા રહે તેમ પૉલિવિનિયલ આલ્કોહૉલ પાઉડર વડે સીલ કરવામાં આવે છે.

(4) આ સીલ કરેલ સ્ટ્રૉને સામાન્ય વાતાવરણે પાણીમાં મૂકી તે વાસણની ફરતે બરફ ગોઠવી અથવા ફ્રીજમાં મૂકીને તેનું તાપમાન 1થી 1.5 કલાકમાં 4o સે. જેટલું નીચું લાવવામાં આવે છે અને ત્યારબાદ બીજા 4થી 6 કલાક સુધી આ જ તાપમાને સંતુલન (equilibration) માટે રાખવામાં આવે છે.

(5) સંતુલન બાદ આ સ્ટ્રૉને કોલ્ડ કૅબિનેટમાં અથવા પ્રવાહી નાઇટ્રોજનની વરાળથી ઠંડા કરેલ સારા સ્વચ્છ ટુવાલથી કોરી કરી, તુરત જ નાઇટ્રોજનની વરાળમાં થર્મોકોલ બૉક્સ અથવા ખાસ ફ્રીઝર દ્વારા -120oથી -130o સે. તાપમાને 10 મિનિટ સુધી ઠંડી પાડી થિજાવવામાં આવે છે અને ત્યારબાદ સીધી જ પ્રવાહી નાઇટ્રોજન ભરેલ ગૉબ્લેટ અને કૅનિસ્ટરમાં મૂકી સુદીર્ઘ કાળ સુધી ટકે તે રીતે -196o સે. તાપમાને સંગ્રહ કરવામાં આવે છે.

(6) આ રીતે થિજાવેલ વીર્યની એકાદ સ્ટ્રૉ તુરત જ પરીક્ષણ માટે કાઢી 38oથી 40o સે. તાપમાનવાળા પાણીમાં 15થી 20 સેકન્ડ પિગાળવામાં આવે છે અને તુરત જ સૂક્ષ્મદર્શક દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો આ સ્ટ્રૉમાં 40 ટકા કે તેથી વધુ જીવંત ગતિશીલ શુક્રકોષો હોય તો જ બીજદાન માટે તેનો સંગ્રહ કરવામાં આવે છે. વીર્યને ગોળી કે ટીકડીના રૂપમાં તથા એમ્પ્યુલમાં પણ થિજાવીને સંગ્રહ કરી શકાય છે. થિજાવેલ વીર્ય હંમેશાં પ્રવાહી નાઇટ્રોજનમાં ડૂબેલું રહે તે ખાસ આવશ્યક છે.

માદા પ્રાણીમાં ઋતુકાળનાં લક્ષણો અને નિદાન : કૃત્રિમ બીજદાન પદ્ધતિથી સંવર્ધન માટે માદાનો ઋતુકાળ ઓળખી કાઢવો આવશ્યક છે. દરેક માદા પ્રાણીમાં યૌવનારંભ પછી તેમજ પ્રસવ બાદ થોડા દિવસે ઋતુચક્રની શરૂઆત આવે છે, તથા પ્રાણી સગર્ભા ન થાય ત્યાં સુધી તેની ઓલાદ અને પ્રકાર પ્રમાણે દર 17થી 21 દિવસે ઋતુકાળ કે વેતરમાં આવ્યા કરે છે અને અમુક કલાકો કે દિવસો સુધી વેતરમાં રહે છે, જે સારણી 2 પરથી જોઈ શકાશે. ખાસ કરીને ઋતુકાળ અને ઋતુકાળ વિશ્રામના તબક્કાના ગાળામાં જુદાં જુદાં પ્રાણીઓમાં નોંધપાત્ર તફાવત હોય છે. તેમ છતાં વેતરનાં લક્ષણ લગભગ એકસરખાં જ હોય છે. સામાન્ય રીતે ઋતુચક્રને ચાર વિભાગમાં વહેંચી શકાય છે, જે અનુક્રમે પૂર્વઋતુકાળ (proestrus), ઋતુકાળ (oestrus), અનુઋતુકાળ (metestrus) અને ઋતુકાળવિશ્રામ (diaoestrus) છે. વળી બે ઋતુકાળ વચ્ચેના સમયને ઋતુચક્ર (oestrus cycle) કહે છે. પ્રાણીના ઋતુચક્રની લંબાઈ તથા ઋતુકાળના જ્ઞાનથી વેતરની ઓળખ તથા પ્રાણી સગર્ભા ન બને તો ફેળવ્યા બાદ ફરી કેટલા દિવસે પાછું ફળશે તેની ધારણા કરી યોગ્ય અવલોકન અને કાળજી લઈ શકાય છે.

ઋતુચક્ર દરમિયાન માદાનાં અંડપિંડ (ovary), જનનાંગો, અંત:સ્રાવો, લૈંગિક લક્ષણો તેમજ લૈંગિક વ્યવહાર વગેરેમાં ફેરફારો જોવા મળે છે. પૂર્વઋતુકાળ અને ઋતુકાળ દરમિયાન અંડપુટિકા (ovarian follicles)નો ગ્રાફિયન ફૉલિકલ્સમાં વિકાસ થાય છે તથા તેમાંથી ઝરતા ઇસ્ટ્રોજન નામના અંત:સ્રાવને લીધે માદામાં વેતર કે ગરમીનાં લક્ષણો ઉદભવે છે, જ્યારે અનુઋતુકાળ અને ઋતુકાળવિશ્રામના તબક્કા દરમિયાન અંડમોચનની જગ્યાએ અંડપિંડ પર અંત:સ્રાવની ગ્રંથિનો વિકાસ પામી તેમાંથી ઝરતાં પ્રોજેસ્ટેરોન નામના અંત:સ્રાવથી માદામાં વેતરનાં ચિહનો લુપ્ત થઈ જતાં જાનવર સગર્ભા માદા જેવો જ વર્તાવ કરે છે. વળી જે દિવસે વેતરનાં ચિહનો દેખાય તે દિવસથી પ્રાણીના ઋતુકાળની શરૂઆત થયેલી ગણવામાં આવે છે. જોકે ઋતુકાળની લંબાઈ અને તેની ખાસિયતો જાનવરની જાત ઉપર આધાર રાખે છે.

સારણી 2માં દર્શાવ્યા પ્રમાણે દરેક પુખ્ત વયની ગાય-ભેંસ સગર્ભા ન બને ત્યાં સુધી દર 18થી 21 દિવસે વેતરે કે ગરમીમાં આવે છે અને આશરે 18થી 24 કલાક સુધી જ વેતરમાં રહે છે. આથી માદા જ્યારે ગરમીમાં હોય ત્યારે જ તેનામાં સાંઢ-પાડાનું વીર્ય આ મર્યાદિત કાળમાં મૂકવાથી ગર્ભધારણ થઈ શકે છે, નહિ તો નહિ; કારણ કે ગાય-ભેંસમાં વેતરના અંત પછી 10થી 12 કલાકે અંડમોચન થાય છે અને આ અંડ ફક્ત 12થી 18 કલાક માટે જ ફલીકરણનું સામર્થ્ય ધરાવે છે. આમ વેતરના સમયે અને ખાસ કરીને ઋતુકાળના પાછલા અર્ધભાગમાં બીજદાન થાય તો જ માદા સગર્ભા થશે, વેતર વગરના સમયે કદાપિ નહિ. આથી વેતરકાળ ઓળખી કાઢવો તે ખૂબ જ અગત્યનું અને પશુસંવર્ધન તથા ઉત્પાદનના કાર્યમાં મહત્વનું છે. વેતરકાળ શોધી કાઢવા માટે દિવસમાં 3થી 4 કે વધારે વખત થોડી મિનિટો સુધી પ્રાણીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવું જોઈએ. વળી મોટા ધણ-તબેલામાં નસબંધી કરેલ નરનો ઉપયોગ હિતાવહ છે, જેથી મૂંગી કે છાની ગરમીવાળાં પ્રાણીઓનો ઋતુકાળ પણ પારખી શકાય છે. આ ઉપરાંત દૂધ કે લોહીમાં પ્રોજેસ્ટીરોન અંત:સ્રાવનું પ્રમાણ ટેઇલ પેન્ટિંગ, કામાર હીટ-માઉન્ટ ડીટેક્ટર, પેડોમીટર તથા સિંક્રોનાઇઝેશન જેવી નૂતન પદ્ધતિઓનો ઉપયોગ કરીને પણ ઋતુકાળ ચોક્કસપણે ઓળખી શકાય છે. સામાન્ય રીતે ગરમી કે વેતરમાં આવેલ પ્રાણી રોજના કરતાં જુદી જ રીતે વર્તે છે, જે તેનાં શારીરિક અને માનસિક લક્ષણો પરથી સ્પષ્ટ થશે.

ગાય-ભેંસમાં વેતરનાં માનસિક લક્ષણો :

(1) પ્રાણી બેચેન, અશાંત અને ઉશ્કેરાટવાળું જણાય.

(2) ખોરાક લેવાની ટેવોમાં ફેરફાર; ઓછો, અનિયમિત કે બિલકુલ ન લે.

(3) સ્વભાવમાં ફેરફાર; જેમ કે કહ્યાગરું, ગુસ્સાવાળું અને નમ્ર બને.

(4) દૂધમાં ઘટાડો, દોહવા ન દે અથવા ડબકાં કરે, બચ્ચાંને ધાવવા ન દે.

(5) બીજાં પ્રાણી ઉપર કૂદે અથવા બીજાને પોતા પર કૂદવા દે.

(6) આજુબાજુ સૂંઘ્યા કરે તથા નરની સોબત શોધે.

(7) વિશિષ્ટ પ્રકારે બરાડે, આરડે, રેંકે કે ભાંભરે અને દોડાદોડી કરે.

(8) આંખોમાં રતાશ અને તેજ દેખાય.

વેતરનાં શારીરિક લક્ષણો :

(1) ભગોષ્ઠ ઉપરનો સોજો તથા યોનિમાર્ગનું લાલ થવું.

(2) પેશાબની ઇન્દ્રિય વાટે તેલની ધાર જેવી ચીકણી, સ્વચ્છ, પારદર્શક, કાચ જેવી લટકતી રહે તેવી શ્લેષ્મ કે લાળી પડવી.

(3) મૂત્રાશય તથા ભગોષ્ઠના લબકારા તથા વારંવાર થોડો થોડો પેશાબ કરવો.

(4) પુચ્છભાગ નીચો તથા પૂંછડીનું શીર્ષ ઊંચું રાખવું.

(5) કરોડરજ્જુના ભાગમાં વિચિત્ર હલનચલન દેખાય.

(6) શરીરના તાપમાનમાં 1oથી 2o ફે. જેટલો વધારો જણાય.

આવી ગરમીમાં આવેલી ગાય-ભેંસને મળાશય દ્વારા તપાસતાં તેનું ગર્ભાશય ઉત્થાન પામેલું અને ઘેટાનાં શીંગડાં આકારે વળેલું જણાય છે તથા અંડાશય ઉપર પૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટકનું પરિસ્પર્શન કરી શકાય છે, જે વેતરની ખાતરી આપે છે. વળી 8થી 10 ટકા જેવા ‘સગર્ભા વેતર’માં આવતાં જાનવરોને ગર્ભાવસ્થાની ખાતરી થતાં કુદરતી કે કૃત્રિમ બીજદાનથી થતું નુકસાન અટકાવી શકાય છે તથા અન્ય પ્રજનનતંત્રની ખામીઓ અને વંધ્યત્વનું સચોટપણે નિદાન કરી શકાય છે.

સારણી 2 : જુદાં જુદાં પ્રાણીઓમાં ઋતુચક્ર અને તેના તબક્કાઓનો સમય, અંડમોચન અને બીજદાન માટેનો યોગ્ય સમય

પ્રાણીની જાત ઋતુચક્રની
લંબાઈ
(દિવસ)
પૂર્વઋતુ
કાળ
(દિવસ)
ઋતુકાળ
કલાક
અનુ-
ઋતુકાળ
(દિવસ)
ઋતુકાળ
વિશ્રામ
(દિવસ)
અંડમોચનનો
સમય
(કલાક)
અંડપાતની
સંખ્યા
ગર્ભાશયમાં
શુક્રકોષનો
જીવનકાળ
(કલાક)
બીજદાન માટે
ઉત્તમ સમય

સગર્ભા કાળ

(દિવસ)

ગાય 18થી 22
સરેરાશ 21
2થી 3 12થી 24
સરેરાશ 18
2થી 4 13થી 15 ઋતુકાળ બાદ
10થી 15
1
ભાગ્યે જ 2
18થી 24 ઋતુકાળના
પાછલા
અર્ધભાગમાં
280થી 285
ભેંસ 21થી 22
સરેરાશ 21
2થી 3 18થી 30
સરેરાશ 24
2થી 4 12થી 15 ઋતુકાળ બાદ
10થી 12
1
ભાગ્યે જ 2
24થી 30 ઋતુકાળના
પાછલા
અર્ધભાગમાં
370થી 310
ઘોડી 19થી 23
સરેરાશ 21
3 4થી 7 દિ.
સરેરાશ 5.5
દિ.
3થી 5 6થી 11 ઋતુકાળના
અંત પહેલાં
24થી 36
1
ભાગ્યે જ 2
72થી 120 ઋતુકાળના
બીજા અને
ચોથા દિવસે
(બે વખત)
335થી 342
ઘેટાં 14થી 19
સરેરાશ 16
1થી 2 28થી 48
સરેરાશ 32
2થી 4 7થી 10 ઋતુકાળના
અંત પહેલાં
12થી 24
1થી 2
ભાગ્યે જ 3
30થી 36 ઋતુકાળની
શરૂઆત
બાદ 18થી
24 કલાક
147
બકરાં 15થી 24
સરેરાશ 20
2 36થી 60
સરેરાશ 42
3થી 5 8થી 12 ઋતુકાળના
અંત નજીક
1થી 3 36થી 42 ઋતુકાળની
શરૂઆત
બાદ 24થી
36 કલાક
150
ડુક્કર 18થી 24
સરેરાશ 21
2થી 3 2થી 3
સરેરાશ
2.5 દિવસ
3થી 4 9થી 13 ઋતુકાળની
શરૂઆત બાદ
30થી 40
12થી 15 50થી 60 ઋતુકાળની
શરૂઆત
બાદ 12થી
30 કલાક
111થી 116
કૂતરાં વર્ષમાં
બે ઋતુચક્ર
કોઈકમાં
(1થી 4)
7થી 9 4થી 13
સરેરાશ
9 દિવસ
7થી 9 24થી 30
(pseudo
pregnancy)
ઋતુકાળની
શરૂઆત બાદ
24થી 48
5થી 7 96થી 120 ઋતુકાળની
શરૂઆત બાદ
બીજા, ત્રીજા,
ચોથા અને
પાંચમા દિવસે
અથવા લોહી
પડવાની શરૂઆત
બાદ 10થી 14
60થી 65
બિલાડાં 15થી 21
સરેરાશ 17
9થી 10
(સમાગમ
થાય તો 4)
સમાગમ બાદ
24થી 30
(સમાગમ વિના
અંડમોચન થતું
નથી ને ઋતુ-
કાળ લંબાય છે)
4થી 6 ઋતુકાળમાં હોય
ત્યારે ગમે તે
વખતે
56થી 65
મરઘાં-
બતકાં





દર 26
કલાકે
1
ભાગ્યે જ 2
15થી 21
દિવસ
ઊંચા ફલીકરણ
દર માટે દર
7 દિવસે
21 દિવસે
ઈંડામાંથી
બચ્ચું બહાર
આવે છે.

બીજદાન/ફલીકરણ પદ્ધતિ : ગરમીમાં આવેલ માદા પ્રાણીને કાચની પીપેટ કે સ્ટીલની ગનથી ગર્ભાશયશૃંગ, ગર્ભાશયકાયા કે ગર્ભાશયગ્રીવામાં કૃત્રિમ બીજદાન કરી શકાય છે. પરંતુ હાલમાં ગર્ભાશયગ્રીવાના મધ્યભાગે બીજદાન કરવાની રીત પ્રચલિત છે અને સારાં પરિણામો મળે છે. કારણ કે આ રીતથી ગર્ભ તથા ગર્ભાશય અંત:ત્વચાને નુકસાન થવાનો સંભવ જવલ્લે જ રહે છે.

કૃત્રિમ બીજદાન માટે ખાસ બે રીતો અમલમાં છે : (1) વીક્ષણયંત્ર (speculum) દ્વારા બીજદાન, જે ઘેટાં-બકરાં અને નાનાં પ્રાણીઓમાં વપરાય છે અને (2) મળાશય દ્વારા ગર્ભાશયગ્રીવા પકડીને (rectovaginal) બીજદાનની રીત, જે મોટાં ઢોરો માટે વપરાય છે. આ ઉપરાંત (3) યોનિમાર્ગમાં ગન સાથે હાથ રાખી (મેન-ઓ સરવાઇકલ પદ્ધતિથી) બીજદાનની રીત, જે ઘોડીઓ માટે વપરાય છે. પરંતુ હાલમાં તે પ્રચલિત નથી.

મળાશય દ્વારા ગર્ભાશયગ્રીવા પકડવાની પદ્ધતિ સૌથી વધુ વૈજ્ઞાનિક, સરળ, સસ્તી અને સચોટ હોય છે. દુનિયાના બધા દેશોએ ગાયો-ભેંસોના બીજદાન માટે તે અપનાવી છે. વળી આ પદ્ધતિમાં મળાશય દ્વારા માદાનાં જનનાંગો તપાસવામાં આવતાં હોવાથી, વેતરની શરૂઆત, યોગ્ય વેતરકાળ, ઓલવાઈ ગયેલ વેતર, સગર્ભા વેતર, જનનાંગોના રોગો તથા કુરચના કે અન્ય ખામીઓ તેમજ ગર્ભાવસ્થા વગેરે ચોકસાઈથી પારખી શકાય છે અને યોગ્ય નિર્ણય તથા સારવાર આપી શકાય છે; તેથી ફલીકરણદર અન્ય પદ્ધતિની સરખામણીમાં ઘણો વધારે મળે છે.

આ પદ્ધતિથી બીજદાન માટે પ્રથમ સાબુ લગાડેલ હાથ વડે કાળજીપૂર્વક માદા પ્રાણીના મળાશયમાંથી છાણ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ ગર્ભાશયગ્રીવા પકડી જનનાંગોનું પરિસ્પર્શન કરી સંપૂર્ણ નિદાન કરવામાં આવે છે. જો પ્રાણી ગરમીમાં હોય, એટલે કે તેનું ગર્ભાશય ઉત્થાન પામેલું કડક હોય અને અંડપિંડ પર પરિપક્વ ગ્રાફિયન પુટિકા હોય તો તે વખત વીર્ય ભરેલી પીપેટ કે ગનને પૂરેપૂરી સ્વચ્છતા જાળવી યોનિમાર્ગમાં પસાર કરવામાં આવે છે. પછી મળાશયમાં રાખેલ હાથ વડે માર્ગદર્શન આપી ગનના છેડાને ગર્ભાશયગ્રીવામાં દાખલ કરવામાં આવે છે અને ગ્રીવાના મધ્યભાગે થોડું મસાજ કરી, ધીરેથી ગનને દૂર કરવામાં આવે છે. આ પદ્ધતિની મર્યાદા માત્ર એક જ છે કે બીજદાન કરનાર વ્યક્તિને પ્રાણીના પ્રજનનતંત્રના સામાન્ય ફેરફારો અને શરીરક્રિયાવિજ્ઞાનનો સંપૂર્ણ ખ્યાલ અને અનુભવ હોવો જરૂરી છે; જ્યારે સ્પેક્યુલમ પદ્ધતિથી પશુપાલક પોતે પણ બીજદાન કરી શકે છે. પરંતુ બીજદાન યોનિના અગ્રભાગે થતું હોવાથી તેમજ ઋતુકાળનું સચોટ નિદાન ન થઈ શકવાથી આ રીતમાં ધાર્યા પરિણામો મળતાં નથી. વળી મોટી સંખ્યામાં માદાને બીજદાન કરવાનું હોય તો તેટલાં જંતુરહિત સ્પેક્યુલમ વસાવવાં વડે છે. તેથી સ્પેક્યુલમ પદ્ધતિ થોડી ખર્ચાળ પણ છે.

બીજદાન માટે યોગ્ય ઉંમર/સમય અને વીર્યનો જથ્થો : માદા પ્રાણી વેતરે આવ્યા પછી તેને બીજદાન ક્યારે કરવામાં આવે છે તે અતિ મહત્વનું છે કારણ કે યૌવનારંભ વખતે જોવા મળતા વેતરમાં અંડમોચનની ટકાવારી ઓછી હોય છે તથા પ્રાણીનો શારીરિક વિકાસ અને પ્રજનનક્ષમતા પણ અધૂરાં હોય છે. વળી પ્રાણીની જાતીય પુખ્તતાનો આધાર તેની ઉંમર કરતાં શારીરિક વિકાસ ને વજન ઉપર વધુ છે, જે તેનાં યોગ્ય ઉછેર, પોષણ અને માવજત પર અવલંબે છે. આથી પુખ્ત વયની વોડકી-પાડીઓમાં અમુક ચોક્કસ ઉંમર કરતાં શારીરિક વજન બાદ જ બીજદાન કરવું હિતાવહ ગણાય છે (સારણી 3), જેથી ગર્ભધારણની ટકાવારી સારી મળે છે તથા વિયાણ વેળાની મુશ્કેલીઓ ટાળી શકાય છે. આવી જ રીતે વિયાણ બાદ ગાય-ભેંસને 60થી 90 દિવસના ગાળામાં ફેળવવાથી સારાં પરિણામો મળે છે. તેથી આ સમયે ઋતુકાળ નિદાન અને સમયસર બીજદાન કરાવવા પ્રત્યે લક્ષ આપવું જરૂરી છે તથા આ સ્તરે પૂરતું પોષણ અને માવજત પણ એટલાં જ આવશ્યક છે.

વળી સારણી 2માં દર્શાવ્યા પ્રમાણે જુદી જુદી જાતનાં પાલતુ પ્રાણીઓમાં વેતર કે ઋતુકાળ વચ્ચેનો સમયગાળો અંડમોચનનો સમય તેમજ બીજદાન બાદ ગર્ભાશયમાં શુક્રકોષનો જીવનકાળ તથા ફલીકરણ-સામર્થ્ય(capacitation)નો સમય અલગ અલગ હોય છે. જોકે અંડમોચન બાદ આ દરેક પ્રાણીમાં અંડનું ફલીકરણ-સામર્થ્ય લગભગ સરખા જેવું જ એટલે કે 12થી 18 કલાક જ રહે છે. વળી બીજદાન/કુદરતી સમાગમ વખતે ગર્ભાશયમાં મૂકેલ શુક્રકોષોને ફલીકરણ-સામર્થ્ય મેળવતાં પ્રાણીની જાત પ્રમાણે 2થી 8 કલાક લાગે છે. આથી જ બીજદાન સમયનું મહત્વ અતિવિશેષ છે અને ખોટી ઉતાવળ કરી વહેલું અથવા ખૂબ જ મોડું બીજદાન ગર્ભધારણમાં પરિણમતું નથી. સામાન્ય રીતે ગાય-ભેંસને ગરમીનાં પ્રથમ ચિહનો બતાવ્યા બાદ 12થી 18 કલાકે બીજદાન કરવું હિતાવહ છે; અથવા બીજી રીતે કહીએ તો સવારે ગરમીમાં આવેલ ગાય-ભેંસને તે જ દિવસે સાંજે અને સાંજના ગરમીમાં આવેલ ગાય-ભેંસને બીજા દિવસે સવારે બીજદાન કરાવવું જોઈએ. વળી જે જાનવર ફેળવ્યા બાદ સરેરાશ સમય કરતાં વધુ વખત સુધી ગરમીમાં રહેતું હોય તેનું ચોક્કસ નિદાન કરાવી 12થી 24 કલાકે ફરી બીજદાન કરાવવામાં આવે તો આવા મોડા અંડપાતના કિસ્સામાં આશરે 10 ટકા જેટલો ગર્ભધારણદર વધારી શકાય છે.

સારણી 3 : માદા જાનવરોને ફેળવવા માટે યોગ્ય ઉંમર અને વજન

પ્રાણી વજન કિગ્રા. સરેરાશ ઉંમર અપવાદરૂપ ઉંમર અપવાદ નોંધ
પાડી 250થી 300 3થી 4 વર્ષ 2થી 2.5 વર્ષ સારો ઉછેર, પોષણ અને
વોડકી 200થી 230 3થી 4 વર્ષ 2થી 2.5 વર્ષ માવજતથી તંદુરસ્ત પ્રાણી
વોડકી
(જર્સી કે શંકર)
190થી 210 15થી 18 માસ 9થી 12 માસ નાની ઉંમરે જરૂરી વજન
મેળવી
વોડકી
(હોલ્સ્ટેઇન)
230થી 250 15થી 18 માસ 9થી 12 માસ ફેળવવા યોગ્ય બને છે અને
ગર્ભધારણ કરી શકે છે.

સામાન્ય રીતે વેતરે આવેલ ગાય-ભેંસને એક બીજદાનમાં આશરે 10થી 15 મિલિયન જીવંત ચપળ શુક્રકોષો મૂકવામાં આવે છે, જ્યારે ઘેટાં-બકરાં અને ડુક્કરમાં આવા શુક્રકોષોની સંખ્યા 150થી 200 મિલિયન હોવી જરૂરી છે. આથી વધુ શુક્રકોષો વાપરવા છતાં ગર્ભધારણદરમાં કોઈ ખાસ વધારો કરી શકાતો નથી. પરંતુ આનાથી ઓછા શુક્રકોષો વાપરવાથી ગર્ભધારણદર મિલિયન શુક્રકોષો 3થી 5 ટકા ઓછો મળે છે.

આમ શુક્રકોષો અમુક ચોક્કસ સંખ્યામાં વાપરવા જરૂરી છે. વળી ઉપર્યુક્ત સંખ્યામાં શુક્રકોષોને વીર્યના જુદા જુદા કદ દ્વારા દરેક બીજદાન માત્રામાં પૂરા પાડવામાં આવે છે, જેમ કે પ્રવાહી વીર્યથી 1થી 1.5 ઘન સેમી. વીર્ય વપરાય છે, જ્યારે થિજાવેલ વીર્યના વપરાશથી તેટલા જ શુક્રકોષો 0.5 કે 0.25 ઘન સેમી. કદની સ્ટ્રૉ દ્વારા મૂકવામાં આવે છે. આમ કૃત્રિમ બીજદાન પદ્ધતિથી મૂલ્યવાન વીર્યનો કરકસરયુક્ત ઉપયોગ કરી ઘણી મોટી સંખ્યામાં માદાને ફેળવી શકાય છે. જો કે ઘોડી અને ડુક્કરમાં બીજદાન માટે તનુ કરેલ વીર્યનો 40થી 50 ઘન સેમી. જેટલો જથ્થો વાપરવામાં આવે છે, જે તેના ગર્ભાશયની લંબાઈ ઉપર અવલંબિત છે. કૃત્રિમ બીજદાનની સફળતા ફેળવેલ પ્રાણીના ગર્ભધારણનિદાનથી જાણી શકાય છે.

ગર્ભધારણતપાસ : ગાય-ભેંસ ફેળવ્યા બાદ અઢીથી ત્રણ માસમાં ફરી વેતરે ન આવે તો અચૂકપણે મળાશય દ્વારા તેની ગર્ભધારણ તપાસ થાય છે, જેથી જાનવર ગાભણ છે કે ખાલી, વેતરે આવે છે કે નહિ, અથવા ફરી ક્યારે વેતરે આવશે વગેરે બાબતોનો ખ્યાલ આવી શકે છે. આથી ગાભણા પ્રાણીને પૂરતું પોષણ તથા માવજત આપી શકાય તથા ખાલી જાનવરની પૂરતી કાળજી લઈ યોગ્ય સારવાર આપી ફરી ફેળવી વેળાસર સગર્ભ કરી શકાય છે. વળી સામાન્ય તંદુરસ્ત ગણાતાં પ્રાણીઓમાં ગર્ભધારણનો દર એકંદરે 65 ટકા જેટલો છે અને તેમાંથી 15થી 20 ટકા પ્રાણીઓમાં ગર્ભ માતાના શરીરમાં મરીને શોષણ પામી જાય છે અથવા ગર્ભપાત થઈ જાય છે. આમ ફક્ત 45થી 50 ટકા પ્રાણી જ એક વખતના બીજદાન બાદ ત્રણ મહિને તપાસતાં સગર્ભ માલૂમ પડે છે. આથી જ ગર્ભધારણ તપાસ કરી ગર્ભપાત થયેલ તથા અન્ય ખાલી જાનવરોને ઓળખી કાઢવાં જરૂરી બને છે અને ત્યારબાદ જરૂરી પગલાં લેવાથી ઘણાંમાં બે વિયાણ વચ્ચેનો મહત્તમ ગાળો 13થી 14 માસ જેટલો ટૂંકો કરી શકાય છે. જો કે અનુભવી તજજ્ઞ 45થી 50 દિવસનો ગર્ભ મળાશય દ્વારા પારખી શકે છે. પરંતુ આટલા વહેલા સ્તરે ગર્ભાશયને તપાસતાં 7થી 10 ટકા નાજુક ગર્ભનો નાશ થવા સંભવ છે. તેથી 2.5થી 3 માસના ગાળામાં તપાસ કરવી હિતાવહ છે અને 1.5થી 1 માસની સગર્ભાવસ્થાની શક્યતાવાળી ગાય-ભેંસની 3 માસે મળાશય દ્વારા ફરી ચોક્કસ ખાતરી કરવી હિતાવહ અને આવકારદાયક ગણાય છે. નાનાં પાલતુ પ્રાણીઓમાં પેટના પરિસ્પર્શન દ્વારા બહારથી જ અથવા એક્સ કિરણના ઉપયોગથી ગર્ભનિદાન કરવામાં આવે છે. ફેળવ્યા બાદ પ્રાણીની જાતિ પ્રમાણે 21થી 24 દિવસે દૂધ કે લોહીમાં પ્રોજેસ્ટેરોન અંત:સ્રાવનું પ્રમાણ માપી સગર્ભાવસ્થાનું નિદાન પણ કરી શકાય છે. આ ઉપરાંત કેટલીક રાસાયણિક અને જૈવિક કસોટીઓ દ્વારા પણ ગર્ભધારણ તપાસ કરી શકાય છે.

થિજાવેલ વીર્યની સંભાળ, પિગાળવાની ક્રિયા (thawing) અને બીજદાન :

(1) ઉત્તમ વીર્યને  -196o સે. તાપમાને થિજાવ્યા બાદ તુરત જ થૉઈંગ કરીને એટલે કે પિગાળીને તેની ગુણવત્તાની કસોટીઓ કરતાં તેમાં જો 40 ટકા કે તેથી વધુ જીવંત અને સીધી ગતિશીલતાવાળા શુક્રકોષ હોય તો જ બીજદાન માટે સંગ્રહ કરવો હિતાવહ ગણાય છે.

(2) થિજાવેલ વીર્યની સ્ટ્રૉ ઉપર નરનું નામ, ઓળખ, તારીખ, કેન્દ્રનું નામ વગેરે છાપેલું હોય છે તથા કૅનિસ્ટર ઉપર પણ આવી ઓળખ રાખવી હિતાવહ ગણાય છે.

(3) થિજાવેલ વીર્યની સ્ટ્રૉને હંમેશાં કૅનિસ્ટરમાં મૂકી કૅનિસ્ટર પ્રવાહી નાઇટ્રોજનમાં ડૂબેલું રહે તેમ કન્ટેનરમાં રાખવું જરૂરી છે. વીર્યની સ્ટ્રૉ હંમેશાં નાઇટ્રોજનમાં ડૂબેલી રહે તે હેતુથી કૅનિસ્ટરમાં પ્લાસ્ટિકનાં ગૉબ્લેટ વાપરવાં હિતાવહ છે.

(4) વીર્યની સ્ટ્રૉ કાઢતી વખતે કૅનિસ્ટરને કન્ટેનરના ગળા સુધી જ બહાર લાવવું જોઈએ તથા ખાસ ઠંડા ચીપિયાથી એકીવખતે એક જ સ્ટ્રૉ કાઢી કન્ટેનરનું ઢાંકણ તુરત જ બંધ કરી દેવું જોઈએ. આથી પ્રવાહી નાઇટ્રોજનનું બાષ્પીભવન શક્ય તેટલું ઓછું થશે.

(5) સ્ટ્રૉને પ્રવાહી નાઇટ્રોજનમાંથી કાઢ્યા બાદ બહારના વાતાવરણમાં બે-ત્રણ વખત આમતેમ હલાવી પિગાળવા માટે ઝડપથી 37o સે. તાપમાનવાળા સ્વચ્છ પાણીમાં 15થી 20 સેકન્ડ મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન તથા પિગાળવાનો સમય એ બંને પિગાળેલ વીર્યના શુક્રકોષોની ગતિ ઉપર તરત જ અસર કરતાં હોવાથી આ બાબતે ખાસ ધ્યાન આપવું જોઈએ.

(6) સ્ટ્રૉને પિગાળતાં પહેલાં બીજદાન માટે આવેલ માદા પ્રાણી વેતરમાં છે કે નહિ તેની ખાતરી કરી લેવી આવશ્યક છે. કારણ કે પિગાળેલ વીર્યની સ્ટ્રૉને ફરી થિજાવી વપરાશમાં લેવી શક્ય નથી.

(7) એકીવખતે એક જ સ્ટ્રૉને પિગાળવી જોઈએ અને જે સ્ટ્રૉ પિગાળ્યા બાદ દસ મિનિટથી વધુ પડી રહે તે સ્ટ્રૉને બીજદાન માટે વાપરવામાં આવતી નથી. પિગાળ્યા બાદ દસ મિનિટમાં તે સ્ટ્રૉથી બીજદાન કરી લેવું આવશ્યક છે.

(8) બીજદાન ગન તૈયાર કરતાં પહેલાં તેનું તાપમાન ખાસ કરીને શિયાળાની ઠંડીમાં, શરીરના તાપમાન જેટલું રાખવું જોઈએ તથા પિગાળેલ સ્ટ્રૉને સૂકા મલમલના રૂમાલથી કોરી કરી પછી જ ફેક્ટરી પ્લગવાળો છેડો અંદર જાય તે રીતે ગનમાં મૂકવી જોઈએ.

(9) સ્ટ્રૉનો લૅબોરેટરી પ્લગવાળો છેડો ગનથી એક સેમી. દૂરથી તેની લંબાઈના કાટખૂણે તીક્ષ્ણ કાતરથી કાપી તેના ઉપર પ્લાસ્ટિકનું આવરણ બેસાડવામાં આવે છે, જેથી સ્ટ્રૉ અને આવરણ વચ્ચે વીર્યને ગળતું અટકાવી શકાય છે.

(10) આ રીતે તૈયાર કરેલ બીજદાન ગનથી વેતરે આવેલ માદા પ્રાણીનું શાંતિપૂર્વક, ચોકસાઈથી, વૈજ્ઞાનિક ઢબે દસથી બાર મિનિટમાં જ ગર્ભાશયગ્રીવાના મધ્યભાગે બીજદાન કરવું આવશ્યક છે.

(11) બીજદાન બાદ આવરણને કાઢીને ફેંકી દેતાં પહેલાં તેના ઉપર પરુ કે બગાડ ચોંટેલો નથી તેની ખાતરી કરવી જોઈએ. અને આવું જણાય તો માદાના ગર્ભાશયની યોગ્ય સારવાર કરવી અથવા 12થી 24 કલાક બાદ, ફેળવેલ પ્રાણીને ગર્ભાશયમાં ઠંડકનું ઇન્જેક્શન આપવું પડે છે.

(12) બીજદાન બાદ સ્ટ્રૉ ઉપરની માહિતી તથા નરની ઓળખ વગેરે ફેળવેલ પ્રાણીની વિગત સામે બીજદાન રજિસ્ટરમાં નોંધી લેવી હિતાવહ છે.

(13) દરેક માદા જાનવર માટે નવા જ જંતુરહિત આવરણનો ઉપયોગ કરવો જોઈએ. તેથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે.

(14) વીર્યની સ્ટ્રૉને રાખેલા કન્ટેનરમાં પ્રવાહી નાઇટ્રોજનનો જથ્થો લાકડાની પટ્ટી વડે વખતોવખત તપાસતાં રહેવું જોઈએ તથા દર અઠવાડિયે કે પખવાડિયે તેમાં પ્રવાહી નાઇટ્રોજન ઉમેરતાં રહેવું જોઈએ જેથી કોઈ પણ કાળે વીર્યની સ્ટ્રૉ સૂકી ન થઈ જાય.

(15) પ્રવાહી નાઇટ્રોજન અને થિજાવેલ વીર્યના વપરાશ વખતે હાથમોજાં તથા ચીપિયાનો ઉપયોગ કરવો જોઈએ જેથી ચામડીને ઠંડીની અસર થતી નિવારી શકાય છે.

(16) પ્રવાહી નાઇટ્રોજનની હેરફેર તથા વપરાશ હંમેશાં ખુલ્લાં બારી-બારણાંવાળા, હવાઉજાસવાળા ઓરડામાં જ કરવી સલાહભર્યું છે તથા કન્ટેનરને સીધેસીધો સૂર્યપ્રકાશ ન લાગે તેમ કંતાનથી વીંટાળી, કાટ ન લાગે કે પછડાઈ ન જાય તેમ મૂકવું આવશ્યક છે.

(17) થિજાવેલ વીર્યનું પરીક્ષણ પૂરતાં સાધનોવાળી પ્રયોગશાળામાં ફક્ત અનુભવી વ્યક્તિઓ દ્વારા જ સમુક ચોક્કસ સમયને આંતરે અથવા ક્યારેક ગર્ભધારણદર ખૂબ જ ઘટી જાય તો તુરત જ કરાવવું હિતાવહ અને આવશ્યક છે.

(18) સીમિત પ્રજનનઋતુ ધરાવતાં પ્રાણીઓ જેવાં કે ઘેટાં અને ભેંસોમાં ફલીકરણનો દર વધારવા માટે આખાયે વર્ષ દરમિયાન ઉચ્ચ પ્રજનનઋતુમાં થિજાવેલ વીર્યની વપરાશ કરવાથી ફાયદો થાય છે; જેમ કે શિયાળાની ઋતુમાં થિજાવેલ પાડાના વીર્યની વપરાશથી ઉનાળામાં થિજાવેલ વીર્યની સરખામણીમાં ભેંસોમાં વર્ષ દરમિયાન ગર્ભધારણનો દર 7થી 10 ટકા જેટલો વધુ મળે છે. તેવી જ રીતે શિયાળામાં થિજાવેલ વીર્ય ઉનાળાની ઋતુમાં વાપરવાથી ભેંસોમાં ગર્ભધારણ ટકાવારી ઉનાળામાં પણ સારી મેળવી શકાય છે. આથી જ શિયાળામાં શક્ય તેટલું વધુ વીર્ય થિજાવી તેનો વર્ષ દરમિયાન ગમે ત્યારે ભેંસોમાં ઉપયોગ કરવા ભલામણ થયેલ છે.

કૃત્રિમ બીજદાનની સફળતામાં અડચણરૂપ સમસ્યાઓ : ઘણી વખત કૃત્રિમ બીજદાન અને પશુપ્રજનનક્ષેત્રે ધાર્યાં પરિણામો મળતાં નથી. એ માટે નીચેનાંમાંથી કોઈ એક અથવા વધુ કારણો જવાબદાર હોઈ શકે છે.

(1) વોડકી-પાડીઓ તથા વિયાણ બાદ સારી દુધાળી ગાયો-ભેંસોની માવજત અને પોષણમાં ખામીઓ કે ઊણપથી ઋતુહીનતા ઉદભવે છે.

(2) વેતરકાળ ઓળખવામાં બેદરકારી, અપૂરતું અવલોકન, મૂગી, ગરમી અને બીજદાન સમયની અનિયમિતતા, અતિ વહેલું કે મોડું બીજદાન ઊથલામાં પરિણમે છે.

(3) નરની પસંદગી કે વીર્યની ગુણવત્તા, સંગ્રહ અને વનમાં બિનકાળજી, બીજદાન પદ્ધતિ, માત્રા અને બીજ મૂકવાની જગ્યામાં ખામીઓ.

(4) જાનવરોનાં પ્રજનન-અવયવોના તથા અન્ય તંત્રોના સંક્રામક, મૈથુનજન્ય અને સામાન્ય રોગો તથા આનુવંશિક ગુણસૂત્રોની ઊણપો કે ખામીઓ, ક્રેમાર્ટીનીઝમ ઉભયલિંગી પ્રાણી વગેરે.

(5) પ્રજનનતંત્રની કાર્યક્ષમતામાં ખામીઓ જેવી કે અંત:સ્રાવોની અસમતુલા, મોડું અંડપાત, અંડપાત વિનાની ગરમી, સિસ્ટિક ઓવરી તથા પ્રજનનતંત્રની વિકૃતિઓ અને કુરચના કે અંતરાય.

(6) સંવર્ધન પદ્ધતિમાં ખામીઓ, જેવી કે આંતર-સંવર્ધન (inbreeding) તથા હવામાન અને તાપમાનના ફેરફારો વગેરે.

આમ કૃત્રિમ બીજદાનની સફળતા માટે નર, માદા, માલિક કે તજજ્ઞ એકલાં અથવા સંયુક્ત રીતે જવાબદાર હોઈ શકે છે. આથી પશુપાલકની સજાગતા, અવલોક્ધા, નોંધણી તથા પશુચિકિત્સકનું માર્ગદર્શન અને જરૂરી સારવારના સમન્વયથી ફાયદો થાય છે અને તો જ પશુપાલન અને કૃત્રિમ બીજદાન દ્વારા પશુસંવર્ધન લાભદાયક નીવડે છે.

એ. જે. ધામી

એફ. એસ. કાવાણી