કૃત્રિમ છિદ્રણ (ostomy) : શરીર પર કૃત્રિમ છિદ્ર દ્વારા ખોરાક લેવા, શ્વાસ લેવા કે મળમૂત્રનો ઉત્સર્ગ કરવા કરાયેલો માર્ગ. અન્નમાર્ગ, શ્વસનમાર્ગ, મળમાર્ગ કે મૂત્રમાર્ગના રોગ કે અવરોધ હોય અથવા શસ્ત્રક્રિયા દ્વારા તેના કોઈ ભાગનું ઉચ્છેદન (excision) કરાયેલું હોય તો કૃત્રિમ માર્ગ બનાવવાની જરૂર પડે છે. તેના વિવિધ પ્રકારો છે : શ્વાસનળી-છિદ્રણ (tracheostomy), જઠર-છિદ્રણ (gastrostomy), પિત્તાશય-છિદ્રણ (cholocystostomy), અંતાંત્ર- છિદ્રણ (ileostomy), સ્થિરાંત્ર-છિદ્રણ કે મળમાર્ગ-છિદ્રણ (colostomy), અંધાંત્ર-છિદ્રણ (caecostomy), મૂત્રનળી-અંતાંત્ર- છિદ્રણ (uretero-ileostomy), અધિજંઘનાસ્થિ મૂત્રાશય-છિદ્રણ (suprapubic cystostomy).

શ્વાસનળીછિદ્રણ : ઉપલા શ્વસનમાર્ગમાં જ્યારે અવરોધ ઉત્પન્ન થયો હોય અને શ્વાસ લેવાની તકલીફ પડે ત્યારે ગળામાંની શ્વાસનળીના આગળના ભાગમાં એક નાનું કાણું પાડીને તેમાં નળી નાખવામાં આવે છે. તે અવરોધકારી રોગના પ્રકાર અને તબક્કા મુજબ કાયમી કે હંગામી પ્રકારનું હોય છે. સંકટ સમયે છિદ્રણ તત્કાલ કરવામાં આવે છે અથવા પૂર્વનિશ્ચય બાદ યોજનાપૂર્વક પણ કરવામાં આવે છે. સામાન્યત: સ્વરપેટીનાં કૅન્સર, જીભ-મૂળનાં કૅન્સર, કંઠનો એલર્જીજન્ય સોજો, લડવીગનો ચેપજન્ય પીડાકારી કંઠનો સોજો, મોં-ચહેરાની મોટી ઈજા, ધનુર્વા, ગળામાં ઘા વગેરે પરિસ્થિતિઓમાં તેની જરૂર પડે છે. શ્ર્વસનકો (ventilator) પર મુકાયેલા દર્દીઓમાં કૃત્રિમ શ્વસન કરાવતી વખતે પણ તેની જરૂર પડે છે. સ્થાનિક ચામડી બહેરી કરીને કે દર્દીને બેભાન કરીને ચત્તો સૂવાડવામાં આવે છે અને તેની ડોકને પૂરેપૂરી ખેંચીને સીધી કરવામાં આવે છે, જેથી શ્વાસનળી ગળાના આગળના ભાગમાં આવે. જંતુઘ્ન પ્રવાહીથી ચામડીને સાફ કરીને શ્વાસનળીની બરાબર ઉપર ઊભો કે આડો છેદ (incision) કરવામાં આવે છે તથા સ્નાયુના પડને છૂટું પાડીને શ્વાસ જેવો નળીની આગળની દીવાલ પર ચોકડી કરતો ઊભો અને આડો (cruciate) છેદ કરવામાં આવે છે. તેમાં સ્થાનિક નિશ્ચેતક(local anaesthetic)નાં થોડાં ટીપાં નાંખીને શ્વાસનળીના તે ભાગને બહેરો કરાય છે અને ત્યારબાદ તેમાં નળી નખાય છે. શ્વાસનળી છિદ્રણની મુખ્ય આનુષંગિક તકલીફોમાં લોહી વહેવું, ફેફસાંની બહાર હવા ભરાવી, ચામડી નીચે હવા ભરાવી, અન્નનળી કે સ્વરયંત્રની નિવર્તનીય ચેતા(recurrent laryngial nerve)ને ઈજા, ન્યુમોનિયા, શ્વાસનળીનું સંકોચાઈ જવું તથા શ્વાસનળી છિદ્ર પર કાયમી આધાર રાખવો પડે વગેરે છે.

જઠરછિદ્રણ : ઉપલા અન્નમાર્ગમાં અવરોધ હોય ત્યારે ખોરાક સીધેસીધો જઠરમાં પ્રવેશે તે માટે જઠરની આગળની દીવાલમાં કાણું પાડીને નળી મૂકવામાં આવે છે. નળીને જઠરની અગ્રદીવાલ સાથે તથા ચામડી સાથે ટાંકા લઈને સાંધી દેવામાં આવે છે. સામાન્યત: અન્નનળીનું કૅન્સર, જન્મજાત કે રોગજન્ય શ્વાસનળી – અન્નનળી સંયોગનળી (fistula) થઈ હોય, ક્યારેક બેભાન દર્દીમાં નાક-જઠરી નળી ન નાખી શકાતી હોય, ગળાના સ્નાયુઓનો લકવો કે અન્નનળી-જઠર દ્વારરક્ષકનું અતિસંકોચન (achalasia cardia) હોય તો જઠર છિદ્રણ કરવાની જરૂર પડે છે. જોકે અન્નનળીનું કૅન્સર અને સંયોગનળીવાળો વિકાર મુખ્ય કારણ ગણી શકાય. દર્દીને બેભાન કરીને કે તેની પેટની આગળની દીવાલ બહેરી કરીને મધ્યરેખા પર છેદ મૂકવામાં આવે છે. ત્યારબાદ જઠરની અગ્રદીવાલ નિશ્ચેત કરીને તેમાં કાણું પાડવામાં આવે છે. તેમાં રબરની નિવેશનળી (catheter) મૂકીને જઠરની દીવાલમાં નાણાંકોથળીના મોઢા આગળ કરાતા હોય છે તેવા ટાંકા લઈને નળીને જઠરની અગ્ર દીવાલ સાથે બાંધી દેવાય છે. પેટની ચામડી પર બીજો એક છેદ કરીને તેમાંથી નળીને બહાર કઢાય છે અને ત્યાં ચામડી સાથે નળીને સાંધવામાં આવે છે. જઠરને પરિતનકલા (peritoneum) સાથે પણ સાંધવામાં આવે છે. હાલ જઠરમાં અંત:દર્શક (endoscope) નાંખીને શસ્ત્રક્રિયા દ્વારા પણ જઠર-છિદ્રણ કરી શકાય છે. જઠર-છિદ્રણથી મુખ્યત્વે ખોરાક આપવાનું ધ્યેય પાર પાડી શકાય છે. તેના દ્વારા 48 કલાક પછી દરેક પ્રકારનો પ્રવાહી ખોરાક અપાય છે. દર્દી હરીફરી શકે તે માટે નળીને બહારથી બાંધીને બંધ કરી શકાય છે. તેમાં ક્યારેક 3 આનુષંગિક તકલીફ થાય છે : નળીમાં અવરોધ પેદા થાય, નળીની આસપાસ ચૂએ (pericathater leak) તથા ચેપ અને ચચરાટની પીડા થાય.

પિત્તાશયછિદ્રણ : અવરોધજન્ય કમળાના દર્દીમાં આ ભાગ્યે જ કરાતી શસ્ત્રક્રિયા છે. જ્યારે દર્દીની સ્થિતિ પેટ ખોલીને કરાતી શસ્ત્રક્રિયાને સહન ન કરી શકવા જેટલી બગડી ગયેલી હોય ત્યારે તે કરી શકાય છે. ચામડી બહેરી કરીને કે દર્દીને બેભાન કરીને પિત્ત ભરાઈને ફૂલેલા પિત્તાશય(gall bladder)માં ચામડીમાં થઈને કાણું પડાય છે અને તેમાં નળી મૂકવામાં આવે છે, જેને ચામડી સાથે સાંધી લેવામાં આવે છે. નળીનો બહારનો છેડો એક પ્લાસ્ટિકની કોથળી સાથે જોડવામાં આવે છે. તેમાં પિત્ત (bile) એકઠું થાય છે. આ શસ્ત્રક્રિયા પછી પિત્તજન્ય પરિતનશોધ (biliary peritonitis) નળીની આસપાસ ચૂએ, ગૂમડું થાય, ચામડીના ઉપલા પડમાં પોપડીઓ ઊખડે, નળી ઢીલી થઈને નીકળી જાય વગેરે આનુષંગિક તકલીફો થાય છે. આ પ્રક્રિયા હંગામી પ્રકારની છે અને ભરાયેલું પિત્ત નીકળી જતાં યકૃત (liver) પરનું દબાણ ઘટે અને દર્દી મુખ્ય શસ્ત્રક્રિયા માટે યોગ્ય સ્થિતિમાં આવે તે તેનો મુખ્ય હેતુ હોય છે.

સ્થિરાંત્રછિદ્રણ અથવા મળમાર્ગછિદ્રણ : આ પ્રકારની શસ્ત્રક્રિયા ઘણી વખત કરવી પડે છે અને તેમાં મોટા આંતરડા(સ્થિરાંત્ર)ના એક ભાગમાં કાણું પાડીને તેને બહાર ચામડી સાથે સાંધવામાં આવે છે અને આમ મળત્યાગ માટે એક કૃત્રિમ છિદ્ર કરવામાં આવે છે. તે કાયમી કે હંગામી પ્રકારનું હોય છે અને મોટા આંતરડાના વિવિધ રોગોમાં કરવામાં આવે છે, જેમ કે મોટા આંતરડાનું કૅન્સર, અંધનાલિશોથ (diverticulitis), સંયોગનળી (fistula), મોટા આંતરડાને ઈજા, તેની જન્મજાત કુરચના, મોટા આંતરડામાં અવરોધ વગેરે. તે દર્દીને બેભાન કરીને કે તેની ચામડી બહેરી કરીને કરી શકાય છે. મોટા આંતરડામાં રોગ કઈ જગ્યાએ છે તેને આધારે કાણાનું સ્થાન નક્કી કરાય છે. આમ અંધાંત્ર-છિદ્રણ (caecostomy), આરોહી (ascending) સ્થિરાંત્ર, છિદ્રણ, અનુપ્રસ્થ કે આડું (transverse) સ્થિરાંત્ર-છિદ્રણ, અવરોહી (descending) સ્થિરાંત્ર-છિદ્રણ, શ્રોણીય (sigmoid) સ્થિરાંત્ર-છિદ્રણ વગેરે વિવિધ સ્થાને છિદ્રણો હોય છે. ચામડીના કાણાંથી મોટા આંતરડાનો જે તે ભાગ બહાર કાઢીને તેને સ્તર પ્રમાણે સાંધવામાં આવે છે. સ્થિરાંત્રપટ(colonic mesentry)માં એક કાચનો દંડ બાંધવામાં આવે છે, જેથી આંતરડાનો ગાળો (loop) પાછો પેટમાં જતો ન રહે. તત્કાલ સંકટ સમયે મોટા આંતરડાનું પોલાણ ખોલીને તેને સાફ કરવામાં આવે છે. જો મળાશય (rectum) કાઢી નખાયું હોય તો મોટા આંતરડાનો છેડો સીધેસીધો પેટના ડાબા નિતંબીય ખાડા(iliacfossa)ની ચામડીમાં કાણું પાડીને ચામડીના કાણા સાથે જોડી દેવામાં આવે છે. મળમાર્ગ-છિદ્રણો ત્રણ પ્રકારનાં હોય છે : (1) ગાળાવાળું (loop) છિદ્રણ; જેમાં મોટા આંતરડાના ગાળામાં છિદ્રણ પડાય છે, (2) અંતભાગ-છિદ્રણ; જેમાં કપાયેલા આંતરડાનો છેડો ચામડીમાંના કાણા સાથે જોડવામાં આવે છે તથા (3) દ્વિમુખી (double barrel) મળમાર્ગ-છિદ્રણ; જેમાં મોટા આંતરડાના કપાયેલા બંને છેડાને ચામડી પર બે છિદ્રોરૂપે સાંધવામાં આવે છે. શસ્ત્રક્રિયાના 5-6 દિવસમાં છિદ્ર સંકોચાય છે અને આંતરડું પેટની દીવાલ સાથે ચોટે છે અને તેથી કાચનો દંડ કાઢી નંખાય છે. વિવિધ પ્રકારની કોથળીઓ કે સ્થિરાંત્ર છિદ્રકોશાઓ (colostomy bags) મળે છે, જેના વડે મળને એકઠો કરી શકાય છે.

મળમાર્ગ-છિદ્રણ માટેનું સ્થાન નિશ્ચિત કરતી વખતે કેટલાક મુદ્દા ધ્યાનમાં રખાય છે : સૌપ્રથમ છિદ્રણનું સ્થાન નક્કી કરીને તે દર્દીને જણાવાય છે અને તે સ્થળે કાણું પાડ્યા વગર કોથળી ચોંટાડીને તેને હરવાફરવાનું કહેવામાં આવે છે; જેથી જરૂર પડ્યે છિદ્રણનું સ્થાન બદલી શકાય છે. સામાન્ય રીતે છિદ્રણનું સ્થાન હાડકાથી દૂર રખાય છે જેથી કોથળી ચોંટાડવી સહેલી બને. તે મુખ્ય છેદથી પણ દૂર રખાય છે, છિદ્ર-દ્વાર ચામડીની સપાટી પર અથવા બહાર ઊપસી આવેલું હોય છે. તે ભીનું અને ગાઢા ગુલાબી રંગનું હોય છે. તેમાં કોઈ ચેતાતંતુ હોતા નથી. તેથી તેમાં સંવેદના થતી નથી; પરંતુ તેમાં ઘણી નસો હોવાથી ઈજા થાય ત્યારે તેમાંથી લોહી વહે છે. ક્યારેક લોહીના વહનમાં અવરોધ થાય તો કોષનાશ (necrosis) થાય છે. અન્ય આનુષંગિક તકલીફોમાં ઝાડા થવા, સારણગાંઠ થવી, અવરોધ થવો, છિદ્ર સંકોચાઈ જવું, ચામડીનાં પડ ઊખડવાં વગેરે મુખ્ય છે.

અંતાંત્રછિદ્રણ અને મૂત્રનળી અંતાંત્રછિદ્રણ : જ્યારે મોટા આંતરડા(સ્થિરાંત્ર, colon)ને કોઈ વિકારની સારવારમાં કાઢી નાખવામાં આવ્યું હોય અથવા તે મળત્યાગ કરવાની ક્રિયા ન કરી શકતું હોય ત્યારે નાના આંતરડાના છેલ્લા ભાગ(અંતાંત્ર, ileum)માંથી છિદ્રણ કરવામાં આવે છે. આવું વિવિધ વિકારોમાં બને છે, જેમ કે વ્રણીય સ્થિરાંત્રશોથ (ulcerative colitis), ક્રોહનનો રોગ, કોષનાશી આંત્ર-સ્થિરાંત્રશોથ (necrotising enterocolitis) કૌટુંબિક સ્થિરાંત્ર મસાનો રોગ (familial polyposis), સ્થિરાંત્રને ઈજા કે તેમાં બહુકેન્દ્રીય કૅન્સર. જ્યારે મૂત્રાશયના રોગમાં આખેઆખું મૂત્રાશય કાઢી નાખવામાં આવ્યું હોય ત્યારે મૂત્રનળીઓને અંતાંત્રની એક નાની કોથળી (conduit) જેવું બનાવીને તેમાં જોડવામાં આવે છે અને અંતાંત્રની આવી કોથળી એક છિદ્ર દ્વારા પેટની આગળની દીવાલ પર ખૂલે એવું કરવામાં આવે છે. એને મૂત્રનળી-અંતાંત્રછિદ્રણ કહે છે. તેમાં ફક્ત પેશાબ એકઠો થઈને બહાર આવે છે.

જ્યારે મોટું આંતરડું શસ્ત્રક્રિયાથી દૂર કરાયું હોય કે તે રોગને કારણે અક્રિયાશીલ હોય ત્યારે મળત્યાગ માટે તેને એક તરફ રાખીને બીજો માર્ગ કરવાનો હોય (ઉપપથ, bypass) અથવા તેને આરામ આપવાનો હોય ત્યારે અંતાંત્ર-છિદ્રણ ઉપયોગી બને છે. આ પ્રકારની શસ્ત્રક્રિયા ભાગ્યે જ કરાય છે. તેને માટે દર્દીને બેભાન કરાય છે અને અંતાંત્રના કાપેલા છેડાને અવળો કરીને પેટની આગળની દીવાલની ચામડીમાં કરેલા છિદ્રની કિનારી સાથે સાંધવામાં આવે છે. તેથી તે ડીંટડી (nipple) જેવું લાગે છે અને તેમાંથી નાના આંતરડામાંનું પ્રવાહી બહાર આવે છે. તેમાં ચેતાતંતુઓ હોતા નથી તેથી તેમાં સંવેદના થતી નથી. તે ચળકતા સફેદ રંગનું હોય છે.

અધિજંઘનાસ્થિમૂત્રાશય-છિદ્રણ : મૂત્રાશયમાં અવરોધને કારણે એકઠો થઈ ગયેલો પેશાબ કાઢવા માટે સ્થાનિક ચામડી બહેરી કરીને કે દર્દીને બેભાન કરીને કરવાની આ પ્રકારની શસ્ત્રક્રિયાનો વ્યાપ ઘણો મોટો છે. તે સામાન્યત: તત્કાલ સંકટ સમયે સારવાર આપવાની શસ્ત્રક્રિયા છે. સામાન્ય રીતે જ્યારે પુર:સ્થ (prostate) ગ્રંથિના અતિવિકસન કે અન્ય રોગમાં પેશાબ થતો અટકી જાય અને મૂત્રાશયમાં નળી ન નાખી શકાતી હોય, મૂત્રાશયને કે મૂત્રાશયનળીને ઈજા થઈ હોય અથવા મૂત્રાશયનળીના પાછલા ભાગમાં વાલ્વને કારણે અવરોધ થયો હોય ત્યારે તેની જરૂર પડે છે. જંઘનાસ્થિ(public bone)ની ઉપરની બાજુએ મધ્યરેખામાં ઊભો કે આડો છેદ કરીને બંને સરલોદર (rectus abdominis) સ્નાયુને છૂટા પાડીને મૂત્રાશયની આગળની દીવાલમાં છેદ કરવામાં આવે છે અને તેમાં મેલેકૉટ નિવેશનળી (catheter) નાખવામાં આવે છે. તેને ટાંકા લઈને મૂત્રાશય તથા ચામડી સાથે સાંધવામાં આવે છે. નિવેશનળીનો બહારનો છેડો એક પેશાબ-કોથળી સાથે જોડવામાં આવે છે. આ શસ્ત્રક્રિયામાં ક્યારેક લોહી વહે, નિવેશનળીની આસપાસ પેશાબ ચૂએ, નિવેશનળી વાંકી થઈને બંધ થઈ જાય (kinking) અથવા તેમાં અવરોધ થાય વગેરે જોવા મળે છે.

આ ઉપરાંત ક્યારેક મધ્યાંત્ર-છિદ્રણ (jejunostomy) તથા મૂત્રપિંડ-છિદ્રણ (nephrostomy) પણ કરાય છે.

સારવાર અને સાચવણી : કૃત્રિમ છિદ્રણના દર્દીઓને માનસિક આધારની ઘણી જરૂર હોય છે. કૃત્રિમ છિદ્રણ જ્યારે પેટની જમણી બાજુ પર હોય છે. (દા.ત. અંતાંત્ર-છિદ્રણ) ત્યારે મળ એકઠો થવા માટે પૂરતી જગ્યા હોતી નથી. અને તેથી વારંવાર ઝાડો થાય છે. વળી મળ પ્રવાહી અને પાચક રસોવાળો હોય છે. પાચક રસ ચામડી પર ખંજવાળ કરે છે. ચામડી ફોગાઈ જાય છે અને તેમાં પોપડીઓ વળે છે. ચોખ્ખા પાણીથી ધોવાની તથા વજનમાં હલકી કોથળી વાપરવાની સૂચના અપાય છે. પેટની ડાબી તરફ કૃત્રિમ છિદ્રણ કરેલું હોય ત્યારે પાચક રસ વગરનો અને બંધાયેલો કઠણ મળનો સમયાંતરે નિયમિત ત્યાગ થાય છે. મળત્યાગને રોકવા માટે ગુદામાં હોય છે એવો દ્વારરક્ષક (sphincter) હોતો નથી. મળત્યાગ કુદરતી રીતે કે ચા, કૉફી કે હળવો જુલાબ અથવા બસ્તી(enema)ની મદદથી થાય છે.

કૃત્રિમ છિદ્રણ સાથે સામાન્ય જીવન જીવી શકાય છે. આવા દર્દીનો આહાર સામાન્ય વ્યક્તિ જેવો જ હોય છે. જે ખોરાક તેને અનુકૂળ હોય તે લેવાનું સૂચવાય છે. આવા દર્દીને ભારે વજન ન ઉપાડવાનું સૂચવાય છે. જોકે તેમને તેમના દૈનિક કે વ્યાવસાયિક કામમાં ખલેલ ન પાડવા જણાવાય છે. તેઓ સામાજિક રીતે દરેક સાથે હળતા-મળતા રહે તે જરૂરી ગણાય છે. સ્ત્રીઓમાં કૃત્રિમ છિદ્રણથી ઇન્દ્રિયસંબંધમાં કોઈ તકલીફ થતી નથી. ક્યારેક પુરુષોમાં તેની ઇચ્છા ઓછી થાય છે. તે માટે તબીબી સલાહ જરૂરી બને છે. યોગ્ય કપડાં પહેરીને તેઓ રમત, ખેલ અને કસરતમાં ભાગ લઈ શકે છે. કૃત્રિમ છિદ્ર પર કોથળી પહેરીને સાબુ વડે નહાઈ શકાય છે અને પાણીમાં તરી શકાય છે. રોજ પેટ સાફ થાય તેમ મળત્યાગ થાય તે જરૂરી ગણાય છે. મોટા આંતરડામાં કૃત્રિમ છિદ્રમાં કરાતી બસ્તીને છિદ્રણ-સિંચાઈ (irrigation) કહે છે. સામાન્ય રીતે સિંચાઈ કરવા માટે દોઢ લિટર પાણી જરૂર પડે છે. તે ઊંચાઈ પર લટકાવેલી કોથળીમાંથી અંદર વહે તેવું ગોઠવવામાં આવે છે. જરૂર પડ્યે અધિસ્થાનિક ઔષધ (suppository) રૂપે જુલાબની દવા કૃત્રિમ છિદ્રમાં મૂકી શકાય છે. કૃત્રિમ છિદ્રણની સિંચાઈ કરવાનું પ્રશિક્ષણ તાલીમ પામેલી નર્સ પાસેથી મળી શકે છે. આસપાસની ચામડી ફોગાઈને તેમાં પોપડીઓ વળે નહિ તે માટે છિદ્રના મોંની આસપાસ વીંટી શકાય તેવાં સાધનો વાપરવાં તથા ચામડીને વિશિષ્ટ પાઉડર લગાડીને રિંગથી ઢાંકવી એવું સૂચન કરાય છે. વાપરીને ફેંકી દઈ શકાય તેવી કોથળી હવે મળતી થઈ છે. વાયુ થતો હોય તો તેવો ખોરાક ન લેવાથી તથા વાછૂટ સમયે છિદ્રમાં ભીના રૂનું પૂમડું મૂકવાથી કે આગળ નમીને તેને હાથથી ઢાંકવાથી વાછૂટનો અવાજ થતો નથી. સામાન્ય રીતે પાતળો મળ હોય, વાયુ થતો હોય કે સંગ્રહણી થઈ હોય તો દુર્ગંધ થાય છે. તેમાં આહારમાં યોગ્ય ફેરફાર તથા તબીબી સલાહ ઉપયોગી રહે છે. જરૂર પડ્યે સાધનોમાં દુર્ગંધનાશક ગોળીઓ કે પ્રવાહી વાપરી શકાય છે. કૃત્રિમ છિદ્રના ઘાની યોગ્ય માવજત જરૂરી ગણાય છે. તેમાં ચેપ ન લાગે તે માટે જંતુઘ્ન ડ્રેસિંગની જરૂર પડે છે.

ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘સ્ટોમા ક્લિનિક’ ચાલે છે, જેમાં તાલીમ પામેલી નર્સની મદદ મળી રહે છે. વળી કૃત્રિમ છિદ્રણવાળા દર્દીઓનું એક ‘ઓસ્ટોમી ઍસોસિયેશન’ પણ છે, જેનું ગુજરાત ચૅપ્ટર અમદાવાદ ખાતેથી ચાલે છે. તેમણે જરૂરી સાહિત્ય પણ છપાવેલું છે.

હેમંત શુક્લ

મંજુલા પંચાલ

શિલીન નં. શુક્લ